Design a site like this with WordPress.com
Get started

૬. જિજીવિષા

        મહા મુશ્કેલીથી મોડી રાત્રે ઊંઘ આવેલી. રાત્રે ઠંડી લાગતી હતી. એટલે બારીઓ બંધ કરી હતી. પણ કિરણો માટે તો બારીના કાચ પણ પૂરતા હતા. સીધા મોં પર પડતાં હતાં. આંખો ઉઘડી. પરંતુ પથારીમાંથી બેઠા થવાની ઇચ્છા ન હોતી થતી. અને આમે ય સામાન્ય સંજોગોમાં ક્યાં આટલો આરામ મળવાનો હતો? જ્યારે આરામ જોઇતો હતો ત્યારે આરામ મળતો ન હતો અને આજે મળે છે ત્યારે જોઇતો નથી. ચારે તરફથી કહેવામાં આવે છે, “આરામ કરો!”

        ધીમે રહીને બેઠો થયો. બારીઓ ખોલી. વાતાવરણ કેટલું સુંદર હતું! બે પળ તો એ ખોવાઇ ગયો. પરંતુ તરત જ હતો ત્યાં પાછો આવી ગયો. નજર પાછળ ફેરવી પલંગ, બાજુમાં ટેબલ, રકાબી ઢાંકેલો પાણીનો ગ્લાસ, નાનું પીંજરૂ અને જીવનના જેવી જ અસ્તવસ્ત કમરાની હાલત…પ્રશ્ન ઊઠતો, “ક્યાં સુધી?” પરંતુ પુનઃશાંત થઇ જતો. કારણકે જવાબ ન હતો.

        બે ચાર આંટા મારીને પાછો પલંગમાં પડ્યો. ટેબલ પરથી નવલકથા ઉઠાવી પાનાં ફેરવીને પાછી મૂકી. વિચારો શરૂ થઇ ગયા. અત્યારે એ કોઇક ફિલોસોફરની અદાથી વિચારી રહ્યો હતો. માણસ શા માટે જીવનને આટલું બધું ચાહે છે? આ જગતમાં કેટલાય માણસો જન્મે છે અને મરી જાય છે. કોઇ સારું કામ કરે છે. કોઇ ખોટું, છતાંય મૃત્યુ પામે છે. મૃત્યુ પછીનું શું? સ્વર્ગ, નર્ક, કયામત કે મોક્ષ એ બધી કલ્પનાઓ છે. આવું સમજવા છતાં જીવવાની પ્રબળ ઇચ્છાનો શો અર્થ? ખરેખર મારે પણ જીવવાની આશા છોડી દેવી જોઇએ. જાણું છું કે જીવન હવે ટૂંકાઇ રહ્યું છે. મૃત્યુ બારણા ખખડાવે છે. ક્યાં સુધી હું એને બહાર ઊભું રાખી શકીશ? જિંદગીમાં હવે સુખ નથી કે મળવાનું ય નથી. એ જાણ્યા પછી તો ઓછામાં ઓછું સુખેથી મરી શકાય એટલી તો માનસિક તૈયારી કરવી જ જોઇએ.

        જીવનનો સઘળો વ્યવહાર આજે મહિનાઓથી ખોરવાઇ ગયો છે. બધા જ ડોક્ટરોએ આશા મૂકી દીધી ત્યારે આ સેનિટોરિયમ હાથમાં આવ્યું! વિચિત્ર છે. મરવા પડ્યો ત્યારે કહે છે સેનિટોરિયમમાં રહો. શાંતિ મળશે! આ દવાઓ, ઇંજેક્શન સાંજ સવારની તપાસ – શું ફાયદો? હું પણ જાણું છું અને આ ડોક્ટર પણ જાણે છે કે જિંદગી સાથે રમત રમી લીધી. મૃત્યુ સાથે આ રમત હવે લાંબુ ચાલવાની નથી. છતાં… શા માટે પોતાની જ જાતને છેતરવાની વ્યર્થ કોશિશો…! કદાચ જીવીશ તો પણ બે-પાંચ કે દસ વર્ષ, એક દિવસ તો મરવું જ પડશે ને? તો પછી શા માટે!! ના… ના… મારે હજુ થોડું જીવી લેવું જોઇએ. મારા જીવનની ભલે મારા માટે કોઇ કિંમત ન રહી હોય, કદાચ મારા જીવવાથી અન્યને લાભ થતો હોય તો … અન્યને? કોને? કોઇને નહીં. ઉલટાં સૌ મારે લીધે હેરાન થયા છે અને જીવીને પણ શું કરીશ? કેમ? જીવીશ તો ઘણાંને લાભ થશે. માને દીકરો પાછો મળશે. પત્નીને… અને બાળકોને જરા સારી રીતે ભણાવી શકીશ. ઘણા લાભ છે, હજુ મારે એક સારી એસ્ટેટ બંધાવી લેવી છે. ધંધો વિકસાવવાનો છે. પરદેશમાં પણ એનો વિકાસ કરવો છે. ઘણું …. ઘણું….. અરે! એ તો હું નહીં હોઉં તો પણ થઇ શકશે!

        જ્યારે ડોક્ટરે એને કહ્યું, ‘તમને ક્ષયની અસર છે.’ ત્યારે ધ્યાન ન આપ્યું. નહીં તો … નહીં તો… આજે મૃત્યુ આટલું નજીક કદાચ ન હોત! પણ હવે તો નજીક છે…અરે! ગઇકાલે સુધી તો જીવવાની પ્રબળ ઇચ્છા હતી. આજે એકાએક મૃત્યુ તરફ ઘસડાવવાથી શું મળશે? જવાબ હતો મૃત્યુ….!  પણ પછી આ બધાનું શું? આમ વિચારો જ વિચારો, મૃત્યુ, જીવન, જીવન, મૃત્યુ!

        લગભગ કલાકેક સુધી વિચારો કરતો રહ્યો. ડોક્ટર આવ્યા. ‘યુ સીમ ટુ બી બેટર ટુડે!” ડોક્ટરે હસતાં હસતાં કહ્યું. અને એનાથી અનાયાસ જ બોલાઇ ગયું. “રીયલી ડોક્ટર?” અને ફરી ગંભીર થઇ ગયો. ડોક્ટરે જરા વધુ ચીવટથી તપાસીને, જરા વિચારીને કહ્યું, “મને લાગે છે કે મૃત્યુ તમારી સાથે ઝઘડીને હારીને, થાકીને દૂર થઇ રહ્યું છે. એની વે, બપોરે એક્સ રે લઇશું!” કહીને ડોક્ટર જતા રહ્યા. એ થોડીવાર જોતો જ રહ્યો. કુદરતી રીતે ડોક્ટરે સ્પષ્ટ કહી દીધું હતું કે હવે જીવનની આશા નથી. મૃત્યુ આવે છે. બસ રાહ જુઓ! શું આ એ જ ડોક્ટર છે કે આજે મૃત્યુની હારના સમાચાર આપી રહ્યા છે? અને એ દિવસે મા-પત્ની કેટલું રડ્યાં હતાં જ્યારે એ લોકો આ સમાચાર સાંભળશે ત્યારે કેટલાં ખુશ થઇ જશે? અરે! બપોરનો એક્સ રે તો જોઇ લેવા દે!

        જો ખરેખર હું મૃત્યુના દ્વારેથી પાછો આવ્યો હોઉં કે મૃત્યુ મારા દ્વારેથી પાછું ગયું હોય તો પ્રશ્ન છે કે મને આ રીતે ત્યાંથી છોડાવનાર કોણ? જ્યારે મેં જીવવાની પ્રબળ ઇચ્છા સેવી… ત્યારે … ખેર! બપોર પછી વાત… આજે જ ઘેર ખબર આપું…ના…ના. ડોક્ટર કહેશે તો… ‘સરપ્રાઇઝ’ જઇ પહોંચીશ. વાહ! વાહ! હજુ તો પૂરી ખબર પણ નથી ને માની લીધું કે જીવી ગયો… ચૂપચાપ દવા પણ પી લીધી. જીવનની આશા બંધાઇ હતી ને!

        બપોર થઇ. એક્સ રે લઇ લીધો. રૂમમાં આવ્યો. બેઠો. નવલકથાનું એક ચેપ્ટર વાચ્યું. આંખ ઘેરાઇ. સૂઇ ગયો. સાંજે ડોક્ટરે જ ઊઠાડ્યો. ‘કોંગ્રેટસ! હવે ફક્ત એક જ અઠવાડિયું.’ અને એ ડોક્ટરને બાઝી પડ્યો. પછી તરત જ જાત સંભાળી અને બેસી ગયો. ડોક્ટર સાથે જરા બહાર નીકળ્યો. ડોક્ટરે કહ્યું, “કાલે જ તમારે ઘરે હું રૂબરૂ જઇશ” એણે તરતજ એમને રોકીને કહી દીધું, “નો ડોક્ટર આઇ શેલ ગીવ એ સરપ્રાઇઝ!”

        “અચ્છા! અચ્છા!” ડોક્ટરે હસીને કહ્યું. એણે ધીમે રહીને પૂછ્યું, “ડોક્ટર મને અહીંથી જવા ક્યારે દેશો?” ડોક્ટરે જરા વિચારીને કહ્યું, “પૂરી ખાતરી થયા વિના નહીં.”

        “તો પણ?”

        “વહેલામાં વહેલા પરમ દિવસે!”

        “પણ હા ડોક્ટર, તમને પૂરી ખાતરી ન થાય કે હું જીવવાનો છું ત્યાં સુધી મારા ઘરનાને કોઇને પણ કંઇ પણ કહેશો નહીં.

        રૂમમાં આવીને શાંતિથી બેઠો. ઘરથી સેનિટોરિયમ ઘણું દૂર હતું અને ખાસ કરીને સૌ અઠવાડિયામાં બે એક દિવસ આવી જતાં. એણે બીજે દિવસે ઘેર ખબર આપી કે ચાર દિવસ પછી બધાં આવજો. પલંગ પર પડ્યો અને ભવિષ્ય વિષે વિચારવા લાગ્યો. હવે માને પણ શાંતિ! પત્ની તો કેટલી ખુશ વિશે? બાળકનું ભવિષ્ય પણ સુધરી જશે. એસ્ટેટ બંધાવાશે. ધંધો વિકસસે, આવતા વર્ષે તો પરદેશ પણ જઇ અવાશે. પિતાજીની મિલકતનો ઘણો ઘણો સદુપયોગ થઇ શકશે. બધાં કેટલી વાર સુધી મારા ઉપર તરસ ખાશે? બસ… હવે ગણતરીના જ કલાકો… પછી એમના માથેથી સઘળી ચિંતા ઊતરી જશે. એ લોકો પણ કેવાં પ્રભુને પ્રાર્થના કરતાં હશે કે “હૈ પ્રભુ! બચાવી લે! અમારા માટે… એને બચાવી લે!” સૌને આનંદ થશે કે પ્રભુએ અમારું અંતે સાંભળ્યું ખરું!

        જતી વખતે એણે ડોક્ટરને પૂછ્યું, “ડોક્ટર, તમારી ટ્રીટમેન્ટ…” પણ એને વચ્ચેથી જ કાપીને ડોક્ટરે કહ્યું, “જુઓ! તમારે આટલી સૂચનાઓનું કડક પાલન કરવાનું છે અને સિક્સ મંથ્સ કંપલીટ રેસ્ટ!” એ એક મોટું કાગળિયું આપ્યું. પછી એણે કહ્યું, “ડોક્ટર! હું એમ કહેતો હતો કે તમારી ટ્રીટમેન્ટથી જ મને નવજીવન મળ્યું છે. હું તમારો…”

        “નો – નો, માય ડીયર ફ્રેન્ડ! નો!”

        “ડોક્ટર, એ સિવાય એવી બીજી કઇ શક્તિ છે કે જે મને મૃત્યુના મુખમાંથી પાછો લાવી શકે?”

        “તમારી જિજીવિષા!” તરત જ ડોક્ટરે કહ્યું. એ ઘેર આવવા નીકળ્યો. જાણે કે દુનિયા ભરનો આનંદ આજે એની આંખોમાં છલકાતો ન હોય! આવીને બારણે ઊભો બગીચામાં કામ કરતો માળી આંખો ફાડીને જોતો હતો. બારણું ઠોકવા જતો હતો પણ થયું લાવ બારીમાંથી જોઉં. એણે જોયું તો … મા – પત્ની – બાળકો સૌ કોઇ ભગવાન પાસે પ્રાર્થના કરતાં હતાં, “હે પ્રભુ! હવે વધુ ન રિબાવ! શા માટે તું ત્રાસ દે છે? થોડી દયા લાવ. એણે શું પાપ કર્યું છે કે તું એને આ સજા આપે છે? હવે તારે એને લઇ જ લેવો છે તો…! વાર ન કર. એનો પીડામાંથી છુટકારો કર!

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

1 comment

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: