(શિખરિણી છંદ)
ટપાલી આપે છે, પરત કવિતાઓ. સળગતો,
મહાક્રોધે હું તો કર મસળતો ને બબડતો,
‘બધું હું જાણું છું,’ ક્યમ પ્રગટ થાતી ન કવિતા!
બધા તંત્રીઓની રમત સમજું છું, મૂરખ નથી.
અહા! મૂલ્યો આંકે સહુ કવિ તણાં, ન કવિતનાં.
વિચારો ત્યાં ક્યાંથી વિમળ કવિનું કાવ્ય પ્રગટે?
બધી ફેંકી દેવી પરત કવિતાઓ ઉકરડે?
નથી ફેંકી દેવી પરત કવિતાઓ ઉકરડે.
સ્રજી સારાં કાવ્યો કવિવર બનું હું જગતમાં
અને તંત્રી માંગે – પરત કવિતાઓ જ ધરવી.
પછી એની મેળે પ્રગટ કરશે સર્વ કવિતા.
જશે ક્યાં બેટાઓ ગરજ પડતાં પાય પડશે.
પરંતુ ના ના ના પ્રગતિપંથના ચાલક બની
ગમે કેવી રીતે અવળપંથના એ પગથિયાં??