Design a site like this with WordPress.com
Get started

૧૨. ત્યારે અને આજે

        દેવીદાનને સિત્તેર વર્ષ થવા આવ્યાં હતાં. ઘરનાં ઘી-દૂધ ખાઇને એમણે શરીર જાળવ્યું હતું. રોજ સવારે કલાકેક ચાલવા જતા. બાકીનો સમય પ્રભુ-ભક્તિમાં ગાળતા. સંસાર પ્રત્યે જાણે એમને વૈરાગ્ય આવી ગયો હતો. એમનો અવાજ સરસ હતો. રોજ સાંજે ભજન-મંડળી બેસતી અને દેવીદાન તરબોળ થઇને ભજનો ગાતા. ઘરમાં એમની કશી કચકચ નહોતી. ગામમાં બધા એમને આદર આપતા. મોટા ભાગના તો એમને ‘દેવી ભગત’ અથવા ‘ભગત’ કહીને જ સંબોધતા. ઘેર દસ-બાર ભેંસો હતી. દૂધનો સારો ધંધો હતો. ગામના બસ સ્ટેન્ડ પાસે એમણે કાચી દુકાન કરી હતી. ઠીક ઠીક સમય પોતે દુકાન ચલાવી હતી. એ પછી કાળ ક્રમે બસ સ્ટેન્ડની નજીક જ પાકી દુકાનો થઇ. દેવીદાને એમાંથી એક દુકાન ખરીદી. હવે તો એમની દુકાને દહીં, દૂધ, ઘી, માખણ, શીખંડ, બાસુદી વગેરે ચીજો પણ મળતી હતી. દેવીદાન જ્યાં સુધી દુકાન સંભાળતા હતા ત્યાં સુધી, દૂધ, દહીં અને ઘી જ વેચતા હતા. ઠીક ઠીક આવક થતી હતી અને સુખેથી રહેતા હતા.

        શંકરદાન એમનો એકનો એક દીકરો. શંકરદાન મોટો થયો એટલે ધીમે ધીમે એને ધંધે લગાડયો. થોડા સમય પછી એકદમ એમણે નિવૃત્તિ લઇ લીધી અને શંકરદાનને કામકાજ સોંપી દીધું. શંકરદાન સાહસિક હતો, વ્યવહારુ હતો અને તેજ બુદ્ધિનો હતો. એણે બીજી ત્રણ ભેંસો વસાવી અને ધંધાનો વિસ્તાર કર્યો. હવે દેવી ભગત ભાગ્યે જ દુકાને જતા. શંકરદાને જે રીતે ધંધો વિકસાવ્યો હતો અને ઘરમાં સમૃદ્ધિ આવી રહી હતી એ જોઇને ભગતને સંતોષ થતો હતો.

        એક દિવસ ભગતના પત્નીએ કહ્યું, “આજે શંકરનાં લગ્નને પાંચમું વરસ બેઠું. આજે એક દિવસ તો તમે દુકાન સંભાળો! છોકરાને છૂટો કરો.” શંકરદાનનાં લગ્નની આજે પાંચમી વર્ષગાંઠ હતી. કુટુંબ રૂઢિચુસ્ત હતું. પણ મા થોડી પ્રગતિશીલ હતી. એને એમ થયું કે આજે એક દિવસ તો વહુ દીકરો સાથે રહે. પરંતુ શંકરદાને આ વાત સાંભળી એટલે એણે કહ્યું, “આજે પાંચમી તારીખ છે ને, એટલે મારે દુકાને હાજર રહેવું જ પડે!” દેવીદાનને સમજાયું નહીં. પાંચમી તારીખને અને દુકાનને શું લેવા દેવા? છતાં પત્નીએ કહ્યું હતું એટલે દેવીદાન તો દુકાને જવા તૈયાર થઇ ગયા. શંકરદાને પણ બહુ આનાકાની કરી નહીં. એણે જતાં જતાં દેવીદાનને કહ્યું, “બાપુ, આજે શહેરમાંથી ફૂડ ઇન્સ્પેકટર અને હેડ કોન્સ્ટેબલ પ્રેમાભાઇ આવશે. મારે એમને પાંચસો રૂપિયા દેવાના છે. કશી માથાકૂટ કર્યા વિના એમને રૂપિયા આપી દેજો!”

        દેવીદાન તો દુકાને ગયા. બપોર પછી ઘરાકી મંદ હતી. એટલે એ તો એક ખૂણામાં આડા પડ્યા. થોડીવાર થઇ ત્યાં કોઇએ લાકડાના ટેબલ પર કશુંક પછાડીને અવાજ કર્યો. દેવીદાન જાગી ગયા. જોયું તો એક કોન્સ્ટેબલ ટેબલ પર ડંકો પછાડીને એમને બોલાવતો હતો. સાથે બીજા એક ભાઇ હતા. દેવીદાનને સમજતાં વાર ન લાગી કે આ કોન્સ્ટેબલ પ્રેમાભાઇ હતા અને એમની સામેવાળા ભાઇ ફૂડ ઇન્સ્પેક્ટર હતા. ભગતે ઉમળકાથી કહ્યું, “પ્રેમાભાઇ ને! આવો બેસો! મને શંકરે કહ્યું છે કે તમને પાંચસો રૂપિયા દેવાના છે. બેસો તો ખરા!” પ્રેમાભાઇએ દેવીદાનની આગતા સ્વાગતા પર ધ્યાન આપ્યા વિના તોછડાઇથી કહ્યું, “બેસવાનો ટાઇમ નથી. ઝટ કરો.” દેવીદાનને આ તોછડાઇ ગમી તો નહીં. પણ શંકરદાને કહ્યું હતુ કે કશી માથાકૂટ કર્યા વિના એમને રૂપિયા આપી દેજો. એટલે એમણે રૂપિયા ગણી આપ્યા. હેડ કોન્સ્ટેબલ પ્રેમાભાઇએ અને પેલા ફૂડ ઇન્સ્પેક્ટર તરત જ ત્યાંથી ચાલતી પકડી.

        દેવીદાન પાછા આડા પડવા જતા હતા. એમના મનમાં સવાલ હતો કે શંકરદાન શું કામ આવા લોકોનું દેવું માથા પર રાખતો હશે? આપણી પાસે ક્યાં પૈસાની ખોટ છે? તરત જ પૈસા ચૂકવી દેવા જોઇએ ને? પછી તરત જ એમના મનમાં સવાલ થયો. આ લોકો સાથે શેનો વહેવાર કર્યો હશે? શું સૂઝ્યું તે દેવીદાન આડે પડખે થવા જતા હતા એને બદલે બહાર દુકાનના ઓટલે આવીને ઊભા રહ્યા. એમણે જોયું તો હેડ કોન્સ્ટેબલ અને તેની સાથે આવેલો ફૂડ ઇન્સ્પેક્ટર લગભગ દરેક દુકાનેથી પૈસા ઉઘરાવતા હતા. દેવીદાન ધ્યાનથી જોઇ રહ્યા. એમને કશુંક અજુગતું લાગ્યું. દૂરથી એમણે જોયું તો કોન્સ્ટેબલનાં ખિસ્સા ફૂલતાં જતાં હતા. એ ઊંડા વિચારમાં પડી ગયા. જોતજોતાંમાં તો પેલા બન્ને જણા અદ્રશ્ય થઇ ગયા. દેવીદાન અંદર જવા જતા હતા, પરંતુ અટકી ગયા. એમનાથી ત્રીજી દુકાન ગૌરીશંકર કરિયાણાવાળાની હતી. એ ગૌરીશંકરની દુકાને ગયા. દેવીદાનને જોઇ ઊભા થયા અને ઘઉંની એક ગુણ પર કપડું મારી દેવીદાને આવકારતાં કહ્યું, “આવો, આવો ભગત ! આજે શંકરદાને રજા પાડી છે કાંઇ? બધું બરાબર તો છે ને?” ગૌરીશંકર શંકરદાન કરતાં પાંચ-સાત વર્ષ મોટો હશે.

        દેવીદાન કંઇ બોલ્યા નહીં. ઘઉંની ગુણ પર બેસતાં એમને એક ઊંડો નિસાસો નાખીને ઝીણી આંખો કરતાં ગૌરીશંકરને પૂછ્યું, “આ પેલા બે હપ્તો લેવા આવે છે કે શું?”

         “લે કર વાત, તમને ખબર જ નથી? દર મહિને પાંચસોનો આ બન્નેને બધા જ દુકાનદારોએ હપ્તો બાંધેલો છે. દર મહિને પાંચમીએ આવીને હપ્તો લઇ જાય છે. પછી આખો મહિનો શાંતિ!” ગૌરીશંકરે એકદમ સાહજિકતાથી કહ્યું.

        “પણ ગૌરીશંકર, તું કે શંકરદાન એવું તે શું ખોટું કરો છે કે તમારે દર મહિને આ રીતે લાંચનો હપ્તો આપવો પડે!”

        “આ તો ભગત એવું છે ને, હપ્તો બધે જ આપવો પડે છે. મારો અને શંકરદાનનો ધંધો ખાવા-પીવાની ચીજનો છે. અમે કશું ન કરીએ તો પણ ક્યારેક વસ્તુ બગડી જાય અને એ લોકો અમને  હેરાન કરી શકે. આ તો હેરાન ન કરે અને શાંતિથી ધંધો કરવા દે એટલે કૂતરાને રોટલો નાખવા જેવું છે……. બધા જ કરે છે!”

        ભગત બેચેન થઇ ગયા. એમના મનમાં તોફાન જાગ્યું પરંતુ એમના સ્વભાવ મુજબ એ કંઇ જ બોલ્યા નહીં. ચૂપચાપ બેસી રહ્યા. થોડીવાર એમને ખામોશ અને ક્યાંક ભૂતકાળમાં સરી ગયેલા જોઇને ગૌરીશંકરે હળવેકથી પૂછ્યું, “ભગત ક્યાં ખોવાઇ ગયા? પોલીસ અને સરકારી અધિકારીઓ તો પહેલે થી જ આવા છે. એમાં આશ્ચર્ય પામવા જેવું કે દુઃખી થયા જેવું કશું નથી.”

        “પણ મેં ધંધો કર્યો ત્યાં સુધી આવું કશું જ નહોતું…”

        “ભગત, તમે એ કેમ ભૂલી ગયા છો કે ત્યારે આ ગામ સાવ નાનું હતું. આખા દિવસમાં બે બસો આવતી હતી. એને બદલે હવે ૪૦ બસો આવે છે. ખોબા જેવડા આ ગામની વસ્તી કેટલી હતી અને આજે કેટલી છે? આજે તો આપણા ગામની નદી પર બંધ બંધાયો છે અને ગામની સીમમાં મોટા કારખાનાં પણ નંખાયાં છે. ભગત, તમે કોઇ દી ગામમાંથી કે ગામના પાદરથી જીપગાડીઓ ઘડબડાટી બોલાવતી જોઇ હતી?”

        ભગત એક ઊંડો શ્વાસ લઇને બોલ્યા. “ગૌરીશંકર, મેં જે જોયું છે એ તમે નથી જોયું… અને મેં આવું તો નથી જ જોયું. ક્યાં એ દિવસો……” ભગતનું ગળું જાણે રૂંધાતું હોય એમ એ અટકી ગયા.

        ગૌરીશંકરને જિજ્ઞાસા થઇ. એણે કહ્યું, “શું ભગત? કંઇક માંડીને વાત કરો તો ખબર પડે…”

        થોડીવાર દેવીદાન કંઈ જ બોલ્યા નહીં. ગૌરીશંકર એમની સામે પ્રશ્નસૂચક દ્રષ્ટિથી જોતા રહ્યા. છેવટે ભગત ઊંચે જોઇને બોલ્યા, “તું કહે છે ને કે પોલીસ અને સરકારી અધિકારીઓ તો પહેલેથી આવા…….પણ મારા જમાનામાં આવા નહોતા!”

        “શું વાત કરો છો ભગત! તમારે એ વખતે પનારો નહીં પડ્યો હોય એટલે…”

        “મારે કેવો પનારો પડ્યો હતો એ તારે સાંભળવું છે, તો સાંભળ…” કહીને દેવીદાન ભૂતકાળમાં સરી ગયા. એમના ચહેરા પર તેજ તો હતું જ. એ ઔર ઝગમગી ઊઠ્યું. એમણે બોલવાનું શરૂ કર્યું. “એ વખતે તું કહે એમ આ ગામ ખોબા જેવડું હતું. અહીં સવારે એક જ બસ આવતી હતી. આવી દુકાનો નહોતી કે બીજું કશું જ નહોતું. તારો કે શંકરદાનનો તો જનમ પણ નહોતો થયો.”

        “હું એ વખતે પોલીસની નોકરીમાં મુકાયો હતો. મારો રાત્રે રોડ પર પહેરો ભરવાનો હતો. શાંતિની નોકરી હતી. કોઇ કોઇ વાર ફોજદાર સાહેબ રાત્રે ઘોડા પર આવી જતા. મને બરાબર જાગતો જોઇને ખુશ થતા. હું સલામ ભરતો તે એ ઘણી વાર ઘોડા પર બેઠાં જ સલામનો જવાબ આપતા ખાસ કંઇ બોલતા નહીં.

        આમને આમ બે-અઢી વરસ વીતી ગયાં. એક દિવસ રાત્રે ફોજદાર સાહેબ આવ્યા અને મારી પાસે જ ઘોડો ઊભો રાખ્યો. મે સલામ ભરી તો એમણે જવાબ આપવાને બદલે સવાલ કર્યો. “ક્યા નામ હૈ તુમારા?” મે અદબથી જવાબ આપ્યો, “દેવીદાન.” એક-બે વાર એ મારું નામ બબડ્યા અને પછી કહ્યું, “હં તો ડેવી ડાન … તુમ કો કોઇ દૂસરા કામ દે દેં….” હું કંઇ બોલ્યો નહીં. એટલે એમણે કહ્યું, “ટુમ બોલતા ક્યું નહીં?” મેં નરમાશથી જવાબ આપ્યો, “જૈસે આપકી મરજી…. હમારા ગામ નજીક હૈ… તો યે બરાબર હૈ….”

        “અચ્છા…. અચ્છા… ટુમ યહીં રહો. લેકિન દેખો, અભી વોર ચાલુ હૈ… ઔર રેશનિંગ હૈ… યે અંદર કા રાસ્તા હૈ… તો કોઇ માલ કી હેરાફેરી ન કરે… તુમ બરાબર નજર રખના…” મેં પગ પછાડી અને ડોકું ઘુણાવ્યું. ફોજદાર સાહેબ ડોકું ઘુણાવીને ચાલ્યા ગયા.

        એ પછી ત્રણ-ચાર દિવસ વીત્યા હશે અને એક રાત્રે મેં રોડ પર દૂરથી એક ટ્રક આવતી જોઇ. આ રોડ પર રાત્રે ભાગ્યે જ કોઇની અવરજવર રહેતી. ટ્રક તો કદાચ પહેલી જ વાર હું જોઇ રહ્યો હતો. મને ફોજદાર સાહેબની વાત યાદ આવી. રેશનિંગ હૈ…. ય અંદર કા રસ્તા હૈ!… તો કોઇ માલ કી હેરાફેરી ના કરે.” મને બરાબર રસ્તાની વચ્ચે ઊભેલો જોઇને ટ્રક ઊભી રહી. અંદરથી આધેડ વયના દેખાતા ટોપીવાળા એક માણસે ડોકું કાઢીને પૂછ્યું, “અહીંથી શહેર કેટલું દૂર છે? અજવાળું થતાં પહેલાં પહોંચી જવાય કે નહીં? હું ઝીણી આંખો કરીને એને જોવા લાગ્યો. આ ટ્ર્ર્કને અજવાળું થતાં પહેલાં શહેર પહોંચવું હતું એ જાણીને મને જરા શંકા થઇ. હું ટ્રકના દરવાજા પાસે ગયો અને મારો ડંડૂકો બારણા પર હળવેથી પછાડી કહ્યું, “આ ટ્રકમાં શું ભર્યું છે?”

        “ખાસ કંઇ નથી. એ… તો….” પેલો માણસ જે રીતે થોથવાતો હતો એથી મને શંકા પડી ગઇ. મેં દરવાજો ખોલી નાંખ્યો અને એ માણસને તથા ડ્રાઇવરને નીચે ઊતરી જવા કહ્યું. બન્ને ખચકાતા ખચકાતા નીચે ઊતર્યા. પેલા આધેડ વયના માણસે એકદમ સફેદ ઉજળું ધોતિયું અને જભ્ભો પહેર્યા હતા. ગળામાં સોનાની ચેન હતી. જમણા હાથની આંગળીઓ પર સોનાની બે વીંટીઓ હતી. મેં કહ્યું, “અહીં જ ઊભા રહો. ટ્રકમાં શું છે એ મને જોવા દો.” મેં જોયું તો ટ્રકમાં અનાજ ભરેલું હતું. મેં પૂછ્યું, “ ક્યાં લઇ જાવ છો?” ડ્રાઇવર તરફ જોયું તો એણે કહ્યું, “મને કશી જ ખબર નથી. આ શેઠને ખબર છે.”

મેં પેલા શેઠ તરફ જોયું. શેઠ સહેજ પણ ખચકાટ વિના મારી પાસે આવ્યો અને મારા ખભે હાથ મૂકી સહેજ બાજુ પર આવ્યો. રાતના સન્નાટામાં કોઇ અમારી વાત સાંભળે તેમ નહોતું. છતાં શેઠે મને કાનમાં કહેતા હોય એમ કહ્યું, “ટ્રકમાં અનાજ છે. રેશનિંગ છે ને! પરપ્રાંતમાંથી આવ્યું છે. છેક આગળ ચેક-પોસ્ટ વટાવીને અહીં આવ્યો છું. બોલો કેટલા પૈસા આપું?” એમ કહી એણે જભ્ભાના ખિસ્સામાંથી કડકડતી નોટોનું બંડલ કાઢ્યું અને મને લલચાવતો હોય એમ બોલ્યો, “પોલીસની નોકરીમાં શું મળે? આ પૈસા લઇ લો અને મને જવા દો. માલામાલ થઇ જશો!” હું થોડીક વાર એ નોટો સામે જોઇ રહ્યો. પછી મને ગુસ્સો આવ્યો તો મેં એની ફેંટ પકડી. એનો ઇસ્ત્રીવાળો જભ્ભો ચોળાઇ ગયો. મેં એને ગાળ દીધી અને કહ્યું, “પૈસાની લાલચ બતાવે છે સાલા, ચલ, મારી સાથે” કહીને મેં એને હળવો ધક્કો માર્યો. એ અને ડ્રાઇવર ટ્રકમાં બેઠા. હું પણ સાથે ગયો. ડ્રાઇવરને મેં ટ્રક ચલાવવા કહ્યું. થોડેક આગળ ગયા ત્યાં સુધી કોઇ કંઇ બોલ્યું નહીં. પછી પેલા શેઠે મને કહ્યું, “ક્યાં લઇ જાવ છો?”

        મેં કહ્યું, “પોલીસ સ્ટેશને! મોટા સાહેબ પાસે!”

        તરત જ એણે ડ્રાઇવરને ટ્રક ઊભી રાખવા ઇશારો કર્યો. એણે ટ્રક ઊભી રાખી એટલે પેલા શેઠે મને કહ્યું, “ત્યાં લઇ જશો તો મારો બધો જ માલ જપ્ત થઇ જશે. અને મારે જેલમાં જવું પડશે. હું અહીંથી જ પાછો જાઉં છું. આ પાંચસો રૂપિયા રાખી લો.” મેં એને બોચીમાંથી ઝાલ્યો અને એક થપ્પડ મારી દીધી. છતાં એણે હિંમત કરીને કહ્યું, “પાંચસો ને બદલે હજાર આપું. મને જવા દો”. એમ કહી એ હાથ જોડવા લાગ્યો. મને ખૂબ ગુસ્સો આવ્યો. મે દાંત કચકચાવી કહ્યું, “હવે જો એક અક્ષર પણ બોલીશ તો જાનથી મારી નાંખીશ અને તારી લાશ રસ્તા પર ફેંકી દઇશ.” પછી એ ચૂપ થઇ ગયો. ડ્રાઇવર તો પહેલેથી જ ચૂપ હતો.

        મળસ્કું થતાં પહેલાં ટ્રક પોલીસ સ્ટેશને પહોંચી ગઇ. પોલીસ સ્ટેશનમાંથી બે કોન્સ્ટેબલો બહાર આવ્યા. પેલા બન્નેને મેં નીચે ઉતરવા કહ્યું. બન્ને નીચે ઊતર્યા એટલે મેં બે કોન્સ્ટેબલોને કહ્યું, “આ બન્ને માલની હેરાફેરી કરતા હતા અને મને મોટી લાંચ આપતા હતા. બન્નેને પકડીને સાહેબ પાસે રજૂ કરવાના છે. કોન્સ્ટેબલો બન્નેને પકડીને અંદર લઇ ગયા. એક કોન્સ્ટેબલ ઇન્સ્પેક્ટર સાહેબને બોલાવવા માટે પાછળ બંગલામાં ગયો. પેલો શેઠ ખુરશી પર બેઠો. હું એની સામે તાકીને જોતો હતો. એ મારી સામે જોઇને મૂછમાં હસતો હતો અને એથી મને વધારે ક્રોધ આવતો હતો.

        થોડીવારમાં ઇન્સ્પેકટર સાહેબ આવ્યા. એ એકદમ તાજા અને સ્ફૂર્તિલા દેખાતા હતા. આવીને એ સીધા જ પોતાની ખુરશી પર બેઠા. સામે પેલા શેઠને બેઠેલા જોઇ સહેજ વાર ઇન્સ્પેક્ટર સાહેબ એમને જોઇ રહ્યા. પછી એકદમ ઊભા થઇ ગયા અને પગ પછાડવા જતા હતા ત્યાં જ પેલા શેઠે હાથ વડે ઇન્સ્પેક્ટરને બેસી જવા ઇશારો કર્યો. ઇન્સ્પેક્ટર બેસી ગયા. મને મનમાં એકાએક ઇન્સ્પેક્ટર માટે પણ ઘૃણા થઇ. એક માલદાર શેઠની આવી ગુલામી! આ શું ન્યાય કરશે?

        ઇન્સ્પેક્ટરે મારી સામે જોયું. મેં પગ પછાડી એમને સલામ કરી અને કહ્યું, “સાહેબ, આ ચોર માણસ અનાજની હેરાફેરી કરતાં પકડાયો છે. પાછો મને પાંચસો અને હજાર રૂપિયાની લાંચ આપતો હતો અને કહેતો હતો કે મને જવા દો, સાહેબ એને માફ ના કરશો. એને પૂરી દો. નહિતર …” અને હું અટકી ગયો.

          પેલા શેઠે આંખો ઝીણી કરીને મારા તરફ જોતાં કહ્યું, “નહિતર શું કરશો?

          મને એકદમ ગુસ્સો આવી ગયો. મેં કહ્યું, “તારા જેવા નપાવટ, નાલાયક, દેશદ્રોહી, લંપટ અને નીચ માણસને સજા ન થાય તો હું પોલીસની નોકરી જ છોડી દઉં. મારે ઘેર ખાવાની કમી નથી. સમજ્યો!” હું રીતસર બરાડ્યો.

        ઇન્સ્પેક્ટર ઊભા થયા. મારી પાસે આવ્યા અને મારા ખભે હાથ મૂકીને બોલ્યા, “આ તું જેમને ગાળો આપે છે અને તુંકારો કરે છે એ કોણ છે ખબર છે તને?

        મેં કહ્યું, “એ જે હોય તે મારે શું? મારે મન તો એ ચોર, દુષ્ટ વેપારી જ છે અને એને સાહેબ. ખૂબ સજા કરો!”

        પેલા વેપારીએ ઇન્સ્પેક્ટરને પૂછ્યું, “આનું નામ શું છે?” ઇન્સ્પેક્ટરે મારી સામે જોઇને કહ્યું, “દેવીદાન! જોયું ને સાહેબ, પ્રામાણિકતા એ આનું નામ! એમ કહીને ઇન્સ્પેક્ટરે રીતસર એને સલામ ભરી. એ હળવે રહીને ઊભો થયો અને ઇન્સ્પેક્ટરની ખુરશીમાં બેઠો. એની સામેની ખુરશીમાં ઇન્સ્પેક્ટર બેઠો. હું બાજુમાં ઊભો હતો. ઇન્સ્પેક્ટરે મારી તરફ ફરીને કહ્યું, “એ આપણા ડી.એસ.પી. ભટ્ટ સાહેબ છે. પોલીસ કર્મચારીઓ કેવા શુધ્ધ અને પ્રામાણિક છે એની ખાતરી કરવા નીકળ્યા હતા. હજુ સુધી એમને એક પણ અપ્રમાણિક અને ભ્રષ્ટ પોલીસ કર્મચારી મળ્યો નથી.

        હું તો અવાક્ જ થઇ ગયો. એટલામાં તોતડું હિન્દી બોલતો નેપાળી ફોજદાર ત્યાં આવી ગયો. એણે પણ ડી.એસ.પી.ને સહેજ ધ્યાનથી જોઇને પછી એમને સલામ કરી. મને જોતાં જ એ બોલી ઊઠ્યો, “અરે ડેવી ડાન, ટુમ ઇધર? ઇન્સ્પેક્ટરે એને બધી જ વાત કરી. એટલે એણે મને કહ્યું, “ડેવી ડાન, ટુમને શાબ કો ગાલી દિયા, અબ માંફી માગ.”

        ડી.એસ.પી.એ કહ્યું, “એની કંઇ જરૂર નથી. એ માણસ સાચો જ છે. એને તો ઇનામ મળવું જોઇએ.”

           મને મનમાં બહુ દુઃખ થયું. મેં તો ડી.એસ.પી. સાહેબને કદી જોયા જ નહોતા. પણ મેં એમને ગાળો દીધી હતી અને માર્યા પણ હતા. મને એમની સામે જોતાં જ હવે શરમ આવતી હતી. મેં મનોમન નક્કી કરી લીધું કે હવે આ નોકરી કરવી નથી. મેં તરત જ મારાં બક્કલ-બિલ્લા અને પટ્ટો કાઢીને ટેબલ પર મૂકી દીધો. ડી.એસ.પી.ને પગે લાગી માફી માંગી. ડી.એસ.પી.એ ઊભા થઇને મને આશ્વાસન આપતાં કહ્યું, “છોકરા, તારો કોઇ વાંક નથી. તેં જે કર્યું છે એ બરાબર જ છે. મને તારું ગૌરવ છે.”

        મે કહ્યું, “સાહેબ, આપ તો મારા બાપની ઉંમરના છો. વળી પાછા બ્રાહ્મણ દેવતા. તમને ગંદી ગાળો આપીને અને તમારા પર હાથ ઉપાડીને હું નર્કમાં જ જાઉં. એક પાપ તો મેં કર્યું જ છે, હવે બીજું નથી કરવું!”  મારી આંખે ઝળઝળિયાં આવી ગયાં. એમણે મને નોકરી નહીં છોડવા બહુ સમજાવ્યો. પણ મેં મારો નિર્ણય બદલ્યો નહીં. હું નોકરી છોડીને આવતો રહ્યો અને નવેસરથી જિંદગી શરૂ કરી.

        દેવીદાન સહેજ અટક્યા. ગૌરીશંકર કંઇ બોલી શક્યો નહીં. દેવીદાને હળવે રહીને કહ્યું, “મેં મારી આખી જિંદગીમાં ભ્રષ્ટાચાર કર્યો નથી. એટલે જ આજે આવું જોઇને જીવ બળે છે. ત્યારે આપણે કેવા હતા અને આજે કેવા થઇ ગયા છીએ!”

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: