આ જિંદગી એકાંતના કલેશોનું તોફાન છે
આગળ વધુ, પાછળ ફરું, સઘળું હવે વેરાન છે.
મુજ હાસ્યના પ્રતિબિંબમાં દેખાય છે પોકળપણું,
એ અશ્રુમાં ઘરબાયેલા અરમાનની મુસ્કાન છે.
કોની નજરની ચારમાં અટકી પડી છે આ સફર,
કોરા દિલાસાઓ તણા કોના હજુ અરમાન છે.
બરબાદીઓની આ હવા નસનસ મહીં ઉભરાય છે,
દિલને હજુ ગઇકાલની ચાહત તણું અભિમાન છે.
થોભી જજો સૂનકારના પડઘા હવે સંભળાય છે,
ના ના, હવે ચાલ્યા જજો, રસ્તો હવે સૂમસામ છે.