ન્યૂયોર્કના એક થિયેટરમાં આવતીકાલથી નવી ફિલ્મ શરૂ થવાની હતી. તેની ટિકિટ લેવા માટે આજથી મોટી ‘ક્યુ’ લાગી હતી. કેટલાક તો રાતથી જ સૅંન્ડવિચીઝના પેકટ લઇ ‘ક્યુ’ માં ઊભા હતા. સિનેમાનો મેનેજર વ્યવસ્થા જોવા એક લટાર મારવા નીકળ્યો. ત્યાં તેની સામે જ એક વૃદ્ધ સ્ત્રી ‘ક્યુ’ માં ઢળી પડ્યા. કેટલાક કલાકો સુધી તડકામાં ઊભા ઊભા થાકી જવાથી તે ઘરડી સ્ત્રી પડી ગઇ. મેનેજર ત્યાં દોડી આવ્યો અને પોતાની કેબીનમાં તેમને લઈ ગયો. પેલી વૃદ્ધાને ભાન આવ્યું ત્યારે આંખો ખુલીને તેને જોયું કે મેનેજર તેને પંખો નાખતો હતો તેના કપાળ પર કોલોનનું પોતું મૂક્યું હતું.
વૃદ્ધા શરમાઇને કહેવા લાગી – “માફ કરજો સાહેબ તમને તકલીફ પડી, પાંચ કલાકથી ‘ક્યુ’ માં ઊભી હતી – ભૂખ અને થાકથી હુ ભોંય પર ઢળી પડી અને તમને આમ હેરાન કરવા પડ્યા.”
“શું તમને ફિલ્મ જોવાનો આટલો બધો શોખ છે?”
“ના ભાઇ! પણ આ ફિલ્મમાં કામ કરતા ક્લાર્ક ગેબલ જેવો જ મારો પુત્ર હતો તે અચાનક ગયા વર્ષે મૃત્યુ પામ્યો. ત્યારથી મારા એકના એક પુત્રની યાદ આપતા આ કલાર્ક ગેબલ એક્ટરની દરેક ફિલ્મ હું પહેલે જ દિવસે જોવાનો આગ્રહ રાખું છું.”
મેનેજરે વૃદ્ધાના થાકેલા ચહેરામાં માતાના પુત્રવિરહની વ્યથા કોતરાયેલી જોઇ. તેને વૃદ્ધ માતાની આંખનું છૂપું આંસુ લાખલાખ ફિલ્મ કથાઓ અને નવલકથાઓથી વધુ હૃદયસ્પર્શી અને વાસ્તવિક લાગ્યું.
મેનેજરે કહ્યું, “માજી તમારે જ્યારે જોઇએ ત્યારે કોમ્પ્લીમેન્ટ પાસ મોકલી દઈશ. હવે તમે આવી તકલીફ ન લેતા. તમારે દરેક નવી ફિલ્મ આવે એટલે મારી ઓફિસમાં આવી જવું. તમને પાસની પણ જરૂર નહીં રહે. તમારા માટે એક સીટ કાયમની રીઝર્વ્ડ રહેશે. તમારે ‘ક્યુ’માં પણ ઊભું રહેવું નહીં પડે અને પૈસા પણ ખર્ચવા નહીં પડે.”
એ પછી જ્યારે નવી ફિલ્મ આવે કે તે ડોશીને સારામાં સારા વર્ગની શ્રેષ્ઠ સીટ પર મેનેજર જાતે બેસાડી જઈ અને સેન્ડવિચીઝનું એક પેકેટ આપી જાય. ડોશી ઘણી વાર કહેતીઃ “બેટા તું મારા માટે કેટલું કરે છે? નથી હું તારી સગી, નથી તારા ગામની, નથી તું મારા વિશે કશું જાણતો, તો પણ તું મારી કેટલી કાળજી રાખે છે. મારો મૃત્યુ પામેલો પુત્ર હોત તો પણ તે કદાચ આટલી કાળજી ન રાખત.”
મેનેજર બોલ્યો, “માજી હું તમારા વિશે કશું જ જાણતો નથી. એ ખરું છે. પણ હું માત્ર એટલું જ જાણું છું કે તમારું કોઈ નથી. એકનો એક યુવાન પુત્ર તમને છોડી દુનિયામાંથી ચાલ્યો ગયો. જેનું કોઈ નથી તેને હું એકાદું નાનકડું સ્મિત આપી શકું તો કેવું સારું! આવી સાદી ભાવના પણ જો મારા મનમાં ન આવે તો પછી મને મનુષ્યજન્મ તો મળ્યો છે, પણ મનુષ્યત્ત્વ નથી મળ્યું તેમ જ માનવું રહ્યું. ને માજી હું ચર્ચમાં નથી જોતો પણ ધર્મનો સાર ઝીલ્યો છે, હું માનું છું કે આ વિશ્વમાં પરસ્પર પ્રેમ અને સહાનુભૂતિ ભર્યો સંબંધ સર્વ સાથે રાખવો તે આપણી પવિત્ર ફરજ છે અને આ પવિત્ર ફરજ જ ધર્મનું પ્રાણતત્ત્વ છે.”
તે વૃદ્ધાની આંખમાં આ વાત સાંભળી આંસુ આવી ગયા. છેલ્લા કેટલાક મહિનાથી વૃદ્ધા સિનેમા ઘર પર દેખાઈ ન હતી. મેનેજર તેનો વિચાર કરતો હતો ત્યાં એના હાથમાં એક ટપાલ આવી.
વ્હાલા મેનેજર સાહેબ,
હું છેલ્લા ત્રણેક માસથી બીમાર હોવાથી તમને મળી શકી નથી. પ્રથમ તો હું તમારો આભાર માનું છું. મારા એકલવાયા દુઃખી જીવનમાં હું જ્યારે બે ચાર રહી સહી સુખદ સ્મૃતિઓ શોધું છું ત્યારે મને તમે દેખાવો છો. મારા કેટલાક આનંદભર્યા કલાકો તમને આભારી છે. મેં તમને મારે ત્યાં ચાપાણી માટે કેટલી વાર નિમંત્રણ આપેલું પણ તમે ના આવ્યા. કદાચ મારી પર તમને દયા આવી હશે કે આ વૃદ્ધ સ્ત્રીને નાહકની ધમાલમાં પાડવી અને વ્યર્થ ખર્ચમાં ઉતારવી. ખેર હવે તમને નિમંત્રણ આપું તેવી કોઈ જ આશા નથી, કદાચ મારો પત્ર તમને મળે તેટલા કલાકો પણ હું જીવીશ નહીં.
તમે જે મારે માટે કર્યું છે તેનો બદલો ભાઈ, હું ક્યાંથી આપી શકું, નિસ્વાર્થ પ્રેમના તોલમાપ હીરામોતીથી થતાં નથી. પ્રેમભર્યા હૃદયની હુંફ અને સહાનુભૂતિના આંસુનુ મૂલ્ય કરવાની ધૃષ્ટતા હું નહીં કરું પણ મારી નાની શી આ ભેટ મોકલાવું છું તે સ્વીકારી ઉપકૃત કરશો.
આ સાથે મારું વસિયતનામું તમને મોકલાવું છું. મારા ૧૦ લાખ ડોલર (લગભગ સીત્તેર લાખ રૂપિયા)ના વારસ તરીકે તમને હું નમું છું. વસિયતનામામાં મારા વકીલની સહી પણ છે તેથી તેમોને તે રકમ લેવામાં કોઈ તકલીફ નહી પડે.
જીવનનું જે અમૂલ્ય ધન તમારા પ્રેમ અને સહાનુભૂતિના નિસ્વાર્થ કૃત્યથી અનુભવ્યું છે તેની પાસે મેં આપેલ રકમ નજીવી ધૂળ અને કાંકરા જેવી છે, તે સ્વીકારીને મને ઋણમુક્ત કરશો.
તમારી…… શુભચિંતક
(આભારઃ સાધના સામયિકમાં પ્રકાશિત કરાઇ હતી.)