પ્રણવ અને પંકજ જેવાઓનું ‘સ્ત્રી-દાક્ષિણ્ય’ જોતાં મહિલા ઉત્કર્ષ અને મહિલા સશક્તિકરણની વાતો કેટલી પોકળ અને દંભી છે એ તરત સમજાઈ જાય છે. મુશ્કેલીની વાત તો એ છે કે, આપણા સમાજમાં પ્રણવો અને પંકજોની સંખ્યા બેસુમાર છે અને સ્ત્રીઓને એમના અધિકારો પ્રત્યે જાગ્રત થવાની ડાહી ડાહી સલાહો આપનારાઓ પ્રણવો અને પંકજો પર નિયંત્રણ લાવવાની કોઈ દરકાર કરતા નથી. મને એવું સમજાયું હતું કે આવા લોકોનો સામનો સ્ત્રીએ પોતે જ પોતાની ઠંડી તાકાતથી કરવો જોઈએ. વાતોનાં વડાં કરનારાઓ એમની મદદે આવે એવી આશા રાખી શકાય નહિ. મનીષાએ જેમ જોખમની પરવા કર્યા વિના અનેક લોકોની ભીડમાં પંકજને લાફો મારી દીધો એમ જ અંજનાએ પણ પ્રણવને જોરદાર લપડાક મારવાની જરૂર હતી. એને બદલે એણે હતાશ થઈને આત્મહત્યા કરી. આપણે એ વિચારતા નથી કે અંજના જેવો પામર પ્રત્યાઘાત આપીને જ આપણે પ્રણવો અને પંકજોનો આત્મવિશ્વાસ વધારીએ છીએ.
મારે પરમજિત સાથે ક્યારેક ક્યારેક મહિલાઓની આવી સમસ્યાઓ વિષે વાત થતી હતી. એથી જ એણે એની લેડિઝ ક્લબમાં સુધા કુલકર્ણીનું લેકચર ગોઠવ્યું ત્યારે એણે મને લેકચરમાં આવવાનો અને સુધા કુલકર્ણની ફિરકી ઉતારવાનો આગ્રહ કર્યો. એક તો સુધા કુલકર્ણી પરમજિતની પાછળ પડી હતી કે મારું લેકચર ગોઠવ. પરમજિતે એનાથી જાન છોડાવવા લેકચર તો ગોઠવ્યું. પરંતુ એ એને પાઠ ભણાવવા માગતી હતી. બીજી વાત એ હતી કે પરમજિતને પણ સમજાયું હતું કે સુધા કુલકર્ણી જેવી નવરી સ્ત્રીઓ મહિલા-ઉત્કર્ષ અને મહિલા કાર્યકરના ઓઠા હેઠળ ચરી ખાય છે અને પોતાના અહંકારને જ પોષે છે. મને ખરેખર એની ફિરકી ઉતારવામાં બહુ રસ નહોતો. મને તો આવા દંભનો પડદો ચીરવામાં જ રસ હતો.
સુધા કુલકર્ણીએ મહિલા-સ્વાતંત્ર્ય અને મહિલા સશક્તિકરણની સુફિયાણી વાતો કરવા માંડી ત્યારે જ મારું લોહી ઊકળી ઊઠ્યું હતું. એણે લેકચર પૂરું કર્યું અને પછી પ્રશ્નોત્તરી માટે આમંત્રણ આપ્યું એટલે મેં નામ દીધા વિના મારી, અંજનાની અને મનીષાની વાત કરી. મેં કહ્યું કે એક વ્યક્તિ પોતાના કૃત્યનું કોઈ પણ જોખમ ઉઠાવવા તૈયાર છે. બીજી વ્યક્તિ એની સહનશીલતાની હદ આવી જાય છે ત્યારે પ્રત્યાઘાત આપે છે અને રિએક્ટ થતી વખતે પણ એનાં સંભવિત જોખમોનો ડર રાખતી નથી અને ત્રીજી વ્યક્તિ માત્ર પુરુષ પર જ સંપૂર્ણ આધાર રાખીને પોતે પોતાની સમસ્યાનો હિંમતભેર સામનો કરવાને બદલે જિંદગી ગુમાવવા સુધી પણ પહોંચી જાય છે. આપણા સમાજમાં આ ત્રણેય પ્રકારની સ્ત્રીઓ વસે છે. એમાં આ ત્રીજા પ્રકારની સ્ત્રીઓની સંખ્યા કદાચ સૌથી વધુ છે. પહેલા પ્રકારની સ્ત્રીઓની સંખ્યા તો દૂધપાકમાં ઈલાયચી જેટલી પણ નથી. એનો અર્થ એ કે સ્ત્રી પોતે જ પોતાના આત્મબળે સ્વતંત્ર થવા હજુ તૈયાર નથી થઈ. તમારી આવી લેકચરબાજીથી આવી સ્ત્રીઓનું કોઈ માનસ પરિવર્તન થતું નથી. કઈ મહિલા સંસ્થાએ કે કઈ મહિલા કાર્યકરે આવી સ્ત્રીઓનો આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કર્યો? મેં કહ્યું કે માત્ર લેકચરબાજીથી મહિલાઓનો આત્મવિશ્વાસ વધી જવાનો હોત તો આખી દુનિયા ક્યારનીય બદલાઈ ગઈ હોત.
મેં સુધા કુલકર્ણીને કહ્યું કે, તમે ખરેખર કંઈક કરવા માંગતા હો તો મહિલાઓના મનમાં સ્વતંત્રતા માટેની તરસ જગાડો. પરંતુ મેં એ પણ કહ્યું કે, તમારાથી એ થઈ શકવાનું નથી, કારણ કે, તમારો મહિલાઓ અંગેનો મૂળભૂત ખ્યાલ જ અધ્ધરતાલ છે. આપણા સમાજમાં મહિલાઓ અનેક વર્ગો અને જૂથોમાં વહેંચાયેલી છે. પહેલાં તમારા મનમાં જ સ્પષ્ટ થાવ કે તમે કઈ મહિલાની વાત કરો છો. ગ્રામીણ અશિક્ષિત મહિલાની, ગ્રામીણ શિક્ષિત મહિલાની, શહેરી ગૃહિણીની, શહેરી વ્યવસાયી મહિલાની, યુવાન છોકરીઓની કે વૃધ્ધ મહિલાઓની કોની વાત તમે કરો છો? આ બધી જ મહિલાઓની આગવી સમસ્યાઓ છે. આમાંથી કોઈ એક વર્ગની સમસ્યાનો ઉકેલ બીજા વર્ગ માટે ખુદ સમસ્યા બની શકે છે.

પછી તો એવું થઈ ગયું કે જાણે સુધા કુલકર્ણી પછી રીતસર મારું જ લેક્ચર શરૂ થઈ ગયું. સુધા કુલકર્ણી મારા સવાલોનો જવાબ આપી શકતી નહોતી. મેં એ વાત પર ભાર મૂક્યો કે મહિલાઓનું સશક્તિકરણ કરવાની લ્હાયમાં મહિલાને પુરુષસમોવડી બનાવવાની ભ્રામક ચેષ્ટા મૂકી દો અને મહિલાને મહિલા સમોવડી જ બનાવો. તો જ એનું અસ્તિત્વ સાર્થક થશે.
સુધા કુલકર્ણીએ આ વખતે મને સામો સવાલ કર્યો અને પૂછયું. “તો શું તમે એમ કહેવા માગો છો કે જે જે ક્ષેત્રમાં પુરુષનું વર્ચસ્વ છે એ ક્ષેત્રમાં સ્ત્રીએ ન જવું અને પોતાનું કાર્યક્ષેત્ર જ સંભાળીને બેસી રહેવું?”
મેં કહ્યું, “મેં આવું કહ્યું જ નથી. મારી વાતનો અર્થ કરવામાં તમારી સમજ ટૂંકી પડે છે.”
આવું સાંભળીને એ છંછેડાઈ ગઈ. પરંતુ મેં એને અટકાવીને કહ્યું, “પહેલાં મારી પૂરી વાત સાંભળી લો. પહેલી તો વાત એ છે કે, અમુક ક્ષેત્રો પર પુરુષનો વિશેષાધિકાર છે એવું તમે સ્વીકારી લીધું છે ત્યાં જ તમારી ભૂલ થાય છે. તમારે સ્ત્રીને એ વાતથી સભાન બનાવવાની જરૂર છે કે એની કુદરતી અને શારીરિક મર્યાદાઓ ન નડતી હોય તો એવાં બધાં જ ક્ષેત્રોમાં જવાનો એને અધિકાર છે અને એનાં ઢોલ-નગારાં ટીચીને નાહક ભેદ ઊભો કરવાની જરૂર નથી. એક જ દાખલો આપું. આજથી એક સદી પહેલાં સ્ત્રીઓ ડૉક્ટર હોય એ વાત જ કોઈના માન્યામાં આવતી નહોતી. આજે દર પાંચમી સ્ત્રી ડૉક્ટર છે. હવે આજે તમારે કહેવું પડે છે કે તબીબી વ્યવસાયમાં સ્ત્રીને પુરુષ સમોવડી બનાવવી છે? એની મેળે જ બનવાની છે. આજે પરદેશોમાં તો લોકોમાં અને પોલીસમાં પણ ઘણી સ્ત્રીઓ છે, ઘણી સ્ત્રીઓ વિમાન ઉડાડે છે અને ઘણી સ્ત્રીઓ મોટી મોટી કંપનીઓનો વહીવટ પણ કરે છે. અધિકાર કદી માંગીને મળતો નથી. માંગવાથી મળે એવો અધિકાર તો ધૂળ જેવો હોય છે. લાયકાત અને યોગ્યતા કેળવવામાં આવે તો અધિકાર સામે ચાલીને આવે છે. માત્ર પુરુષનાં કપડાં પહેરી લેવાથી, પુરુષની જેમ મોટરસાઈકલ ચલાવવાથી કે પુરુષની જેમ ગુસ્સો કરવાથી સ્ત્રી કદી પુરુષ સમોવડી બની શકે નહીં.”
હું ખરેખર જુસ્સામાં આવી ગઈ હતી. મેં સુધા કુલકર્ણીને કહયું કે, “તમે સ્ત્રી થઈને પણ સ્ત્રીની મર્યાદાઓ અને વિશિષ્ટતાઓને સમજતાં નથી એથી મને ગુસ્સો આવે છે. તમારે એ સમજવાની જરૂર છે કે કુદરતે જ સ્ત્રી અને પુરુષના શારીરિક તથા માનસિક બંધારણમાં કેટલાંક મૂળભૂત તફાવત રાખ્યા છે. આ તફાવત મિટાવવાના મિથ્યા પ્રયત્નો કરીને કદાચ તમે સ્ત્રીની કેટલીક મર્યાદાઓ ઘટાડી શકશો, પરંતુ સાથે સાથે સ્ત્રીની કેટલીક ખૂબીઓ પણ ખતમ થઈ જશે એનો તમે વિચાર કર્યો છે ખરો?”
સુધા કુલકર્ણી તો આંખો ફાડીને મારી સામે જોઈ રહી. એના ચહેરા પરથી દેખાતું હતું કે એ ભીતરથી બેચેન બની રહી હતી. ઓડિયન્સમાંથી બીજી એક મહિલાએ ઊભા થઈને મને કહ્યું, “તમારી વાત મને થોડી થોડી સમજાય છે. જરા વિગતે વાત કરો તો સારું!”
મેં મારી વાત સમજાવતાં કહ્યું, “પુરુષ અને સ્ત્રીના શારીરિક તફાવત વિષે તો આપણે જાણીએ જ છીએ. પરંતુ આ તફાવતને આપણે કઈ રીતે જોઈએ છીએ એ જ સવાલ મહત્ત્વનો છે. માત્ર સ્ત્રી જ ગર્ભવતી બની શકે છે અને બાળકોને જન્મ આપી શકે છે અને સ્ત્રીની મર્યાદા તરીકે જોવાને બદલે સ્ત્રીના વિશેષાધિકાર તરીકે આપણે કેમ નથી જોતા?” કોઈ પણ વિશેષાધિકાર સાથે જ એની કેટલીક મર્યાદાઓ પણ આવે છે. આપણે વિશેષાધિકારનું જતન કરવા માટે પણ એ મર્યાદાઓ પાળવી જરૂરી બને છે. પરંતુ એથી વિશેષાધિકાર અને મર્યાદાઓની સેળભેળ થઈ શકે છે. પુરુષની જેમ જ સ્ત્રી પણ સેક્સની બાબતમાં આ જ કારણે વિચાર્યા વિના બેફિકર બની શકે નહિ….
બીજી વાત… પુરુષ અને સ્ત્રીના માનસિક બંધારણમાં પણ કેટલોક મૂળભૂત તફાવત છે. પુરુષ મૂળભૂત રીતે આક્રમક પ્રકૃતિનો અને બહિર્મુખી છે. સ્ત્રી મૂળભૂત રીતે સમર્પિત થઈ જવામાં માનતી હોય છે. અને અંતર્મુખી સ્વભાવ ધરાવે છે. પુરુષ મોટે ભાગે બુદ્ધિથી દોરવાય છે અને સ્ત્રી હૃદયથી દોરવાય છે. પુરુષને વિયેતનામ અને ચીનમાં શું બની રહ્યું છે એમાં વધારે રસ હોય છે અને સ્ત્રીનો રસ બહુ બહુ તો પડોશીથી લઈને મહોલ્લા સુધી સીમિત હોય છે.”
ઓડિયન્સમાંથી એક સ્ત્રી ઊભી થઈને બોલી, “બહેન, તમે પણ સ્ત્રી છો. છતાં તમે આ બધું બુદ્ધિથી જ નથી બોલતાં?” ઓડિયન્સમાં એ મહિલાનો આવો પ્રશ્ન સાંભળીને હાસ્યનું મોજું ફરી વળ્યું. મેં જોયું કે આ પ્રશ્ન સાંભળીને સુધા કુલકર્ણીના ચહેરા પર ક્ષણિક ચમક આવી ગઈ. કદાચ એને થયું કે હવે સોનલને જવાબ આપતાં તકલીફ પડશે. હાસ્યનું મોજું તરત જ શમી ગયું અને મેં જવાબ આપ્યો, “મેં પહેલાં જ કહ્યું કે, આપણે સ્ત્રી-પુરુષના શારીરિક અને માનસિક બંધારણ વિષે સભાન નથી. પહેલી વાત તો એ સમજી લેવા જેવી છે કે પુરુષ હોય કે સ્ત્રી, એનો જન્મ સ્ત્રી અને પુરુષના મિલનથી થાય છે. એટલે કે દરેક વ્યક્તિમાં એક સાથે સ્ત્રી અને પુરુષ હાજર જ હોય છે. માત્ર એની ટકાવારીમાં જ ભેદ હોય છે. સ્ત્રીમાં ૩૦ કે ૪૦ ટકા સ્ત્રી હોવાની જ. મારા જેવી સ્ત્રી કદાચ બોર્ડરલાઈન પર હોય એટલે કે પ૧ ટકા સ્ત્રી અને ૪૯ ટકા પુરુષ હોય એવું પણ બની શકે. એથી હું પુરુષની જેમ વિચારતી હોઉં તો તમને નવાઈ ન લાગવી જોઈએ. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે જો પુરુષ પોઝિટિવ એનર્જી છે તો સ્ત્રી નેગેટિવ એનર્જી છે. બંનેનો સમન્વય જરૂરી છે. એકલા ધન વિદ્યુતપ્રવાહથી કે એકલા ઋણ વિદ્યુતપ્રવાહથી બલ્બ સળગી શકતો નથી. બંને પ્રવાહ જરૂરી બને છે. એટલે આ બંનેના અલગ અલગ પ્રવાહ જળવાઈ રહે એ જ આપણે જોવાનું છે. પરંતુ મિસિસ કુલકર્ણી તો નેગેટિવને પણ પોઝિટિવમાં ફેરવી દેવાની વાત કરે છે. બંને પોઝિટિવ થઈ જશે તો આપણે નેગેટિવ લાવીશું ક્યાંથી?”
મારી વાત સાંભળીને ઓડિયન્સમાં ફરી એકવાર હાસ્યનું મોજું ફેલાઈ ગયું અને સુધા કુલકર્ણી તો સાવ ઝંખવાણી જ પડી ગઈ. એટલે એના પર સીધો જ પ્રહાર કર્યો અને કહ્યું, “મહિલા-સ્વાતંત્ર્યની જરૂર મુંબઈમાં નથી. ગામડામાં છે. પહેલાં ગામડાંની સ્ત્રીને મુંબઈની સ્ત્રી કરતાં અડધી પણ સ્વતંત્રતા અપાવો. પરંતુ સ્ત્રી-સ્વાતંત્ર્યના નામે ખોટી અને મોટી આદર્શવાદી વાતો કરનારાઓ એમની જ દુકાન ચલાવે છે!”
સુધા કુલકર્ણી મારા પર છંછેડાઈ. એણે કહ્યું કે, “આ રીતે તમે મહિલાઓ માટેની ચળવળને જ નુકસાન પહોંચાડી રહ્યાં છો, મિસ સોનલ!”
મેં એટલા જ જુસ્સાથી કહ્યું, “હું તમારા આવા આક્ષેપને ઝીલી લઉં છું. હું મારો આક્ષેપ પુરવાર કરવા તૈયાર છું. તમે એ પુરવાર કરો કે આ આક્ષેપ ખોટો છે. તમારી વાત મૂળભૂત રીતે જ પોકળ છે, તમારે સામાજિક અને આર્થિક સુરક્ષા માટે પતિ જોઈએ છે, પતિને પરમેશ્વર ગણીને તમારે તમારો સાંસ્કૃતિક અહમ્ પણ પોષવો છે. સમાજમાં પરણેલી સ્ત્રી તરીકેનો મોભો પણ જોઈએ છે. પ્રેમ માટે બાળક પણ જોઈએ છે અને પાછી સ્વતંત્રતા પણ જોઈએ છે. તમારે તમારા વિશેષાધિકારો ભોગવવા છે. પણ એની સાથે આવતાં બંધનો સ્વીકારવાં નથી. એ દંભ જ છે કે બીજું કંઈ?”
ઓડિયન્સે તાળીઓ પાડીને આનંદ વ્યક્ત કર્યો. જેવી આ સેશન પૂરી થઈ કે તરત હું ઉતાવળે મનીષાને ઘેર જવા નીકળતી હતી કે બે-ચાર મહિલાઓ મારી પાસે આવી અને કહેવા લાગી, “તમે બહુ સરસ વાત કરી હોં! થોડી વાર રોકાવ. અમારે તમારી હાજરીમાં સુધા કુલકર્ણીને થોડા સવાલ પૂછવા છે. અમે પૂછીશું એને, પણ જવાબ તો તમે જ આપી શકો તેમ છો!” મેં એમને ‘સૉરી’ કહ્યું અને મારે ખૂબ મોડું થઈ ગયું છે એમ કહીને હું નીકળી ગઈ. નાસ્તો કરવા પણ રોકાઈ નહીં. સામાન્ય રીતે આવી ક્લબોની બેઠકો અને પ્રવચનો નાસ્તા-પાણી અને આઈસક્રીમ માટે જ હોય છે, પરંતુ સુધા કુલકર્ણીનો તો એ દિવસે સ્વાદ જ મરી ગયો હશે.
આ કંઈ મારા એકાએક જાગેલા વિચારો નહોતા. હું ઘણી વાર આવી બધી બાબતો અંગે વિચારતી હતી. પ્રણવ, કૌશલ અને પંકજ જેવા લોકો અને એમની સાથેના જુદા જુદા પ્રસંગો પણ મને વિચારવાનું નિમિત્ત પૂરું પાડતા હતા. ક્યારેક સમાજમાં બનતી અને છાપાંમાં આવતી આવી ઘટનાઓને લીધે પણ હું વિચારે ચડી જતી. મને હંમેશાં એવું લાગતું હતું કે ખરેખર મહિલા સશક્તિકરણની દિશામાં કંઈ પણ કરવું હોય તો મહિલાઓના મનમાંથી પુરુષોની સ્પર્ધા કરવાની અને પુરુષ સમોવડી બનવાની વાત જ કાઢી નાખવી જોઈએ. મારી દષ્ટિએ તો સ્ત્રી માત્ર સંપૂર્ણ સ્ત્રી જ બની રહે તો પૂરતું છે. આપણી કમનસીબી એ છે કે સુધા કુલકર્ણી જેવી મહિલા સેવિકાઓએ સ્ત્રીઓને જાણ્યે-અજાણ્યે એમની મર્યાદાઓ વિષે જ સભાન બનાવી છે. કોઈ પણ માણસે પોતાની મર્યાદાઓ વિષે સભાન બનવું જ જોઈએ. પરંતુ પોતાની ખૂબીઓ વિષે પણ એટલા જ સભાન બનવું જોઈએ. ખૂબીઓ વિષે સભાન બન્યા વિના એનો મહત્તમ વિકાસ કદી થઈ શકે જ નહિ.
અત્યાર સુધી આપણો પુરુષપ્રધાન સમાજ સ્ત્રીને એક ગુલામ અને એક રમકડું જ માનતો આવ્યો છે એ એક હકીકત છે. મહિલા ચળવળ ચલાવનારાઓ એવું સપનું જુએ છે કે નજીકના ભવિષ્યમાં સ્ત્રી પુરુષને પોતાનો ગુલામ અને પોતાનું રમકડું બનાવી દેશે. મને લાગે છે કે આ અભિગમ ખોટો છે. સ્ત્રી પોતાની શક્તિઓનો મહત્તમ ઉપયોગ કરે અને પોતે ગુલામ કે રમકડું નથી, પણ એનું એક સ્વતંત્ર વ્યક્તિત્વ છે એટલું જ પ્રસ્થાપિત કરે એટલું પૂરતું છે. સ્ત્રીઓ અને પુરુષે બંનેએ એ વાસ્તવિક્તા તો સ્વીકારવી જ પડવાની છે કે ગમે એટલા સ્વતંત્ર થયા પછી પણ બંનેને એકબીજાની જરૂર રહેવાની છે અને એકબીજા વિના ચાલવાનું નથી. મારી દ્રષ્ટિએ સ્પર્ધા નહિ, ન્યાયી સહ-અસ્તિત્વનો પ્રશ્ન જ સૌથી મહત્ત્વનો છે.
હું આવું બધું વિચારતી હોઉં ત્યારે મને ઘણી વાર એવો સવાલ મારી જાત માટે પણ થતો કે હું ખરેખર મારું પૂરેપૂરું સ્ત્રીત્વ સિદ્ધ કરી શકી છું ખરી? આવા સવાલ વિષે વિચારતાં વિચારતાં પણ મારા મનમાં ઘણી બધી વાતો આપમેળે સ્પષ્ટ થઈ છે. દાખલા તરીકે મોટા ભાગની સ્ત્રીઓ પોતાના રૂપ, સૌંદર્ય અને નજાકતનું પ્રદર્શન કરવાની બાબતમાં વધારે પડતી સભાન હોય છે. એ બાબતમાં હું બહુ ઓછી સભાન છું. કદાચ એનું કારણ એ હોઈ શકે કે હું મૂળભૂત રીતે સુંદર છું અને એથી વધારે સુંદર દેખાવાનો મારે પ્રયાસ કરવાની જરૂર નથી એવી મારી સમજ પણ એની પાછળ કામ કરતી હોય. બીજી વાત એ છે કે લગભગ બધી જ સ્ત્રીઓ સભાનપણે કે અભાનપણે એવું ઈચ્છતી હોય છે કે બીજા લોકો એમના તરફ ધ્યાન આપે અને એમને જુએ. જો આવું ન હોય તો સ્ત્રીએ ઘરેણાંથી લદાઈ જવાની કે મેક-અપના આડેધડ લપેડા કરવાની કે સારાં સારાં અને લેટેસ્ટ ડિઝાઈનનાં કપડાં પસંદ કરવા પાછળ પોતાનાં સમય અને શક્તિ બગાડવાની જરૂર નથી. મને તો અનુભવે એમ પણ સમજાયું છે કે આવા બધા વધારાના આયોજન વિના પણ બીજા લોકો અને ખાસ કરીને સ્ત્રીઓનું ધ્યાન પુરુષો તરફ જ હોય છે અને પુરુષો અચૂક સ્ત્રી પર જ ધ્યાન આપતા હોય છે. સ્ત્રીઓનું ઘરેણાં, મેક-અપ અને આકર્ષક વસ્ત્રો પાછળનું મનોવિજ્ઞાન હજુ ય મને સમજાતું નથી.
સ્ત્રીત્વનું બીજું એક લક્ષણ આપણી સામાજિક દ્રષ્ટિએ સ્ત્રીની પુરુષ સાથેના શય્યાસાથી તરીકેની અસરકારક ભૂમિકા અને માતૃત્વ છે. આમાંથી પહેલી બાબતમાં હું મારી જાતને યોગ્ય માનું છું. પરંતુ અહીં પણ મારી વિચારણામાં એક મુખ્ય ભેદ છે. સ્ત્રીએ પુરુષની મરજીનું સાધન બની રહેવાનું હોય તો એ સ્ત્રીત્વનું અપમાન છે. ભર્તુહરિએ શ્રેષ્ઠ પત્નીનાં લક્ષણો ગણાવતાં ‘શયનેષુ રંભા’ એક લક્ષણ ગણાવ્યું છે. પરંતુ મોટા ભાગની સ્ત્રીઓ ‘રંભા’નો અર્થ સમજે છે ખરી? બધી જ સ્ત્રીઓના મનમાં એક એવી ગેરસમજ હોય છે કે પતિને અથવા પોતાના પુરુષસાથીને સુખ અને સંતોષ આપવાની એમની એકમાત્ર ફરજ છે. આવી ફરજની સભાનતા સામે મને વાંધો નથી. પરંતુ હું તો આગળ વધીને એમ પણ કહ્યું છું કે સાથે સાથે જ સુખ, આનંદ અને તૃપ્તિ લૂંટવાનો સ્ત્રીને પણ એટલો જ અધિકાર છે. પુરુષ પોતાની સ્ત્રીના આવા અધિકારને માન્ય રાખે અને એનું સન્માન કરે એ દિશામાં આપણે હજુ સુધી કોઈ સમજદારીની ક્રાંતિ કરી શક્યાં નથી.
માતૃત્વની વાત આવે છે ત્યારે એ સ્ત્રીનો વિશેષાધિકાર છે એમ કહ્યા પછી પણ એ વિશેષાધિકારનો ઉપયોગ કરવો કે નહિ એનો આધાર સ્ત્રી પર જ હોવો જોઈએ. મતલબ કે માતૃત્વ ધારણ કરવું કે નહિ એ સ્ત્રીની જ પસંદગીનો પ્રશ્ન છે. સ્ત્રી માતા બની શકે છે એટલે એના પર દબાણ લાવીને એને માતા બનવાની ફરજ પાડવી એ તો એક પ્રકારનો બળાત્કાર અને અત્યાચાર જ છે. ગમે તે કારણસર સ્ત્રી માતા બનવા ન ઈચ્છતી હોય તો તે એના નિર્ણયમાં મુક્ત હોવી જોઈએ. પુરુષને બાપ બનવાની એટલી જ લ્હાય હોય તો એણે પોતે ગર્ભધારણ કરવું જોઈએ. પુરુષ એ માટે શક્તિમાન ન હોવાથી સ્ત્રી પર જબરદસ્તી કરે એ જ મારી દૃષ્ટિએ સ્ત્રીત્વનું અપમાન છે.
મેં લગ્ન નહિ કરવાનો અને માતૃત્વ ધારણ નહિ કરવાનો નિર્ણય કર્યો હતો એની પાછળ કેટલાંક કારણો જવાબદાર હતાં. પહેલી વાત તો એ કે લગ્ન કરીને હું કોઈ એક વ્યક્તિનું સાધન બની જવા તૈયાર નહોતી. મારે જ મારા માલિક બની રહેવું હતું. મારે મારી સ્વતંત્રતા ગુમાવવી નહોતી. બીજી વાત એ હતી કે લગ્નના બંધનમાં પડીને મારા જીવનનો આગળનો જે કોઈ રસ્તો ખુલ્લો હોય એ હું બંધ કરી દેવા માગતી નહોતી. જો કે એ વખતે હું ક્યારેક સંન્યસ્ત થઈશ એવો કોઈ ખ્યાલ મારા મનમાં નહોતો. છતાં મેં લગ્ન કર્યા હોત તો મારે આજે એ બધા પાર કરવા માટે પણ મારી સારી એવી ઊર્જા ખર્ચવી પડી હોત. મને એવું પણ લાગે છે કે કદાચ લગ્ન કરીને મેં જ ઊભો કરેલો સંસાર આજે મારા ગળાનો ગાળિયો બની ગયો હોત. આવું બધું એ વખતે મેં બુધ્ધિ કે તર્કથી વિચાર્યું નહોતું. માત્ર મારા હૃદયના અવાજને જ સાંભળ્યો હતો.
માતૃત્વની વાત આવે છે ત્યારે મેં પાંચ-સાત વર્ષમાં સેક્સનો મુક્ત રીતે અનુભવ કર્યા પછી પણ હું પ્રેગ્નન્ટ નથી બની એને પણ હું કોઈક કુદરતી સેંકેત જ માનું છું. કદાચ મારા શરીરમાં કોઈ ગરબડ હશે અથવા કોઈક ઊણપ હશે. આજે તો વિજ્ઞાન આટલું આગળ વધ્યું છે અને બધી જ ઊણપોનો ઈલાજ થઈ શકે છે. છતાં સાચું કહું તો મારે એવા કોઈ ઈલાજ કરવો જ નહોતો. એથી જ મેં કોઈ તપાસ પણ કરાવી નથી. મને ઊંડે ઊંડે એમ થતું હતું કે, જો કુદરતની અને નિયતિની જ આવી ઈચ્છા હોય તો મારે એ ઈચ્છાને કોઈ પણ પ્રતિકાર વિના સ્વીકારી લેવી જોઈએ. દરેક ઘટના પાછળ એક ચોક્કસ ડિઝાઈન હોય છે એવી મારી સમજ ઘણા સમયથી છે. એવી ડિઝાઈન હતી જ એવું મને આજે સમજાય છે.
મનોવિજ્ઞાન કહે છે કે દરેક માણસની અંદર વાત્સલ્યની પ્રબળ લાગણી હોય છે. એ માટે પણ બાળક જરૂરી છે. મેકડૂગલ નામના મનોવિજ્ઞાની તો વાત્સલ્યને એક સહજ વૃત્તિ ગણાવે છે. મારો સવાલ એ છે કે જો એ સહજ વૃત્તિ હોય તો એ કોઈક ને કોઈક રીતે અભિવ્યક્ત થવાની જ છે. એના માટે બાળક હોવું એ અનિવાર્ય નથી. બાળક ન હોય તો એ વાત્સલ્ય માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની, મિત્ર-સંબંધી, ફૂલ-ઝાડ અને આગળ વધીને કહું તો ટેબલ-ખુરશી જેવી જડ વસ્તુ પ્રત્યે પણ વહી શકે છે. સવાલ એ વૃત્તિના વહેવાનો છે, ક્યાં વહે છે એ ગૌણ છે. બીજી પણ એક વાત વિચારવા જેવી છે. કોઈ માતા-પિતા ચાહીને બાળકને નિમંત્રણ આપતાં નથી. એથી જ બાળક એમના માટે વાત્સલ્યનું નિમિત્ત બની રહેવાને બદલે એમનો અહંકાર પોષવાનું સાધન બની જાય છે.
મારે તો અહંકારમાંથી જ મુક્ત થવું હતું. દર વર્ષે જગતમાં દસ-બાર કરોડ બાળકો પેદા થાય છે. મારું એક બાળક ઓછું હશે તો જગતની વસ્તીમાં કોઈ મોટો ફેર પડી જવાનો નથી. એમ આઈ રાઈટ?