Design a site like this with WordPress.com
Get started

૨૪. વિપરીત કાટલાં

        છેલ્લે અજયના લગ્નમાં અમે કુસુમમાસીને ત્યાં ગયાં હતાં. એ વાતને છ-સાત મહિના થ ગયા. એમનો એકનો એક દીકરો અજય પરણતો હતો અને એકની એક દીકરી જ્યોતિ છેક છેલ્લા દિવસે સાસરેથી આવી હતી. પરંતુ કુસુમમાસીને એ વાતનું દુઃખ નહોતું. ઊલટું એ તો ગૌરવ લેતાં હતાં. કોકે કહ્યું કે એકના એક ભાનાં લગ્ન છે. અને જ્યોતિ હજુ આવી નથી એ ઠીક ન કહેવાય. તરત જ કુસુમમાસી બોલી પડ્યાં હતાં, “મારી જ્યોતિ એક દિવસ પણ ઘરની બહાર જાય તો એનાં સાસરિયા અડધા અડધા જાય છે. જાણે અંધારું ઊતર્યું હોય એવું એમને લાગે છે. જ્યોતિનાં સસરા પથારીવશ છે અને જ્યોતિ વગર કોના હાથનું પાણી પણ પીતા નથી.”

        પછી તો કુસુમમાસીએ કોઈને બોલવાની તક જ ન આપી. જ્યોતિનાં ગુણગાન ગાતાં એમને થાક લાગે એવી કલ્પના જ નહોતી થઈ શકતી. કુસુમમાસી કહેતાં હતાં કે જ્યોતિ પરણીને સાસરે ગઈ પછી એક જ વરસમાં એણે આખા ઘરનો ભાર ઉપાડી લીધો. ઘરનાં તમામને એણે એવાં તો પોતાનાં કરી લીધાં કે ન પૂછો વાત. જ્યોતિને પૂછ્યા વગર ઘરમાં કોઈ પાણી ન પીએ. ઘરની ખરીદીથી માંડીને મહેમાનોની આગતા સ્વાગતા દેખભાળ, વહેવાર-વટ બધું જ જ્યોતિ કહે એમ થાય. જ્યોતિની સાસુ પણ જ્યોતિની સાસુ પણ જ્યોતિને પૂછ્યા વગર કશું જ કરે નહીં. ઘરની ચાવીઓ પણ જ્યોતિની કેડે જ લટકતી રહે. જ્યોતિના સસરા બિમાર છે, પણ જ્યોતિ માટે એમને એટલો ભાવ કે જ્યોતિ આધી પાછી હોય તો ખાય પણ નહીં. અમારા જમાઈ પણ જ્યોતિનું એટલું માન રાખે. ભૂલેચૂકે એમનાથી જ્યોતિનો કોઈક વાર છણકો થઈ ગયો હોય તો એની સાસુ એમની ધૂળ ખંખેરી નાખો.

        કુસુમમાસીએ એ દિવસે અટકવાનું નામ નહોતું લીધું. લગ્નના છેલ્લા દિવસ સુધી જ્યોતિ કેમ નથી આવી એની જાણે જાહેર સ્પષ્ટતા કરતાં હોય એમ એમણે કહ્યું કે, અજયના લગ્નનું નક્કી કર્યું ત્યારે એનાં સાસુએ તો જ્યોતિને કહ્યું કે તું અઠવાડિયું વહેલી જજે. પરંતુ જ્યોતિએ જ સામે ચાલીને કહી દીધું હું નહીં જાઉં તો કંઈ લગ્ન અટકવાના નથી. ઘરમાં તમે લોકો એકલાં પડી જાવ અને બાપુજીનું  ધ્યાન કોણ રાખે? વળી જમાઈને નવી નવી નોકરી એટલે એમને તો લગ્નના દિવસની માંડ રજા મળી છે. વડોદરા કંઈ આઘું નથી. છતાં  જ્યોતિ બે-ચાર મહિને માંડ એકાદ વાર આવે ત્યારે એનો જીવ તો ત્યાં જ હોય છે.

        કુસુમમાસીએ આગળ ચલાવ્યું. અહીં અમારે કશી ચિંતા નથી. છોકરીને સાસરે વળાવી પછી એણે સસરાના ઘરની છોકરી બનીને જ રહેવું જોઈએ. મારી જ્યોતિને મેં એવી સરસ રીતે તૈયાર કરી છે કે એ ભલભલાને પોતાનાં કરી લે છે. એની સાસુ પણ કહેવી પડે. જ્યોતિને એ ઘરમાં જતાંની સાથે જ એમણે કહ્યું હતું કે તું આ ઘરની વહુ નથી, પણ દીકરી છે. એ તો જ્યોતિને ‘દીકરી જ્યોતિ’ કહીને જ બોલાવે છે. જતાંની સાથે જ એમણે ઘરની ચાવીઓ અને ઘરનો બધો જ વહીવટ જ્યોતિના હાથમાં મૂકી દીધો હતો. એ પોતે સામે ચાલીને દરેક વાતમાં જ્યોતિની સલાહ લેતાં હતાં. ઘરમાં જ્યોતિનું સૌથી વધુ માન જળવાય એવો એમનો આગ્રહ હતો. અમારા જમાઈ પણ મહિનો થાય અને પગાર આવે એટલે પહેલાં જ્યોતિના હાથમાં મૂકી દે અને પછી જ્યોતિ જે હાથખર્ચી આપે એ ચૂપચાપ લઈ લે.

        લગ્નને દિવસે સવારે જ્યોતિ આવી પહોંચી. આવતાંની સાથે જ એણે તો કહી દીધું કે હું કાલે સવારે પાછી જતી રહીશ. મારા સસરાની તબિયત વધારે ખરાબ છે. એટલે જ મારાં સાસુજીથી  અવાયું નથી. પાછું એમને નવી નોકરી છે અને જવાબદારીઓ પણ ઘણી છે. મારાં સાસુ તો અઠવાડિયાથી મને જા જા કરતાં હતાં પછી કુસુમમાસી તરફ ફરીને બોલી, “મમ્મી મારાં સાસુ તો તારા કરતાં પણ સારાં છે! ”

        કુસુમમાસી કૃત્રિમ રોષ સાથે બોલ્યાં હતા, “હાસ્તો! અમે ઉછેરીને તને મોટી કરી તો હવે તો તું એવું જ કહીશ ને! દીકરી પારકે ઘેર જઈને આટલી બધી પારકી થઈ જતી હશે એવું કોઈને કહીએ તો પણ કોઈ માને નહીં! પણ કંઈ નહીં બેટા, તું તારે ઘેર સુખી થાય એમાં જ અમારું સુખ છે!”

        લગ્નને બીજે દિવસે જ જ્યોતિ પાછી સાસરે જતી રહી. કોઈકે કહું પણ ખરું કે કુસુમમાસીને કંઈ ખોટ નથી. દીકરી ગઈ તો વહુ આવી ગઈ. વહુના લક્ષણ આંગણાંમાં તો સારાં જ દેખાય છે. એટલે એ જરૂર જ્યોતિની ખોટ પૂરી કરી આપશે.

        આ બધું આજે અચાનક યાદ એટલા માટે આવ્યું કે કુસુમમાસી માટે બોલવાનો વિષય બદલાઈ ગયો છે. થોડા દિવસ પહેલાં શાહપુર તરફ જવાનું થયું અને અમે અમસ્તાં જ કુસુમમાસીને ત્યાં જઈ ચડ્યાં. અમને જોતાં જ રસોડામાંથી એ બોલ્યાં, “ક્યાંથી ભૂલા પડી ગયાં? જાણે કામ-ધંધો તો તમારે જ છે!”

        થોડી આડી અવળી વાતો કરી પૂછવાનું મન થયું કે જ્યોતિના શું સમાચાર છે, પણ ડર લાગ્યો કે પૂછતાંની સાથે જ કુસુમમાસી જ્યોતિનાં ગુણગાનનો આખો અધ્યાય શરૂ કરી દેશે. ગમે તેમ પણ એમની આ વાતમાંનો અતિરેક કાંકરિયાના વાસી પાણી જેવો બંધિયાર લાગતો હતો. કંઈક પૂછવું તો જોઈએ જ, એટલે અજય વિષે પૂછ્યું. તરત જ જવાબ મળ્યો, “આજે રજા છે તે ભાઈસાહેબ વહુને લઈને પિકચર જોવા ગયા છે. લગ્નને છ મહિના માંડ થયા છે ત્યાં તો ભાઈ વહુઘેલા બની ગયા છે. વહુ પીવડાવે એટલું જ પાણી પીએ છે. મા-બાપની તો કોઈ કિંમત જ નથી. હશે, છોકરાંને ઉછેરીને મોટાં કરવાની આપણી ફરજ…”

        મને એમ હતું કે કુસુમમાસી અહીંથી અટકી જશે પરંતુ એવું ન બન્યું. સાલ્લાનો છેડો કેડે ખોસતાં જાણે ખાનગી વાત કરતાં હોય તેમ બોલ્યાં, “આટલા માટે જ હું તો કહેતી હતી કે પાંચ માણસને પૂછ્યા વગર અને ખાનદાનનો વિચાર કર્યા વગર લગ્નની ઉતાવળ કરવા જેવી નથી. પણ અજય માનતો નહોતો. હવે ભોગવવાનું તો મારે જ ને!”

        “કેમ? એવું તે શું થયું?”

        “જવા દો ને વાત! આપણને કોઈની કૂથલી કરવાનું ગમતું નથી. પણ સાચું કહું તો એની માએ એને કશું શીખવાડ્યું જ નથી. વહુવારુએ ઘરમાં કેવી રીતે વર્તવું જોઈએ એની તો એને કશી ગતાગમ જ નથી ઘરની બધી વાતોમાં એને માથું મારવા જોઈએ. એને ખબર છે કે મને કોઈના હાથની રસોઈ પસંદ નથી તોય દોઢડાહી થઈને સવાર પડે અને રસોડામાં પેસી જાય પાછી મને શીખવાડી કે બા આમ નહીં ને બા તેમ નહીં. મેં એને હજાર વખત કહ્યું કે તું ઘરનું બીજું કામ કર, રસોઈ તો હું જ કરીશ.”

        કુસુમમાસી આજે ફરી અટકવાનાં નહોતાં એમણે ચલાવ્યું, ‘ઘરમાં કો મહેમાન આવે તો જાણે ઘરનો બધો કારભાર એ જ ચલાવતી હોય અને અમારી કો કિંમત જ ન હોય એવી રીતે લફરફફર ફરવા માંડે. અજયના પપ્પાની વાતમાં માથું મારે ત્યારે તો મારું માથું ફાટી જાય. આજ લગી જાણે એમનું સંભાળવા એ જ ન આવી હોય.

        કુસુમમાસીના ચહેરાની રેખાઓ તણાઈ ગઈ હતી અને આંખમાં હળાહળ કોગળા ઉપસી આવ્યા હતા. હાથના હાવભાવ કરીને બોલ્યા, “આ મહિને તો અજયે આવીને પગાર વહુના હાથમાં મૂક્યો ત્યારે મેં કહી દીધું કે ભાઈ, તમારે આવું કરવું હોય તો જુદા રહેવા જાવ! અમારા નસીબમાં દીકરા-વહુનું સુખ નથી એમ અમે માનીશું. પણ રોજનો કકળાટ સહન નથી થતો. પેલી અજયના કાનમાં ફૂંક મારે એમ અજય નાચે છે…”

        “પછી …?”

        “પછી શું ? અજય મારી સાથે ઝઘડ્યો. પાછી પેલી ચાંપલી થને અજયને વારવાનું નાટક કરતી હતી. મને ખબર નથી પડતી કે એણે અજય પર એવી તે શી ભૂરકી નાખી છે કે…”

        અચાનક રસોડામાંથી દૂધ ઊભરાતું હોય એવી વાસ આવી અને કુસુમમાસી ઊભાં થઈને રસોડા તરફ દોડ્યાં અને એમની કેડ પર ચાવીઓનો ઝૂડો લટકતો દેખાયો.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

2 comments

    1. પ્રિય ગાયત્રી, બહુ જ સાચું અવલોકન. આવી રીતે પ્રતિભાવ આપતા રહેશો તો અનુસંધાન મજબૂત બનશે. આભાર.

      Like

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: