પ્રિય દિવ્યેશ,
યાદ આવે છે ‘સમભાવ’ની ઓફિસમાં આપણે મળતા હતા એ…. કામનો થોડો ભાર રહેતો હતો પણ સમયની ચિંતા નહોતી…. હું લેખ આપવા આવતો હતો. ક્યારેક ત્યાં બેસીને પણ લખવું પડતું. પછી આપને વાતો કરતા. વાતોમાં ને વાતોમાં ચા ક્યારે પીવાઇ જતી એની ખબર રહેતી નહીં. ક્યારેક રજનીભાઇ આવીને બેસતા, ક્યારેક ધૂની અને જયેશ ગઢવી. પછી આપણી વચ્ચે કવિતા પણ વાતનો એક વિષય બનીને આવી જતી. યાદ છે ને?…..
એવા જ એક દિવસે તમે આ શેર સંભળાવ્યોઃ
એ ગલી સાંકડી છે જો જો જરા
પાંદડાં સૂતાં હશે, જાગી જશે!
સાંભળીને સ્તબ્ધ થઇ જવાયું. આ પંક્તિઓમાં એ સાંકડી ગલીનો સૂનકાર હલાવી મૂકે તવો હતો. એ ગલીની એકલતા વ્યક્ત કરતી પંક્તિઓ હ્રદયને સ્પર્શી ગઇ. નીરવતા પણ કેવી?…. ખરેલાં પાંદડાંને પણ જ્યાં ઊંઘ આવી જાય. બે જ પંક્તિમાં કંઇ કેટલુંય કહેવાયું હતું. એ જ ગઝલના અન્ય પણ શેર આજે મારી સામે છે.
છાપરે બેઠી હશે ઘાયલ પળો-
ઘા બધાં એકાંતના જાગી જશે!
ત્યારની તમારી રચનાઓમાં એકાંત ગમે ત્યાંથી આવી જતું હતું
જિંદગી એકાંતની છે હિમશીલા
મોતના કલરવ તણું તો કામ શું?
*****
આ જિંદગી એકાંતના કલશોરનું તોફાન છે
આગળ વધુ, પાછળ ફરું, સઘળું હવે વેરાન છે.
એકાંત, એકાંતનો કલશોર, એકાંતનું મૌન, અંતરમાં પડઘાતું રહેતું કોઇનું આગમન, આંખોમાં ઊભરાતાં રહેતાં કોઇની રાહ જોયાના ઝળઝળિયાં
થોભી જજો સૂનકારનાં પડઘા હવે સંભળાય છે.
કદાચ ત્યારે સૂનકારના પડઘા સાંભળવા જેટલાં આપણા કાન અને અંતર સાબૂત હતાં…..
હમણાં આપણે મળ્યા ત્યારે એ સમય વધુ તીવ્રતાથી યાદ આવી ગયો. ત્યારે કાન સાબૂત હતા. શ્રવણ આડે કોઇ અવરોધ નહોતા… ફૂલોના શ્વાસ કે નિશ્વાસ પણ સાંભળી શકાતા હતા. આજે?…
આજે કદાચ શ્રવણના મારગ અવરોધાયા છે…. પણ આશ્વાસન એટલું તો છે જ કે સંવેદનના મારગને કોઇ વિઘ્ન નડી શક્યું નથી. એનું સમગ્ર તંત્ર અકબંધ રહ્યું છે એનો આનંદ છે. મને વિશેષ આનંદ એ વાતનો છે કે એની સપાટી પર કવિતાની પગલી પડતી રહે છે. એક વિશેષ અનુભૂતિનો સ્પર્શ થાય છે તે છે વાસ્તવિકતાની એક વિશિષ્ટ અનુભૂતિનો….
પ્યાસની તસવીરમાં મૃગજલ ભળ્યું-
આંખની આંધી હવે શમશે નહીં.
***
મળે બે પળ
ચઢાવું વળ
સદા કિસ્મત
કરે છે છળ
***
જંગલ જેવા ચહેરા જોયા
સાંભળતા સૌ બહેરા જોયા.
વેદનાની અભિવ્યક્તિ પણ સહજ રીતે જ અહીં આલેખાઇ છે. પણ એ વેદના કેવળ વેદના નથી રહી. એક રીતે વેદનાનું સૌંદર્ય પ્રગટે છેઃ
ભીંતો ભૂંસતી જાય
તેં પાડેલી ભાત.
***
શ્વાસથી હાલ્યું કશુંક
નામ તારું દઇ દીધું.
***
એક આંસુમાં વહે છે રાત ને
સ્મિતની પળ પ્હોર જેવી હોય છે.
***
કોણ મારા જામમાં તરતું હતું
આ નશો એ શખ્સનો આભાર છે.
***
એકાંતનો આ ઓરડો
ને મૌન પાછું ધોધમાર.
ગઝલને વિધ વિધ રીતે તમે સજાવી છે. ટૂંકી બેતની ગઝલમાં પણ સારું પરિણામ લાવી શકાયું છે.
સંગ્રહ એના વાચકને ગઝલના અસલ મિજાજની માણ્યાનો અહેસાસ કરાવશે. અને મુખ્યત્વે તો વેદનાના એક આંતર પ્રવાહમાં તરબોળ કરાવશે….આપણે નિયમિત મળી શકતા હતા ત્યારે દુનિયાની વાતો ડહોળતા હતા. આજે આ સંગ્રહમાંથી થોડી અંતરની બાતમી પણ મળી… સ્વજનને ફરી વાર મળ્યાનો આનંદ મળ્યો—આપણી એ વીતેલી ક્ષણો…..‘ક્ષણોને ઝીલીને હું ખોબો ભરું’ એવું તમે કહ્યું ત્યારે થાય છે કે જે સર્જકની નસોમાં – નસોની ગુફામાં દરિયો વહેતો હોય એના ભીતરની સમૃદ્ધિનો પાર હોય જ નહીં. હા એ ખરું કે—
હલેસાં ન સમજ્યાં હજુ એટલું કે
અમે એક દરિયો તમે એક દરિયો….
દિવ્યેશ, મિત્ર, બસ વેદના અને સંવેદનાની આ યાત્રા અખંડ રહો… એ જ શુભેચ્છા…
માધવ રામાનુજ
દશેરા. તા. ૨૬-૧૦-૨૦૦૧
શબ્દમાં સંગ્રહિત શકિત અને તેની સાથે રહેલી સંમોહક રજૂઆત નો ભરપૂર આનદ લીધો.
LikeLike