મનનાં પ્રાંગણમાં ઘૂમવા ગઇ,
વિચારોનું લીલુંછમ ઘાસ,
પ્રેમની ભીની ભીની માટી,
લાગણીઓનું જળ,
તન-મનને શાતા સાથે
અજબની તાજગી આપી ગયાં.
સવારના ગુલાબી કિરણોમાં
ખિલેલા વિશ્વાસના ફૂલોને પૂછ્યું,
તને અવિશ્વાસના કાંટાં ક્યારે ઊગ્યા?
છોડની શંકાની કાંટાળી ડાળખી
વચ્ચેથી આવીને તરત જ ચૂંટણી ખણી ગઇ.
ચડતાં સૂરજના તામ્રવર્ણી કિરણોમાં
ચમકતાં પ્રેમના ઘટદાર વૃક્ષને પૂછ્યું
તું સ્વાર્થથી તો આટલું બધું નથી ઝૂકી ગયું ને?
અને
અસ્તિત્વની પરમ કૃપાનો અહેસાસ કરાવતા
મૂળિયા
પગને જડબેસલાક સ્પર્શી ગયાં.
હવાના સંગે ઝૂમતાં અને પોતાની મસ્તીમાં
મદહોશ ગુલાબના લાલ ગુલાબી રંગોને,
કેસૂડાંના કેસરી ખુમારને,
અને
રાતરાણીની યુવાન સુગંધને
ખૂબ ધીમેથી કાનમાં પૂછ્યું,
તમને પાનખરના પીળા રંગનો ડર નથી લાગતો ને?
એમણે થોડું હસીને, થોડું રડીને,
થોડું મજબૂરીથી, ઇશારો આપતાં કહ્યું
પેલાં રંગબેરંગી પતંગિયાઓને પૂછો.
પતંગિયા જવાબમાં
પાંખો ફફડાવીને એવા પલાયન થઇ ગયા
અને
સમયની નિશ્ચિત ગતિઅને આધિપત્યનો
પરિચય કરાવતા ગયા.
ઢળતી સાંજે
અંધકાર પાથરતાં વાતાવરણમાં
આંખો જરા ક ઝીણી કરીને જોયું તો
મોહની વેલ
વૈરાગ્યની વાડને
વીંટળાઇ વળી હતી.
નિષ્ફળતાના સૂસવાટા
અહંની વેલને હચમચાવે
ત્યારે
સમજનાં પાંદડાં થોડો
શોરબકોર કરી જતાં હતાં
રાત્રિનાં ગહન અંધકારમાં
વહેમથી સફાળા જાગીને
જરા સાવચેતીથી કાન માંડ્યાં
તો
કામણગારી કોયલ,
ગભરુ કબૂતર,
ચાલાક કાગડો,
ચપળ ચકલી,
ચૂલબૂલી કાબર,
પ્રેમ તરસ્યો મોર,
તમરાંનું અનંત ગૂંજન
વાતાવરણનો જ નિજી હિસ્સો બની રહ્યાં હતાં
સમગ્ર એક અને વૈવિધ્ય સભર!!!
વિવિધ રંગોનાં મિશ્રણમાં
ડૂબી જતાં સ્વરો
સ્ફૂરિત સ્પંદનો
રાતને ઓગાળતાં જતાં હતાં
અને
દૂર સુદૂર પૂર્વમાં
સૂર્યનાં કિરણોને
વધાવી રહ્યાં હતાં
અરે!!!
આ જ તો
સાચું
મન- ઉપવન!!!
સવારે
નજર ફેરવીને જોયું તો
ફ્લાવરવાઝમાં
સજાવેલાં
બનાવટી ફૂલો
મારી સામે
હસી રહ્યાં હતાં.