કાલે જન્મ્યો ત્યારે રડવા સિવાય બીજું કાંઇ જ આવડતું ન હતું. આજે એમ લાગે છે કે કેટલું બધું આવડી ગયું છે! વિચારવાનું શીખ્યો એટલે ઘણું બધું આવડી ગયું – હું અજય મિત્ર – બંગાળ છોડીને અહીં આટલે બધે દૂર ગુજરાતમાં આવીને વસ્યો, હવે ફરીને ગુજરાત છોડીને અજય મિત્ર બંગાળ જવાનું વિચારે છે! ઘણીવાર એમ થાય છે કે પાછા બંગાળ જવું હતું તો ગુજરાતમાં શા માટે આવ્યો? તો પછી બંગાળ જવું જ નથી. બીજે ક્યાંક જતો રહું! બંગાળમાં હોઇશ તો ક્યારેક વળી ગામની હવા ખાવાનો વિચાર આવી જશે. ગામમાં જવાની જ ઇચ્છા નથી કેમ? મા-બાપ નથી. મા-બાપના છત્ર વિના બાળક જે થઇ જાય તે જ હું થઇ ગયો. જેમ આંખમાંથી પિયા વળી જાય અને ચોળાઇને દૂર થઇ જાય તેમ જ ગામમાં બધાની નજરમાંથી હું હડસેલાઇ ગયો. જો કે આજે હું એ નથી જે આજથી પાંચ વર્ષ પૂર્વે હતો. એક અજય મિત્ર ભૂંસાઇ ગયો અને બીજો અજય મિત્ર ઉપસી આવ્યો. પણ મારો અતીત, જેને હું ત્યાં જ સુવાડીને આવ્યો છું એ ફરીથી જાગી જશે, અને સૌને જગાડી દેશે. મારો ત્યાં સહેલાઇથી સમાવેશ નહીં થાય. એટલે ઇચ્છા થાય છે કે બંગાળ નહીં પણ બીજે ક્યાંક જતો રહું. અરે આવડી મોટી દુનિયા છે!
ગામ છોડ્યું, પ્રાંતો છોડ્યા, એની પાછળ હતાશા હતી. શું એ જ કારણથી હું ગુજરાત છોડવા નથી ઇચ્છતો! પણ એ તો એસ્કેપીઝમ છે, છટકવૃત્તિ છે. બંગાળમાંથી છટક્યો, ગુજરાતમાંથી છટકીશ? છટકીને જ્યાં જઇશ ત્યાં હતાશાને તો સાથે જ લેતો જઇશ ને? તો ચાલ્યા જ જવું છે!
અત્યારે તો અહીં ખુરશીમાં બેઠો છું. બધું જ બાંધી દીધું છે. બરાબર પાંચ વર્ષે ગુજરાતને ‘અલવિદા’ કહેવાની તૈયારીમાં છું. માત્ર એક જ ચીજ બાંધવાની બાકી છે – સામે ટાંગેલો મારો ફોટો – ફોટો મારો જ છે, એ ફોટામાં હું જ છું. છતાં મેં મારો ફોટો ઉતાર્યો નથી. છેલ્લા દસેક દિવસથી આઘોપાછો થાઉં છું એનું કારણ એ ફોટો જ છે. આમ તો એ ફોટામાં કશું જ નથી. છતાં એ ફોટા સાથે કેટલીક વસ્તુઓનું – અતીતનાં પડછાયાઓનું સાહચર્ય છે. થોડી થોડી વારે બધી જ શક્તિઓ એકઠી કરીને નિરાશા અને નિર્બળતાને ખંખેરી નાંખું છું. પરંતુ પડાછાયા યથાવત્ દેખાય છે, અજય મિત્ર એમાં ખોવાઇ જાય છે, અજય મિત્ર અજય મિત્રને શોધે છે, સાત – તાળી અને થપ્પો રમે છે, અજય મિત્ર અજય મિત્રથી જ હારી જાય છે.
કદાચ હતાશ થવા માટે જ અને હતાશ થઇને અહીંથી જવા માટે જ અહીં આવ્યો હતો. નહીં તો ગુજરાતમાં આવ્યો. . . અને આ ફોટો…. ક્લિક – થર્ડ વડે કલ્કીએ પહેલ વહેલો મારો ફોટો ખેંચ્યો. એને વળી શું ધૂન ચઢી કે એન્લાર્જ કરાવીને મઢાવીને મૂકી ગઇ. એણે જ અહીં એના જ હાથે ટાંગ્યો. કહેતી હતી કે અત્યારે અહીં તારો ફોટો છે, થોડા સમય પછી એની બાજુમાં જ મારો ફોટો હશે. અને અજય, એ ફોટો આ જ કેમેરા વડે તું પાડજે. એન્લાર્જ કરાવીશું – બરાબર ને? મને લાગે છે કે એ પહેલાં એણે કહેલો ફોટો, કલ્કીનો ફોટો આ ફોટાની અંદર સમાઇ ગયો, ખોવાઇ ગયો અથવા એકરૂપ થઇ ગયો કે પછી છૂટો પડીને નાસી ગયો. હવે હાથમાં જ નથી આવતો!
હું અજય મિત્ર અહીં આવ્યો ત્યારે માત્ર સેકંડરી પાસ હતો. થોડો સમય આમ તેમ કામ કરીને ટાઇપના ક્લાસ ભર્યા. ટાઇપના ક્લાસમાં જ કલ્કી સાથે ભેટો થઇ ગયો. આ તો ઔપચારિક મુલાકાત હતી. એ મુલાકાતો ઔપચારિક પરિચય સુધી જ રહી. એ પછી સ્ટેનો . . . સારી સર્વિસ… કલ્કી વધુ નિકટ આવી… ખોટું… હું કલ્કીની વધુ નજીક ગયો. જો કે કલ્કીને મેં ઘણીવાર સમજાવ્યું કે હું પરપ્રાંતી, નથી મારું અહીં કે ત્યાં કોઇ સગું-વ્હાલું, તું આમ. . . જવા દે એ વાત ! આગળ વિચારવાનો કંઇ જ અર્થ નથી. ટૂંકમાં એટલું જ કે કલ્કી અને અજય મિત્ર આજે રસ્તામાં ભૂલથી ભટકાય તો પણ અજનબીની જેમ રસ્તો પલટાઇ જાય છે!
જો કે આટલી નાની વાતથી કંઇ હતાશા વ્યાપી ન શકે. આ જ વસ્તુ મારી સામે જુદા જુદા સ્વરૂપમાં આવી. કલ્કી વારંવાર કહેતી કે બાપુજીને હું મનાવી શકીશ – એના આત્મવિશ્વાસની બાષ્પ કદાચ હજુ પણ હવામાં ગૂંગળાતી હશે. હું જ્યાં સર્વિસ કરતો હતો ત્યાં જ કલ્કીને સર્વિસ મળી. એ તો આરામથી ઓફિસે આવતી – જતી. પરંતુ મને . . . મેં દશ જ દિવસમાં એ સર્વિસ છોડી દીધી. બીજે ગયો તો ત્યાં એણે પાર્ટટાઇમ જોબ શરૂ કરી દીધી. એને જ્યારે જાણ થઇ કે ત્યાંથી પણ રાજીનામું આપી દીધું છે તો એ દિવસે સાંજે બસ-સ્ટેન્ડ પર આવીને કહેવા લાગી, “અજય, તું શા માટે મારાથી દૂર ભાગે છે? હું તારાથી નહીં, હું તો મારાથી જ દૂર ભાગું છું મેં કહ્યું. તો કહેવા લાગી, હું લાચાર છું, મજબૂર છું હું જાણું છું કે દોષિત છું, મેં તને અન્યાય કર્યો છે. ઓછામાં ઓછું તું મને માફ તો કર! હું તો ફક્ત તને સુખી જોવા જ ઇચ્છું છું. વાહ, રે વાહ, કલ્કી!
એ દિવસે છૂટા પડીને ઘેર આવ્યો. ત્યાં પાછી વિચારોમાં કલ્કી જ પછી પેલા ફોટા સામું…મને તો આજે જ ખબર પડી કે એ ફોટા પાછળ ચકલીઓએ માળો બાંધ્યો છે. મને વેન્ટીલેટર ખુલ્લું રાખવાની આદત છે એટલે ચકલીઓએ લાભ લીધો. ફોટો ત્યાંથી ખસેડી લેવાની ઇચ્છા થઇ. પરંતુ ચકલીઓએ ઇંડાં મૂક્યાં હતાં. એટલે ફોટો ન લીધો. ચકલીઓ હવે જગા બદલે તો ફોટાને પણ બદલું. જો કે ફોટાની જગ્યા બદલવા પાછળનું સ્પષ્ટ કંઇ પ્રયોજન જણાતું નથી. પણ પ્રબળ ઇચ્છા છે. . . ખેર, ચકલીઓ જગા છોડે એટલે વાત!
એ પછી બીજી સર્વિસ બદલી. થોડા દિવસ તો ઠંડા પાણીમાં વહી ગયાં એ પછી અમારા મેનેજરના લગ્નની કંકોત્રી મળી. એ જ સાંજે કલ્કી પણ ઘેર આવી. વાત શરૂ કરતાં પહેલાં રડવાનું શરૂ કર્યું. એ પણ લગ્નની કંકોત્રી જ લઇને આવી હતી. મેનેજરના લગ્ન કલ્કી સાથે – ના કલ્કીનાં લગ્ન મનેજર સાથે, મને કહેતી ગઇ કે લગ્નમાં જરૂર આવજે શા માટે? ઠરી ગયેલા કોલસા પર ફૂંકો મારીને રાખ ઉડાડવા!
આજે એનાં લગ્ન થયે બે મહિના વીતી ગયા, એ સર્વિસ તો છોડી દીધી. કેટલો બધો નિર્બળ છું. બધે જ ક્ષણોનું હતાશા સાથે સાહચર્ય છે. સામનો કરી શકતો નથી. પહેલાં પણ શક્તિ ન હતી. હવે તો લેશ પણ નથી. તૂટીને ટુકડા થઇ જઉં એ પહેલાં અહીંથી ચાલ્યા જવું જોઇએ. અહીં આવ્યો. ભાવનાનાં ભાન થયાં, ભાનમાં ઘેન ચડ્યું, ઘેનમાં તણાયો, ઘેનનું પૂર આવ્યું, તણાતો ગયો, કિનારો તો જડે જ ક્યાંથી? ટાપુ શોધી લેવો પડશે. ચકલીઓ એકવાર ઊડી ગઇ. ફરી બીજી આવી. નવા ઇંડાં મૂક્યા ફરીથી થોડા દિવસ રાહ જોઇ લેવાની ઇચ્છા થાય છે.
અત્યારે ખુરશીમાં બેઠો છું. સામે જ એ ફોટો છે, પાછળ માળો છે, એ ફોટાની નીચે લખવાની ઇચ્છા થાય છે. જન્મતારીખ – અવસાન તારીખ – – હા, જન્મતારીખ તો યાદ છે, પરંતુ મૃત્યુની તિથિઓ લખવા જેટલી એમાં જગા નથી. કેટલાં અવસાન? કેટલી તિથિઓ?
એકવાર સાફ કરતાં કરતાં કલ્કીથી ફોટો નીચે પડી ગયો હતો. સીધો જ પડ્યો. જો કાચ તૂટ્યો હોત તો અપશુકન થાત. પણ કલ્કી, ‘અપશુકન થાત’ એટલે થતાં બચી ગયા. ભવિષ્યમાં થવાની શક્યતા ખરીને? એ પછી એ કાંઇ જ ન બોલી. એણે જાતે જ ફોટો ટાંગ્યો હતો. ચકલી બહાર ગઇ. હમણાં પાછી આવશે એમ થાય છે કે પાછળથી આખો માળો ઊઠાવીને બીજે ક્યાંક ગોઠવી દઉં. પણ પછી થાય છે કે મારા ફોટા પાછળ છે ને? ભલે રહ્યો એની મેળે ચકલીઓ ઊડી જશે, પછી ફોટો લઇ લેવાશે.
મેં કોઇને જાણ કરી નથી કે હું બંગાળ પાછો જઇ રહ્યો છું. કલ્કી મને ફરી જુએ જ નહીં એવી મારી ઇચ્છા છે. એટલે જ અજય મિત્ર અહીંથી ચાલ્યો જાય છે. ચૂપચાપ ચાલ્યો જાય છે. અજય મિત્રને ઓછામાં ઓછા મિત્રો છે. અત્યારે તો અજય મિત્ર પોતાનો મિત્ર પણ નથી. પોતાને જ સહાય કરી શકતો નહી. અફસોસ, અજય મિત્ર, અફસોસ!
અત્યારે ખુરશી ઉપર બેઠો છું. સામે જ મારો ફોટો છે. ફોટો ઉતારીને બેગમાં મૂકી દઇશ, અને પછી અહીંથી ચાલ્યો જઇશ. પેલી પાછળની ચકલીઓ ઊડી જાય પછી ચાલ્યો જઇશ. હજુ તો માળો છે અને મને લાગે છે કે બે – ચાર દિવસ ચકલીઓ રહેશે. ચકલીઓ ઊડી જાય ત્યાં સુધી રાહ જોઇએ. પછી ચાલ્યો જઇશ, કારણકે હજુ તો એ માળો ત્યાં જ છે ફોટા પાછળ.
માળાના રૂપક દ્વારા ઘણું બધું કહી નાખ્યું.
LikeLike