૧. માસૂમ ન્યાયઃ
અમદાવાદની કોર્ટમાં કાર એકસીડન્ટનો કેસ ચાલતો હતો.
આરોપી ચતુરને જજે પુછ્યું કે, “ભાઇ ચતુર, તારી પાસે શું સાબિતી છે કે, તું કાર ધીમે ચલાવતો હતો?”
ચતુરે જણાવ્યું, “નામદાર જજ સાહેબ, હું તો મારી પત્ની ગંગાને લેવા, સાસરે જઇ રહ્યો હતો. સાહેબ.”
જજ સાહેબઃ “છોડી દો આ માસૂમને, એ ગાડી ધીમે જ ચલાવતો હતો.”
૨. PPT પ્રેઝન્ટેશનઃ
ચતુર અને ભીખો બન્ને નાનપણના દોસ્ત.
ઘણા સમય પછી બન્ને મિત્રો રસ્તામાં અચાનક મળી ગયા.
ખાસ તો લગ્ન પછી પહેલી વખત મળ્યા હતા.
ભીખો: “યાર, ચતુર! કેવું ચાલે છે તારું? લગ્ન પછી ખુશ તો છે ને તું?”
ચતુર: “અરે ભીખા, ખુશીથી તો જિંદગી આખી છલકાઈ રહી છે! પરસ્પર બહુ જ મોટી અંડરસ્ટેન્ડિંગ છે અમારી વચ્ચે. સવારે અમે બેઉ સાથે મળીને નાસ્તો બનાવીએ. એ બરણીમાંથી પૌંઆ કાઢે, હું બટાટાપૌંઆ બનાવી કાઢું… પછી વાસણો પણ સાથે જ ધોઈ લઈએ. એ વાસણ લાવે…હું માંજી નાંખું..!
કપડાં ધોતી વખતે પણ એનો સાથ જબરજસ્ત… એ શોધી શોધીને કપડાં લઈ આવે.. ને હું ધોવા માં ધબધબાટી બોલાવું..!!
બેઉ જણ વચ્ચે પ્રેમ એટલો બધો છે કે જમવામાં ક્યારેક એ કોઈ ડિશની ખાસ ફરમાઈશ કરે તો હું તરત જ બનાવી આપું, બાકી તો હું મારી મરજીનો માલિક હા! મારે જે બનાવવું હોય તે બનાવવાની સંપૂર્ણ છૂટ..! અરે, મારી વાઈફને સ્વચ્છતા તો એટલી ગમે એટલી ગમે કે એને ખુશ રાખવા ઘરમાં ઝાડુ-પોતાની જવાબદારી મેં સામેથી ઉપાડી લીધી છે..!!”
ભીખો: “વૅરી, ગુડ!”
ચતુર: “તું કહે, તારું કેમ ચાલે છે, દોસ્ત?!”
ભીખો: “ફજેતો તો મારો પણ તારા જેટલો જ થાય છે, પણ! પણ મને તારી જેમ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવતાં નથી આવડતું!”
૩. તરસનો ઝડપી ઉકેલ
ગરમીની સિઝનમાં ચતુર અને ગંગા મુંબઇ સામાજિક કામ માટે જતા હતાં. રેલ્વેસ્ટેશને ગંગાને ખુબ તરસ લાગી, એટલે,
ગંગા બોલી, “ અરે મને તરસ લાગી છે, કમ સે કમ મને પાણી તો લાવી આપો.”
ચતુર બોલ્યો, “ અરે ગાંડી, તું કહે તો તારા માટે ગરમ ગરમ ભજિયાં, સમોસાં, ગુલાબ જાંબુ અને પેપ્સી લેતો આવું, તું ખાલી અવાજ કર, મારી વ્હાલી……..”
ગંગા બોલી, “અરે તમે તો કેટલા સારા છો, લો… આ સાંભળીને તો મારા મોંમાં પાણી આવી ગયું.”
ચતુર બોલ્યો, “ બસ તો એ જ પાણીથી તરસ છીપાવી લે, આ ટ્રેન ઉપડી, હવે ચલ બેસી જા.”