
પ્રો. વિ. કે. શાહ – જ્ઞાન અને કરૂણાનો સમન્વય
બસ, મન અટકી ગયું, નિઃશબ્દ બની જવાયું. મારું સામર્થ્ય ક્યાં? મારા જ પપ્પાજીને શબ્દબદ્ધ કરવાનું?
અરે! આ તો નિઃશબ્દથી શબ્દનું અનુસંધાન થશે!
સ્વાનુભાવના દરિયામાં ડૂબકી મારીને મારે શબ્દોની છલાંગ ભરવી જ પડશે.
પ્રો. વિમળકુમાર કાન્તિલાલ શાહ!
મનોવિજ્ઞાન અને પ્રો. વિ.કે. શાહ એક બીજાના પર્યાય. આમ તો તત્ત્વજ્ઞાન મૂળ વિષય, એટલે મૂળ તો સાબતું જ રહ્યું અને મનોવિજ્ઞાનની શાખા પ્રશાખાઓ વિકસતી ગઈ, પ્રસરતી ગઈ. ઇ.સ. ૧૯૬૦માં કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ કે. એસ. આર્ટસ્ અને વી. એમ. પારેખ કૉલેજના શ્રી ગણેશ મંડાયા અને પપ્પાજી ત્યાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. અમે એમને સવારે ૭.૦૦ના ડંકે નિયમિત રૂપે સાયકલ પર કૉલેજ જતા જોયા છે. (નારાયણ નગર સોસાયટીમાં રહેવા ગયા ત્યાં સુધી) બપોરે ૧.૦૦ વાગ્યે ઘરે આવીને મમ્મીને પૂછવાનું, છોકરાઓ બરાબર જમીને સ્કૂલે ગયા? પછી ટપાલ અંગે પૂછતાછ. જમીને પત્રલેખન કાર્યક્રમ શરૂ થાય. અને પછી વિદ્યાર્થીઓ અને મહેમાનોની આવન જાવન!! રાતે બાર સાડાબાર તો સામાન્ય કહેવાય! અમે સહુ એમાં જોડાયા હોઇએ. ૧૦ બાય ૧૦ની એ રૂમમાં કયા ક્યા વિષયો ચર્ચાતા નહો’તા? એ સંવાદોમાં એક મધુરતા હતી, બધા એકબીજાને સાંભળતા હતા, શીખતા હતા, વિકસતા હતા. પપ્પાજીમાં અમે હંમેશાં જ્ઞાન અને કરૂણાનો સમન્વય અનુભવ્યો છે.
અદ્ભુત, પ્રભાવશાળી તેમજ અસરકારક પ્રવાહી વક્તૃત્ત્વ શૈલીને કારણે તેઓ કૉલેજમાં સહુના પ્રિય પ્રોફેસર બની રહ્યા હતા. તેઓના વ્યાખ્યાનો કૉમર્સ અને વિજ્ઞાન શાખાના વિદ્યાર્થીઓ પણ સાંભળવા આવતાં. સાંસ્કૃતિક કાર્યક્રમોના અધ્યક્ષ તરીકે તેઓ દર વર્ષે કૉલેજમાં નાટક/ગરબા/વક્તૃત્ત્વ/નિબંધ/ગીત-સંગીત વગેરે સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઘણા જ વિદ્યાર્થીઓને ભાગ લેવડાવતા અને તૈયાર કરાવતા. આજે પણ એ સાંસ્કૃતિક કાર્યક્રમો મનમાં અકબંધ છે. કેટલીક વખત તો અમારા ઘરે સાંજે પ્રેક્ટિસ કરવા વિદ્યાર્થીઓ આવતા. સી.એન. વિદ્યાલયના ખુલ્લા રંગમંચ પર થતા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમની તો નગરવાસીઓ રાહ જોતાં. ડિસેમ્બર મહિનાના અંતે એ કાર્યક્રમ થાય ત્યારે ગામ આખું હિલોળે ચડતું. કેટલાય વિદ્યાર્થીઓએ સંગીત/નાટ્ય અને સાહિત્યની એ થકી તાલીમ લીધી હશે!




વાર્ષિક દિન હોય ત્યારે વિદ્વાન સાહિત્યકારો અને નામાંકિત પ્રતિભાઓને મુખ્ય મહેમાન તરીકે બોલાવી કપડવંજના વિદ્યાર્થીઓને તેઓની મુલાકાત કરાવતા. પરમ શ્રદ્ધેય પૂજ્ય સચ્ચિદાનંદ સ્વામી, શ્રી બકુલ ત્રિપાઠી, ડૉ. યશવંત શુક્લ, ચં. ચી. મહેતા જેવા પ્રખર સાહિત્યકારો અને નરીમાન કામા જેવા ઉદ્યોગપતિ મહેમાનો તરીકે આવેલા તે યાદ છે.


ઉમેશભાઇ આસ્લોટ અને હરીશચંદ્ર જાગીરદાર જેવા મિત્રોની સાથે નટરાજ કલાવૃંદની સ્થાપના કરી હતી. શ્રી સરોજબેન ગુંદાણી, શ્રી રાસબિહારી દેસાઇ અને શ્રી માલિની પંડિત જેવા ઉત્તમ સંગીતકારો/ગાયકોની કલાશક્તિનો કપડવંજની જનતાને પરિચય કરાવતા. કપડવંજના વિદ્યાર્થી એસોસિયેશનમાં પ્રવચનો દ્વારા વૈચારિક સંવાદ સાધતા.



કપડવંજના વતની શ્રી અનિલ ત્રિવેદી સાથે તેઓ આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (ઈડીપી હાલ સેન્ટર ફોર આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ – સીઈડી – ગુજરાત સરકાર) હેઠળ ઉદ્યોગ સાહસિકોને અપાતી તાલીમમાં તજ્જ્ઞ તરીકે જતા હતા. એચિવમેન્ટ મોટિવેશન વિષય અંતર્ગત તેઓ જે વ્યાખ્યાનો આપતા હતા તે પોતે પોતાનામાં એક સિદ્ધિ સ્વરૂપ હતું. મને એ વ્યાખ્યાનો સાંભળવાનો લાભ મળ્યો છે. એ સમય દરમ્યાન જ અનિલકાકાએ પપ્પાજીની ત્રણ નાની નાની પુસ્તિકાઓ પ્રકાશિત કરી હતી.
૧. ચાલો, માણસને ઓળખીએ!
૨. ચાલો, માણસને ચાહિયે!
૩. તમે તમારા બાળકોને ઓળખો!
એ ઉપરાંત સમયાવકાશે નિબંધ, વાર્તા અને કવિતાઓનું સર્જન કરતા રહેતા હતા. આજે ૪૦ ૪૫ વર્ષ પછી પણ એમના સાહિત્યમાં શાશ્વતપણાનો અહેસાસ છે. વર્ષો જાણે વિત્યાં જ નથી. અને એટલે જ તેમના સાહિત્ય સર્જન સાથે આપણે અહીં અનુસંધાન સાધીશું
જે દિવસે કોઇ ઘરે ન આવ્યું હોય તો, સાંજે અમારા ઘરનો ઓટલો એક રમત ગમત અને અજાયબ શિક્ષણનો અદ્ભુત ખંડ બની જતો. પપ્પાજી અમને પલાખાં કરાવે. મારે ૧નો ઘડિયો શરૂ કરવાનો, મલય આગળનું પદ બોલે અને સોનિયાએ એ પછીનું પદ બોલવાનું, એમ વીસા સુધીના ઘડિયા બોલવાના. પછી ગુજરાતી, અંગ્રેજી, ઈતિહાસ, નાગરિકશાસ્ત્ર એમ જાતજાતના વિષયો પર વાર્તા અને ઉખાણાના સ્વરૂપમાં વાતચીતનો દોર આગળ ચાલે. અમને એવું ક્યારેય લાગ્યું જ નહીં કે પપ્પાજી અમને ભણાવી રહ્યા છે. આ તો મસ્તીનો કાર્યક્રમ. ક્યારેક તો પત્તાના નવા નવા જાદુ બતાવે. એમાં ય શિક્ષણ જ છૂપાયેલું હોય! ગીત/સંગીતનો દોર ચાલે! ગીતો અને ફિલ્મોને કેવી રીતે માણી શકાય તેની ચર્ચા ચાલે. ફિલ્મ જોવા લઇ જાય પછી તેના પર એ ફિલ્મના સમય જેટલી જ ચર્ચા ચાલે. દિગ્દર્શન, અભિનય, સંગીત, પટકથા, ફૉટોગ્રાફી, ફ્લેશબેક ટેકનિક, સંવાદ વગેરે વગેરે! પુસ્તક વાચન અંગે પણ આ જ રીતરસમ! કોઇ પણ બાબત/વિષય/વ્યક્તિ અંગે પોતિકી વિચારધારા વિકસાવવાનો નિરંતર પ્રયત્ન. આજે આ બધું કહી શકું છું, એ વખતે તો ખબર જ ક્યાં પડતી હતી? કે મનોવૈજ્ઞાનિક ઉછેરમાં અમે ત્રણ ભાઇબહેનો, શીતલ (સ્મિતા), મલય અને સોનિયામાં એક મૌલિક પ્રતિભા ધરાવી શકે તેવા વ્યક્તિત્વોનું સર્જન કરાઇ રહ્યું છે!
આજે સ્મરણમાં શિલાલેખની માફક કંડારાયેલો અમારા ઘરનો ઓટલો અમારી સાચી પાઠશાળા હતી. ઘરમાં કહેવાતી સુવિધાઓનો અભાવ હતો એવું તો આજે લાગે છે, તે વખતે એવો ભાવ કદી થયો નથી. તે સરળતા, સહજતા અને સમૃદ્ધિને એ સમયમાં ઉછળતાં, કૂદતાં અને રમતાં રમતાં જીવી છે તે આજે તમામ સુવિધાઓની વચ્ચે અનુભવાતી નથી. કોઇ જ ઓછપ ત્યારે અનુભવાતી નહોતી. બધું જ ભર્યું-ભર્યું, તાજું-તાજું પ્રેમથી તરબતર અને ભરપુર આશાઓથી ડૂબાડૂબ હતું.
મમ્મી સવારે લગભગ દોઢ કિલોમીટર ચાલીને તો શાકભાજી લઇ આવે. અમને ગરમ ગરમ રસોઇ જમાડે. આજે પણ અમારા ત્રણના નામની એ નાની નાની થાળીઓ છે. પૂજ્ય મમ્મી – ચંદ્રિકા – નામ પ્રમાણે જ શીતળ. પડદા પાછળ રહીને ધરી સ્વરૂપે કેન્દ્રગત બની રહી. તેણે કોલેજ શિક્ષણ લીધું નહોતું, સાત ધોરણ સુધી જ ભણી હતી, પણ એની કાર્ય અને વ્યવહાર કુશળતા માટે આજે પણ બધા તેને યાદ કરે છે. તેની રસોઈનો સ્વાદ આજે પણ મોંઢામાં પાણી લાવે છે. એવા દાળ-શાક, ખીચડી, ભાખરી આજે પણ બનવા જોઇએ, નહીં તો ના ભાવે. સાચા અર્થમાં એક પત્ની અને માતા તરીકેનો પ્રેમપૂર્વક ધર્મ નિભાવ્યો હતો. કોઇ જ ધાંધલ ધમાલ નહીં, કોઇ માંગણી નહીં, સંપૂર્ણ સાક્ષી સ્વરૂપે અમારાં સહુનું ધ્યાન રાખતી. એનું કોઇ આગવું વજૂદ છે, તેવું ક્યારેય બતાવ્યા વગર એ જ અમારાં વ્યક્તિત્ત્વના કેન્દ્રમાં રહી જે આજ સુધી વણઉકેલાયેલું છે. આ બધું જ પપ્પાજીની સૂઝબૂઝ, આંતરસૂઝ અને દીર્ઘદર્શનની ક્ષમતાનું પરિણામ હતું. એક સહજ, સરળ, પ્રેમાળ પરિવાર! પૂ. મમ્મીએ ૧૫ ઑગસ્ટ ૨૦૧૫ના રોજ અંતિમ શ્વાસ લીધાં. એણે પપ્પાજીની ગેરહાજરીમાં જે રીતે અમારું લાલન પાલન કર્યું તે એની માતૃશક્તિનો જ પરચો હતો.
ખબર હતી, ખબર હતી એમને કે, એમનું જીવન ટૂંકું છે, અંદાજે ૧૨૦૦/ રુપિયાનો પગાર! એમની દવામાં ઠીક ઠીક પૈસા ખર્ચાઈ જતાં. મારો પરિવાર મકાન વગર શું કરશે? તાણીતૂસીને બચતમાંથી અને બાકીની લૉન લઇને એ સમયમાં નારાયણનગર જ્યાં ભાડે રહેતાં હતાં ત્યાં જ ૧૬- બ નારાયણ નગરમાં ‘ઇશાવાસ્યમ્’ નામ રાખીને એક બંગલો ખરીદ્યો. અમારા માટે! કેમ કે તેઓ તો એ ઘરને બહુ લાંબો સમય માણી શકવાના નહો’તા. વળી એ સમયે સોસાયટીમાં ગ્રુપ ઇન્સ્યોરન્સ કરાવ્યો કે એમના દેહાવસાન પછી અમને આર્થિક સંકડામણ ન અનુભવાય! રોજેરોજનો હિસાબ લખાય! અમને બધાને જ ખબર હોય કે ઘરમાં કેટલા પૈસા છે, ક્યાં શું લાવવાનું છે અને ક્યાં શું વ્યવહાર કરવાનો છે. ૨/૦૧/૧૯૮૦ના રોજ તેઓએ અમદાવાદની વિવેકાનંદ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, ત્યારે તેઓ ૪૬ વર્ષના હતા. પણ આજે ૪૧ વર્ષ પછી પણ અમારા અસ્તિત્વના રોમેરોમમાં તેઓ હયાત છે.
પપ્પાજીએ એમના ભૂતકાળની કોઇ પણ વાત અમારાથી છૂપાવી નહો’તી. પિતરાઇ અને મોસાળ પક્ષે સરખું જ પ્રાધાન્ય. મતમતાંતરોને પણ ખુલ્લા દિલે કહી દેતા. અમને યાદ છે, વેકેશન શરૂ થાય એટલે અમારે ત્રણે ય ભાઇ બહેનોએ કપડવંજથી જાતે અમદાવાદ આવવાનું. ફોઇ, મામા, દાદા, કાકા, માસી બધાના ઘરે વારાફરતી જવાનું. મહેમાન તરીકે કેમ રહેવાનું, કામકાજમાં કેવી રીતે મદદ કરવાની, જમવામાં ભાવે ને ભાવે તો કેવી રીતે ચલાવી લેવાનું, જે તે પરિવારની દિનચર્યામાં કેવી રીતે ભળી જવાનું, એ બધું જ. આજે પણ એ બધું કાલની જ ઘટના હોય તેટલું સાક્ષાત્ છે. આજે પણ એ સંબંધો (ભલે રુબરુ બહુ મળાતું નથી.) માં એટલી જ મીઠાશ અને તાજગીપણું છે. આજે મને લાગે છે કે, એ જીવનનું સાચું શિક્ષણ હતું, અમને ઘડ્યાં, અમે ઘડાયાં.
આજે એવું ચોક્કસ થાય છે કે, જો સમયને પાછો લાવી શકાતો હોય તો!! એ જ ૧૬-બ નારાયણ નગરના ઓટલે મમ્મી-પપ્પાજીની સાથે રહેવા જતાં રહેવું છે.
શું લખું અને શું છોડું!! આજે આટલી છલાંગ બસ છે, અત્યારે આંખોમાંથી પાણી વહી રહ્યાં છે, આંગળીઓ ટાઇપ તો કરે છે ને ધૂંધળું ધૂંધળું દેખાઇ રહ્યું છે. માટે અત્યારે અહીં અટકું!
વિશેષ પરિચય એમનાં લેખન થકી થતો જ રહેશે.
ડૉ. સ્મિતા (શીતલ) ત્રિવેદી
સાહિત્ય સર્જન
કાવ્ય સંગ્રહ
મનોવિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનના પ્રોફેસર તરીકે મનની ભાવનાઓની કાવ્યાત્મક પ્રસ્તુતિ એટલે વિમળની નિર્મળ અભિવ્યક્તિ.
નિબંધ સંગ્રહ
કોઇ ખીંટી પર ટીંગાડેલા વિચારો. આકાશની નીચેના તમામ વિષયો પર પ્રો. વિ. કે. શાહ ચિંતન મનન કરે. એ વિષયોની તથ્યાત્મક પ્રસ્તુતિ એટલે એમના નિબંધો.
ટૂંકી વાર્તા
કોઇપણ ઘટના કે બનાવ કે કોઇ વ્યક્તિનું સ્વાભાવિક રીતે જ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવાની પ્રો. વિ. કે. શાહની વ્યાવસાયિક ટેવ. આ મનોમંથનનું શબ્દચિત્ર એટલે તેઓની ટૂંકી વાર્તાઓ