Design a site like this with WordPress.com
Get started

૩. પાતાળ લોકઃ એક રોમાંચક વેબસિરિઝ

તા. ૩૦/૦૬/૨૦૨૦                                             વારઃ મંગળવાર

ગઇકાલે સાંજે થયું, આજે એમેઝોન કે ટી.વી. પર કોઇ સારી ફીલ્મ જોઇએ. મારા મામાના દીકરા સંકેત સાથે વાત થઇ તો એણે સૂચન કર્યું કે ‘પાતાળ લોક’ (એમેઝોન – પ્રાઇમ વિડિયો) એક સારી વેબ સિરિઝ છે, તેણે બે એપીસોડ જોયા ને તેને બહુ ગમ્યા. તેણે એમ પણ કહ્યું કે સિરિયલ જકડી રાખે એવી છે.

એટલે શીતલબેન અને હું, બધું કામ પત્યા પછી લગભગ દસ વાગે ‘પાતાળ લોક’ વેબસિરિઝ જોવા બેઠાં. તમને નવાઇ લાગશે, અમે આખી રાત જાગ્યા, સવારે લગભગ સાડા ચાર વાગ્યાની આસપાસ તેના નવ એપીસોડ પત્યા, પણ અમે બીજા દિવસની રાહ જોયા વગર એક સાથે જ જોઇ નાંખ્યા.

અશ્વિની ભટ્ટની નવલકથા ‘શૈલજા સાગર’ વાંચવા બેઠા હોઇએ અને એક બેઠકે જ વાંચી નાંખીએ તેવા જ રોમાંચક રસ સાથે જોઇ.

અભિનય, સંકલન, નિદર્શન, જે તે સ્થળોની પસંદગી, કથાવસ્તુ અને ખાસ તો તેનો અદ્દભૂત અને રોમાંચક અંત….આપણે બિલકુલ ન વિચારી શકીએ તેવો, આ બધું જ અદ્ભુત છે!! જેમ જેમ એક પછી એક એપીસોડ જોતા જાવ તેમ તેમ આપણે તેની વાર્તા સાથે વધુ ને વધુ ઓતપ્રોત થતા જઇએ. એક પણ સીન છોડવાનું મન ન થાય. વચ્ચે બાથરૂમ પણ જવું પડે તો સિરિયલ પૉઝ કરી દેવાની, પણ એક પણ દ્રશ્ય ચૂકવવાનું નહીં!!

ખૂબ ઝીણું ઝીણું વિચારી અને કાંતીને આખી વેબ સિરિઝનું સર્જન કર્યું છે.

આ વેબસિરિઝની ખાસ વાત તો એ છે કે તેણે શ્રોતાઓને મૂર્ખ નથી બનાવ્યા. કથા ભલે કાલ્પનિક હોય, પણ તેની રજૂઆતમાં સચ્ચાઇ છે. વાસ્તવિકતાઓ આવી નિર્મમ હોઇ શકે છે તે જાણીને હ્રદય ધબકારા પણ ચૂકી જવાય છે. આપણને એવું થઇ જાય કે આપણે શું ખરેખર આ સમાજ, આ પરિવેશ અને આ દેશમાં જીવીએ છીએ, આપણે કોઇ રીતે ય ખરેખર સ્વતંત્ર છીએ ખરા!!

વિશેષ આનંદ છે કે, દરેક એપીસોડને એવી રહસ્યમય રીતે ગૂંથ્યો છે કે, તેનો અંત આપણી આતુરતા વધારી દે અને મજબૂર કરી દે કે, હવે પછીના એપીસોડમાં શું હશે? એટલું નહીં, પછી તમે બીજા દિવસ સુધી રાહ ન જોઇ શકો. એમ જ થાય કે હવે આ એપિસોડ જોઇ જ લઇએ. આના પછીનો એપિસોડ કાલે જોઇશું, અને એમ કરતાં તમે ૧,૨,૩,૪ અને ૯ એપિસોડ એક પછી એક જોઇ જ લો.

આખી વેબ સિરિઝના અંતે એવું વિચારવા મજબૂર થઇ જઇએ કે, ખરેખર પોલીસ ડિપાર્ટમેન્ટ કામ કરતા વ્યક્તિઓની  જિંદગી કેટલી કટોકટીભરી અને અસલામત છે. જીવ સટોસટના સાહસથી પ્રતિ ક્ષણ ભરેલી છે. ચોવીસ કલાક કામ પર હાજર રાખે છે. સત્તા અને હોદ્દાના રુએ સમાજ ભલે એમનાથી ગભરાતો હોય, અને એ બાબત એની જગ્યા છે, છતાં તેઓ જે કામગીરી બજાવે છે, તેની તુલના કરવી અશક્ય લાગે છે.

આપણે એ પણ જાણીએ છીએ કે, આપણે જે જીવન જીવીએ છીએ તેમાં બધું જ જોડાયેલું છે. કોઇને એમ થાય કે રાજકારણ, જાહેર સાહસો કે અન્ય રાજ્યો અને બીજા દેશો સાથે આપણને શું લેવાદેવા!!! એની આપણા જીવન પર શું અસર કે પ્રભાવ પડે!! પણ એવું નથી. આપણે જે શ્વાસ લઇએ છીએ તેમાં આ બધું એક સાથે જોડાયેલું છે, આપણે તેને એક સાથે જોઇ શકતા નથી. અહીં દિગ્દર્શકો અને લેખકોએ એ બાબતને બહુ સરસ રીતે રજૂ કરી છે. રાજકારણ, કૉર્પોરેટ કલ્ચર, જ્ઞાતિવાદ, જૂથવાદ, ગવર્નમેન્ટ સિસ્ટમ, વહીવટી માળખાંઓ (એડમિનિસ્ટ્રેશન સ્ટ્રકચર) અને સમાજના વિવિધ પાસાંઓ (બાળ/યૌન શોષણ, સ્ત્રીઓની સ્થિતિ, સામાજિક સંબંધોનો દંભ)એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે, એક બીજાને કેવી રીતે પ્રભાવિત કરે છે, અને સામાન્ય જનસમૂહ એ યાતનાઓનો કેવો શિકાર બને છે તે બખૂબી રજૂ કર્યું છે. રાજકારણ અને સરકારની જૂથબંધી તેમની સત્તાનો દુરુપયોગ કરીને પ્રજાને કેટલી હદ સુધી ઉલ્લુ બનાવી શકે છે, એટલું જ નહીં ગેરમાર્ગે દોરીને વિચારવિહીન બનાવી શકે છે.

અમે અનાયાસ જોયેલી આ સિરિઝમાં ખરેખર ખોવાઇ ગયા, એટલું જ એક અન્ય પરિમાણથી જીવનને જોતાં થયા. તમે પણ તે જોઇને તમારા પ્રતિભાવ જણાવશો.

પાતાળ લોક (2020) વિશે સંક્ષિપ્ત માહિતીઃ

દિગ્દર્શક: અવિનાશ અરૂણ અને પ્રોસિત રોય

નિર્માતાઓ: અનુષ્કા શર્મા, કર્ણેશ શર્મા અને સુદિપ શર્મા

મુખ્ય કલાકારો: જયદીપ આહલાવત, ઇશ્વક સિંઘ, નીરજ કાબી, અભિષેક બેનર્જી, સ્વસ્તિકા મુખર્જી, નિહારિકા, જગજીત અને ગુલ પનાગ

કથાવસ્તુઃ

ચાર હત્યારાઓનું એક જૂથ, એક ટી.વી એન્કરની હત્યા કરવાના ઇરાદાથી શહેરમાં પ્રવેશે છે. પણ શા માટે આ જ વ્યક્તિની હત્યા? આની પાછળ કોનો હાથ છે?  શા માટે? કેવી રીતે? વિગેરે એવા પ્રશ્નો છે, જે પ્રત્યેક એપિસોડની  પ્રગતિ સાથે તમારા વિચારોને ગુંચવવાનું શરૂ કરી દે છે.

ઇન્સ્પેક્ટર હાથીરામ ચૌધરી (જયદિપ આહલાવત) તેના સાથીદાર અન્સારી (ઇશ્વક સિંઘ)ની સાથે તપાસનું નેતૃત્વ કરે છે. એક દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના પછી, ચૌધરીને કેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. પણ તેની જિજિવિષાનો અંત આવતો નથી. તે આ કેસની તપાસ સસ્પેન્ડ થયા પછી પણ બિનઅધિકૃત રીતે ચાલુ રાખે છે.

આ વેબ સિરિઝનો મુખ્ય અભિનેતા છે, જયદીપ આહલાવત. કેસના અંત સુધી પહોંચવાની તેની તાલાવેલી અને તેના માટે ગમે તે કક્ષા સુધી જવાની તેની તીવ્ર ઇચ્છા જ આપણને આ વાર્તામાં છેક સુધી ડૂબાડી રાખે છે. તેનો આસિસ્ટન્ટ અન્સારી  મુસ્લિમ હોય છે, તેની અને ચૌધરીની જોડી જે રીતે આખી વેબસિરિઝમાં કેસને ઉકેલવામાં મહેનત કરે છે, તે કાબિલે તારીફ છે. વેબ સિરિઝના અંતે એટલે કે આખી વાર્તાનો નિચોડ ત્યારે આવે છે કે ત્યારે પ્રશ્ન એ થાય છે કે આખરે દુષ્ટ કોણ છે? સાચો વિલન કોણ છે? અને તેનો જવાબ એક પ્રાણી સાથેનો વ્યવહાર અને સંબંધ કેવો છે તેના ઉપર રહેલો છે.

સ્ટોરીનો અંત કે તેનો તર્ક જણાવીને તમારી ઇન્તેજારી કે આતુરતાને સહેજ તકલીફ આપવાનો મારો કોઇ જ ઇરાદો નથી.

સમય કાઢીને આ વેબ સિરિઝ જોવાનું ચૂકશો નહીં. અને હું ઇચ્છું કે એ સમય જલ્દી આવે. કેમ કે, વિવિધ માધ્યમો તરફથી તેને ખૂબ વખાણવામાં આવી છે, તો સાથે કેટલાક મુદ્દાઓને લઇને તેના પર કેસ પણ થયા છે.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: