વાતનું વાતાવરણ ગમશે નહીં,
મૌનના પડઘા છતાં થમશે નહીં!
પ્યાસની તસવીરમાં મૃગજળ ભળ્યું,
આંખની આંધી હવે થમશે નહીં!
ચાંદની આંસુ વિના થીજી જશે,
રાત જો ચિત્કારને ખમશે નહીં!
જિંદગી લૂંટાઇ ગઇ નિલામમાં,
મોતની મસ્તી ફરી રમશે નહીં!
આગનું તાંડવ ભલે જામે હવે,
આંખમાં જામ્યો બરફ ઝમશે નહીં!