Design a site like this with WordPress.com
Get started

૧૮ મમ્મી….

        આજે સાંજથી જ વાદળો ઘેરાતાં હતાં. મોસમના પ્રથમ વરસાદની આગાહી થઈ રહી હતી. સૂર્યને આજે નમતું જોખવું પડ્યું. છવાયેલા વાદળોથી જાણે આજે સાંજ પણ વહેલી પડી ગઈ અને અંધકાર પણ ખૂબ જ જલ્દી પ્રસરવા લાગ્યો હતો. વીજળી પણ પોતાના અસ્તિત્વનો સતત ખ્યાલ આપી રહી હતી. વરસાદ શરૂ થયો. પ્રથમ વરસાદથી કેવું આલ્હાદક વાતાવરણ લાગતું હોય છે! આખા ય ઉનાળાનો થાક ઉતારવાનો સમય પાકી ગયો છે એમ પ્રત્યેક કણ અનુભવવા લાગે છે, સડકો ય હવે ભીની થઈ ગઈ હતી અને રસ્તા પરની બત્તીઓ ભીની સડકો પર પ્રતિબિંબિત થઈને ચમકતી હતી.

        ઠંડક એટલે માદકતા! અને આવી માદકતા તો કદાચ અચ્છા શરાબીને પણ છલકતા જામથી નહિ મળતી હોય! તેમાં પણ પૂર ઝડપે જતી બસની બારીમાંથી આવતા પવનો અનુભવ…વાહ! અને એક ઝોકું પણ આવી ગયું. આગલા સ્ટેન્ડે એને ઉતરવાનું હતું. મનમાં તો થતું હતું કે રાત આખી બસ આમ જ ચાલ્યા કરે અને એ બેઠો બેઠો ઊંઘ્યા કરે! આંબાવાડી આવ્યું – એ ઉતરી પડ્યો. ઘેર જઈને સીધો પલંગમાં પડ્યો. ખૂબ જ ઊંઘ આવતી હતી ને! આંખ મીંચતાં મીંચતાં સામે ટેબલ પર પડેલી તસવીર પર નજર પડી. કેવું શુષ્ક મુખારવિંદ! જાણે જગતભરની સમસ્યાઓનો ભાર એના માથે જ ન હોય? ઘડીભર તો એ પેલી તસવીરમાંની બે આંખોના ઊંડાણ શોધવા મંડી પડ્યો.

        લગભગ બે મહિના થવા આવ્યા. પત્ર જ નથી! એણે બે-ત્રણ પત્રો લખ્યા. પરંતુ ઉત્તર ન આવ્યો. હમણાં હમણાં ઓફિસમાં પણ ખૂબ કામ રહેતું હોવાથી રજા નથી મળી. નહીં તો મુંબઈ જઈ આવત – આટલી બધી મમતા શાથી? એ એની પાસે રહ્યો નથી. એનાથી સદાય દૂર રહ્યો છે. કદી એની ગોદમાં માથું મૂકી લાડથી નિંદ્રા નથી લીધી. કદી એણે ઉમળકાથી એના માથે હાથ નથી મૂક્યો. છતાં એ કહેવાય છે ‘મા!’ શું એની આ આંખોના ઊંડાણમાં ખરેખર મમતા છે કે અનેક રહસ્યો? હમણાં હમણાં બે-ત્રણ વખત આવા જ ગર્ભિત પ્રશ્ન્રો પૂછ્યા. એણે ટાળી દીધા.

        જીવનની શરૂઆત તો ખબર નથી. પરંતુ સમજણ આવી ત્યારે હતી બોર્ડીંગ! શાળાનાં વર્ષો દરમિયાન નિયમિત દર મહિને એ એકવાર એને મળવા આવતી. હા, એણે કદાપિ એને તકલીફ નહોતી પડ્યા દીધી. એકવાર એણે પિતા વિશે પૂછ્યું, પરંતુ હસતા હોઠ એકાએક આવી પડેલાં અશ્રુઓને ન છુપાવી શક્યા. એણે જોયું કે આવી કોઈપણ વાત પૂછતાં જ મમ્મીની આંખોમાં આંસુ આવી જાય છે. ત્યારથી એણે નક્કી કર્યું કે હવે કદાપિ આ અંગે પૂછવું જ નહીં. પરંતુ જ્યારે મુંબઈ છોડીને એને કોલેજ શિક્ષણ માટે અમદાવાદ મૂક્યો. ત્યારે એને પુનઃ એ જ પ્રશ્નો પૂછવાની ઈચ્છા થઈ આવી. એણે ખૂબ પૂછ્યું. ગુસ્સે થઈ ગયો. ત્યારે મમ્મીએ ચોધાર આંસુ વહાવતાં વિનંતી કરી અને કહ્યું, “બેટા, ન પૂછીશ!” એ અટકી ગયો. એ ગ્રેજ્યુએટ પણ થઈ ગયો. નોકરી શોધી લીધી અને મુંબઈ મળવા ગયો. મમ્મી પણ એને મૂંગે મોઢે સાંભળતી રહી. એની મુખાકૃતિ આંતરિક વેદનાને છતી કરી રહી હતી. અમદાવાદ આવીને એણે પત્ર લખ્યો. “મને તું જીવનના અંધકાર ભર્યા આ ઓરડામાંથી પ્રકાશમાં લાવ! જો તું એમ નહીં કરે તો હું સમજીશ કે તું મારી માં – નથી.” લગભગ એક મહિના સુધી પત્ર ન આવ્યો. એક મહિને જ્યારે ઉત્તર આવ્યો ત્યારે એમાં ‘અગાઉનો તારો પત્ર મળ્યો છે’ એ સિવાયનો એ સંબંધી કોઈ જ ઉલ્લેખ ન હતો. – ત્યાર પછી એણે સતત ત્રણ મહિના સુધી પત્ર ન લખ્યો. પરંતુ મમ્મીનો તો નિયમિત પત્ર આવતો જ રહેતો. આખરે એને લાગ્યું કે કદાચ મમ્મી એને કશું જ કહેવા માગતી નથી – પરંતુ શા માટે? ઉત્તરની ગેરહાજરીથી પાછો શાંત થઈ જતો.

        બાળપણથી એની દુનિયામાં બદલાતા શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મમ્મી સિવાય કોણ હતું! ગંભીર અને ઓછા બોલા સ્વભાવને કારણે મિત્રમંડળ પણ કહી શકાય એવું સારું નહી! આથી સ્થાયી સંબંધે એની દુનિયામાં માત્ર મમ્મી જ હતી અને એથી જ એ મમ્મીના અંતરમાં ઊંડે સરી જવા માંગતો હતો. પરંતુ એ અંતરનાં દ્વાર પર અગણિત વાર માથું પટકીને આવવા છતાંય પ્રવેશ મળી શક્યો નહોતો. એને સૌથી વધુ દુઃખ આ જ હતું – એની દુનિયાની એક અને માત્ર એક જ વ્યક્તિ પણ એને પોતાની નિકટ નથી આવવા દેતી. એને જિંદગીનાં આવા બેઢંગા રહસ્યો પ્રત્યે દેખીતી જુગુપ્સા હતી. આના કરતાં તો પ્રથમથી જ ‘મા’ જેવી કોઈ વસ્તુ જ ન હોય તો! કારણકે અહીં ‘માં’ હતી છતાં ન હતી!

        આમ વિચારી રહ્યો હતો. પેલી ઊંઘ પણ હવે એટલા પ્રબળ વેગમાં ન હતી. મમ્મીના વિચારોના બળ સામે ઊંઘ ન ટકી. હજુ બહાર ઝરમર ઝરમર થઈ રહી હતી. પવન પણ વેન્ટીલેટરમાંથી આવી રહ્યો હતો. એટલામાં જ બારણું ખખડ્યું. બાજુ વાળાને ત્યાં ફોન આવ્યો હતો. મમ્મીનો સંદેશો હતો. “શું હશે? શા માટે બોલાવ્યો હશે?” અને એવા કેટલાય પ્રશ્નો ઊઠ્યા જ્યારે કોઈક ચીજની સ્પષ્ટ માહિતી નથી મળતી ત્યારે અનેક સંશયો પેદા થાય છે.

        સવાર પડતા જ પહેલી ટ્રેનમાં જ મુંબઈ જવા નીકળ્યો. સાંજે મુંબઈ પહોંચતાં જ સીધો મમ્મીનાં નિવાસસ્થાને ફ્લેટ પર પહોંચ્યો. કાંઈક એનોખું જ વાતાવરણ લાગતું હતું. આમે ય એકલવાયા ઘરની આસપાસની હવા પણ એકલવાયી જ હોય છે. ડોરબેલ દબાવ્યો. એક સદ્ગૃહસ્થે બારણું ઉઘાડ્યું – જૂની ફ્રેમનાં ચશ્માં – સાધારણ ઓછા સફેદ વાળ – સફેદ પેન્ટ અને કાળો કોટ – સ્વાભાવિક જ અનુમાન થઈ શકતું હતું કે એ વકીલ હશે. તેમણે ગંભીર અવાજે પૂછ્યું,

        “મિ. વર્મા”

        “જી….”

        “આવો હું તમારી રાહ જોતો હતો. અને બન્ને જણ અંદર ગયા.  એ કાંઈ પણ પૂછે તે પહેલાં જ એ સદ્ગ્રૂહસ્થે શરૂ કર્યું, “મિ. વર્મા, મને ખૂબ જ ખેદ છે કે મારે જ તમને આ સમાચાર આપવાના છે. મિસિસ વર્મા ગઈકાલે રાત્રે જ દેવલોક પામ્યાં છે. છેલ્લા છ મહિનાથી એમને કેન્સરની બીમારી હતી. આ છે એમનું વસિયત નામું. અને આ છે એમનો પત્ર.” એમ કહી બે ગુલાબી કવર એના હાથમાં મૂક્યાં. “વારુ, હું રજા લઉં!”

        હવે એના મનની સ્થિતિ અતિ નાજૂક બની ગઈ. એ અસમંજસમાં પડી ગયો. એની આંખો ઉપર આંસુ છવાઈ ગયા. અને એ આંસુઓના કાચમાંથી એ બે ગુલાબી કવરો જોતો જ રહ્યો. કેટલીય વાર સુધી સૂનમૂન બેસી રહ્યો. એકાએક ભાન થતાં જોયું. એ સદ્ગૃહસ્થ ચાલ્યા ગયા હતા. કોઈ જ વિશેષ માહિતી ન હતી – ‘કોને પૂછવું?’ સોફા પર ફસડાઈ પડ્યો. મમ્મી એને અંધકારમાં જ ભટકતો મૂકી ગઈ, અને પોતાના જીવન પ્રત્યે નફરત આવી ગઈ. હતાશા અનુભવવા લાગ્યો. વસિયત હતું – મમ્મીએ વીલ કર્યું હતું કે એની તમામ મિલકત એને મળે –  શું કરવી છે હવે એ મિલકતને? – અને બીજું કવર ફોડ્યું –

        “બેટા,

        મારું મૃત્યુ નિશ્ચિત છે. હું મારો અંત જાણી ચૂકી છું. ઈશ્વરે મારી સાથે અનેક અન્યાય કરીને એક અહેસાન એ કર્યું કે એણે મને મારા અંતની ખબર આપી દીધી – હવે તું મળે તો પણ હું કાંઈ જ કહી શકવાની નથી. આ પત્ર દ્વારા જ કહી દઉં છું.

        તેં મને જીવનભર જે પ્રશ્ન પૂછ્યો છે અને જેનો મેં તને જીવનભર ઉત્તર નથી આપ્યો. તે પ્રશ્નનો આજે હું તારા વગર પૂછ્યે જ ઉત્તર આપું છું. મેં તને આજ સુધી કહ્યું નથી. એ ભયથી કે કદાચ તું મને ‘મમ્મી’ કહેતો અટકી જાત! હું તારી મા છું – લગ્ન પહેલાં હું તારી મા બની હતી. તારા પિતા અચાનક એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હવે આ દુનિયામાં મારું કોઈ ન હતું. તદ્દન અજાણ, બિન અનુભવી અને ભોળી હું સમાજમાં આવી. જ્યાં વિશ્વાસથી કાંઈક મેળવવા ગઈ… તને શું લખું? પરંતુ આખરે હું બજારની શોભા બનીને રહી ગઈ? સ્મિતની કિંમત ગણાવા લાગી… મેં તને હંમેશાં મારાથી દૂર રાખ્યો કે જેથી મારા ક્લિષ્ટ જીવનની તારા માસૂમ જીવન પર અસર ન પડે. એના દાગ તારા જીવનને કલુષિત ન કરે…!

        બેટા, હવે તું મને નફરત કરશે તો પણ મને વાંધો નથી. મેં મારી ફરજ બજાવવી છે. કોઈ કસર રહી હોય તો માફ કરજે. હું અભાગી છું. પરંતુ તને સુખી જોઈને હું મારી જાતને સુખી સમજું છું. – મમ્મીનાં આશિષ.

        પત્ર પૂરો કરતાં જ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. અલિશાન ફ્લેટની બારીઓએ, પડદાઓએ, અને ભીંતોએ એ રૂદન ઝીલી લીધું. એની ગોદમાં માથું મૂકીને એ સૂતો નથી. જેણે કદી એના માથે ઉમળકાથી ઉભરાઈને હાથ નથી ફેરવ્યો જેની નજીક પોતે જઈ નથી શક્યો. જેના કારણે એણે પોતાના જીવનને નફરત કરવા માંડી, જેને લીધે એણે હતાશા અનુભવી એના જ માટે આજે એ અનેરી લાગણી મનમાં અનુભવવા લાગ્યો. કાગળ આંખ પર દાબીને જોરથી બૂમ પાડી ઊઠ્યો “મમ્મી”.

        આહ! કેવો ચમત્કાર! કેટલો બધો શક્તિશાળી શબ્દ હતો. કેટલું સામર્થ્ય હતું એ શબ્દમાં? એના જીવનમાંથી નિરાશા અને હતાશાનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું. પ્રબળ લાગણીનો એક અલૌકિક સ્રોત એના અંતરમાં વહેવા લાગ્યો. અસીમ શક્તિથી એનું અંતર ઉભરાવા લાગ્યું – અંધકારથી ભરેલા અકથ્ય ઊર્જા એના અંતરપટ પર છવાઈ ગઈ. એ ફરીથી પોકારી ઊઠ્યો… “મમ્મી…”    

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: