એક દિ’ બળબળ બપોરે
ચાહ પીવા મન થયું મારી પ્રિયાને
જે હતી નવજાત શિશુ જન્મ આપી ખાટલે.
રે પરંતુ દૂધના –
દોડ્યો બજારે..
જે હતું દોઢેક કે તેથી વધારે માઈલ પર
ને મેળવ્યું કૈં દૂધ પાણીદાર ઝાંઝું!
(પણ દૂધ તો કહેવાય ના!)
દોડી ઝડપથી ઘેર આવી
‘ને રસોડામાં જઈ મેં સ્ટવ સળગાવ્યો,
‘ને મૂકી પાણી ગયો હું પૂછવા,
“કે ચાહનો ક્યાં છે ડબો?”
“છે છાજલીમાં.”
સાંભળી અંદર ગયો,
તો કૂતરી મુખ ચાટતી ચાલી ગઈ.
“દૂધ પી ગઈ?”
હું ક્રોધથી સળગી ગયો.
“શું હું ગયો તો દૂધ લેવા કાજ તારે?
તું ય તે લેતી જ જા.
આજ તો હું ના મૂકું તુજને હરામી!”
‘ને ગયો હું ડાંગ લેવા.
ત્યાં કહે પત્ની મને,
“ના નાથ એને મારશો”
“રે દયાની પૂંછડી તું બેસ હેઠી.”
“ના નાથ તેને મારશો, હું કરગરું
તે ય છે માતા બની દિ’ ચારથી”
ને પડ્યો હું શાંત કૈં વિચારથી!