(મંદાક્રાન્તા છંદ)
જ્યારે જ્યારે ટમટમ થતી જ્યોતને મેં નિહાળી,
ને તેમાં યે ઉપર વળતી મેશને મેં નિહાળી.
ત્યારે ત્યારે હ્રદય પૂછતું, ‘આમ શાને બને છે?’
ધોળી ધોળી દિવટ ઉપરે તેલ પીળું બળે છે,
ને જ્યોતિ શી અગન બનીને રક્ત રંગે જલે છે!
તો કાળી કાં ઉપર વળતી મેશને તે ધરે છે?
આવી રીતે કુતૂહલ થકી એક દિ’ હું મુંઝાતો,
હૈયા મહીં રટણ રટતો – આમ શાને બને છે
ને તે ટાણે શરમ તજીને ઓડકારો જ ખાટાં,
આવી લાગ્યા ઉદર મહીંથી દહીં અને દહીંવડાના,
ને મેં પૂછ્યું ટમટમ થતી જ્યોતને –‘તું કહી દે’,
તેં શું ખાધું ઝટપટ હવે કે પછી હું કહી દૌં,
કાળું કાળું જરૂર ઉદરે ઠાલવ્યું તેં હશે ને
“હા! અંધારું હડપ કરી ગૈ, તેહનો એ પ્રતાપ.”