Design a site like this with WordPress.com
Get started

૧૫ એક અટવાતી રાત

ટેલિફૉન કેટલી વાર સુધી રણકતો જ રહ્યો. અંજની ઊભી ન થઇ. ટેલિફૉનની ઘંટડી વાગતી બંધ થઇ ગઇ અને અંજનીએ એક ઊંડો શ્વાસ લીધો. સહેજ વિરામ પછી ફરીને ટેલિફૉન રણક્યો. થોડી વાર ઘંટડી વાગી. અંજનીએ હાથમાંનું મેગેઝિન ફેંકીને ટેલિફૉન લીધો…

‘હેલો’

‘આસીત છે?’

‘નથી…’

‘ક્યારે આવશે?’

‘ખબર નથી…’ સામે છેડેથી ફોન મૂકવાની રાહ જોયા વિના જ અંજનીએ ફોન મૂકી દીધો. પાછી એ સોફા પર આવીને બેઠી. મેગેઝિન હાથમાં લઇને પાનાં ફેરવવા માંડી કોઇ પણ લેખ વાંચવાનો મૂડ નહોતો. એણે વારાફરતી જાહેરખબરો જોવા માંડી. પંખાની, ટેલ્ક્મ પાવડરની સાડીઓની, સીગારેટની અને કુટુંબ નિયોજનની….. અને ટેલિફૉન ની ઘંટડી વાગી…….. અંજની ઊભી ન થઇ. પણ ટેલિફૉન કરનારની ધીરજ સામે અંજની ટકી ન શકી. ટેલિફૉન રણકતો જ રહ્યો. આખરે અંજની ઊભી થઇ. એણે ટેલિફૉન લીધો. રિસીવર કાને મૂકતાં જ સામેથી અવાજ આવ્યોઃ

‘અંજની’

‘હા, અંજની બોલું છું…..’

‘આસીત નથી આવ્યો? હું  અજય બોલું છું….’

‘નથી આવ્યો. તારે મારું કામ છે કે આસીતનું?

‘અંજની, આમ ગુસ્સે થવાનો કાંઇ અર્થ છે?’

‘તારે જે કામ હોય તે બોલને!

‘તે આસીત સાથે વાત કરી?’

‘અજય, તારી અને મારી વાતને લાગે વળગે છે ત્યાં સુધી આસીતની ચિંતા મારે કરવાની હોય, તારે નહીં.’

‘આ તો જસ્ટ, જાણવા માટે જ!’

‘તો તને અત્યારે રાત્રે અગિયાર વાગે જાણવાનું સૂઝે છે?’

‘અંજની, વાત એમ છે કે હું અને આસીત આજે સ્પોર્ટસ ક્લબમાં ભેગા થઇ ગયેલા. મેં એને ‘હેલ્લો’ કહ્યું પણ એણે જાણે કશું જ સાંભળ્યું નથી એવો દેખાવ કર્યો. એટલે મને થયું કે કદાચ….’

‘અજય, મને આવી નોન-સેન્સ વાતો નથી ગમતી…. મને કંટાળો આવે છે તારે વિશેષ વાત કરવી હોય તો કાલે નિરાંતે વાત કરજે…’

અંજનીએ ફોન મૂકી દીધો. અંજની પાછી સોફા પર આવી ગઇ. આંખો બંધ કરીને બેઠાં બેઠા બપોરની વાત યાદ કરવા લાગી.

બપોરે આસીત જમવા આવ્યો. ખાસ કાંઇ જ બોલ્યો નહીં. અંજનીએ એને બોલાવ્યો પણ નહીં. અંજનીએ જમવાનું પીરસ્યું. જમતાં જમતાં એણે ધીમે રહી અંજનીને કહ્યું ‘અંજુ, તને ખબર છે લગ્ન એટલે શું?’

‘એક છલના…..આસીત, તું શાંતિથી જમી લે….’

‘તું લગ્નને છલના કહે છે કારણ કે તું એને છલના સમજે છે’ આસીતે એ જ શાંતિથી અંજનીને ટોણો માર્યો હતો.

અંજનીએ પણ એટલી જ શાંતિથી જવાબ આપ્યો, ‘તું જાણે છે કે હું લગ્નને છલના સમજું છું પછી ખોટી ચર્ચા શા માટે ઉપાડે છે?’

‘હું તને એ કહેવા માંગું છું કે લગ્ન એ છલના નથી’

‘કહેવાઇ ગયું. મે સાંભળ્યું….. હવે શાંતિથી જમી લે….’

પણ આસીતને આટલેથી અટકવું નહોતું. એણે આગળ ચલાવ્યું, “અંજુ, લગ્ન સંસ્થા એ સમાજનું એક અંગ છે અને વર્ષોથી એ સંસ્થાની માવજત થતી આવી છે.  એ સંસ્થાના મહત્વને જાળવી રાખવું એ પ્રત્યેક વ્યક્તિની ફરજ છે. તારી અને …મારી…”

‘આસીત, અત્યારે ચર્ચામાં ઉતરવાનો મૂડ નથી. સંસ્થાના મહત્વને જાળવવાના મિથ્યા આગ્રહમાં વ્યક્તિને ખતમ કરી નાખનાર દંભીઓ પ્રત્યે મને સખત નફરત છે.’

‘ખેર, આજે સવારે અજયનો ફોન હતો…. અંજુ, મને લાગે છે કે તારે….’

‘કેમ બોલતાં બોલતાં અટકી ગયો?’

‘કાંઇ નહી, હું તો એમ કહેવા માંગતો હતો કે તારે અજય સાથે હળવા મળવાનું ઓછું કરી નાંખવું જોઇએ….!’

ટેલિફૉનની ઘંટડી વાગી અંજની ઊભી થઇ. ટેલિફૉન લીધો. પાછા આવીને એણે આસીતને કહ્યું આસીત, તારો ફોન છે…. ઊર્મિશાનો ફોન છે….’

આસીત બે-પાંચ સેકંડ પછી ઊભો થયો. ‘હા….ના….. ના……હા……’ એમ ટૂંકમાં જ વાત પતાવી દીધી. એ પછી એ કશું જ ન બોલ્યો. આસીતના ગયા પછી લગભગ સતત અંજની ત્યાં જ એ જ સોફા પર બેસી રહી, રાત્રે અગિયાર વાગી ગયા ત્યાં સુધી.

ફરી પાછી એની વિચારમાળા શરૂ થઇ. અજય એનો એકલીનો મિત્ર નહોતો, આસીત, અજય અને અંજની ત્રણેય કોલેજમાં સાથે જ ભણતાં હતાં. આસીત અને અંજની પરણી ગયાં ત્યાં સુધી અજયે અંજનીને એટલું પણ ન કહ્યું કે ‘અંજની, હું તને ચાહું છું!’

 લગ્ન પછી પણ અજય આસીતને ઘરે આવતો. આસીતને પૈસા કમાવામાંથી ફૂરસદ નહોતી. અંજની પહેલેથી જ ગરમ હતી એટલે આસીતની બેદરકારીથી એ ખૂબ  જ જલ્દી કંટાળી ગઈ. અજયની લાગણીને અંજની બહુ મોડી સમજી શકી, અને જ્યારે અંજનીએ એક દિવસ અજયનો હાથ પકડીને એક ધબ્બો માર્યો ત્યારે અજય બોલી ઊઠ્યો, “અંજુ, કોઇ જુએ તો? આસીત જુએ તો કેવું લાગે?’

‘નોન-સેન્સ, સારું થયું હું તને ન પરણી…… સ્ટુપીડ….’

પણ ટૂંક સમયમાં જ અજયની એ ‘સ્ટુપીડીટી’ ઓછી થઇ ગઇ. આસીતને જ્યારે થોડી જાણ થઇ ત્યારે એ અપસેટ થઇ ગયો. પણ એ અંજનીને જલ્દી કશું જ કહી શક્યો નહોતો.

અંજની મિજાજની પણ તેજ હતી. એ બોલવા બેસતી તો પછી કોઇ જ માઝા ન રહેતી, આસીત એને ખાસ છેડતો નહીં.

આસીત આમ તો રંગીલો હતો. વ્યવસાયમાં ગળાડૂબ થઇ ગયેલો. રાત્રે ક્લબમાં જતો. અંજની ક્યારેક ક્યારેક સાથે જતી. પણ એ સાથે જતી તો પણ આસીતનું ધ્યાન બીજી છોકરીઓ પર સવિશેષ રહેતું. અંજની જો કે ખાસ વાંધો ન લેતી.

ફરીને ટેલિફૉનની ઘંટડી વાગી. અંજનીએ ફોન લીધો.

‘હજુ આસીત આવ્યો નથી. સાડા અગિયાર થયા છે. એ ક્યારે આવશે એની મને જાણ નથી. મને ઊંઘ આવે છે અને હવે ડીસ્ટર્બ ન કરો તો મહેરબાની….’ રિસીવર મૂકી દીધું.

એ સોફામાં બેઠી અને આસીત આવ્યો. આવીને સીધો જ સોફામાં બેઠો. બૂટની દોરી છોડતા છોડતા બોલ્યો ‘હજુ તું જાગે છે, અંજુ? મને એમ કે સૂઇ ગઇ હશે!’

‘હું તારા માટે નથી જાગતી!’

‘તો…?’

અંજુ એક ક્ષણ એની સામે તાકી રહી. પછી ધીમા અવાજે બોલી ‘ઊંઘ નથી આવતી એટલે…..!’

‘એની વે, અંજુ, આજે તો જો તું સૂઇ ગઈ હોત તો પણ હું તને જગાડવાનો હતો…..’ આસીતે આંખમાં મસ્તી નચાવતાં કહ્યું.

‘કેમ? શા માટે?’

‘તો આજે વીસ દિવસે તને યાદ આવે છે કે આપણે પતિ-પત્ની છીએ? અંજનીએ સહેજ ઊંચા અવાજે કહ્યું.

આસીત કાંઇ જ બોલ્યા વિના ઊભો થઇને બેડ-રૂમ તરફ ચાલ્યો ગયો.

થોડીવાર પછી અંજની પણ ઊભી થઇ અને બેડ-રૂમમાં ચાલી ગઇ. બોલ્યા વિના પડખું ફરીને સૂઇ ગઇ.  આસીતે એના ખભા પર હાથ મૂક્યો.

‘મને ઊંઘ આવે છે…. ડોન્ટ ડીસ્ટર્બ મી…..’ અંજુ એનો હાથ ખસેડતાં બોલી.

આસીતે પલંગમાથી ઊભો થઇને લાઇટ ચાલુ કરી અને અંજનીના વાળ પકડીને એને બેઠી કરી દીધી. ‘અંજુ, હું તારો પતિ છું…. મારી સાથે સૂવાનો તને…’

‘શટ…અપ…..તું મારો પતિ છે….માલિક નથી.’

‘તો કોણ છે તારો માલિક?’

‘હું પોતે!’

‘અંજુ, સમાજ મને અને તને પતિ-પત્ની ગણે એટલે પૂરતા જ સંબંધ રાખવા હોય તો તને છૂટાછેડા આપવાની મારી તૈયારી છે. તું પછી અજયને પણ પરણી શકે છે….’

‘હજુ બે દિવસથી તને ખબર પડી છે કે મારી અને અજયની વચ્ચે કોઇક સંબંધ છે…. તો પણ તું ચૂપ ન રહી શક્યો ને? હું તો લાંબા સમયથી તારા અને ઊર્મિશાના સંબંધો વિષે જાણું છું…. મેં તને કદાપિ કશું જ કહ્યું નથી…’

‘એટલે તું આ રીતે મારું મોં બંધ કરવા માગે છે?’

‘આસીત, તું પુરૂષ છે માટે એમ સમજે છે કે તને ગમે તેમ વર્તવાનો અધિકાર છે,…. તું અન્ય પુરૂષની પત્ની સાથે સંબંધ રાખી શકતો હોય તો બીજો કોઇ પુરૂષ તારી પત્ની સાથે સંબંધ કેમ ન રાખી શકે?’

‘અંજુ, તું મારો ગુસ્સો જાણે છે! તારે જે કરવું હોય તે કરજે હવે ચૂપ થઇ જા.’

‘શા માટે? તું પુરૂષ છે માટે તને કોઇ પણ સ્ત્રી સાથે શારીરિક સંબંધ રાખવાની છૂટ છે એમ તું ભલે માને…. પણ હું એમ પૂછું છું કે જો તને એ અધિકાર હોય તો મને કેમ નથી? લગ્ન પછી તેં મારા પ્રત્યે કેટલું ધ્યાન આપ્યું? મારી ભૂખને તે કેટલી સંતોષી? બીજી સ્ત્રી સાથેના તારા સંબંધો વિષે મેં ક્યારેય તને પૂછ્યું છે ખરું?’

‘અંજુ, બસ કર હવે, મારે કાંઇ જ સાંભળવું નથી….’

‘કેમ નથી સાંભળવું? એના કરતાં એમ કહેને કે તારાથી સંભળાતું નથી…’

‘અંજુ, તું તને મન ફાવે એવાં મંતવ્યો બાંધી લેવામાં બહુ પાવરધી છે. પણ એ ભૂલવાની જરૂર નથી કે તું એક સ્ત્રી છે… તું હિન્દુસ્તાનમાં રહે છે…’

‘હું એક સ્ત્રી છું…. મારે પેટ છે જે કોઇ પણ પુરૂષની વાસનાને મારા પેટમાં સંઘરીને એની પણ થવાની તક આપે છે… અને તું પુરૂષ છે…. તારી વાસના અને તારી વાસનાની તૃપ્તિ તારા સુધી જ સીમિત રહી જાય છે. પુરૂષની વાસના પુરૂષને કષ્ટ નથી આપતી માટે પુરૂષને એ અધિકાર મળી ગયો છે અને સ્ત્રી ને નહીં…’ અંજનીનો ગુસ્સો હવે હદ વટાવી રહ્યો હતો

આસીતથી પણ રહેવાયું નહીં, એનો હાથ ધ્રૂજતો હતો એ બરાડી ઊઠ્યો” સ્ટોપ ઇટ અંજુ, હું તને હવે એક થપ્પડ મારી દઇશ…’

‘એથી વિશેષ તું કરી પણ શું શકે છે? સ્ત્રીને અબળા કહીને તમે સબળ હોવાનો દંભી સંતોષ મેળવ્યા કર્યો છે…’

‘અંજુ, હજુ કહું છું બસ કર !’

‘શા માટે ?’

‘અંજુ, તું સમજવાની કોશિશ કેમ નથી કરતી… આપણા લગ્ન જીવનને આમ વેરણછેરણ કરી નાંખવાનો તને કેમ શોખ થાય છે?’

‘શોખ મને નથી થતો….તને થાય છે, તે જ છૂટાછેડા લેવાની વાત કરી ને ?’

‘અંજુ, હું મારા શબ્દો પાછા ખેંચી લઉં છું…. હવે છે કાંઇ?’

‘એનો શો અર્થ! ફરી પાછું તારું મિથ્યાભિમાન ઉછળી આવશે એ ઘડીએ તું ફરીને છૂટાછેડાની વાત કરીશ. આસીત, એટલું સ્પષ્ટ સમજી લેજે કે, હું તારા વડે જ નથી જીવતી…’ હજુ અંજુનો ગુસ્સો ઠંડો પડતો નહોતો.

‘અંજુ, મારી ભૂલ હોય તો તારે મને આંગળી ચીંધવી જોઇએ, તારી ભૂલ હોય તો હું તને ન કહી શકું? આસીતને આમે ય અંજુના ગુસ્સાનો થોડો ભય રહેતો.

‘કબૂલ છે આસીત, પણ તું જ્યારે મારા અને અજયના સંબંધોની વાત કરે છે ત્યારે એ પણ વિચારવું જોઇએ કે તે મારા પ્રત્યે ક્યારે ય  પૂરતું ધ્યાન આપ્યું છે? તું મારી શારીરિક ભૂખ સંતોષી શક્યો છે? પોતાની પત્નીને પ્રેમિકાનો અને પ્રેમિકાને પત્નીનો દરજ્જો આપી શક્યો છે? હું તારી પ્રેમિકા પણ હતી અને પત્ની પણ છું….. તું ક્યારેય તારા દંભના જાળામાંથી બહાર આવ્યો છે ખરો? ‘‘

‘‘આ બધા તારા ખોટા આક્ષેપો છે….. અંજુ, મને લાગે છે કે તું હોશમાં નથી….. ‘‘ આસીતે ફરીને કાબૂ ગુમાવ્યો.

‘‘આસીત તને ગુસ્સો આવે છે માટે જ તું મને કહે છે કે તું હોશમાં નથી….. માટે જ કહું છું કે તું દંભી છે…. એક નંબરનો દંભી… આઇ હેટ યુ….’’

આસીતે હાથ ઉગામ્યો….પણ એ અંજુને તમાચો ન મારી શક્યો. અંજુ તરત જ બોલી ઊઠી, “હું એ કહી શકું છું કે મારે મારા પતિ સિવાય પણ બીજા પુરૂષ સાથે સંબંધ છે… જ્યારે તું એટલું પણ નથી કહી શકતો કે તારે તારી પત્ની સિવાય પણ અન્ય સ્ત્રી સાથે સંબંધ છે. આસીત, મારો અજય સાથેનો સંબંધ તારા કારણે છે… તું જવાબદાર છે હું તને આટલું કહી શકું છું, માટે જ હું દંભી નથી. તું અન્ય સ્ત્રી સાથેના સંબંધો વિષે એકરાર પણ નથી કરી શકતો એ તારો દંભ છે…… આપણું લગ્ન જીવન તારા દંભથી છિન્ન ભિન્ન થાય છે…. મારા વર્તનથી નહી…. સમજ્યો…? જ્યાં સુધી તું દંભ કરીશ ત્યાં સુધી હું તને ધિક્કારતી રહીશ…’’

અને અંજની સડસડાટ કરતી બેડ-રૂમની બહાર નીકળી ગઇ.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

2 comments

 1. Ek Atvati Rat” a story reflects the reality of relationship between husband & wife. How far marriage is successful? Triangle of Anjani, Asit and Ajay should be understood carefully. A lover Asit becomes a husband unable to satisfy his ex.lover now wife Anjani physically. So Ajani goes to college friend Ajay and have satisfactory sexual relationship. Other side Asit also have extra marital affairs. The question is how far marriage system has proved successful? Right answer given by OSHO that the Base of marriage should be Love. Now this word Love is to be understood. Journey of life is Body to Mind to Atma to Chetna to paramshakti. Now relationship between two persons are on which level? Each one must be given support and Freedom to go through this journey. So this story says something about Attractions, Love, marriage, physical need importance and how to justify? Though author has not clarify any thing as in end Anjani leaves Asit to her bed room. Very intelligently author has left the answer to reader. Story is certainly revolutionary.

  Like

  1. સ્નેહી શ્રી ગીરિશભાઇ,
   તમે આ વેબસાઇટના એક માત્ર એવા વાચક છો જેઓએ એકે એક પોસ્ટ વાંચી છે, એટલું જ નહીં, દરેક પોસ્ટ પર પ્રતિભાવ પણ આપ્યો છે.
   તમારી સમીક્ષાએ મારા ઉમળકાને ખિલવવામાં એક ઉદ્દીપકનું કાર્ય કર્યું છે. સાચું કહું તો જે તે વાર્તા કે કવિતાને સમજવા માટે નવા દ્રષ્ટિકોણ આપ્યા છે.
   હ્રદયપૂર્વક અનુગ્રહ વ્યક્ત કરું છું.

   Like

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: