Design a site like this with WordPress.com
Get started

૫. પરિણતિ

        પલંગમાં પડ્યાં પડ્યાં એણે મેગેઝીનનાં પાનાં ત્રણેક વાર ઉથલાવ્યાં. એક અક્ષર પણ વાંચ્યો નહોતો. એ પોતાની જ જાતને પૂછતી હતી કે મેગેઝીનમાં શું છે? પણ એની પાસે જવાબ નહોતો, કારણ કે મેગેઝીન એના હાથમાં હતી, પણ એ ખુદ એના હાથમાં નહોતી. ખરું પૂછો તો આજે એ ક્યાંય નહોતી. એનું આખું અસ્તિત્વ ખંડ ખંડ થઇ ગયું હતું. ઘડીકમાં એ દસ વર્ષ પહેલાનાં ભૂતકાળમાં લટાર મારી આવતી હતી તો ઘડીકમાં ભવિષ્યનો અંધકાર ફેડવાની મથામણ કરતી હતી, આજે એની સ્વસ્થતાની નિરાંત એકાએક કડડભૂસ થઇ ગઇ હતી. એને નિમિષના શબ્દો યાદ આવ્યા, “સુરભી, સાચું કહું તો સ્વસ્થ રહેવાનું હું તારી પાસેથી જ શીખ્યો છું. જીવનની પ્રત્યેક ક્ષણને જીવી જાણવાની તારી આ કળા અદ્ભુત છે. સલામ!

        સુરભીથી ઊંડો શ્વાસ લેવાઇ ગયો. આટઆટલી માનસિક વિપદાઓ વચ્ચે એ સ્વસ્થ રહી હતી. પરંતુ આજે એને ખુબ અસ્વસ્થતા અનુભવાતી હતી. એનું મન સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતું હતું. એ પ્રયત્નના ભાગરૂપે જ એણે મેગેઝીન ટિપોય પર મૂક્યું અને ધીમે રહીને ઊભી થઇ. ઊભી થઇ ત્યારે બાલ્કનીનો દરવાજો બંધ કરવાનો એનો ઇરાદો હતો. બહાર ઠંડી હતી. બંગલો શહેરની બહાર ખુલ્લા વાતાવરણમાં હતો અને આજુબાજુ હજુ થોડી હરિયાળી હતી. ટ્રાફિકની ખાસ અવરજવર નહોતી. એકાદ કિલોમિટર દૂર હાઇવે હતો. આવતાં – જતાં વાહનોની ઘરઘરાટીને કારણે ક્યાંક વસ્તી હોય એવો આભાસ થતો હતો.

        આ મકાન નિમેષે ખૂબ હોંશપૂર્વક બનાવ્યું હતું. નાની નાની વસ્તુઓની પણ એણે કાળજી લીધી હતી. બાલ્કનીમાં એણે ચાર બેઠકો બનાવડાવી હતી. સુરભી બારણું બંધ કરવાને બદલે બાલ્કનીમાં આવી ગઇ અને એક બેઠક પર પગ લાંબા કરીને બેસી ગઇ. એના બંગલાને અડીને જ ખુલ્લું મેદાન હતું. મેદાનનો કોઇ વપરાશ નહોતો, એથી ત્યાં ઘાસ ઊગી ગયું હતું. સુરભીને એ ઘાસમાં ચિત્રવિચિત્ર આકારો દેખાતા હતા. થોડે દૂર એક વૃક્ષ નીચે જાણે કોઇ ઊભું હોય એવું લાગતું હતું. સુરભી ધારી ધારીને એ તરફ જોવા લાગી. કોઇક કપડાનો ટૂકડો ઝાડની નીચેની ડાળી પર ભરાયેલો હતો. સુરભીને વિચાર આવ્યો કે જીવન આખું આભાસ જેવું જ છે. ક્યારેક એ જ આભાસ સાચો પડે છે તો ક્યારેક ખોટો પણ પડે છે. પરંતુ છે તો આભાસ જ, પવનની એક લહેરખી આવી ગઇ અને એના પાતળા દેહને ધ્રૂજાવી ગઇ. અંદર જઇને શાલ લઇ આવવાની ઇચ્છા થઇ. પરંતુ એ ઊભી ન થઇ. અચાનક એને લાગ્યું કે જાણે નિમિષ બાજુમાં જ બેઠો છે અને ત્રણેક વર્ષ પહેલાં આ જ રીતે આવા જ સમયે એ એની સાથે વાતો કરતી બેઠી હતી. નિમિષ કહી રહ્યો હતો, “જીવનને એની સમગ્રતા સાથે જીવવું જોઇએ એવું હવે મને સમજાય છે. સુરુ, મારી એક વાત માનજે, જીવનમાં સુખ-દુઃખની આવનજાવન તો રહેવાની જ છે. પરંતુ ક્યારેય ઓછું લાવીને જીવીશ નહીં. સમગ્રતાથી જ જીવજે. કદાચ મને એથી જ શાંતિ મળશે.”

        “એક બાજુ સમગ્રતાથી જીવવાની વાત કરે છે અને બીજી બાજુ…” સુરભી એ વાક્ય પૂરું કરી શકી નહોતી. એનો અવાજ સહેજ ઘેરો અને રોષયુક્ત બની ગયો હતો.

        નિમેષે એના લાંબા કાળા વાળની લટ પકડીને પોતાની તરફ ખેંચી હતી અને જાણે કાનમાં વાત કરતો હોય તેમ બોલ્યો હતો, “આપણને જ્યારે ખબર હોય કે હવે આપણી સંપત્તિ ખૂટવા આવી છે ત્યારે જ એ વાપરવાની ખરી મજા આવે…” એના અવાજમાં ગંભીરતા હતી, પરંતુ એના ચહેરા પર તો એવી જ હળવાશ હતી.

        નિમેષની વાત બહુ સાચી હતી. એની પાસે સંપતિ ખૂટવા આવી હતી. હવે ગમે ત્યારે ખિસ્સા ખાલી થઇ જવાનાં હતા. એટલે જ એ દરેક ક્ષણને સમગ્રતાથી જીવવા ઉત્સુક બની ગયો હતો. સુરભીને ગંભીર જોઇને એણે હસતાં હસતાં કહ્યું, “તું આ રીતે ગંભીર થઇ જઇશ તો મારું શું થશે? તું એક વાત સમજ. ડોક્ટરે તને પહેલી જ વાર સ્પષ્ટ કહ્યું હતું કે હું વધુમાં વધુ ત્રણ વર્ષ જીવીશ. ત્રણ વર્ષ ક્યારના થઇ ગયાં. એ પછી બે વર્ષ જીવ્યો છું અને હજુ કેટલું જીવીશ એની ખબર નથી. એટલે આપણો આ સહવાસ તો બોનસ કહેવાય. બોનસ તો આનંદ અને ઉત્સાહથી વાપરવું જોઇએ. એની બચત ન કરાય.”

        સુરભીને પણ લાગ્યું કે એ ગંભીર થઇ જાય છે તો એથી નિમિષ દુઃખી થાય છે. આથી એણે પોતાની ગંભીરતાને ઢાંકી દીધી અને હળવા થવાનો પ્રયત્ન કરતાં એના ગાલે ચૂંટણો ભરતાં બોલી, “તું ફિલોસોફર થઇ ગયો છે. તારી બધી ફિલોસોફી મને યાદ નહીં રહે…”

        “તને ખબર છે ને કે માણસ પ્રેમમાં પડે ત્યારે અને માણસનું મૃત્યુ નજીક આવે ત્યારે એને દુનિયાભરની ફિલોસોફી સમજાવા માંડે છે. હું તો આ બન્ને પરિસ્થિતિઓમાંથી પસાર થઇ રહ્યો છું. હું આ જીવન પ્રેમી છું અને મરતાં સુધી જ નહીં, મર્યા પછી પણ પ્રેમી જ રહેવાનો છું…”

        સુરભી કશું જ બોલી નહીં. નિમિષના શબ્દો પર અવિશ્વાસ કરવાનું કોઇ કારણ નહોતું. ઉલટું એની શ્રદ્ધા મજબૂત થતી હતી. નિમિષ સાચેસાચ એને પુષ્કળ પ્રેમ કરતો હતો. કોલેજના ત્રીજા વર્ષમાં ભણતાં હતાં ત્યારે જ બન્ને નજીક આવ્યાં હતાં અને પછી તો એ નિકટતા વધ્યે જ જતી હતી. નિમિષ પૈસાદાર પિતાનો એકનો એક દીકરો હતો. એણે મક્કમતાથી માતા-પિતાને કહી દીધું હતું કે લગ્ન થશે તો સુરભી સાથે જ થશે. હું નાત-જાત કંઇ જ જાણતો નથી. મને મારી સ્વતંત્રતા ભોગવવા દો.

        એક વાર સુરભીએ નિમિષને પૂછ્યું હતું, “તને મારામાં એવું શું દેખાયું કે તું મારા પ્રેમમાં પડ્યો અને મને આટલો બધો પ્રેમ કરે છે? તને મારા પ્રેમમાં શું મળે છે એ તો મને કહે?”

        નિમિષે જરાય લાંબુ વિચાર્યા વિના જવાબ આપ્યો હતો, “તારા આ સવાલનો જવાબ આપું તો પછી એ પ્રેમ નહીં, બીજું કંઇક હોય. પ્રેમ માટે કારણ ક્યાંથી લાગું? બસ, પ્રેમ એ જ પ્રેમનું કારણ અને હા, મારે તારી પાસેથી કંઇક જોઇએ છે માટે મેં તને પ્રેમ કર્યો છે એવું તને કોણે કહ્યું? પ્રેમમાં લેવાનું નહીં, આપવાનું જ હોય અને જે આપે એને આપોઆપ મળી જાય.”

        નિમિષ મહત્વાકાંક્ષી હતો. પિતા આર્થિક રીતે સધ્ધર હતા. એટલે એને પોતાનો વ્યવસાય જમાવવામાં બહુ તકલીફ ન પડી. એણે સુરભીને પણ પોતાના વ્યવસાયમાં સક્રિય રસ લેતી કરી હતી. એથી જ તો આજે નિમિષની ગેરહાજરીમાં પણ એણે કારોબાર સંભાળી લીધો હતો. જોકે એમાં નિર્મલનો એને ઘણો સાથ હતો. વિચારોએ ઊથલો માર્યો. આજે એ નિર્મલની સાથે જ ગઇ હોત તો આજનો દિવસ આટલો બધો બોજારૂપ ન બન્યો હોત. ગઇ કાલે રાત્રે તાવ જેવું લાગ્યું એટલે જ એ ન ગઇ. અત્યારે તો તાવ પણ નથી. નિમિષ અને નિર્મલ. જાણે બન્ને સામે ઊભા હોય અને એ એમને જોઇ રહી હોય એમ સુરભી બાલ્કનીની બહાર દેખાતા મેદાનને જોઇ રહી.

        નિમિષને વારાફરતી માતા-પિતાની વિદાય પછી સુરભી જ સર્વસ્વ હતી. ક્યારેક માતા-પિતા માટે મન ભરાઇ આવતું ત્યારે એ પોતે જ કહેતો, “દરેક માણસે જન્મીને મરવાનું તો છે જ. તો ય આપણને મૃત્યુ સહન નથી થતું. મૃત્યુ એ તો જીવનની અંતિમ ઘડી છે. જીવન ભર્યું ભર્યું હોય તો મૃત્યુ પણ ભર્યું ભર્યું થઇ જાય. આપણે તો કોઇકને ગુમાવ્યાનો જ અફસોસ કરીએ છીએ. આપણે આપણા સ્વાર્થને રડીએ છીએ.

        સુરભી એની આવી બધી વાતો સાંભળ્યા કરતી. ક્યારેક સોળ વર્ષની મુગ્ધા બનીને નિમિષને છંછેડતી અને એની સાથે ધીંગામસ્તી કરીને એની વાતની ગંભીરતાને હળવી કરી નાખતી. એ દિવસે નિમિષ ડ્રેસિંગ ટેબલ સામે બેસીને દાઢી કરતાં કરતાં આવી જ કોક ગંભીર વાત કરતો હતો. સુરભી એની પાછળ ઊભી હતી. એને અચાનક શું શૂરાતન ચડ્યું કે એણે નિમિષના વાળ પકડી લીધા. નિમિષ આખો હચમચી ગયો. એના હાથમાં રેઝર હતું. એ ગાલમાં વાગી ગયું. સહેજ મોટો કાપો પડ્યો હતો અને લોહી દડદડ વહેતું હતું. સુરભીએ તરત જ રૂ લાવીને આફટરસેવ લોશનવાળું કરી ઘા પર લગાડી દીધું. નિમિષને બળતારા થતી હોવાથી એનાથી ચીસ પડાઇ ગઇ. પરંતુ લોહી ઝમતું જ રહ્યું. બંધ નહોતું થતું. નિમિષે તર્ક કર્યો કે કોઇક નસ કપાઇ ગઇ હશે. હમણાં બંધ થઇ જશે. લગભગ કલાક પછી પણ લોહી ઝમવાનું ચાલુ રહ્યું એટલે સુરભીએ ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે ઇન્જેક્શન આપ્યું, પરંતુ બ્લડ-ટેસ્ટ કરાવી લેવા આગ્રહ કર્યો. બ્લડ ટેસ્ટનો રિપોર્ટ સુરભીના માથા પર આભ બનીને તૂટી પડ્યો. બીજાં બે-ત્રણ પરીક્ષણો પરથી નિદાન થયું કે નિમિષને લ્યુકેમિયા છે. ડોક્ટરનું કહેવું હતું કે નિમિષના બ્લડ કેન્સર વિષે કદાચ મોડી ખબર પડી છે. એમના કહેવા મુજબ ત્રણ વર્ષનું આયુષ્ય ગણાય. થોડું વધારે પણ જીવે. સુરભી કદાચ જીવનમાં પહેલી વાર અત્યંત અસ્વસ્થ થઇ ગઇ હતી.

        નિમિષે ત્યારે પોતાની ટૂંકાઇ ગયેલી જીવન રેખા વિષે જાણ્યું ત્યારે એય થોડો ઉદાસ થઇ ગયો હતો. પરંતુ એણે ધાર્યા કરતાં ખૂબ ઝડપથી સ્વસ્થતા હાંસલ કરી લીધી. એ દિવસે એણે સુરભીના ખોળામાં માથું મૂકીને બાળક જેવા નિર્દોષ ભાવે કહું હતું, “મૃત્યુનો ડર તો લાગે છે પરંતુ હવે મારા અને તારા માટે આ એક વાસ્તવિકતા છે એનો સ્વીકાર નહીં કરીએ તો આપણે જ છેતરાઇશું. હવે જેટલું જીવવાનું છે એટલું ભરપૂર અને સમગ્રતાથી જીવવું છે. આપણો પ્રેમ અને આપણો સહવાસ તારા માટે આ દુનિયામાં અને મારા માટે પેલી દુનિયામાં એક સંભારણું અને એક ભાથું બની રહેવો જોઇએ. હજુ તો મારે આપણા માટે એક સપનાંનો મહેલ પણ બનાવવાનો છે. હું મર્યા પછી પણ સતત તારી સાથે એ મહેલમાં હાજર હોઇશ…” પછી સહેજ અટકીને એણે સુરભીની આંખનાં આંસુ પોતાની આંગળીના ટેરવા પર લઇ લેતાં કહ્યું, “હવે બે વાત સાંભળી લે. આજ પછી તારે આ બાબતમાં કદી રડવાનું નહીં. મારી પાસે હવે જેટલો સમય છે એટલો મારે હસીને જ પસાર કરવો છે. હું તો તને ત્યાં સુધી કહું છું કે મારું મૃત્યુ થાય એ પછી પણ તારે રડવાનું નથી. મને હસતા મોંએ વિદાય કરજે. અને બીજી વાત, મારા મૃત્યુની વાત અત્યારથી કોઇને કહેવાની નથી. આપણે બે જ જાણીએ… લોકો જાણે અને મને મરતાં પહેલાં જ મારી નાંખે એવું મારે નથી કરવું. માટે કોઇની સહાનુભૂતિ જોઇતી નથી. તારી છે. એટલું મારા માટે બસ છે…” એણે ના પાડી હોવા છતાં સુરભીને ડૂમો ભરાઇ આવ્યો. નિમિષની આંખના ખૂણા પણ ભીના થઇ ગયા. સુરભી એને વળગી પડી અને એના ચહેરાના પ્રત્યેક અણુને ચુંબનોથી ભીંજવી દીધો.

        એણે હંમેશાં નિમિષની વાત માની હતી. નિમિષ એનો પતિ હતો એથી વધુ પ્રેમી અને મિત્ર હતો. નિમિષમાં એને અખૂટ શ્રદ્ધા હતી. એથી જ નિમિષની બીમારી અંગે કોઇને કશું જ કહ્યું નહોતું. આજે એ વાતની કેટલીક ગેરસમજો પણ થઇ હતી. ઘણાંને એવું લાગ્યું હતું કે સુરભીએ નિમિષની બીમારી છુપાવી હતી. નિમિષ ઘણી વાર કહેતો, “આ જગતમાં સમજદારો કરતાં નાસમજ માણસોની સંખ્યા વધારે છે. એથી સમજદારો કરતાં નાસમજ માણસોની સંખ્યા વધારે છે. એથી સમજદારની જ ચિંતા કરવી. નાસમજ માણસોની ચિંતા કદી ન કરવી.”

        સવારે જ નિમિષના પિતાના મિત્ર હરિદાસભાઇનો ફોન આવ્યો હતો. એમણે નિમિષના આત્માની સદ્ગતિ માટે હરદ્વારમાં પૂજા કરાવી હતી. સુરભીએ એટલું તો કહ્યું જ કે નિમિષનો આત્મા શુધ્ધ જ હતો. એને વળી સદગતિ માટે પૂજાની શી જરૂર? હરિદાસભાઇને સુરભીનો આવો પ્રતિભાવ ગમ્યો નહોતો. ઊલટું એમણે તો સુરભીને ઠપકો આપતા કહ્યું હતું, “નિમિષની આવી ગંભીર બીમારીને છુપાવી શું કામ રાખી? શક્ય છે કે કોઇક ઇલાજ મળી ગયો હોત. આ દુનિયામાં હજુય ચમત્કારો બને છે. હું એક એવા સંતને ઓળખું છું…” સુરભીએ વાત કાપતાં કહ્યું હતું, “કાકા, તમારી લાગણી તો સાચી છે, પરંતુ મને કે નિમેષને આવી બાબતોમાં વિશ્વાસ નથી અને કદી હતો પણ નહીં. છેલ્લે છેલ્લે હરિદાસે વિવેકપૂર્વક સુરભી પર પ્રહાર કર્યો હતો, “આમ તો મને તને ખાસ કશું કહેવાનો અધિકાર નથી. છતાં એક વાત કહ્યા વિના નથી રહેવાતું. નિમિષના અવસાન પછી એકાદ વર્ષ તો રાહ જોવી હતી. એના આત્માને…” સુરભી સમસમી ગઇ હતી. એનું માથું ભમી ગયું હતું. એણે આગળ કશું જ સાંભળ્યું નહીં. ફોન મૂકી દીધો.

        નિમિષ ભલે એને કહેતો હતો કે લોકોની ચિંતા કરવી નહીં. પરંતુ કહેવું જેટલું સહેલું છે એટલું કરવું સહેલુ નથી. એ જાણતી હતી કે હરિદાસકાકાના મનમાં જે વાત હતી તે જ બીજા અનેક લોકોના મનમાં હશે. નિમિષના અવસાનને હજુ છ મહિના પણ નહોતા થયા અને એણે નિર્મલ સાથે લગ્ન કર્યાં હતાં. એ જાણતી હતી કે નિમિષના આત્માને દુઃખ થવાનો કોઇ સવાલ જ નહોતો. એને નિમિષના એ શબ્દો યાદ આવ્યા. ગોવાના રમણીય કોલવા બિચ પર બેઠાં બેઠાં સમુદ્રની લહેરો ગણતો નિમિષ બોલ્યો હતો, “સુરભી, મારું મૃત્યુ તો હવે નક્કી છે, પરંતુ તારે તો જીવવાનું છે. હું મર્યા પછી પણ તને કોઇ બંધનમાં રાખું એ વાજબી નથી…સાચુ કહું તો પ્રેમ કદી કોઇને બાંધતો નથી… પ્રેમ તો એક અનોખી મુક્તિ છે. હું તો વિવાહ અને લગ્નને પણ બંધન માનતો નથી. બે સ્વતંત્ર વ્યક્તિઓ સહજીવન જીવે એમાં બંધન ક્યાંથી આવે? બોલ, મારી વાત સાચી છે કે નહીં?

        સુરભીએ ઊંડો શ્વાસ લઇને દરિયાકિનારાની રેતીમાં આંગળી વડે ચિત્રવિચિત્ર આકાર દોરતાં જવાબ વાળ્યો હતો, “તારી બધી જ વાતો મને સાચી લાગે છે, કારણ કે તું જ મને સાચો લાગે છે…”

        “તો પછી મારી બીજી એક સાચી વાત માનીશ?” નિમિષે સુરભીનો હાથ હાથમાં લઇને પૂછ્યું. સુરભીએ સંમતિમાં ડોકું ઘૂણાવ્યું, એટલે નિમિષે દરિયાની દૂર પાર નજર માંડીને કહ્યું, “આપણે બન્ને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. પ્રેમ એ વ્યક્તિગત નથી. એક ઝરણું છે. અને એ ઝરણું સદા વહેતું રહેવું જોઇએ. સૂકાઇ જવું ન જોઇએ.”

        “એટલે? હું બરાબર સમજી નહીં, તું શું કહેવા માગે છે?” સુરભીએ આંખો ઝીણી કરતાં પૂછ્યું.

        “મેં તને પહેલાં જ કહ્યું કે પ્રેમ સ્વતંત્ર રાખે છે. મારા મૃત્યુ પછી તું મને બંધાયેલી ન હોવી જોઇએ. તારે મુક્ત જ રહેવાનું છે…મેં તને અઢળક પ્રેમ કર્યો છે એનો પુરાવો જ એ હશે કે તું તારા પ્રેમના ઝરણાને સુકાઇ જવા નહીં દે. મારા પ્રેમને કારણે જ તું મારા પછી પણ કોઇકને પ્રેમ કરી શકવી જોઇએ. તો જ હું મારા પ્રેમને સાર્થક સમજીશ…” નિમિષે સુરભીની આંખમાં આંખ પરોવતાં કહ્યું હતું.

        સુરભીએ ચહેરા પર ગુસ્સાના ભાવ લાવીને કહ્યું હતું, “તું શું બોલે છે એનું તને ભાન છે? હું તો ભવોભવ તારી છું અને તારી રહીશ, સમજ્યો?”

        “આ જ આપણી તકલીફ છે. લાગણીઓ અને ભાવનાઓ પાછળ આપણે વાસ્તવિકતાનોને નકારીએ છીએ… ગયા ભવમાં કોણ તારો પતિ હતો અને કોણ મારી પત્ની હતી એ જો આ ભવમાં આપણને યાદ ન હોય તો આવતા ભવમાં કેવી રીતે યાદ રહેશે? એવા લાગણીવેડા નકામાં છે, મારા પછી પણ તારે તારું જીવન જીવવાનું છે એ એક વાસ્તવિકતા છે હું તો એવું માનું છું કે મેં જો તને સાચો પ્રેમ કર્યો છે તો એ પ્રેમને કારણે જ તું ફરી કોઇકને પ્રેમ કરી શકીશ…મારું ચાલે તો હું અત્યારથી જ તારા કોઇક યોગ્ય પાત્ર શોધી કાઢું… પણ ના, એ શોધ મારી નહીં, પણ તારી જ હોવી જોઇએ…”

        “ચલ હટ! આવી ગાંડા જેવી વાતો શું કરે છે?” સુરભી એ ચીડ વ્યક્ત કરી.

        “ગાંડા જેવી નહીં, આ જ સાચેસાચ ડાહી વાત છે અને મને સમજવાની કોશિશ કર…” આમ કહી નિમિષે સુરભીને બન્ને ખભાથી પકડીને હચમચાવી નાંખતા કહ્યું, “મને વચન આપ… એમ માન કે મેં મારી છેલ્લી ઇચ્છા તને અત્યારથી કહી દીધી.

        સુરભીથી રડી દેવાયું હતું. એ નિમિષને વળગી પડી ક્યાંય સુધી બન્ને મૌન બેસી રહ્યાં હતાં.

        નિમિષના અવસાન પછી પણ સુરભીએ આ વાત પર ખરેખર કોઇ જ ગંભીર વિચાર કર્યો નહોતો. એને માટે નિમિષનું મૃત્યુ આકસ્મિત નહોતું. એ એક નિશ્ચિત અને અપેક્ષિત ઘટના હતી. છતાં મૃત્યુ એ મૃત્યુ છે. એનો શોક અને આધાત ટાળી શકાતો નથી. નિમિષનું અવસાન થયું તેના થોડા દિવસ પહેલાં જ એણે કહ્યું હતું, “સુરભી, મને લાગે છે કે મારું મૃત્યુ નિશ્ચિત છે એ જાણવા બદલ હું ભાગ્યશાળી છું. હું મૃત્યુથી ડરી ગયો નથી. મેં એનો સહજ સ્વીકાર કર્યો છે. એનું કારણ એ છે કે મૃત્યુને કોઇ કદી ટાળી શક્યું નથી. મારું વહેલું આવ્યું છે અને તારું પછી આવશે. પણ આવવાનું તો છે જ. જગતમાં જેટલા માણસો ભેગા મળે છે એમણે બધાએ ક્યારેક તો વિખૂટા પડવું જ પડે છે. સવારે સૂર્ય ઊગે છે તો સાંજે આથમે છે. સવારે ફૂલ ખીલે છે તો સાંજે કરમાય છે. મને તો લાગે છે કે જેને પોતાના મૃત્યુની ખબર પડી જાય એનું જીવન ધન્ય થઇ જાય. એ પછીની દરેક ક્ષણને જીવવાનો જે સંતોષ છે એ હું શબ્દોમાં વર્ણવી શકતો નથી…” નિમિષ જાણે આટલું બોલતાં બોલતાં ક્યાંક ખોવાઇ ગયો હતો. પછી એણે ગળું ખોંખારીને કહ્યું, “આચાર્ય રજનીશ કહે છે તેમ મૃત્યુ તો મહોત્સવ છે. એનો શોક ન કરાય. મૃત્યુ એ તો જીવનની પરિણતિ છે. હું ઇચ્છું છું કે તું મારા મૃત્યુનો શોક ન કરે અને એનો સાહજિક સ્વીકાર કરે…”

        પરંતુ સુરભી નિમિષના મૃત્યુને સ્વીકારીને પણ સ્વીકારી શકી નહોતી. એને નિમિષની આ બધી જ વાતો યાદ આવતી હતી. નિમિષના અવસાન પછી લગભગ એકાદ મહિનો તો એ ખૂબ જ ગુમસુમ રહી હતી. નિમિષનો જ એક મિત્ર અને એના અંગત સચિવ જેવો વિશ્વાસુ નિર્મલ ભગત બધું જ કામ સંભાળતો હતો અને આંતરે દિવસે આવીને સુરભીને વાકેફ કરી જતો હતો તથા જરૂરી કાગળો ચેક વગેરેમાં સહીઓ કરાવી જતો હતો. નિર્મલ ખપ પૂરતી જ વાત કરતો. આડી અવળી વાત એ કદી કરતો નહીં.

        એક દિવસ સુરભી પોતાના રૂમમાં આરામ ખુરશીમાં લાંબી થઇને બેઠી હતી. આંખો બંધ કરીને એ ભૂતકાળમાં ખોવાઇ ગઇ હતી. મનોમન નિમિષ સાથે એનો વાર્તાલાપ ચાલતો હતો. કેટલીય વાર પછી એણે આંખ ખોલી લગભગ અડધો કલાક ઉપર થઇ ગયો હતો. અચાનક એણે જોયું તો નિર્મલ સામેની ખુરશીમાં બેઠો હતો અને સુરભીને અપલક જોઇ રહ્યો હતો. સુરભીને આંખ ખોલી એટલે એ નીચું જોઇ ગયો. સુરભીએ પૂછ્યું, “બહુ વાર થઇ?” નિર્મલે માત્ર હકારમાં ડોકું ઘૂણાવ્યું. પરંતુ સુરભીએ જાણે સ્પષ્ટતા કરતી હોય એમ કહ્યું, “જાગતી જ હતી…પણ ક્યાંક ખોવાઇ ગઇ હતી…”

        “મને ખબર છે કે તમે જાગતાં હતાં… મને લાગે છે કે હવે તમારે દરરોજ વધારે નહીં તો કલાકેક પણ ઓફીસે આવવું જોઇએ. આમ ક્યાં સુધી ઘરમાં બેસી રહેશો?” નિર્મલ જાણે હિંમત એકઠી કરીને બોલ્યો હોય એવું લાગ્યું.

        સુરભીએ ઊડો શ્વાસ લઇને કહ્યું, “વાત તો સાચી છે. ક્યાં સુધી… અને એ પણ…” સુરભી અટકી ગઇ.

        “કેમ અટકી ગયાં? વાક્ય પુરું ના કર્યું?” નિર્મલે થોડી હળવાશથી કહ્યું.

        “કંઇ નહીં…હું તો એમ કહેતી હતી કે મારે ઓફીસે આવવું જોઇએ. નિમેષની પણ ઇચ્છા હતી કે હું આ રીતે ઘરમાં બેસી ન રહું…” સુરભીએ એની સામે જોયા વિના જ કહ્યું. પરંતુ નિમિષની વાત નીકળી એટલે નિર્મલ અને સુરભી વચ્ચે સંવાદનો સેતુ બંધાયો. સુરભીને નિમિષ વિષે વાતો કરવામાં કોઇક અનેરો સંતોષ થયો. નિર્મલે જતાં જતાં એટલું જ કહ્યું, “તમારાં અને નિમિષના સહજીવનનો જેટલો આનંદ થાય છે એટલું જ આજે દુઃખ પણ થાય છે…” સુરભી કંઇ જ બોલી નહીં.

        બીજા દિવસથી સુરભીએ દરરોજ કલાકેક માટે ઓફીસે જવા માંડ્યું. બે-ત્રણ દિવસ તો એ ચૂપચાપ બેસીને આવતી રહી. પછી ક્યારેક નિર્મલ આવે તો એની સાથે આડીઅવળી વાતો કરતી. હવે બન્ને વચ્ચેની વાતચીતના વિષયો પણ વધ્યા હતા. પછી તો સુરભી ઘણી વાર કંઇ કામ ન હોય તો પણ નિર્મલને બોલાવતી. બન્ને વાતો કર્યા કરતા. ક્યારેક તો નિર્મલ બબ્બે કલાક બેસતો.

        એક દિવસ સુરભી કોઇક ફાઇલ જોતી હતી. પટાવાળો રામજી એની સામે આવીને ઊભો રહ્યો. સુરભીએ એની સામે પ્રશ્નસૂચક નજરે જોયું. એ કંઇ બોલ્યો નહીં. રામજી ઘણો જૂનો માણસ હતો. નિમિષના પિતાનો એ ખાસ માણસ હતો. સુરભીએ ફરી એને પૂછ્યું, “કાંઇ કામ હતું? કંઇ કહેવું છે?”

        રામજી ચૂપ રહ્યો. પછી જરા મન મક્કમ કરીને બોલ્યો, “ખોટું ના લગાડશો. તમે મારી દીકરી જેવાં છો એટલે કહું છું. ભગત સાહેબ અહીં બહુ બેસે છે… સારું નથી.”

        “એટલે? રામજી કાકા, તમે શું કહેવા માંગો છો?” સુરભી સહેજ છેડાઇ ગઇ.

        ‘એમ નહીં, લોકોના મોંઢે હાથ દેવાય છે? બહાર લોકો ખરાબ વાત કરે છે…” રામજીએ અચકાતાં અચકાતાં થોડા ગુસ્સા સાથે કહ્યું.

        “એમ? શું કહે છે? મને કહો તો ખરા… મને સાંભળવું ગમશે…” સુરભીએ એકદમ હળવાશથી કહ્યું.

        “એ બધું જવા દો… પણ તમે … લોકો તો બોલે, બધાંને મોંઢે હાથ થોડો દેવાય?” રામજીને મૂંઝવણ થઇ.

        છતાં સુરભીએ હસતાં હસતાં આગ્રહ કર્યો એટલે રામજી એટલું જ બોલ્યો, “ભાઇને હજુ માંડ બે મહિના થયા છે ત્યાં… જવા દો….”

        સુરભી વિચારમાં પડી. નિર્મલ વિષે એણે કદી ઊંડે ઊંડેય આવો વિચાર કર્યો નથી. લોકોને આવું બધું ક્યાંથી દેખાતું હશે? નિમિષ કહેતો હતો ને કે નાસમજ માણસો શું સમજે છે એની ચિંતા ન કરવી…

        એક દિવસ નિર્મલે વાત વાતમાં સુરભીને કહ્યું, “તમને ખાવાનો શોખ કેવો? નિમિષને તો બહુ હતો ને?”

        “હા, એના લીધે જ મારો શોખ વધ્યો હતો. પણ કેમ આજે એવો સવાલ પૂછ્યો?”

        “એટલા માટે કે ખાવાનો શોખ તો મને પણ છે. તમે સ્વીસ સેન્ડવીચ અને કરી પિત્ઝા ખાધા છે?” નિર્મલ બાળસહજ ભાવે પૂછતો હતો.

        “મેં તો નામ જ આજે સાંભળ્યું? ક્યાં મળે છે?” સુરભીએ પણ ઉત્સુકતા બતાવી.

        “આ બન્ને અહીંની વેસ્ટવર્ડ હોટેલની ખાસ વરાઇટી છે…” એક કામ કરો. હું કાલે તમારા માટે પેક કરાવી લાવીશ…”

        “ના, એના કરતાં આપણે ત્યાં જઇને જ ખાઇએ તો? ગરમ ગરમ ખાવા મળે ને!”

        નિર્મલને સુરભીના આવા પ્રતિભાવની તો અપેક્ષા જ નહોતી. બે દિવસ પછી સાંજે બન્ને વેસ્ટવર્ડમાં ગયાં અને જમ્યાં. પછી તો અઠવાડિયામાં એકાદ વાર હોટેલમાં જવાનું બનતું ગયું. અજાણતાં જ નિર્મલ અને સુરભી વચ્ચે નિકટતા વધતી ગઇ. આ નિકટતા પર અનેક લોકોની નજર મંડાયેલી હતી. એ લોકો બીજું કંઇ ન કરી શકે ત્યારે નિર્મલ અને સુરભી વિષે વાતો કરીને સંતોષ માની લેતાં.

        એક દિવસ નિર્મલ અને સુરભી આમ જ વાતો કરતાં હતાં ત્યાં સુરભીએ નિર્મલેને નિમેષે ફરી કોઇને પ્રેમ કરવા અંગે કરેલી વાત કરી. સુરભી હળવાશથી વાત કરતી હતી, પરંતુ નિર્મલ ગંભીર થઇ ગયો હતો. થોડીવાર પછી એ બોલ્યો, “એ કદાચ સાચો હતો મને એની ઇર્ષા આવે છે!”

        “કેમ?”

        “એમ જ! ખાસ કંઇ નહીં… પણ એની વાત તો તમે હજુ માની જ નથી ને!” નિર્મલે વેધક પ્રશ્ન પૂછ્યો હતો.

        “માનવાનો ક્યાં પ્રશ્ન છે? કોઇ એવું પાત્ર પણ મળવું જોઇએ ને? એણે કહ્યું હતું કે વ્યક્તિ તારી પસંદગીની જ હોવી જોઇએ…” સુરભીએ હસતાં હસતાં કહ્યું.

“અમારા એક પ્રોફેસર હતા. કોઇ વસ્તુ ન મળે કે કોઇ સવાલનો જવાબ ન જડે અને અમે એમને પૂછીએ તો એ અમને કહેતા કે ઢૂંઢને વાલે કો ખુદા ભી મિલ જાતા હૈ, તુમ કો એક જવાબ નહીં મિલતા?” નિર્મલે સુરભીની સામે જોયા કર્યું.

        “તો હું શોધવા જાઉં? અત્યારે મારે જરૂર નથી. જરૂર પડશે ત્યારે શોધી કાઢીશ!” સુરભીએ વાતને ગંભીરતાથી લીધી નહોતી. એને નિર્મલની વાતમાંથી કોઇ અર્થ તારવવાનું પણ ઉચિત ન લાગ્યું.

        પરંતુ નિર્મલની વાતમાં અર્થ હતો. બીજે જ દિવસે એ ઓફિસે આવી ત્યારે એના ટેબલ પર નિર્મલનો પત્ર હતો. નિર્મલે ટૂંકમાં પણ મુદ્દાસર વાત કરી હતી. પત્ર સંબોધન વિના સીધો જ શરૂ થતો હતો,” જે વાત રૂબરૂ કહેવી જોઇએ એ લખીને કહું છું. કદાચ હજુ મારામાં એટલી હિંમત નથી. હું સહાનુભૂતિથી દોરવાઇને આ પ્રસ્તાવ નથી મૂકી રહ્યો. તમારી અને નિમિષ પ્રેત્યેનો લગાવ એ માટે કારણભૂત છે. તમારી સંપતિ અને તમારું વ્યક્તિત્વ મારા માટે આદરણીય અને પૂજ્ય રહેશે. નિમિષના જ શબ્દોમાં કહું તો આપણે બન્ને આપણી સ્વતંત્રતાને અકબંધ જાળવીને સહજીવનની યાત્રા ન કરી શકીએ? મને હંમેશાં તમારું ગૌરવ રહેશે. આપણે જીવન સંગીત વહાવીશું – તમે સિતાર વગાડશો તો હું તબલાં પર સંગત કરીશ. આપણો સ્વતંત્ર સૂર અને તાલ હશે, છતાં એમાંથી મધુર સંગીત પ્રગટશે. જવાબની ઉતાવળ નથી. વિચારીને જે કહેશો તેનો હું ખુલ્લા દિલે સ્વીકાર કરીશ. તમારા કોઇ પણ જવાબથી મારી લાગણી કે મારા તમારા માટેના ભાવમાં કોઇ ફેર નહીં પડે.”

        સુરભીએ આ પત્ર વારંવાર વાંચ્યો. સતત અઠવાડિયા સુધી વિચારતી રહી. એને નિમિષની વાતો યાદ અવતી હતી. એને પહેલી વાર અહેસાસ થઇ રહ્યો હતો કે એના હ્રદયમાં નિમિષે સીંચેલું પ્રેમનું ઝરણું હજુ વહે છે અને એ સુકાયું નથી. એણે પોતાના મનએ એવું સાંત્વન આપ્યું કે નિર્મલ સમજદાર છે અને એની સાથે આ રીતે જીવન જોડવાથી નિમિષનો આત્મા અવશ્ય પ્રસન્ન થશે.

        ખૂબ ધીરજપૂર્વક એણે નિર્ણય કર્યો અને નિર્મલ સાથે એ વિષે ઘણી વાતો પણ કરી. સુરભીએ સંતોષ એ વાતનો હતો કે નિર્મલમાં પણ નિમિષ જેવી જ નિર્મળતા હતી અને પ્રેમનું ઝરણું જીવંત હતું.

        એણે નિર્મલ સાથે લગ્ન કર્યાં એ વાત ભાગ્યેજ કોઇ સાંખી શક્યું હતું. સુરભીના નિમિષ માટેના પ્રેમ અંગે પણ કેટલાકના મનમાં શંકાઓ જાગી હતી. સુરભીને ઊંડે ઊંડે ખટકતી કોઇ વાત હોય તો તે એટલી જ હતી કે નિમિષ સદા એની સાથે હતો અને નિર્મલ સાથે હજુ એની આંતરક્રિયા સાહજિક બની નહોતી.

        કદાચ એટલે જ એ નિર્મલ સાથે ગઇ નહીં. એને થયું કે આગલી રાત્રે એને આવી અનિચ્છાનો જ તાવ આવ્યો હોવો જોઇએ.

        હજુય એની નજર તો બાલ્કનીની બહાર ખુલ્લા મેદાનના ઘાસમાં જ ખટકેલી હતી. પવનો એક જોરદાર સૂસવાટો આવ્યો અને અંદર ટેબલ પરનું મેગેઝીન જોરથી ફરફર્યું. સવારે જ એક સ્થાનિક અખબારે ‘ઉદ્યોગપતિની વિધવા પત્નીનાં પોતાનાં કર્મચારી સાથે પુનર્લગ્ન’ શીર્ષક હેઠળ છપાયેલી વિગતો એને યાદ આવી. અખબારે એને કશું જ પૂછ્યાગાછ્યાં વિના અહેવાલ લખ્યો હતો. સુરભીને ગુસ્સો આવી ગયો હતો. કોઇના અંગત જીવનને આમ ઉઘાડું કરવામાં કઇ નિતિમત્તા ગણાય? પાછું લખનારે એવો તર્ક પણ કર્યો હતો કે સુરભી અને નિર્મલ લાંબા સમયથી પ્રેમમાં હતાં એવું એમના જ કેટલાક કર્મચારીઓ માને છે.

        એ નિસાસો નાંખીને ઊભી થઇ. હવે ઠંડી પણ લાગતી હતી. અંદર આવીને એણે બાલ્કનીનો દરવાજો બંધ કર્યો. પલંગમાં આડી પડી. વિચારોમાં ને વિચારોમાં એ ક્યારે સૂઇ ગઇ એ જ ખબર ન પડી.

        સવારે પાંચેક વાગ્યાના સુમારે ટેલિફોનની રીંગ વાગી અને સુરભી જાગી ગઇ. એનું સપનું ચાલતું હતું. સપનામાં એ અને નિમિષ દરિયા કિનારે બેઠાં હતાં. બન્ને વાતોમાં મશગૂલ હતાં અને દૂર સામેથી એક હોડી આવતી હતી. એ હોડીમાં કોણ હતું એ પરખાય એ પહેલાં ટેલિફોનની રીંગ વાગી અને સપનું અધૂરું રહી ગયું.

        એણે ફોન ઉપાડ્યો. સામે છેડેથી નિર્મલ કહી રહ્યો હતો, “મુંબઇથી બોલું છું… કેવી ઊંઘ આવી?”

        “સારી… પણ અત્યારે કેમ ફોન કર્યો? કંઇ ખાસ? સુરભીએ થોડા આશ્ચર્ય સાથે પૂછ્યું.

        “હાસ્તો! ખાસ છે એટલે જ ફોન કર્યો… બે મિનિટ પહેલાં જ આંખ ખૂલી. મને એક સપનું આવ્યું એની તને વાત કરવી છે…”

        “શું સપનું આવ્યું? સુરભીએ થડકાર સાથે પૂછ્યું. એને પણ પોતાનું સપનું યાદ આવી ગયું.

        “મને એવું સપનું આવ્યું કે આપણે દરિયામાં એક સ્ટીમ લોન્ચમાં જઇ રહ્યાં છીએ. આપણે બન્ને સ્ટિયરીંગ પકડીને બેઠાં છીએ. મેં તને પૂછ્યું કે આપણે ક્યાં જઇએ છીએ? તેં કહ્યું કે હું જ્યાં લઇ જાંઉં ત્યાં તારે આવવાનું છે…સુરભી તું મને ક્યાં લઇ જતી હતી એ કહે ને?” નિર્મલ તદ્દન નિર્દોષ ભાવે પૂછી રહ્યો હતો.

        સુરભી કશું જ બોલી નહીં. એના રોમેરોમમાં એક અજબ પ્રકારનો રોમાંચ ફરી વળ્યો. એનાથી કહેવાઇ ગયું, “જ્યાં તારે જવું છે ત્યાં જ હું તને લઇ જઇશ!”

“મૃત્યુનો ડર તો લાગે છે પરંતુ હવે મારા અને તારા માટે આ એક વાસ્તવિકતા છે એનો સ્વીકાર નહીં કરીએ તો આપણે જ છેતરાઇશું. હવે જેટલું જીવવાનું છે એટલું ભરપૂર અને સમગ્રતાથી જીવવું છે.”

“આચાર્ય રજનીશ કહે છે તેમ મૃત્યુ તો મહોત્સવ છે. એનો શોક ન કરાય. મૃત્યુ એ તો જીવનની પરિણતિ છે. હું ઇચ્છું છું કે તું મારા મૃત્યુનો શોક ન કરે અને એનો સાહજિક સ્વીકાર કરે…”

“નિમિષના જ શબ્દોમાં કહું તો આપણે બન્ને આપણી સ્વતંત્રતાને અકબંધ જાળવીને સહજીવનની યાત્રા ન કરી શકીએ? મને હંમેશાં તમારું ગૌરવ રહેશે.”

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

3 comments

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: