જરીક દરિયો ઓળંગી લેવો જોઇએ.
કિનારે કિનારે ય ભેદ કેવા કેવા હોય છે?
ન ડૂબવાનો ડર, ને વળી તરવાનો આનંદ
નાખુદામાં ય છેદ કેવા કેવા હોય છે?
પરપોટા ય કશુંક તો જીવી જ જતા હોય છે,
વળગેલી મેદનીના મેદ કેવા કેવા હોય છે?
ચહેરે ચહેરે કરે સહુ નવી નવી પિછાણ,
જાહેર ન કરાય એ ખેદ કેવા કેવા હોય છે?
જન્મતાની સાથે જ મળી’તી સંપૂર્ણ આઝાદી,
માણસો ય ખુદમાં કેદ કેવા કેવા હોય છે?