‘દરિયો’ યાને સંવેદનાનો અરીસો.
કવિતા સાથેની ગાંઠ બહુ જૂની છે. લગભગ ૧૯૬૭થી કવિતા લખાતી હોવા છતાં કવિતાઓને પ્રસિદ્ધ કરવાનું ભાગ્યે જ મન થતું હતું. પત્રકારત્વ વ્યવસાય હોવાથી ક્યારેક અખબારો – સામાયિકોમાં કવિતા પ્રસિધ્ધ થઈ જતી હતી. છતાં મને હંમેશાં મારી કવિતાઓ મારા સંવેદનવિશ્વના અરીસા જેવી જ લાગી છે. ‘અમે એક દરિયો તમે એક દરિયો’ એટલે આવો અરીસો.
૧૯૬૮ના અરસામાં કાવ્ય સંગ્રહ પ્રસિદ્ધ કરવાનો વિચાર જાગ્યો. પરંતુ સંજોગોવશાત મુદ્રણાલયમાં જ તેની હસ્તપ્રત ખોવાઇ ગઇ. જે કવિતાઓની નકલ નહોતી એ બધી જ અનંતમાં ચાલી ગઇ. મને લાગે છે કે એ અનંતની જ હતી અને એથી અનંતમાં ચાલી ગઇ.
કવિતા તો અહીં છે, પરંતુ કવિ હોવાનો દાવો નથી. છતાં કવિતાના માધ્યમથી કવિ ગણાવાનો વાંધો પણ નથી. પત્રકારત્વ અને સાહિત્ય થકી શબ્દ સાથે પાકો અનુબંધ થયો છે. એથી કવિતા પણ મારા માટે શબ્દનો જ મુકામ છે.
કવિતા એ તો હ્રદયની ભૂમિમાં ઊગી નીકળતો એક કૂમળો છોડ છે. ભૂમિમાંથી ઊગી નીકળતા કેટલાક છોડ વૃક્ષ બની જાય છે અને કેટલાક માત્ર છોડ રહી જાય છે અને કેટલાક ઝાડી ઝાંખરાં તરીકે અસ્તિત્વ ટકાવી રાખે છે. પરંતુ ભૂમિને તો એ બધા સરખા જ વ્હાલા હોય છે.
ભૂમિ પર ઊગતા છોડનેય યોગ્ય હવામાન અને ખાતર પાણી જરુરી બને છે. મને અનેક તબક્કે રસિક કવિમિત્રો તરફથી મારા કવિતાના છોડવાઓ માટે આવું જ હવામાન પ્રાપ્ત થયું છે. કોલેજ કાળમાં સ્વ. પ્રા. એફ. એમ. બલ્લુવાલાની ઊर्दू-ફારસી અને ગઝલની દીક્ષા તથા પ્રા. ડૉ. પુષ્પાબહેન ભટ્ટ સાથેની કાવ્યમય આંતરક્રિયા હજુય એટલી જ તાજી છે. પત્રકારત્વની પ્રારંભની કારકિર્દીના સમયમાં મારા તંત્રી અને સંવેદનશીલ કવિ મુરબ્બી શ્રી વજ્ર માતરી, કવિ મિત્ર મુ. અઝીઝ કાદરી પત્રકાર અને કવિમિત્ર અમીન કુરેશી, સ્વ. શેખાદમ આબુવાલા, રતિલાલ જોગી, દેવહુમા, ધૂની માંડલિયા વગેરે અનેક મિત્રો યાદ આવે છે. કવિ મિત્ર માધવ રામાનુજ સાથે થયેલી કાવ્ય-ગોષ્ઠીઓ પણ એટલી જ તાજી છે. વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં પત્રકારત્વ ભણાવવા જતી વખતે એ કૉર્સના કો-ઓર્ડિનેટર અને કવિ મિત્ર ડૉ. ચીનુ મોદી સાથે પ્રવાસ દરમ્યાન થતી કાવ્યમય આંતરક્રિયાનો અનોખો સ્વાદ હજીય મમળાવ્યા કરું છું. આ સિવાય પણ મુરબ્બી કવિ મનહર મોદી, યૉસેફ મૅકવાન ખોવાઇ ગયેલા મિત્ર મહેશ પ્રજાપતિ અને સ્વ. ડૉ. મફત ઓઝા જેવા અનેક મિત્રો યાદ આવે છે.
કવિ મિત્ર માધવ રામાનુજે અત્યંત સાલસ ભાવે આ સંગ્રહ માટેની લાગણી વ્યક્ત કરી છે એ પોતે એક કવિતા છે.
મારાં લગભગ બધાં કાવ્યોની પ્રથમ વાચક અને ભાવક મારી પત્ની અને સખી શીતલ(સ્મિતા)ને યાદ કર્યા વિના રહેવાય એવું નથી. અનેક કાવ્યોની પ્રેરણા પણ એ જ છે.