સોન્યા એટલે પ્રોફેસર અરુણ શાહની ત્રીજા નંબરની દીકરી. અરૂણ શાહ મનોવિજ્ઞાનના પીઢ, અનુભવી અને વિદ્યાર્થી પ્રિય અધ્યાપક. આમ તો અરૂણની મોટી દીકરી છે પૂર્વી – બહુ હોશિયાર – ભણવામાં તેમજ ઘરકામમાં. વચેટ દીકરો કાનન ભણે છે, તેથી વધારે ચેસ અને બેડમિન્ટન રમે છે. પૂર્વી પંદરની, કાનન તેરનો અને સોન્યા દસની. એક એસ.એસ.સી.માં બીજો નવમામાં અને ત્રીજી છઠ્ઠામાં.
ત્રણેયની મા ગીતા – અરૂણના સુખદુઃખની સાક્ષી, સાથી અને ભલી ભોળી એટલામાં બધું આવી ગયું.
અરૂણ બાળમનોવિજ્ઞાન ભણાવે, બાળઉછેર – બાલ્યવસ્થાની સમસ્યાઓ, બાળકની શક્તિઓ, મર્યાદાઓ, અભિયોગ્યતાઓનો અભ્યાસ કરાવે પણ તે પોતાની દીકરી સોન્યાને સમજી શકતો નથી. તેના અંદાજે સોન્યાનો બુદ્ધિ આંક ( IQ) 130થી ઓછો ન હોય પણ તે ક્યારેય ભણવા બેસતી નથી.
એક વાર પૂછેઃ “આ સાલુ ભણવાનું કોણે બનાવ્યું?”
ઘરકામની પણ ભારે સુગાળવી, ન કપ રકાબી ધુએ ના કચરા-પોતા કરે. ગીતા ખૂબ અકળાય એટલે ઝૂડે.
અરૂણનો મનોવિજ્ઞાની આત્મા કકળી ઉઠેઃ “જરા સમજાવટથી બાળક સાથે કામ લેવું જોઈએ…”
એ વાક્ય પૂરું બોલી રહે તે પહેલાં જ ગીતા ફટાકડાની માફક ફૂટેઃ “આ આમ ને આમ માથે ચડી ગઈ છે. તમારે શું? છોકરીની માટી છે – પારકે ઘેર મોકલવાની છે – બધા મારો ફજેતો કરશે કે માએ છોકરીને કાંઈ શીખવ્યું છે કે નહીં?”
આમ તો કંઈ લાંબુ સંભાષણ ચાલે ત્યાં સુધીમાં સોન્યા ક્યારે અરૂણની સોડમાં લપાઈ જાય તેની અરૂણને પણ ખબર ન પડે. આ તો થઈ રોજની રામાયણ.
એક દિવસ અરૂણ કોલેજથી આવ્યો, ત્યારે ઘરમાં કોઈ ના મળે, પલંગમાં સોન્યા ટુવાલને સાડીની માફક વીંટીને ઓશીકાને અઢેલી આડી પડી હતી.
અરૂણને જોઈ પોતાના નાક પર આંગળી મૂકી ચૂપ રહેવા સૂચવ્યું.
આ બધું એટલું ગંભીરતાથી તેણે કર્યું કે અરૂણ તેની સૂચનાને તાબે થઈ ગયો.
પછી સોન્યા ધીમે શ્વાસે બોલીઃ “અવાજ ન કરશો મારો મુન્નો માંડ માંડ સૂતો છે.” બોલતી ગઈ અને તેના કાલ્પનિક મુન્નાને ધીમે ધીમે થાબડતી ગઈ.
તે વખતે ચહેરા પરના વાત્સલ્યના ભાવ – આંખોની ભીનાશ આ બધું અરૂણને કંઈક પરિચિત લાગ્યું. બાળચેષ્ટા ગણી તે વાતને તેને બહુ મહત્ત્વ ન આપ્યું.
પણ એક દિવસ તો તેણે હદ કરી.
ગીતા બજારમાં ગઈ હશે. પૂર્વી અને કાનન પણ ઘરમાં ન હતા અરૂણનુ માથું સાધારણ દુઃખતું હતું. શરીરે તપત પણ હતી. આંખો બળતી હતી. તેણે પલંગ પર લંબાવ્યું. અને સોન્યાને માથું દબાવવા કહ્યું. સોન્યા માથું દબાવવા લાગી. અરૂણે આંખો મીંચી. અરૂણને લાગ્યુઃ સોન્યા કંઈક બબડે છે. તેણે ધ્યાનપૂર્વક સાંભળ્યું.
સોન્યા બોલતી હતીઃ “બકા તને શું થાય છે, ભઈ! માથું ચડ્યું છે? તાવ આવ્યો છે? બકા, તું કેમ બોલતો નથી? દવાની ગોળી આપું?
અરૂણ સોન્યા તરફ તાકી રહ્યો. તે બીલકુલ ક્ષોભ વિના આ મતલબનું બોલી રહી હતી. એ જ વાત્સલ્ય એ જ આંખની ભીનાશ એ જ કરૂણતા – અરૂણને પોતાની માતા ચંપા યાદ આવી ગઈ.
અરૂણ ઊછર્યો તે પહેલા ચંપાએ ત્રણ બાળકો ગૂમાવ્યા હતાં. કંકર એટલા શંકર, બાધા-આખડી દોરાધાગા, વ્રત-તપ-કંઈ કરતા પણ આ સૂની ગોદ ભરાય છે. તે આશાએ ચંપા સઘળું કરી છૂટી હતી. અરૂણ ઊછર્યો અને પછીના બે બાળકો સુકેતુ અને પારૂલ પણ ઊછર્યા. આથી અરૂણને ચંપા કંકુપગલો કહેતી. ભલે ત્રણ બાળકો હતા પર અરૂણ તેનો પ્રાણવાયુ હતો. અરૂણ પછી જ્યારે સૂકેતુ જન્મ્યો ત્યારે પ્રસૂતિના ત્રણ દિવસ થયા હતા પણ અરૂણને ટાઈફોઈડ થયો છે, એ જાણી કાચા વાંસાએ જ ચંપા ઘેર આવી ગઈ હતી. અને વિધિની વિચિત્રતા કહો કે ગમે તેમ પણ ચંપાની એના પ્રત્યેની ચિંતા અને કાળજી જેટલા વધારે હતા તેમ અરૂણ છાશવારે માંદો જ પડી જતો. ક્યારેક વરાધ થઈ જાય, તો ક્યારેય ઊંટાટિંયુ થઈ જાય અને ચંપાનો જીવ તાળવે ચોંટી જાય. કંઈક અમંગળ થશે એમ કરી રડે, ઠાકોરજીની છબી પાસે ખોળો પાથરી કાકલુદી કરે. દિવસો સુધી નકોરડા ઉપવાસ ખેંચે અરૂણની તબિયતના વળતાં પાણી થાય ત્યારે જ અનાજનો દાણો મોંમાં મૂકે.
અરુણના પિતા મહેશચંદ્ર વીમા એજન્ટ અને જમીનદલાલ હતા. અરૂણ પ્રત્યે અનહદ પ્રેમ હતો પણ વાસ્તવવાદી હતા. ચંપાને કહેતાઃ “તારાં વધુ પડતાં લાડથી અરૂણ ક્યારે ય તગડો થવાનો નથી. એને ભોંય પથ્થર પર આળોટવા દે. કુદરતી જીવન જીવવા દે. બાળક છે, માંદુ પડે ને સાજું ય થાય. તું કંઈ નવાઈની મા નથી બની. આ સામે મજૂરના બાળકો જો. ટાઢ કે તાપ, વરસાદ કે ભેજમાં અર્ધનગ્ન ફરે છે – તો ય છે ને ગલગોટા જેવા. તમે તો બાળક જન્મે ત્યારથી મલ્ટીવિટામીનનાં ટીપાં – ગ્રાઈપ વોટરને કઈ જાતજાતનાં ઓસડિયાં પાવ છો પણ છે કાંઈ નૂર તમારા સંતાન પર?”
આ ભાષણની ચંપા પર કોઈ જ અસર થતી નહીં. ઉલટાનું કોઈ વાર કહી નાખતીઃ “આટલું બધું બોલતાં આવડે છે તો પ્રોફેસર થવું’તું ને? તો તમારા ભાષાના ત્રાસથી કમ સે કમ હું તો બચી જાત.”
મહેશચંદ્ર હસતા અને કહેતાઃ “હું તો પ્રોફેસર ન બન્યો પણ તારા લાડલાને પ્રોફેસર બનાવજે.”
અને મોં પર કંઈક અનેરા ભાવ લાવી અરૂણ તરફ તાકી ચંપા બોલતીઃ “ચોક્કસ બનશે. તમારો અરૂણ પ્રોફેસર.”
એક દિવસ ઘરમાં સહુ ગંભીર હતા. સગાસંબંધી પડોશીઓથી ઘર ભરાઈ ગયું હતું. સહુ ડોક્ટરની રાહ જોતા હતા. ચંપાની નાડીનું ઠેકાણું ન હતું. આંખો ફેરવી દીધી હતી. મહેશચંદ્ર સાવ લોચા જેવા થઈ સૂઝબૂઝ વગર ચંપા પાસે બેઠા હતા.
ડોક્ટર આવ્યા. ઈન્જેકશન આપ્યા. થોડીવારે નાડીનું ઠેકાણું પડ્યું. ચંપાએ આંખ ખોલી. સહુના જીવમાં જીવ આવ્યો. ધીમે ધીમે સૌ વિખરાયા.
અરૂણ, સુકેતુ અને પારુલ ઓશયાળા જેવા બેઠા હતા. ચંપાએ મહેશચંદ્રનો હાથ પોતાના બંને હાથમાં લઈ પંપાળ્યો. મહેશચંદ્રની આંખમાં અટકેલા અશ્રુ ડબડબ ચંપાના હાથ પર પડ્યાં.
તે બોલીઃ “આમ ઢીલા ઢફ થઈ જવાનું? કોણ માદું નથી પડતું? અને હું કાંઈ આજ મરી જવાની છું તે આમ રડો છો?”
ત્રણે છોકરા રડવા લાગ્યા. મહેશચંદ્રે ત્રણેયને પોતાની પાસે ખેંચ્યા. થોડીવાર ચુપકીદી છવાઈ ગઈ. થોડા જ વારમાં ડૂસકાં ભરતા સુકેતુ અને પારુલ ઢળી ગયાં. અરૂણ આંખો બંધ કરી જાગતો પડ્યો હતો.
મહેશચંદ્ર બોલ્યાઃ “આમ અધવચ્ચે દગો દેવો છે? મારો કાંઈ વિચાર કર્યો છે? આ ત્રણ ફૂલોનો વિચાર કર્યો છે?” બોલતા મહેશચંદ્રને ગળે ડૂમો બાઝી ગયો.
અરૂણે પોતાના હાથ પપ્પાને વીંટાળી ભરડો લીધો.
ચંપાએ ધીમેથી માથું ઊંચું કરી પતિના ખોળામાં ગોઠવ્યું બોલીઃ “જુઓ, હિંમત રાખો. ભગવાન કરશે અને મને કંઈ નહીં થાય. પણ નિયતિને કોઈ રોકી શક્યું છે? આમ મારી સામે જુઓ.”
મહેશચંદ્રએ ભીની આંખો ઠાકોરજીની છબી પરથી ઉઠાવી ચંપા પર સ્થિર કરી.
ચંપાએ હાથ ઊંચો કરી તેમની આંખો લૂછી અને બોલીઃ “મારે તમને બે ત્રણ વાતો કહેવી છે. તેને ટાળશો નહી. કદાચ મને કંઈ થાય તો… મને તો તમારામાં ગળા સુધી વિશ્વાસ છે કે તમે મારા છોકરાને દુઃખ નહીં પડવા દો. એથી બીજું વિચારું તો મારે નરકમાં જવાનો વારો આવે. પણ તમે રહ્યા ધંધાર્થી – આખો દિવસ બહાર ફરવાનું. ઘર સાચવનાર કોઈ વિશ્વાસુ માણસ ન હોય તો ઘરનું ગંગોળિયું થઈ જાય. તમે ખુશીથી બીજું લગ્ન કરજો અને પડતાં ઘરને બચાવી લેજો. મારી શુભેચ્છા છે. જ્યારે ત્યારે આ અરૂણિયાની ચિંતા હૈયું કોરી ખાય છે, સુકેતુ અને પારુલ તો દુનિયાને પહોંચી વળે છે પણ મારો અરૂણિયો લીલા ઝાડ નીચે ભૂખે મરે તેવો છે.” કહેતાં કહેતાં ચંપા ડૂસકાં લેવા લાગી.
વાતચીત દરમ્યાન અરૂણ બેઠો થઈ ગયો હતો. માની વાતો સાંભળી-તેના મુખ પરના ભાવ જોયા પણ માને રડતી જોઈ શક્યો નહીં. “મમ્મી ….” કહીને માનાં બદન પર ઢળી પડ્યો અને માનું પેટ પડખું સૂંઘવાં લાગ્યો.
ચંપા બોલીઃ “સાચું કહું – વૈકુંઠમાં મારો વાસ થશે ને તો ય મારા ઠાકોરજીના પગ પકડી ખોળો પાથરી કહીશઃ “મારા નાથ. મારું સઘળું પુણ્ય લઈ લો – પણ અમારા અરુણ પાસે મને મોકલી આપો. તેના વિના મને ક્યાંય જંપ નહીં વળે – ક્યાંય નહીં મળે – કહેતી તે શાંત થઈ ગઈ.
પછી તો જેમ બને છે તેમ બનતું ગયું.
એક દિવસ ચંપા ગઈ.
એક દિવસ મહેશચંદ્ર નવી લાવ્યા.
નવી ખાનદાન હતી, સમજુ હતી – તેણે છોકરાઓને ક્યારેય દુઃખી ન થવા દીધાં – પણ તે નવી હતી – ગમે તેવી સારી હતી – પણ ચંપા ન હતી.
એક દિવસ અરૂણ પ્રોફેસર થયો અને નોકરી અર્થે વતનથી દૂર એક નાના શહેરમાં તે ગોઠવાઈ ગયો. લગ્ન થયું વસ્તાર થયો.
એક ચલચિત્રની માફક પ્રોફેસર અરૂણ આ બધું નિહાળી રહ્યો હતો. અને તેની તંદ્રા તૂટીઃ હે મા…” એમ નિશ્વાસ નાખ્યો તો પડખામાં માથું દબાવતી સોન્યા જે ઢબી ગઈ હતી તે બોલી ઊઠીઃ “શું છે બકા?” કહીને ઊંઘમાં જ અરૂણને થપથપાવવા લાગી.
અરુણની તો બુદ્ધિ બહેર મારી ગઈ.
તે રાત્રે અરૂણ ઊંઘી ન શક્યો. તે ઊઠીને પોતાના અધ્યયન ખંડમાં ગયો. આરામખુરશીમાં પડ્યો. કંઈ ચેન ન પડ્યું. બેઠો થઈ ટેબલ નજીકની ખુરશીમાં ગોઠવાયો. ગડમથલ થવા લાગી.
શું સાચે જ સોન્યા મારી માનો પુનર્જન્મ છે? પણ તો મારા પિતાજીને જોઈને તેને ક્યારેય ભાવ બદલો થયો નથી… ‘દાદાજી, લોલીપોપ’ કહી અચૂક તેનો ટેક્સ લઈ લેતી હતી. તો શું તેનામાં રહેલા નૈસર્ગિક સુષુપ્ત વાત્સલ્યભાવનો આ આવિષ્કાર હશે? બાપ તરફ દીકરીને સ્વાભાવિક ખેંચાણ હોય. પૂર્વી આટલી મોટી થઈ તો ય કોઈ ન હોય તો મને વળગી ચાર પાંચ ચૂમીઓ લઈ લે છે. પણ આની ઘેલછા તો અકળ છે. પિતા તરફનું પુત્રીનું અતિ તાદાત્મ્ય (over identification) તેના લગ્નજીવનમાં જરૂર બાધા ઊભી કરે. હે પ્રભુ આ તો આશીર્વાદ હશે કે અભિશાપ?
આમ વિચારતો હતો ત્યાં કોઈના કોમળ હાથ તેના ગળે વીંટળાયા. તેણે જોયું તો સોન્યા હતી. ‘કેમ પપ્પા તબિયત સારી નથી? ઊંઘ નથી આવતી? પછી તબિયત બગડશે તો?’
‘તું કેમ ઊઠી ગઈ બેટા?’
“ના પપ્પા હું તો બાથરૂમ જવા ઊઠી હતી. તમને અહીં જોયા એટલે આવી. ચાલો, ઉઠો, સુઈ જાવ”
એક આજ્ઞાંકિત વ્યક્તિની માફક અરૂણ તેને અનુસર્યો.
જેમ દિવસ જાય એમ સોન્યા નવાં લક્ષણો શીખે છે. ઘરમાં એની વિરુદ્ધ ફરિયાદનો કોઈ પાર નથી. દરેક ઉપર ઉપરીના ટોનમાં જ વાત કરે છેઃ “એ ય કાનન, પેન્ટ બદલ્યા વગર જમવા બેસી ગયો, ચાલ બદલી લે.”
મમ્મી કહેતી, “એ ય ચાંપલી ચૂપ મર, તારાથી મોટો છે. જરા બોલતા શીખ. અને ગામની ચિંતા કર્યા વગર જરા ભણ તો અમારું મોં ઉજળું રહે. આ તો રીઝલ્ટ આવશે ત્રણ વિષયમાં નીચે લાલ લીટી. કહેવાય શું? પ્રોફેસરની દીકરી – વાહ! ભાઈ વાહ! અને વધામણી ખાતી આવશે – પપ્પા, પપ્પા હું તો ત્રણ વિષયમાં જ ફેઈલ થઈ પણ પેલી તો પાંચમાં.”
“‘સારુ તે બહુ – એમ આખો ઘડીએ બોલ બોલ નહીં કરવાનું વળી”, એમ બબડતી બબડતી સોન્યા ક્યાંય સરકી જશે કે બધું કામ પતી જશે ત્યારે માતાજી આવશે. ક્યારેક તો તેને કામ ચીંધ્યું હશે ત્યારે જ તે સંડાસ જશે અને તે જાય એટલે અડધો કલાક સાચો. બહાર ભલે ને બધા બબડતા. આ બગાડવાનું મૂળ તેના પપ્પા છે.
જો કે રેકોર્ડની બીજી બાજુ પણ છે.
અરૂણ જમવા બેસે ત્યારે સોન્યા નિયમિત અચૂક પૂછે, “પપ્પા ખાવાનું ભાવ્યું? તબિયત સારી છે ને? શાંતિથી જમજો.”
અરૂણ સોન્યા તરફ જોઈ માત્ર ડોકું હલાવી હકારમાં જવાબ આપતા. તેના ખ્યાલ બહાર ન હતું કે આ વખતે ગીતા અને પૂર્વી એકબીજા તરફ જોઈ સૂચક રીતે હસતા અને હોઠ મરડતાં.
અરૂણ કોલેજ જવા તૈયાર થાય એટલે સોન્યા પૂછેઃ ‘ચશ્મા લીધા? પેન લીધી? આ રૂમાલ તો રહી ગયો.’
અરૂણ હસતો, તેને તેડી એક બચ્ચી ભરતો પછી તે જવા પગ ઊપડે ત્યાં જ સોન્યા કહેઃ ઊભા રહો…’ અને વીજળી ઝડપે અંદર જાય અને ઠાકોરજીના ધૂપની વિભૂતી લાવી અરૂણના કપાળે અને ગાલે ચાંલ્લા કરે અને કહેઃ ‘મારા ઠાકોરજી તમારી રક્ષા કરે.’
આ ક્રમ નિત્યનો થઈ પડ્યો.
શરૂઆતમાં તો અરૂણ આ વિષે બહુ વિચારતો, પણ હવે તેણે તે છોડી દીધું છે.
આજે સોન્યાની ગ્રહદશા સારી ન હતી.
અરૂણ જમવા બેઠો. સોન્યા આવી. રોજની જેમ પૂછ્યું, “પપ્પા, ખાવાનું ભાવ્યું…”
અને કેરોસિનમાં ભડકો થાય તેમ અરૂણ તાડૂક્યો, “ખબરદાર જો મારી સાથે બોલી છે તો? તું તો મારી દુશ્મન થઈને આવી છું. મને તારા તરફથી જરાયનો જંપ નહીં. રોજની તારા તરફની રામાયણ. જા કહું છું – મારા નજરની સામે જતી રહે.” – કોઈ નશો ચડ્યો હોય તેમ તે બોલી ગયો.
ગુલાબનું તાજું – સુરભીભર્યુ – સુરખીભર્યું ફૂલ એકાએક કરમાઈ જાય તેમ સોન્યા ધોળી પૂણી જેવી થઈ ગઈ. તે અદ્રશ્ય થઈ ગઈ. અરુણ ધીમે ધીમે ઢીલો પડી ગયો. તેનાથી ખાસ ખવાયું નહીં. દેખાવ પૂરતું જમીને ઊભો થઈ ગયો.
યંત્રવત કપડાં પહેરી તે કોલેજ જવા તૈયાર થયો, પણ સોન્યા ક્યાં? તેણે બૂમો પાડીને ચશ્મા, પેન રૂમાલ ભેગાં કર્યાં. પણ ઠાકોરજીની ભસ્મ?
અરૂણ અકળ વેદનાથી પીડાવા લાગ્યો. તે કમ્પાઉન્ડ ઓળંગી સડક પર આવ્યો. સામે સોન્યા ઊભી હતી. તેના હાથમાં ઠાકોરજીની વિભૂતી હતી. તેનું મોં પડેલું હતું. તે બોલી ન શકી. અરુણ સાવ ભાંગી ગયો. સાંધામાં ઊભા રહેવા માટે કોઈ તાકાતનો તેને અભાવ લાગ્યો. તેને જાણે સઘળું વજન ગુમાવ્યું હોય તેમ લાગ્યું. મગજ-હૃદય બધું જ ઘડીભર બંધ થઈ જતું લાગ્યું. કોણ જાણે તેની કરોડરજ્જુ ખેંચાઈ ગઈ હોય અને મર્મસ્થળનો ઘા શું હોઈ શકે તેનો જાણે પ્રથમ અનુભવ થયો. રહી સહી તાકાત એકઠી કરી, તે દોડ્યો અને સોન્યાને ઊંચકી લીધી. ચૂમીઓથી નવડાવી દીધી અને બોલતો ગયો, ‘મને માફ કર મારી મા – મને માફ કર – હું તને ઓળખી શકતો નથી…’ કહી કેટલીક ક્ષણો સુધી ડૂસકાં ભરતો રહ્યો.
સોન્યા પપ્પાનાં આંસુ લૂછતી ગઈ. વિભૂતી લગાવી અને કહ્યું, “હવે કોઈ દિવસ મારી કીટ્ટા કરશો? તમારા વિના હું મરી જઈશ. ખબર છે?’
‘કદી નહીં કરું બેટા! કદી નહીં કરું—‘ કહી સોન્યાને નીચે ઉતારી
તે દિવસે સાંજે અચાનક સોન્યાએ પૂછ્યું, “પપ્પા, તમને સોન્યા નામ કેવી રીતે જડ્યું?’
‘એ તો બેટા એક રશિયન સામયિક….’
વાક્ય પુરું કરે તે પહેલા સોન્યા કહેઃ “પપ્પા, સોન્યા એટલે શું?”
અરૂણ હસ્યો – તેના ગાલ પર ટપલી મારી અને કહ્યું, “મારે મન સોન્યા એટલે ઉલઝન.”
આ સોન્યાને હું ઓળખું છું.. એકદમ રસાળ શૈલીમાં ભાવવાહી રજૂઆત. ખૂબ જ સરસ વાર્તા. 👌
LikeLike
પ્રિય પ્રીતિ,
તું સોન્યાને ન ઓળખે તો કોણ ઓળખે?
‘અણધારી મુલાકાત’માં વર્ષો પછી પણ એકબીજાને ઓળખી નાંખ્યા તે એકબીજામાં ઓતપ્રોત હતાં ત્યારે ને!!!!
આપણો તો એવો જ અહેસાસ – કેટલા જોજનો દૂર તો ય આપણો નીકટનો સહવાસ!!
ખૂબ ખૂબ આનંદ થયો. તારા બ્લોગમાં ડોકિયું કર્યું છે, હવે તેને ખૂંદી વળીશ. પ્રેમપૂર્વક, શીતલ
LikeLiked by 1 person
પ્રિય શીતલબેન,
આપણી આ અણધારી મુલાકાતથી અત્યંત આનંદ થયો. ખરી વાત તો મનથી મનના મેળાપની છે… યોજનોની દૂરી હૃદય ની નિકટતા મટાવી નથી શકતી… તમારી થોડી કવિતા અને વાર્તા વાંચી, ખૂબ ખૂબ સુંદર લખો છો તમે👍 keep it up… Love you and miss you guys 🤗
LikeLike
અતિ સંવેદનશીલ વાર્તા !!!!!!!!!
પિતા પુત્રીનો નિસ્વાર્થ અને અવિરત પ્રેમ……
LikeLike