તારી આંખની પાંપણ પરના એક એક ઝીણા ઝીણા વાળ પર મેં સ્પષ્ટ વાંચ્યું; ‘હું તને ચાહું છું.’ છતાં પણ … સોના! કેમ આમ? હજુ સુધી હું મારા મનને સમજાવી નથી શક્યો કે ખરેખર તું મને ચાહે છે! સોના, યાદ રાખજે, હું તને ચાહું છું, અને તેથી જ તારો મને ચાહ્યા વિના છૂટકો નથી! સોના જ્યારે જ્યારે હું તારા અને મારા સંબંધોનો વિચાર કરું છું. ત્યારે ત્યારે મને પેલો પ્રસંગ અચૂક યાદ આવી જાય છે કે જ્યારે આપણે આપણા જગત સાથે એટલે કે મિત્રો સાથે બેઠા હતાં અને એક બીજાની પાંચ કે દસ વર્ષ જૂની ઓળખાણનો દાવો કરીને ગર્વ લેતા હતાં, ‘આપણો સંબંધ તો જન્મ-જન્માંતરનો છે! સૌથી જૂનો!’ સાચે સાચ સોના! એ પ્રસંગે થયેલા આનંદ માટેના શબ્દો ગોઠવતાં કક્કો-બારાખડી ટૂંકી પડે છે!
સોના, એક વાર આપણે ચર્ચા કરતાં હતાં, યાદ છે તને? પ્રેમ કોને કહેવો – તેં કહ્યું, ‘To possess and to be possessed’. પણ મને એમ લાગે છે કે એ possessionમાં ઘણી વાર charm નથી હોતો તો પછી એને પ્રેમની વ્યાખ્યા તરીકે સ્વીકારી શકાય? સોના, એથી જ હું કહું છું કે જેમાં સૌથી વધુ charm હોય, તેનું જ નામ પ્રેમ? પ્રત્યેક માણસને સૌથી વધુ charm માત્ર જીવવામાં જ હોય છે. અર્થાત્ પ્રેમ એટલે જીવવું – અને જીવવું એટલે પ્રેમ કરવો – માનીશ કે તું?
આને હા, સોના! એક વાર મેં તારું કોઇ નામ પાડ્યું હતું, તને યાદ છે? ખેર એ નામ તો અત્યારે મને પણ યાદ નથી. પણ તારા એ પછીના શબ્દો જરૂર યાદ છે, તે કહેલું ‘what is there in a name! સોના, હું તને કહું છું કે આજે હું તારું નામ પાડું છું, ‘નિહારિકા’ બોલ, નામમાં કાંઇ છે કે નહીં? ‘નિહારિકા’ – સૂર્ય – પૃથ્વીની જગતની ઉત્પત્તિ….. વાહ ….વાહ તને તો જગતના મૂળમાં જ ગણી લીધી કહે, હવે નામમાં કાંઇ છે કે નહીં? પછી નિહારિકાને ‘નેહ’ કરી દઉં તો? જો-જો નિહારિકા…નેહ…નેહ… કેડો… અને પ્રેમ, કેટલું નજીક, જગતની ઉત્પત્તિ અને પ્રેમ! બોલ, ખરેખર નામમાં કાંઇ છે કે નહીં?
નેહા, આટલું બધું કહું છું એનું કારણ એ જ છે કે હજુ તારા અવાજની આર્દતાનો મને અનુભવ નથી થયો. તારા અંતરમાં હું સમાઇ જવા માગું છું, મને ખાતરી છે કે હું જરૂર સફળ થઇશ જ! કારણ કે જ્યાં સુધી હું આ નક્કર જગતમાં જીવું છું ત્યાં સુધી તું મને નકારી નહીં શકે, મારી ઉપેક્ષા નહીં કરી શકે. નેહા, યાદ રાખજે – હું મારા મૃત્યુ પછી પણ આ ધરતીની માટીમાં મળી જઇશ. કદાચ આ સ્વરૂપે તું મને નહીં જુએ. પરંતુ બીજા કોઇ પણ સ્વરૂપે હું અહીં જ હોઇશ – આ જ જગતમાં!
સોના, જ્યારે રાત પડે છે, અને હું આકાશમાં જોઉં છું ત્યારે મને સૂર્ય યાદ આવે છે, મને તે વખતે તારી આંખોનું મહત્ત્વ જણાય છે. સોના, તારી આંખોને હું ખૂબ વિશાળ સમજું છું, મન થઇ આવે છે કે તારી એક આંખમાં સૂરજને અને બીજીમાં ચંદ્રને બેસાડી દઉં. પછી તું આંખો બંધ કરે … અને પછી હું તારી આંખોની પાંપણો પર વાંચું; હું તને ચાહું છું! ‘સોનુ, જરા વિચાર તો કર, પછી એ શબ્દોમાં; કેટલું તેજ હશે! કેટલી ગરમી હશે? કેટલી શીતળતા હશે? કેટલું સૌંદર્ય હશે?
કદાચ તને એમ થશે કે હું તને શા માટે આટલો બધો આગ્રહ કરું છું… પરંતુ ખરેખર હું તને આગ્રહ નથી કરતો… હા! એક પ્રશ્ન પૂછવો છે? પૂછું? કયા નામે…? કોઇ પણ સોના… સોનુ… નિહારિકા… કે નેહા…? ચાલ, ગમે તે નામથી પોકારીને તને એક પ્રશ્ન પૂછી લઉં છું, ‘મારે તો જીવવું છે, હા નેહા, મારે તો જીવવું છે, શું તારે નથી જીવવું?’