(શિખરિણી છંદ)
હવે ડૂબાડી દો કઠણ હ્રદયે સિદ્ધિ સઘળી,
અને દફનાવી દો સમિકરણ -સિદ્ધાંત – નિયમો.
બધું ભૂલી જાઓ, વિકસિત થયેલું મગજ આ
લઈને ચાલો ત્યાં – પથરયુગના તે જીવનમાં.
તરુની છાલોના – શરીર ઉપરે વસ્ત્ર દીપશે.
ફળો દેવા માટે વિટપ કદિ યે ના નહીં કહે.
સૂવા માટે પેલી સરસ હરિયાળી વિનવતી,
“અહીં આવી લેટો, જીવનભરનાં દુઃખ વિસરી.”
નહિ સ્પર્ધા – ઈર્ષા, વદન પર ના કૈં ગમગીની
સ્પૃહા ના કાલે શું જમશું, અથવા શું થઈ જશે?
અને શાંતિ થાતાં, વિકસિત થયેલું મગજ આ
ચહે – ‘શોધી કાઢું અવલ કંઈ – ના ભૌતિક કંઈ.’
અને ગૂફા વિના – જપ તપ વિના યે મળી જશે,
મળ્યું જે બુદ્ધોને ‘અનુપમ’ અતિ કૈં પરિશ્રમે.