Design a site like this with WordPress.com
Get started

સ્વર્ગના સરનામે પૂ. મમ્મીને પત્ર

આજે શ્રાવણ સુદ એકમ… તા. ૨૧/૦૭/૨૦૨૦

પૂજ્ય વ્હાલી મમ્મી,

એક ક્ષણ પણ એવી નથી વીતતી કે તારી યાદ ન આવતી હોય. તું કહ્યા કરતી હતી, ‘હું નહીં હોઉં ત્યારે મને વધુ યાદ કરશો.’ તારું આ વચન કેટલું યથાર્થ હતું!

૨૦૧૫ના આ દિવસે પાંચ વર્ષ પહેલાં તેં સ્થૂળ દેહમાંથી મુક્તિ લીધી, પણ અમે તો નિરાધાર થઇ ગયા. આજે પણ તારા વગરનું જીવન પ્રાણ વગરના શ્વાસ જેવું લાગે છે. આ બધું આજે તને કહેવું છે, તું નથી તો અમે પણ નથી જ.

અમારી આ લાગણી તને સ્વર્ગમાં પણ પહોંચશે જ, એ આશાએ તારી સાથે આજે ગોઠડી માંડી છે.

આજે કેટલીક કબૂલાત પણ કરવી છે. વિશેષ તો તું જ્યારે હતી ત્યારે તારી કિંમત સમજાતી નહોતી. પણ હું જ્યારે હજારો કિલોમિટર દૂર તારાથી લગભગ નવ વર્ષો દૂર રહ્યો ત્યારે તારા હોવાનું મૂલ્ય મને સમજાયું હતું. અને આજે તું સાથે નથી ત્યારે કેટલી ખોટ સાથે જીવું છું કે મારા જીવનના એકાઉન્ટસમાં હું ઉધાર ખાતે અને તું જમા ખાતે જ બોલે છે.

૨૦૧૧ની સાલમાં તને પત્ર લખ્યો હતો. એ જ પત્ર અક્ષરશઃ આજે તને ફરી મોકલું છું. આજે પણ તે એટલો જ યથાર્થ છે. તને તો બધું જ યાદ હશે.

તા. ૨૭.૧૧.૧૧

પૂજ્ય મા,

તારી ફરિયાદ છે ને કે હું તને પત્ર નથી લખતો.

પણ તને પત્ર લખવો એટલે એમ.બી.એ ની પરીક્ષા આપવા જેટલું અઘરું કાર્ય છે. એટલે ખુબ વિચારીને લખવો પડે ને!પાછી તું કહે છે કે મારા પત્રો તું ફરી ફરીને વાંચે છે, તો તેમાં કોઇ વિશેષ અને પાછું નવીન હોવું જોઇએ ને!. એટલે હું એટેન્શનમાં આવી જાઉં છું. ખેર! આજે હિંમત કરીને લખી રહ્યો છું. ખાસ તો તને સંબોધન કર્યું અને આંખો વરસી પડી, પેન અટકી ગઇ. પછી થોડો સમય કાઢીને નેટ ઉપર ગુજરાતી ન્યુઝ પેપર, અન્ય વેબ સાઇટ પણ વાંચી. એમાં મા વિશે જે સંવેદનાઓ રજૂ કરી છે તે જો લખવા બેસું તો પુસ્તકો લખાય પણ મને જે દિલથી સ્પર્શી ગયા તેને મારી જ લાગણીઓ સમજીને વાંચજે.

માં તુઝે સલામ…. સાથે જણાવવાનું કે ‘મા’થી કદી કોઇ મોટું નથી હોતું. દુનિયાનું આ એવું સર્વોત્તમ પદ છે કે જે જ્યાં સુધી આ ધરા છે ત્યાં સુધી તે પદને અન્ય કોઇ પહોંચી શકવાનું નથી. 

પંડિત જવાહરલાલ નહેરૂએ જણાવ્યું છે કે, “જેટલા ઉત્સાહથી હું મા આગળ દિલની વાતો કહીં શકતો એટલા ઉત્સાહથી હું પિતાજી સામે બોલી શકતો નહીં.

પ્રેમચંદજીએ એક લેખમાં જણાવ્યું છે કે, “માં તો બાળકની દુનિયા છે. બાળક જે કંઇ જુએ છે તે માની આંખે જ જુએ છે, જે કંઇ જાણે છે તે માની બુદ્ધિએ જ જાણે છે. 

મહર્ષિ કેશવે જણાવ્યું છે કે, “જગતમાં બીજાઓ માટે કંઇક કરી છૂટવું એ વાત મને મા પાસેથી શીખવા મળી. “

લેબેનોનનાં વિચારક ખલીલ જિબ્રાન જણાવે છે કે, “હું માને ચાંદ નહીં પણ સૂરજ કહીશ કારણકે, સૂરજ પૃથ્વીની માં છે. તે પૃથ્વીને માં સ્વરૂપે તાપ રૂપી પોષણ આપે છે.” 

ઇન્દિરા ગાંધી કહે છે કે, મા એક શક્તિસ્વરૂપ દુર્ગા છે. તેની શકિત અવર્ણનીય છે. 

માની મમતા અને તેની લાગણીઓને સમજીને સંસાર પ્રત્યે વૈરાગ્ય હોવા છતાં, માતાની હયાતી સુધી સંસારનો ત્યાગ ન કરવાની પ્રતિજ્ઞા કરીને મહાત્મા મહાવીરે પણ માતૄવાત્સલ્યનું સન્માન કર્યું છે. માટે જ સર્વ માતાઓ આ વિશ્વનું સર્વોત્તમ ધન છે. 

ફાધર વાલેસ કહે છે કે, “મા વાત્સલ્યની અમર મૂર્તિ છે. તેની મમતા અલૌકિક છે. સંસારની કોઇપણ શક્તિ મમતાની મૂર્તિની તુલનામાં ઉતરી શકતી નથી. પુત્ર, માની મમતાનો મેરુ છે, પ્રાણ છે. તેને માટે તે સ્વયં ધગધગતી જ્વાળાઓમાં પ્રવેશે છે. પણ પોતાના લાડલાને જરા જેટલો કષ્ટમાં જોવા ઇચ્છતી નથી. તેનું થોડું પણ કષ્ટ તેના માટે અસહ્ય હોય છે.  

જેમણે દુનિયાના સમસ્ત કાળા માનવીઓને ગુલામીમાંથી મુક્તિ અપાવી, અને અન્ય માનવીઓ જેવા સમાંતર હક્કો અપાવ્યા તે માર્ટિન લ્યુથર કિંગ કહે છે કે, “મા! આ મુકિત સંગ્રામની સફળતા હું તને અર્પણ કરું છું, મા! મા! તેં જ મને સ્વતંત્રતાનાં પાઠ શીખવ્યાં હતાં. અંધકારમાંથી પ્રકાશની પ્રાગટ્ય મૂર્તિ તું જ છે. 

પંજાબી સાહિત્યનાં મૂર્ધન્ય સાહિત્યકાર અમૃતા પ્રીતમ કહે છે કે, “કુદરતે એક કમાલ કરી છે. તેણે પ્રત્યેક જીવને એક મા આપી છે, મા વગરનું દુનિયામાં કોઇ જ નથી. મા છે એટલે ગરીબાઇ નથી. મા એક સમૃદ્ધિ જ માત્ર નથી પણ તમારી પાસે મા છે જ તો પછી બીજી કઇ દેવીને બહાર શોધો છે? મારી મા મને કંઇ ને કંઇ શીખવ્યે જતી હતી, જે એ શીખે એ બધું જ.

1.     મા જાતે કામ કરતી અને કામ કરતાં શીખવતી

2.    મા સાદાઇમાં રહેતી અને સાદાઇમાં રહેતા શીખવતી.

3.    મા સ્વાશ્રયી રહેતી અને સ્વાશ્રયીમાં રહેતા શીખવતી.

4.    મા પરિસ્થિતિઓને પહોંચી વળતી અને પહોંચી વળતાં શીખવતી.

5.    મા પડકાર ઝીલતી અને પડકાર ઝીલતાં શીખવતી.

6.    મા સ્વસ્થ રહેતી અને સ્વસ્થ રહેતાં શીખવતી.

7.    મા સદા ઉત્સાહી રહેતી અને ઉત્સાહમાં રહેતા શીખવતી.

8.    મા મિત્રોને પારખતી અને પારખતાં શીખવતી.

9.    મા કોઇનાથી અંજાઇ જતી નહીં અને અંજાઇ ન જવાનું શીખવતી.

10.  મા કદી રીસાતી નહીં અને રીસાવા દેતી નહીં.

11.  મા કદી આળસ કરતી નહીં અને આળસ કરવા દેતી નહીં.

12. મા કદી મોટાઇ હાંકતી નહીં અને હાંકવા દેતી નહીં.

13. મા કદી અકળાતી નહીં અને અકળાવવા દેતી નહીં. 

તેમની કવિતાઓમાં તેઓ જણાવે છે કે

“મા મારી ખાસ છે. મા મારો શ્વાસ છે.

મા મારો વિશ્વાસ છે. મા હું ફરીથી જન્મ લઉં તો મહેરબાની કરજે,

તું જ વારંવાર મારી મા બનજે.

મા હું ફરીથી જન્મ લઉં તો મહેરબાની કરજે,

તું જ વારંવાર મારી મા બનજે.

વિવેક મનહર ટેલરની પણ એક કવિતા અહીં લખું છું. તેઓ માના સાનિધ્યમાં  કેટલો આરામ અને આનંદ અનુંભવે છે, તેનું ખુબ સુંદર વર્ણન કર્યું છે.

“ભલે ને આયો ઉનાળો, મમ્મી ! ભલે ને આયો ઉનાળો,

મમ્મી, તું તો આખ્ખા વર્લ્ડનું બેસ્ટમ્બેસ્ટ છે એ.સી.;

તારા વહાલના કૂલિંગ સામે બધ્ધા એ.સી. દેશી,

તું અડકે ને અળાઈ ભાગે, પાવડર તો કાંટાળો.

તરબૂચ, શરબત, આઇસક્રીમ, શાવર, તું કેટલું લઈ આવે!

ગરમીની સામે લડવાનું તને તો જબરું ફાવે.

શિયાળે હૂંફાળી તું ને ઉનાળે શિયાળો.

મમ્મી, તું તડકો વેઠે પણ મને તો આપે છાંયો,

તારી ઠંડી હૂંફ જોઈને સૂરજ પણ શરમાયો.

મમ્મી ! તું ઘરમાં ઊગેલો પીળોછમ્મ ગરમાળો!”

દેવાંગ જોશીનું એક કાવ્ય તો મારી જ લાગણી રજૂ કરે છે.

“નથી રહી શક્તો તુજ વીણ, ક્ષણ ભર પણ એક દિવસમાં,
ન કરીશ અબોલા મુજ સંગ, ખોવાયેલ હું બાળ તુજ મમત્વમાં.

નથી જોઇતી દુનિયા કેરી, સુખ સાહેબી આ જગતમાં,
મારું મન ઝંખે છે તુજને, ચાતક સમ બની, કણકણમાં.”

તારા હાથના બનાવેલાં ઢેબરાં તેં મારા મિત્ર સાથે મોકલાવ્યાં. તેને તો હું ફ્રીજરમાં મૂકી રાખું છું, અને રોજ એક એક કરીને ખાઉં છું, જેથી તારા હાથનો સ્વાદ અને સુવાસ બંને થોડા દિવસ તો મળ્યા કરે. 

હું જો અહીં (દાર-એ-સલામ, તાન્ઝાન્યા) ના આવ્યો હોત તો મને ક્યારેય માનું મહત્ત્વ ના સમજાયું હોત. હું પૈસા કરતાં તારી લાગણી સમજી શક્યો તે જ મારી સૌથી મોટી ઉપલબ્ધિ છે.

મમ્મી, મારી પણ એવી ઇચ્છા છે કે,

હું ફરીથી જન્મ લઉં તો મહેરબાની કરજે

તું જ કાયમ મારી મા બનજે.

મા હું ફરીથી જન્મ લઉં તો મહેરબાની કરજે

તું જ કાયમ મારી મા બનજે 

બસ, હવે હું અહીં અટકું છું. તારી પરીક્ષામાં પાસ થયો કે નહીં તે જણાવજે.

એ જ લિ,

તારો મલય

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

7 comments

 1. 🙏🙏🙏
  Foil ne khub khub prem
  Ammu vatshalay hamesha apda upper vahe tevi asha ❤️❤️❤️

  Like

 2. વિના કહ્યે જ જે સમજી જાય તે મા….
  વગર પૂછે જેની પાસેથી સઘળા જવાબો મળી જાય તે મા….

  Like

  1. તમારા જવાબો આખી વાર્તાના પર્તિબિંબ સમાન હોય છે.
   સાચે જ મા વિશે કંઇ પણ કહેવાનું અશક્ય અને અધૂરું જ લાગે છે.
   આપણી વચ્ચે આ રીતે સંવાદ થતો રહે છે, તેનો આનંદ કંઇ ઓર જ છે.

   Like

 3. સાચે જ માં એ ઈશ્વર નું અલૌકિક સર્જન છે. સાવ સહજ પણ સૌથી ઉત્કૃષ્ટ. પત્રમાં જે લાગણીઓ છલકાય છે એ તો આપણા સહુની અભિવ્યક્તિ જ અનુભવાય જાણે. માં ને શત શત વંદન

  Like

  1. તદ્દન સાચું, મા માટે કોઇ જ ઉપમા ન આપી શકાય. સવાલ એ જ થાય છે કે, એની હયાતિમાં આ બધું સમજાતું નથી.

   Like

 4. મલયભાઈ માની હાજરીને મોટેભાગે એની ગેરહાજરીમાં જ વધુ અનુભવી શકાય છે. તમારા મનની અનુભૂતિ ખૂબ સુંદર રીતે વ્યક્ત કરી છે. મા એ તો આપણાં આ અને આવતા જીવનનું અનુસંધાન છે કારણ આ જીવન માં આપણા આત્મા પર પડેલા સંસ્કાર આવતા ભવમાં પણ આપણને વધુ ઉન્નત માનવી બનાવશે! તમારું તમારી મા સાથે અનુસંધાન બની રહે એ જ અભ્યર્થના…

  Like

  1. પ્રિય પ્રીતિ, તારા પ્રતિભાવોનો ઇંતજાર રહે છે. ખૂબ સરસ વાત કરી છે કે, માને તેની ગેરહાજરીમાં વધુ અનુભવાય છે. મમ્મીના ગયા પછી એક પળવાર માટે પણ એ છૂટી નથી.

   Liked by 1 person

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: