Design a site like this with WordPress.com
Get started

3. થીજેલી પળ

        એ આજે લગભગ બાર વર્ષે આ શહેરમાં આવ્યો હતો. બહુ ઝાઝો ફર્ક પડ્યો હોય એમ લાગતું નહોતું. એ જ રસ્તા, એ જ ગલીઓ બન્ને એવું જ પરિચિત લાગતું વાતાવરણ, અલબત્ત, ક્યાંક ક્યાંક થોડાક ફેરફારો જણાઇ આવતા હતા. આજનો એક દિવસ અહીં રોકાઇને પાછા કાલે સવારે તો અહીંથી વિદાય લેવાની છે.

        સ્વાભાવિક રીતે જ આ શહેર સાથેના દિવસોનું સ્મરણ થવા લાગ્યું, બાજુમાંથી રીક્ષા પસાર થઇ. બૂમ પાડીને રિક્ષાને રોકવાની ઇચ્છા થઇ, પરંતુ એણે એમ ન કર્યું. એનું મન તો આ વાતાવરણને પીવામાં રોકાયેલું હતું. રિક્ષા તો પાંચ જ મિનિટમાં નિર્ધારિત સ્થળે પહોંચાડી દે, પરંતુ આ શહેરની રગેરગમાં વસેલી પેલી ધડકનોનો આહ્લાદ કદાચ પછી ન માણી શકાય. એ ચાલતો જ રહ્યો.

        એકાએક પગ થંભી ગયા. એક મોટું બિલ્ડિંગ હતું. આ એ જ બિલ્ડિંગ હતું જેના પાંચમા માળે આવેલી ઓફિસમાં એણે આજથી બાર વર્ષ પૂર્વે સવારે અગિયારથી સાંજે પાંચ સુધી ફાઇલોમાં અક્ષરો પાડ્યા હતા. આજે બાર વર્ષેય કદાચ એ ફાઇલોમાં એ અક્ષરો બેઠેલા હશે. એને થયું કે ઉપર જઇને પ્યુનને કહીને એ ફાઇલો મંગાવું અને એ અક્ષરોને અવિરત ચૂમીઓ ભર્યા કરું….! પેલું ટેબલ… કદાચ હશે કે બદલાઇ ગયું હશે? એ ખુરશી પણ કદાચ નહીં હોય જેની ઉપસી આવેલી ખીલીઓથી વખતો વખત એનાં કપડાં ફાટ્યાં હતાં… કદાચ અત્યારે તો સાથે કામ કરનારાઓમાંથી પણ ભાગ્યેજ થોડા ઘણા રહ્યા હશે. પેલા સાહેબ, એ તો કદાચ ચાલ્યા જ ગયા હશે. અને પેલો મિત્ર રામાનુજ …! પાનનો જબ્બર શોખીન. એટલો જ પિકચર જોવાનો પણ શોખીન. એની સાથે જ બપોરે ચા પીવાતી અને ભૈયાજીનું બંગલા પાન પણ ખવાતું. એ દિવસોમાં એક ફિલ્મ આવી હતી, ‘શોલે’ અમે નક્કી કરેલું કે આ બહુ વખણાયેલી ફિલ્મ તો આપણે સાથે જ જોઇશું. એ પછી એ લગભગ દસ દિવસની રજા પર ગયો. એની સાથે જ ગૂંચમાં પડેલું કામ ઉકલ્યું અને આ તરફ એ અમેરિકા ગયો. પછી ન કોઇ કાગળ કે ન પત્રવ્યવહાર એ તો આપત્તિની બલિહારી!

        એક ઉચ્છવાસ અને એ આગળ વધ્યો. સામે જ પેલા ભૈયાજીની પાનની દુકાન હતી. ‘ભૈયાજી, એક પાન બનાઓ!’ ભૈયાજીએ પૂછ્યું ‘કોન સા પાન ખાઓગે?’ અને પછી એકદમ ચમક્યા હોય એમ બોલ્યા, ‘અરે સા’બ. આપ? બહોત બદલ ગયે હો ન!’ એણે સહેજ સ્મિત સાથે કહ્યું, ‘નહીં તો!’ ભૈયાજી આગળ કાંઇક બોલ્યો ત્યાં તો એના ખભે હાથ પડ્યો.

        ‘અરે…રામાનુજ…?’ એનાથી બોલાઇ જવાયું.

        ‘ક્યારે આવ્યો? મળવા પણ ન અવાય?’

        ‘હું બસ… આવતો જ હતો!’ એણે ગૂંચવાતાં જવાબ આપ્યો.

        રામાનુજ હસતાં હસતાં બોલ્યોઃ ‘એક વાત કરું દોસ્ત….મેં હજુ પેલી ફિલ્મ ‘શોલે’ નથી જોઇ, હોં!’

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

1 comment

  1. બધી (12) રચનાઓ એક જ બેઠકમાં વાંચી-માણી. પ્રસ્તાવના પણ ખૂબ સરસ.

    Like

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: