છલકી જતાં એકાંતમાં આ ચાંદની ભડકે બળે!
ઓઢી કફન બેઠાં અમે ને રોશની ભડકે બળે!
વાતાવરણ ઘૂંટી જતું નસનસ મહીં તીખી હવા,
ને તનબદનમાં દાસ્તાં એ યાદની ભડકે બળે!
ખામોશ લબની ધાર પર પડઘાય છે મારી ગઝલ,
ને આંખના આકાશમાં તો દુશ્મની ભડકે બળે!
રસ્તા બધા સૂમસામ છે ને રાત પણ બોઝલ બની,
ડસતી જતી તીખી હવાઓ શહેરની ભડકે બળે!
અર્થી ઉપર સૂતો સમય કેમે કરી જાગે નહીં,
પળવારમાં ચિનગારીઓ જ્વાળા બની ભડકે બળે!