Design a site like this with WordPress.com
Get started

૧૦ શૉર્ટ – કટ

અંધારી ગુફામાંથી બહાર આવ્યો ત્યારે થોડી વાર માટે તો આંખો પ્રકાશથી અંજાઈ ગઈ. આંખો અંધારાંથી ટેવાઈ ગઈ હતી ને! એટલે જ અંધારામાં બધું દેખાતું હતું અને અજવાળામાં અંધારાં આવતાં હતાં. થોડી વાર આંખો પટપટાવી ઉઘાડ-બંધ કરી, પોપચાં દબાવ્યાં અને ઊંડા શ્વાસ લીધા ત્યારે ધીમે ધીમે બધું દેખાવા લાગ્યું. ચારેકોર રસ્તા જ રસ્તા હતા. અડધોઅડધ રસ્તા રાજમાર્ગ જેવા દેખાતા હતા. ક્યાંક મરક્યુરી લાઈટો હતી તો ક્યાંક સોડિયમ લાઈટો હતી. એક રસ્તા પર વચ્ચે જાણે બગીચો હતો. બીજા એક રસ્તા પર ધૂળ ઉડતી હતી. થોડી વાર માણસો અને વાહનો દેખાયાં અને બોલવાના તથા ઘરઘરારીના જુદા જુદા અવાજો પણ સંભળાયા. એક રસ્તો જાણે કોઈક ફિલ્મનું ગીત ગાઈ રહ્યો હતો. થોડી વાર ત્યાં જ ઊભો રહીને કયા રસ્તે જવું એનો વિચાર કર્યો. પરંતુ મારે ખરેખર કયાં જવું છે એની જ મને ખબર નહોતી. સામે જ દેખાતો રસ્તો ક્યાં જતો હશે એનું અનુમાન કરી જોયું. પરંતુ આ આખી નવી ભૂગોળ હતી. રસ્તો ક્યાં જતો હશે અને કેટલો લાંબો હશે એનું અનુમાન કરવું અઘરું લાગ્યું. પછી થયું કે આવતા-જતા લોકોમાંથી કોઈકને પૂછી જોવું જોઈએ. પરંતુ અજાણ્યા માણસો પર વિશ્વાસ કેવી રીતે કરાય? કોઈક ભળતો જ રસ્તો બતાવી દે તો ક્યાંના ક્યાં પહોંચી જવાય!

        છેવટે ઝાઝું વિચાર્યા વિના સામે દેખાતા રસ્તા પર જ જવાનું નક્કી કર્યું. રસ્તો સાફ હતો રોડની વચ્ચે લાઈટો હતી. થોડીક ચાલુ હતી, થોડીક બંધ હતી. બહુ દૂર સુધી રસ્તો દેખાતો હતો. પગ ઉપાડ્યો ત્યાં જ વિચાર આવ્યો કે રસ્તો તો બરાબર છે, પરંતુ બહુ લાંબો છે, એના કરતાં કોઈક શૉર્ટ-કટ પસંદ કર્યો હોય તો કેવું? છેવટે બધા રસ્તા એક જ જગ્યાએ ભેગા થવાના છે ને! ઝટ પહોંચી જવાય તો એમાં ખોટું શું?

        આમ તેમ નજર કરી. જમણી બાજુ એક કાચો-પાકો રસ્તો દેખાયો. રસ્તો સાંકડો અને વાંકોચૂકો હતો. આગળ બહુ વળાંક આવતો હશે એવું લાગ્યું. શૉર્ટ-કટ તો એવો જ હોય એમ ધારીને એ રસ્તા પર ચાલતી પકડી. સહેજ જ આગળ જતાં જાણે અંધારું આવી ગયું. પહેલાં અંધારાની ટેવ હતી છતાં આ વખતે આંખો પહોળી કરીને ચાલવું પડ્યું. થોડા થોડા અંતરે લાઈટના થાંભલા હતા. પરંતુ બલ્બનો કોડિયા જેવો પ્રકાશ જામતો નહોતો. ધીમે ધીમે રસ્તો કપાતો જતો હતો.

        થોડે આગળ ગયા પછી વળાંક આવ્યો. વળતાંની સાથે જ ત્યાં કોઈક સરોવર હોય એવું દેખાયું. નજીક જઈને જોયું તો ખબર પડી કે આ તો એક મસમોટું ખાબોચિયું હતું. આખો રસ્તો જ ખાબોચિયું બની ગયો હતો. કિનારે લીલ જામી હતી. પાણીમાં સફેદ ફીણ તરતું હતું. ક્યાંક સાબુ અને સોડાની વાસ આવતી હતી. પાણીમાં સાવરણીના કૂચા, કાગળના ટુકડા, પ્લાસ્ટિકના ટુકડા અને ક્યાંક જુદા જુદા રંગો દેખાતા હતા. પગ બગડે નહીં એની કાળજી રાખવા છતાં પગ બગડતા હતા. જેમ તેમ કરીને ખાબોચિયાનો છેડો આવ્યો ત્યાં ડઝનબંધ ધોબીઓ કપડાં ધોતા દેખાયા. એમના પગ નીચેથી કપડાનો મેલ પાણીમાં ભળીને ચિત્રવિચિત્ર આકારો સર્જતો હતો. ધોબીઓ પથ્થર પર કપડાં પછાડતાં પછાડતાં હોકારા પાડતા હતા. એક ધોબી થોડી દૂર પાણીની વચ્ચે નહાતો હતો. એણે પોતડી પહેરી હતી, પણ ન પહેર્યા બરાબર હતી.

        ધોબીઘાટ પૂરો થયો અને એક નાનક્ડી વસાહત આવી. લાઈનબંધ ઝૂંપડાં અને ઇંટ-માટીનાં મકાનો એ વસાહતમાં હતા. રસ્તો વસાહતની વચ્ચેથી પસાર થતો હતો. રસ્તા પર પાણીના રેલા વહેતા હતા. એ પાણીમાં એંઠવાડથી માંડીને મળ-મૂત્ર અને મરઘીનાં પીંછાં પણ દેખાતાં હતાં. ક્યો સમય થયો હશે એ સમજાતું નહોતું. પણ એક ઝૂંપડાં આગળ એક સ્ત્રી ઘૂમટો તાણીને ઊભી ઊભી તુલસીને પાણી પાઈ રહી હતી. એક વૃદ્ધ જોરજોરથી ખાંસતો હતો અને એક નાગડૂંપૂગડૂં બાળક રડતું હતું. એના ચહેરા પર ઓઘરાળા હતા અને નાકમાંથી લીંટ લબડતું હતું.  એના પગ કાદવ જેવા પાણીમાં હતા. એક મકાન પાસે ચૂલો સળગતો હતો. એના પર દેગડી હતી અને ચૂલામાંથી ધુમાડો ચારે બાજુ ફેલાતો હતો. વાતાવરણમાં બધે જ ધુમાડાની વાસ પ્રસરી ગઈ હતી. એ ધુમાડો ચૂલામાં બળતા લાકડાનો નહીં, પણ લાકડામાં રહેલા ભેજનો હતો એવું તડ તડ અવાજ પરથી લાગતું હતું.

        વસાહત પૂરી થઈ ત્યાં એક વગડા જેવું ખુલ્લું મેદાન હતું. સહેજ પગ ખચકાયા, રસ્તો વગડામાંથી જ જતો હતો. પરંતુ એ રસ્તાની ધારે કેટલીક સ્ત્રીઓ ઘૂંટણ પર સાલ્લો ઢાંકીને ઊભા પગે બેઠી હતી. તેઓ હાજતે જવા જ બેઠી હશે એવું લાગ્યું. એમની આગળની બાજુએથી નીકળવા જતો હતો ત્યાં થયું કે પાછળની બાજુએથી જ નીકળવું જોઈએ. એમની નજીકથી પસાર થતાં ખૂબ દુર્ગંધ આવવા માંડી. ચાલવાનો અવાજ ન થાય તેની તકેદારી રાખવા છતાં સૂકા ઘાસ સાથે પગ અથડાવવાથી અવાજ થયો અને એક સ્ત્રી બેઠી હતી ત્યાં જ ઊભી થઈ ગઈ. એનો સાલ્લો અને ચણિયો ઘૂંટણભેર હતો. એ ઘૂરકિયાં કરીને મારી સામે જોઈ રહી. એક ક્ષણ મેં એની સામે જોયું અને પછી નીચું જોઈ ને ચાલવા માંડ્યું – સહેજ આગળ જઈ ને હળવેથી પાછળ જોયું તો એ સ્ત્રી પાછી મૂળ સ્થિતિમાં બેસી ગઈ હતી.

        અચાનક હવેલી જેવો એક દરવાજો દેખાયો. અહીં રસ્તો પૂરો થતો હશે કે કેમ એવી મૂંઝવણ થઈ. ત્યાં એક છોકરો બીડી પીતો પીતો ઊભો હતો. મેં એને કશું જ પૂછ્યું નહોતું, છતાં એણે બીડીનો લાંબો કશ ખેંચીને ધુમાડો નાકમાંથી તથા મોંમાંથી એક સાથે કાઢતાં કાઢતાં મને કહ્યું કે આ દરવાજામાંથી રસ્તો આગળ જાય છે. બીજો કોઈ રસ્તો દેખાતો નહોતો એટલે એની વાત માન્યા વિના છૂટકો પણ નહોતો.

        દરવાજાની અંદર પગ મૂકતાં જ સામે એક મંદિર દેખાયું. મંદિરમાં આરતી થઈ રહી હતી અને પંદર-વીસ ભક્તો આંખો મીંચીને આરતી ગાતા હતા. ઢોલ અને ઘંટ વાગતા હતા. અગરબત્તી અને ઘીના દીવાની સુગંધ આવતી હતી. મંદિર તો હતું, પરંતુ ક્યાંક આગળ રસ્તો દેખાતો નહોતો. આમ તેમ ફરીને મંદિરની પાછળ જોયું તો તારની વાડ કરેલી હતી. વાડમાં વચ્ચે એક છીંડું હતું. પરંતુ એ છીંડાંમાંથી કોઈ આવ-જા ન કરે એવા જ કોઈક હેતુથી ત્યાં સિમેન્ટના થોડાક પથ્થરો ગોઠવેલા હતા. એ બધા પથ્થરો કૂદીને જવાનો વિચાર કર્યો ત્યાં તો પથ્થરો પાસે જ એક વૃદ્ધાને ચૂલા પર રોટલો શેકતી જોઈ – એ વૃદ્ધાને જોતાં જ સહેજ ડર લાગ્યો. એનો ચહેરો રાક્ષસી અને વિકરાળ હતો. છૂટાવાળ એને વધુ બિહામણી બનાવતા હતા. એના દાંત બહાર આવી ગયા હતા. એણે કથ્થાઈ રંગનો સાલ્લો પહેર્યો હતો. એના ચહેરા અને હાથની ચામડી લટકી રહી હોય એવું લાગ્યું. એની ઉંમરનું અનુમાન કરવું અઘરું હતું, હશે કદાચ સો-બસો કે પાંચસો વર્ષ – કદાચ હજાર વર્ષ પણ હોય કે એથી વધારે પણ હોય.

        એ વૃદ્ધાને જોયા પછી પથ્થર કૂદીને જવાની હિંમત ના ચાલી. કદાચ એ વૃદ્ધાને આ વાત ખબર પડી ગઈ હોવી જોઈએ. પહેલાં તો એ ખડખડાટ હસી. પછી એકદમ મીઠાં અને મૄદુ અવાજે બોલી,

“ચૂલા પર પગ મૂકીને પથ્થર ઓળંગી જા, ઝટ કર. કોઈ આવે એ પહેલાં જલ્દી જતો રહે…” અચાનક એવું લાગ્યું કે એ વૃદ્ધાના ચહેરા પરની વિકરાળતા ગાયબ થઈ ગઈ હતી. એનું સ્વરૂપ પણ બદલાઈ ગયું હતું. જાણે કોઈક સોળ વરસની મુગ્ધા હોય એમ એ ખિલખિલાટ હસતી હતી. એની આંખોમાં એક સાથે વાત્સલ્ય અને વાસનાનો રણકાર સંભળાતો હતો. ઘડીક એને જોયા જ કરવાનું મન થયું તો ઘડીક વારમાં એનો ડર લાગ્યો. ઠેકડો મારીને સિમેન્ટના પથ્થરો પર ચડી ગયો. પરંતુ ત્યાં પગ લપસ્યો અને સિમેન્ટના ખરબચડા પથ્થરથી શરીર છોલાયું. પહેલાં ગલગલિયાં થયાં અને પછી બળતરાં થવા માંડી. પડખું ફેરવ્યું તો બીજી બાજુ ઊંડો ખાડો હતો. ખાડા તરફ જોયા કર્યું, કૂદી પડવું કે નહીં એ નક્કી થતું નહોતું. ખાડો ઊંડો હતો અને કૂદકો મારવા જતાં હાડકાં ભાંગે એવી શક્યતા હતી. પરંતુ હવે બીજો કોઈ ઈલાજ પણ નહોતો. એટલે છેવટે હવા પર લપસણી ખાઈએ એમ સરકવાનો નિર્ણય કર્યો.

        સરકવાની બહુ મજા આવી. ખાડો જાણે ઊંડો ને ઊંડો થતો જતો હોય અને પાતાળ સુધી પહોંચતો હોય એવું લાગ્યું. અચાનક ધબ્બ થઈને નીચે પડ્યો ત્યારે ખબર પડી કે ત્યાં એક વરંડો હતો. વરંડામાંથી એક ઘરનું બારણું દેખાતું હતું. અંદર ધૂંધળો પ્રકાશ હતો અને હસવાના તથા રડવાના મિશ્ર તથા ચિત્રવિચિત્ર અવાજો આવતા હતા. કોણ જાણે અંદર શું યે થતું હશે? અંદર જવાની હિંમત ના ચાલી. પરંતુ મારે તો બહુ દૂર જવું હતું. આ તો શોર્ટ-કટ હતો. શોર્ટ-કટ આવો હશે એની થોડી ખબર હતી? ધીમે રહીને પગ ઉપાડ્યા. પણ ત્યાં જ કોઈક બોલ્યું, “સાચવજે! એ બાઈ બહુ ખતરનાક છે. પીંખી નાખશે અને તારું હાડકું પણ નહીં હાથમાં આવે!” આમ તેમ ફરીને જોયું તો આજુ બાજુ કોઈ નહોતું. તો પછી એ કોણ બોલ્યું? હશે, જે હોય તે. આપણે શું લેવા દેવા?

        પરંતુ અંદર પગ મૂકતાં જ મોતિયા મરી ગયા. સામે એક જાડી વિરાટકાય સ્ત્રી ઉભી હતી. એનું માથું જ હાથીના માથા કરતાં મોટું હતું. એનું શરીર મારા કરતાં કદાચ પચીસ-પચાસ ગણું વિશાળ હતું. એના પેટ પરની ચામડી જાણે માખણનો લેપ કર્યો હોય એવી લાગતી હતી. એના દાંત જાણે મોતી પરોવ્યાં હોય એવા લાગતાં હતાં. એના હાથમાં રબારણ પહેરે એવા મજબૂત કડાં હતાં અને ગળામાં લાલચટક મંગળસૂત્ર હતું. કપાળ તો જાણે આકાશ જોઈ લો અને ચાંલ્લો એટલે ધગધગતો સૂરજ!

        ડર્યા વિના એની સામે ચાલવા માંડ્યું. મગર જેમ પૂંછડી પટકીને શિકાર પર ત્રાટકે એમ એ સ્ત્રી એક જોરદાર છલાંગ મારીને મારા પર પડી. મને મારા અસ્તિત્વનો પણ ખ્યાલ ન રહ્યો. મને લાગ્યું કે જાણે એનું વિરાટકાય શરીર રૂની ગાંસડી થઈ ગયું હતું અને હું એ ગાસડીમાં બંધ થઈ ગયો હતો. તો પણ મને શ્વાસ લેવામાં જરાય તકલીફ પડતી નહોતી. મારાથી મોટેથી બોલાઈ ગયું, “ઓ, મારી મા….” અને હું સીધો જ બહાર રસ્તા પર આવી ગયો. મને લાગ્યું કે શોર્ટ-કટનો છેડો આવી ગયો છે. પાછળ એ જ રસ્તો હતો જેના પર મારે આવવાનું હતું.

        પરંતુ આ શું? આગળ તો હજુ ય રસ્તા જ રસ્તા છે, પાછળ જવાને બદલે ધીમે ધીમે આગળ દેખાતા રસ્તા પર ચાલવા માંડ્યું. હજુ એ જ રસ્તા પર ચાલ્યા કરું છું. આજે નહીં તો કાલે, ક્યાંક પણ પહોંચીશ તો ખરો! અને કદાચ ના પણ પહોંચું!

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

5 comments

 1. લગભગ દરેક માણસના જીવનપથને તાદ્દશ કરતું રૂપક. સરળ ભાષા અને પ્રવાહી લેખન શૈલી. એવું લાગે કે આપણે પોતે આ રસ્તેથી પસાર થઈ રહ્યા છીએ.

  Like

  1. ખરેખર એક અદ્ભુત શબ્દચિત્ર ખડુંં થયું છે. એ જ આ વાર્તાની લાક્ષણિકતા છે.

   Like

 2. What a thrilling experience while reading the story” Short Cut” starting to end. A real parable reflecting thought processe of subconscious mind of every human being. We all begin the life with no clarity of our paths till the end of life. Entering in the jungle of worldly affairs not reaching any where and suddenly the ” END”.Beautifully narrated the story taking u step by step creating real pictures front of us , like a horror film. In fact author wants to say ” see the jungle of thoughts and dreams of our mind creating false image of life we live.A very highly intelligent ” Short Cut” undending story of a every human being wandering for the searching of a right path.What a contradictory my state of mind giving comments having jungle of thoughts flowing. Most eye opener ” Short Cut” story. In fact there is no ” Short Cut”.

  Like

  1. તમારું વિશ્લેષણ અદભુત અને મનોવૈજ્ઞાનિક હોય છે. તમે સાહિત્યના એક સાચા વિવેચક બની શકો તેમ છો. તમારા પ્રતિભાવો અમારા પ્રયાસો માટે પ્રાણવાયુ સમાન છે.

   Like

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: