Design a site like this with WordPress.com
Get started

૩. કંઇ મોડું ન થઇ જાય!

આપણા શાસ્ત્રોમાં કહેલી એક વાત યાદ આવે છે. કોઈપણ કાર્યની સફળતા ચાર કૃપાઓ ઉપર આધાર રાખે છે.

૧. ઈશ્વરકૃપા,

૨. ગુરુકૃપા,

3. શાસ્ત્રકૃપા અને

૪. આત્માકૃપા.

પહેલી ત્રણ કૃપા તો સ્પષ્ટ છે. પણ આત્માકૃપા સમજવી જરૂરી છે. માણસ પોતાની જાતને સૌથી વિશેષ ચાહે છે. પછી આત્મકૃપા કરવામાં તે પાછીપાની થોડી કરવાનો હતો?

માણસ શ્રેયને બદલે પ્રેયને, લાંબાગાળાના આનંદને બદલે વર્તમાન ક્ષણોની સુખોને લૂંટવાને મહત્વ આપે ત્યારે આત્માપ્રેમ હોવા છતાં આત્મકૃપાનો સ્પષ્ટ અભાવ જોવા મળે છે. ઈશ્વરકૃપાથી યોગ્ય વૈદરાજ શાસ્ત્ર પ્રમાણે ઔષધો દર્દીને આપે પણ દર્દી ચરી જ ન પાળે અથવા સમયસર દવા લેવાની કે અન્ય વૈદકીય સલાહોની અવગણના કરે ત્યાં આત્મકૃપાનો અભાવ સ્પષ્ટ પણે દૃષ્ટિગોચર થાય છે. જીવનને આનંદથી ભરી દેવાને બદલે આનંદના એક ઉપકરણ રૂપ લક્ષ્મી પ્રાપ્ત કરવામાંથી માનવી ઊંચો જ ન આવે, ઘડીની નવરાશ જ તેને ન મળે. ધમાલિયા પ્રવૃત્તિથી જીવન ભરી દે તો તેના પર દયા લાવવા સિવાય કોઈ માર્ગ જ નથી. નીચેની વાત આ બાબત સ્પષ્ટ કરે છે.

ન્યૂઝીલેન્ડ એક હોસ્પિટલમાં એક અમેરિકન યુવતી માંદી હતી. એક અમેરિકન ડોક્ટરે તેની ચિકિત્સા કરી અને વહાલથી તેની માવજત કરી. પછી તો ડોક્ટરને ન્યૂઝીલેન્ડ છોડીને અમેરિકા જવાનું થયું. ડોક્ટર ખૂબ પ્રખ્યાત હતા. દર્દીઓની કતાર તેમના દવાખાને લાગતી હતી. જમવાનો સમય પણ તેઓને ભાગ્યે જ મળતો. મોડી રાત સુધી વ્યવસાયમાં ગળાડૂબ રહેતા. એક દિવસ તેમને ટપાલ મળી. એ પેલી ન્યૂઝીલેન્ડની અમેરિકન યુવતીની હતી. ટપાલો પણ ઝડપથી અને ઉપલક રીતે તેઓ વાંચતા પણ આ ટપાલે તો ચમત્કાર સર્જ્યો. તેમણે પહેલા ઊભા ઊભા વાંચી–પછી ઝૂલતી ખુરશીમાં બેસીને વાંચી – પછી ‘પાઇપ’ સળગાવીને વાંચી — કમ્પાઉન્ડર તથા દર્દીઓ આશ્ચર્ય પામ્યા આ નાનકડા પત્રમાં તેઓ અડધો કલાક કાઢી રહ્યા છે! તેમાં લખ્યું હતું —

“તમે હોસ્પિટલમાં મુલાકાતે આવ્યા – તમારી મારા પ્રત્યેની પ્રેમાળ સહૃદયતા માટે હું અત્યંત આભારી માનું છું. તમે બતાવેલી સહાનુભૂતિથી મારું હૃદય ગદગદિત થઈ ગયું હતું. અને મને થયું, હું પણ તમારા માટે કંઈક કરું, તમારા અત્યંત થાકેલા અને ગ્લાનિમય ચહેરા તરફ તે સમયે જ મારી નજર ગઈ હતી. અને મને લાગ્યું હતું કે જીવન પાસેથી જે મેળવવાનું છે તે મેળવવું તમે ભૂલી ગયા છો. તમારા અત્યંત ધમાલભર્યા જીવનમાં તે તમે વિસરી ગયા છો. હું હમણાં એક સુંદર બાગમાં ફરવા ગઈ હતી ત્યાં તાંબાંની તક્તી પર એક સુવાક્ય લખ્યું હતું – “Enjoy yourself for it is later than you think” – “જીવનમાંથી આનંદ લૂંટો,  કારણકે તમે ધારો છો તેના કરતાં ઘણું મોડું થઈ ગયું છે.”

ડોક્ટરે આ વાક્ય ફરી ફરીને વાંચ્યું. ધીમેથી વાંચ્યું, મોટેથી વાંચ્યું, મનમાં ઘૂંટીઘૂંટીને વાંચ્યું, પરિણામે હ્રદયમાં ઊંડે ઊંડે તેના પડઘા પડ્યા. એ એક વાક્યે તેમની આંખ ઉઘાડી નાખી. બાજુમાં પડેલ ટેલિફોન લઈને તેમના બીજા એક મિત્રને ફોન કર્યો – વહાલા મિત્ર, તું દક્ષિણ અમેરિકાની સફર આવી પહોંચીશ? ત્રણ મહિના માટે વેકેશન લેવાનું નક્કી કર્યું છે.” તે મિત્ર મોટો વેપારી હતો. તેને શ્વાસ લેવાની પણ ફુરસદ ક્યાં હતી? વેપારમાં મોટો નફો કમાવવાની તો આ સિઝન હતી. તેને ના પાડી.

ડોક્ટર પોતાની ગાડી લઇ તેની પાસે ગયા અને કંઈ પણ દલીલ કર્યા વિના પેલો પત્ર તેણે વેપારી મિત્રના હાથમાં મૂક્યો. વેપારી મિત્ર આખો પત્ર વાંચ્યો. તેમાંનુ પેલુ પ્રેરણાત્મક વાક્ય આવતાં જ તે ચમક્યો. તેણે તે વાક્ય ફરી ફરીને વાંચ્યું — જીવનમાંથી આનંદ લૂંટો કારણકે તમે ધારો છો તેના કરતાં ઘણું મોડું થઈ ગયું છે.

પછી આરામખુરશીમાં પડતું નાખીને બોલ્યો— “વેપારનું જે થવાનું હોય તે થાય, આપણી પાસે હવે કેટલા વર્ષ છે સિલકમાં? ચાલ મિત્ર, દક્ષિણ અમેરિકાની સફરની તૈયારી કરીએ.”

બંને દક્ષિણ અમેરિકાની સફરે ગયા. ત્યાં રીઓ-ડી-જાનેરોમાં એક અબજપતિ મિત્રને ત્યાં ઉતર્યા. ત્યાં તેમનું ઉદ્યોગનું મોટું સામ્રાજ્ય હતું. ડૉક્ટર અને વેપારીએ ઉદ્યોગપતિને પૂછ્યું, “તમારી પત્ની અને બાળકો ક્યાં છે?”

તેણે કહ્યું, “તેઓ તો મેક્સિકો વેકેશન ગાળવા ગયા છે.”

“તમે ન ગયા?”

“તો પછી અહીંનુ ઔદ્યોગિક સામ્રાજ્ય સંભાળે કોણ? તેની ફુરસદ મને ક્યાં છે?”

ડોક્ટરે આ સાંભળી પેલો પત્ર ખિસ્સામાંથી કાઢ્યો અને પેલા અબજપતિને કહ્યું, “પાંચ મિનિટ મને આપો. મારે આ પત્ર તમને વંચાવવો છે.”

“ખુશીથી. તમને ના ન પડાય? પણ જલ્દી કરજો. બોર્ડની મીટિંગ દસેક મિનિટમાં શરૂ થશે.”

“ફક્ત પાંચ જ મિનિટ.”  કહી ડોક્ટરે પત્ર વાંચવો શરૂ કર્યો. વાંચતા વાંચતા પત્રને છેડે લખેલું પેલુ તખ્તીવાળું લખાણ—

“જીવનમાંથી આનંદ લૂંટો કારણકે તમે ધારો છો એના કરતાં ઘણું મોડું થઈ ગયું છે.” આવતાં જ આ  અબજપતિના કાનમાં સરવળાટ પેદા થયો.

તે બોલ્યો— “જરા આ છેલ્લું લખાણ ફરીથી વાંચોને!”

ડોક્ટરે તે ફરી વાંચી બતાવ્યું. અબજપતિએ ધીમેથી ડોક્ટરના હાથમાંથી પત્ર લઇ લીધો ને પેલું પ્રેરણાત્મક લખાણ વાંચી ફરી ફરીને પ્રેરણાપાન કરવા લાગ્યો.

ક્ષણેક પછી આ અજબપતિ ઉદ્યોગ સમ્રાટે સેક્રેટરીને બોલાવવા ઘંટડી મારી.

આવતાં જ તેમણે કહ્યું, “અમારા ત્રણ જણની મેક્સિકોની ટિકિટ રિઝર્વ કરાવ. મારી પત્ની અને બાળકો મળવા અને ત્યાં વેકેશનના સુંદર ત્રણ મહિના ગાળવા આજે જ અમે ઉપડી જોઈએ છીએ. ઘટતી વ્યવસ્થા કરી લો.”

સેક્રેટરીએ ‘એપોઇમેન્ટ બુક’ કાઢતાં કહ્યું, “પણ સાહેબ! બોર્ડની મીટીંગ છે– નાણામંત્રીની ગાર્ડન પાર્ટી છે. પરદેશનું વેપારી મંડળ કારખાનાની મુલાકાતે આવવાનું છે. અને….

અબજપતિએ તેને અટકાવતા કહ્યું, “બધું રાહ જોઈ શકે છે, પણ આ ઝપાટાબંધ વહી જતું જીવન કોઈની રાહ જોતો નથી. હું ધારું છું એના કરતાં ઘણું મોડું થઈ ગયું છે. હવે મને જીવનમાંથી જે મેળવવાનું છે તે શાંતિ અને આનંદ મેળવવા દે.”

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: