૧. સલાહ અને વાસ્તવિક્તા
ભાઇ ચતુરનો મિત્ર ભીખો, ઘણો હોશિયાર, ગામનાં દરેક પરણવા લાયક છોકરા તેની પાસે સલાહ લેવા જાય, કે છોકરી પસંદ કેવી કરવી? અને તેમાં શું ધ્યાન રાખવાનું? કેવા ગુણ વાળી? છોકરીનો ઇન્ટરવ્યુ લેવા જઇએ ત્યારે કેવા પ્રશ્નો પૂછવા? વગેરે, વગેરે…
આટલે સુધી તો બધું બરાબર ચાલતું હતું પણ જેવા ભીખાના લગ્ન થયા કે એમણે આ સલાહ આપવાનો ધંધો બંધ કરી દીધો. જ્યારે જુઓ ત્યારે ખોવાયેલા અને ગુમસુમ રહેતા. બધાને કાંઇ ખબર ન પડી કે મામલો શું છે?
આમ ને આમ થોડા વર્ષો વીતી ગયા, તેમના પત્નીની તબિયત એવી લથડી કે, થોડાક દિવસોમાં તેણે આ દુનિયાને વિદાય લઇ લીધી..
જ્યારે ભીખો પત્નીની અંતિમ વિધિ પતાવીને સ્મશાનેથી ઘરે પાછો ફરતો હતો. ત્યાં જ જોરથી વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા, આકાશ જોર જોરથી ગાજવા લાગ્યું, ધ્રૂજવા લાગ્યું, સાંબેલાધાર વરસાદ શરૂ થઇ ગયો.
એ જોઇને ભીખો બોલ્યો, “હં, નક્કી, હવે બધું બરાબર, ચોક્કસ ઉપર પહોંચી ગઇ છે. હાશ! હવે ઘરમાં શાંતિ થશે.”
એટલે બધાને સમજાયું કે, એણે શા માટે સલાહ આપવાનું બંધ કરી દીધું હતું.
સ્મશાનેથી ઘરે આવ્યા. બધા બેઠા હતા, એટલામાં ભીખો પોક મૂકીને રડવા લાગ્યો. ચતુરે તેની પાસે જઇને કાનમાં પુછ્યું , “હવે શું કામ રડે છે? થોડી હિંમત રાખ!. તારા માટે પાણી લઇ આવું.”
રાડ પાડતા ભીખો બોલ્યો, “ના, ના, જલ્દી લેપટોપ આપ, ફેસબુકમાંથી સ્ટેટસ સિંગલ કરવું છે.”
૨. જેવા સાથે તેવા
ચતુરનો બીજો મિત્ર બાઘો. એ બિહાર રહેતો હતો. ઘણાં સમય પહેલાંની વાત છે. બિહારની સરકારે પાંચ છોકરાવાળા ફેમિલિને કુટુંબ દીઠ ૨૫,૦૦૦/= આપવાની જાહેરાત કરી.
બાઘાને ચાર છોકરા હતા. હવે તેને સરકારી યોજનાનો લાભ લેવા માટે ખૂબ વિચારીને હિંમત કરીને તેની પત્નીને કહ્યું, “જો તું ગુસ્સે ના થાય તો એક વાત કહું. આપણા કુટુંબને ૨૫,૦૦૦/= મળે તે માટે જો તું હા પાડે તો મારી ખાનગી વાત જાહેર કરવી છે.
તેની પત્ની ચમેલીએ કહ્યું, “આપણા ઘરમાં પૈસા આવતા હોય તો સારું ને! તમ તમારે બોલો.
બાઘાએ કહ્યું, “જો મારી ગર્લફ્રેન્ડ થકી મારૂં એક બાળક છે, જો તે હું લઇ આવું તો બધો મામલો સેટ થઇ જાય. ગંગા મોઢું બગાડીને કહ્યું, “સારું”.
એટલે બાઘો એ છોકરાને ઘરે લઇ આવ્યો.
બાઘો ઘરે આવ્યો તો ચમેલી ઘરમાં એકલી જ હતી, તે જોઇને બાઘાએ પૂછ્યું,
આપણા છોકરાઓ ક્યાં ગયા?
એટલે ચમેલી બોલી, “એ તો જેના હતા એ લઇ ગયા.”
૩. પસ્તાવો
ચતુરને આજે તેની કૉલેજની ગર્લફ્રેન્ડ ચંપા, ઘણાં વર્ષો પછી અચાનક મળી…..,
ચંપાએ તેને સહેજ રોમેન્ટિક હાવભાવ સાથે પૂછ્યું; શું કરે છે આજકાલ, કેમનું ચાલે છે બધું…?
આપણો ચતુર તો સીધો, એણે ભોળાભાવે કહ્યું…
”છોકરાઓને ભણાવું, કરિયાણું લાવું, શાક લઇ આવું, લોટ દળાવું, ગંગાની બધી વાત માનું, અને નોકરી કરીને મહિનાની પહેલી તારીખે પગાર પણ એના હાથમાં મૂકી દઉં ….. એ કહે તેમ જીવન જીવું, ચાલતું હતું એવું જ આજે ચાલે છે.
આ સાંભળીને ચંપાએ કહ્યું…
“ઓત્તારીની! ભૂલ થઈ ગઇ સાલી! મારે તો તને હા પાડવા જેવી હતી…..”.
હાસ્ય કસુંબલ ખરેખર હાસ્ય ફુવારો જ છે. વાહ…. મજા આવી…😄
LikeLike
પ્રિય જ્યોતિ,
તારા પ્રતિભાવોથી રચના કરવાનું બળ મળે છે.
LikeLike