પાતાળના પ્રશ્નો કદી પાંપણ વડે ઢંકાય છે,
પાલવ વડે ઉત્તર સુધી ક્યારે તિમિર ખડકાય છે?
શબ્દો વડે આજે ભલે સાગર ઉલેચી તો લીધો,
શબ્દો તણા એ ગર્ભમાં મોજાં ઉછાળા ખાય છે.
એ મૌનના આકાશમાં આંખો ડૂબે છે તરફડી,
વાચાળતાનાં શબ હવે એ મૌનમાં મલકાય છે.
પલકારાના પથ્થર વડે ચારે તરફ સ્પંદન થતાં,
જાણે બરફ જામી ગયો શીલા ગગડતી જાય છે.
આ છે પરિવર્તન બધું કે ચેતના બનતી મમી,
ચાલો, હવે એ યાદના શબ્દો ફરી અંકાય છે.