Design a site like this with WordPress.com
Get started

લીલો ઉજાસ – ભાગ – ૨ પ્રકરણ – ૮ મિ. નટવરલાલને ખુલ્લી ચેતવણી

જીવનનું અંતિમ ધ્યેય તો જીવનથી મુક્તિ જ છે.
જીવનનું અંતિમ ધ્યેય તો જીવનથી મુક્તિ જ છે.

દીલ્હીથી આવતાં વારંવાર હું એ જ વિચારી રહી હતી કે ખરેખર સંન્યસ્ત થવું જરૂરી છે? અત્યાર સુધી તો હું એમ જ માનતા હતી કે તમે જે જિંદગી જીવતા હો એની વચ્ચે રહીને જ તમારે આધ્યાત્મિક માર્ગે આગળ વધવું જોઈએ. સંસાર છોડીને સંસારથી દૂર જતા રહેવું તો સહેલું છે, પરંતુ સંસારમાં રહીને સંસારથી દૂર રહેવું અઘરું છે. મને એવું અઘરું કામ કરવામાં જ રસ હતો. પરંતુ ભદંત આનંદને મળ્યા પછી એવું લાગ્યું કે આ રસ પણ મારા અહંકારનો જ હતો.

       લી ચાંગે મને મારા પૂર્વજન્મની વાત કરી અને આડકતરી રીતે કરીના સાથેની મારી મુલાકાત પાછળના રહસ્ય તરફ ઈંગિત કર્યું એ પછી મારામાં બીજું પણ એક પરિવર્તન હું જોઈ શકતી હતી. એમની વાત સાચી જ હશે એમ મેં સ્વીકારી લીધું નહોતું. પરંતુ ખોટી હશે એવું પણ મેં સ્વીકારી લીધું નહોતું. એથી જ મારી અંદર રહેલી ભિક્ષુણી જાગ્રત થઈ હતી અથવા મારી અંદર ભિક્ષુણીએ પ્રવેશ કર્યો હતો. ખુદ બુદ્ધે પણ ક્યાંક કહ્યું છે કે સંસારમાં રહીને સંસારથી અલિપ્ત થવું એ બહુ મોટી વાત છે. ઓશો અને કૃષ્ણમૂર્તિએ પણ આ જ વાત કરી છે છતાં ભદંત આનંદે પૂછેલા સવાલનો જવાબ હું શોધું છું કે તો પછી ખુદ બુદ્ધે ગૃહત્યાગ અકારણ કર્યો હતો?

        મને આગળ વિચારતાં લાગ્યું કે, હું અત્યારે સંસારમાં છું અને સંસાર મારાથી પૂરેપૂરો છૂટયો નથી. ઘણું બધું છૂટી ગયું હોવા છતાં ઘણું બધું વળગેલું છે. એક વાર બધું જ છૂટી જાય અને હું મુક્ત થઈ જાઉં પછી જ સંસારમાં રહું કે સંન્યાસમાં રહું તો કોઈ ફર્ક ન પડે. અત્યારે સંન્યસ્ત જીવન ધારણ કરું તો એ કાચું ગણાય. હજુ પણ હું કામ અને ક્રોધથી પૂરેપૂરી મુક્ત થઈ નથી. મને એ સમજાયું કે મારા માટે જ્યારે સંસાર અને સંન્યાસ વચ્ચે કોઈ ભેદ ન રહે ત્યારે જ મારે સંન્યસ્ત થવા વિષે વિચારવું જોઈએ. ત્યાં સુધી સાંસારિક એટલે કે દુન્યવી જીવન જીવવાનું ચાલુ જ રાખવું જોઈએ.

       સંન્યસ્ત જીવનની તરફેણમાં મારા મનમાં એવો પણ વિચાર આવ્યો કે સંસારમાં રહીને સંસારથી અલિપ્ત થઈ ગયા પછી પણ મારે બે ટાઈમ ખાવાની અને બે જોડી કપડાંની તો કમ સે કમ ચિંતા કરવી જ પડવાની છે. રહેવાની પણ કોઈક વ્યવસ્થા કરવી પડશે. સંસારમાં રહીશ તો કેટલીક જવાબદારીઓ પણ નિભાવવી પડશે. ભાઈ મોટો થશે એટલે એનાં લગ્નમાં હાજરી આપવી પડશે. મમ્મી માંદી પડશે તો એની સારવાર પણ કરવી પડશે, ઈન્સ્ટિટયૂટના વિકાસ પર પણ ધ્યાન આપવું પડશે અને કોઈ ઓળખીતું મળે તો એની સાથે વ્યવહાર પણ કરવો પડશે. આ બધું જ સહજ રીતે થાય તો પણ વાસ્તવિક રીતે તો એમાં મારો સમય અને શક્તિ ખર્ચાવાનાં જ છે. સંન્યસ્ત જીવનમાં આવા પ્રશ્નો નહિ હોય અને હું વિના અવરોધે મારે જે કરવું હોય તે કરી શકીશ.

        છેવટે મેં નક્કી કર્યું કે મારી મારી જાત પર મારે પણ કોઈ નિર્ણય ઠોકી બેસાડવો નથી. સહજ રીતે જે બને તે બનવા દેવું છે. સંન્યસ્ત થવાનું પણ સહજ રીતે બને ત્યારે હું એમાં અવરોધ ઊભો નહિ કરું. ઓશો કહે છે એમ એ વખતે હું વહેણની સામી દિશામાં તરવાને બદલે વહેણની જ દિશામાં વહેવા માંડીશ અને એ વહેણ જ્યાં લઈ જાય ત્યાં સહેજ પણ ખચકાટ વિના જઈશ.

        ભદંત આનંદને મેં પત્ર લખીને મારી આ ગડમથલ જણાવી હતી. એમણે પણ કહ્યું કે હું સાચી દિશામાં વિચારું છું. એમણે માત્ર એટલું જ કહ્યું હતું કે તું જે કંઈ વિચારે એમાં પ્રામાણિક રહેજે. તારા મન પરની માલિકી કોઈ પણ સંજોગોમાં ગુમાવીશ નહિ.

       એક પત્રમાં ભદંત આનંદે લખ્યું હતું કે તારો આખરી મુકામ અહીં જ છે અને તું તારી મેળે જ આવવાની છું એનો મને વિશ્વાસ છે. એથી જ હું તને કોઈ આગ્રહ કરતો નથી અને તારી રાહ જોઉં છું. એમના આ શબ્દોએ સંન્યસ્ત જીવન તરફની મારી યાત્રાને વેગીલી બનાવી હતી. કામ-ક્રોધમાંથી મુક્ત થવાની મારી ઝંખના પ્રબળ બની હતી. પરંતુ હું એ ઝંખનાને બળજબરીથી કે કૃત્રિમ રીતે પાર પાડવા માંગતી નહોતી. જે કંઈ સહજ રીતે બને એને સહજ રીતે જ બનવા દેવું એ વિષે મારા મનમાં સ્પષ્ટ હતી.

       પંકજ સાથે એવું જ બન્યું. ચીનથી આવ્યા પછી હું મનીષાને મળવા ગઈ ત્યારે એણે મને એના પર આવતા નનામા ફોનની વાત કરી. કોઈ દેખીતા કારણ વિના એ જ ક્ષણે મારા મનમાં પંકજનું નામ ઊપસી આવ્યું. અમીર બાપ કી બિગડી હુઈ ઔલાદતરીકે એના માટે મારા મનમાં હજુય ગુસ્સો તો હતો જ. મનીષા એને ભાવ નહોતી આપતી એથી એનો અહમ્‌ ઘવાયો હતો. મનીષાને પંકજ સિવાય બીજું કોઈ હેરાન કરે એવું નહોતું. એટલે એ વખતે તો મેં વિચાર્યું કે હું પંકજને સમજાવીશ કે આવાં પરાક્રમો ન કર. મનીષા તારા હાથમાં આવવાની નથી અને આ રીતે તો નહિ જ આવે. કદાચ પંકજને પણ આ વાત સમજાઈ ગઈ હશે. એટલે હવે એ મનીષાને હેરાન કરીને વિકૃત સંતોષ લેતો હોવો જોઈએ. મને એ પણ થયું કે પંકજ કોઈ ઊંચી બુદ્ધિનો નમૂનો નથી. એટલે એ આવું જ કરે. પરંતુ એ વખતે મનીષા સાથે મેં આ બધી ચર્ચા કરવાને બદલે એટલું જ કહ્યું, કે ડોન્ટ વરી, આઈ વિલ ટેકલ!

        પરંતુ મારે જરા જુદી રીતે ટેકલ કરવાનું આવ્યું. હું મનીષાને ત્યાંથી નીકળીને સ્ટેશન પર આવી ત્યારે મેં પ્લેટફૉર્મ પર પંકજને ઊભેલો જોયો. એની અને મારી નજર મળી એટલે મેં એને ઈશારાથી બાજુ પર બોલાવ્યો. એ મારાથી ત્રણ-ચાર ફૂટ દૂર ઊભો રહ્યો. હું એની નજીક ગઈ અને કહ્યું, ક્યાં જાય છે?”

         “મરીન લાઈન્સ જવું છે!એણે જવાબ આપ્યો.

         “પંકજ, શું કામ મનીષાને નનામા ફોન કરીને હેરાન કરે છે? હવે એ તારા હાથમાં આવવાની નથી…” મેં તો અંધારામાં તીર માર્યું હતું.

         એણે તરત જ હસીને કહ્યું, તો તને ખબર પડી ગઈ? જો, એણે મને બધાની વચ્ચે લાફો માર્યો ત્યારે એનો હાથ તોડી નાખી શક્યો હોત. મેં એવું ના કર્યું, તો પણ એ મને નિગ્લેક્ટ કરતી હતી. હવે એણે લાફાની કિંમત તો ચૂકવવી જ પડે ને! આ તો હજુ શરૂઆત છે. એને કહેજે કે ‘દેખતે રહીએ, આગે આગે હોતા હૈ ક્યા, દોસ્ત, હું એને નમાવીને જ રહીશ!” આમ કહીને એ ખંધુ હસ્યો.

        એકદમ જ મારી કમાન છટકી અને મને ગુસ્સો આવી ગયો. મેં એનો કોલર પકડયો. એ બોલ્યો, “અરે, યાર! શું કરે છે?” એને પ્લેટફૉર્મ પરના લોકો જોતા હતા એનો જ ક્ષોભ હતો. મેં એનો કોલર જોરથી ખેંચ્યો અને ઢીંચણમાંથી પગ વાળી ઉપરાઉપરી એના પેટમાં માર્યો. મેં કહ્યું, આગે આગેની વાત જવા દે. અત્યારે શું થાય એ જોઈ લે! મનીષા ઠંડી છે કે નહિ એ તો તને ક્યારેય ખબર નહિ પડે. પણ હું કેટલી ગરમ છું એ જોઈ લે!”

        એની સાથે મારે થોડી ઝપાઝપી થઈ. ફરી મેં લાગ જોઈને એના પેટમાં ઢીંચણ વડે લાત મારી. એ પાછળ ખસવા ગયો એમાં ખોટી જગ્યાએ લાત વાગી ગઈ. એ બંને હાથ બે પગ વચ્ચે દબાવીને ચીસ પાડી ઊઠ્યો અને બેવડ વળી ગયો. આજુબાજુ થોડાક લોકો ભેગા થઈ ગયા હતા. મારો રોષ ઓર વધી ગયો હતો. મેં છુટ્ટા પગે ચાર-છ લાતો ફટકારી દીધી. એક છોકરી કોઈક છોકરાને મારતી હોય ત્યારે જોનારાઓને વધારે રસ પડે. એટલામાં ટ્રેન આવી અને ભીડ ઓછી થઈ ગઈ. મેં મારતાં મારતાં જ પંકજને ચેતવણી આપી કે જો હવે મનીષાનું નામ પણ લીધું છે તો બધાં જ કપડાં ઉતારીને મારીશ. બે-ત્રણ જણા પંકજને મારવામાં મને મદદ કરવા આવ્યા. પરંતુ મેં એમને રોક્યા. અચાનક મને ખ્યાલ આવ્યો કે મારું ટી-શર્ટ ફાટી ગયું હતું. મેં પંકજ પાસે એનું શર્ટ કઢાવ્યું અને ટી-સ્ટોલની પાછળ જઈને ટી-શર્ટ કાઢી નાખ્યું તથા પંકજનું શર્ટ પહેરી લીધું.

        પંકજનો બાપ વૉર્ડ-પ્રમુખ અને કાઉન્સિલર છે. કદાચ થોડા વખત પછી ધારાસભ્ય થશે અને પછી પ્રધાન પણ બનશે. રાજકારણીઓ ગું ડાઓ પણ રાખતા હોય છે. સ્ટેશન પર આટલા બધા લોકોની વચ્ચે માર ખાઈને પંકજનો અહમ્ લોહીલુહાણ થઈ ગયો હશે અને એ મારી તથા મનીષાની સામે ઝનૂની બનીને બદલો લેશે એવું મને લાગ્યું. એટલે એનો પણ કોઈક ઉપાય વહેલી તકે કરવો જરૂરી હતો.

      હું બપોરે ચાર વાગ્યે બધું કામ વહેલું પતાવીને નીકળી ગઈ. સીધી પંકજને ઘેર ગઈ. એક નોકરે બારણું ખોલ્યું. મેં પૂછયું, “પંકજ છે?”

       “સૂઈ ગયા છે! તબિયત સારી નથી એટલે!”

    મને મનમાં થયું કે તબિયત ક્યાંથી સારી હોય? મેં તરત જ પૂછયું. “નટવરભાઈ છે?”

       પેલા માણસે મને કહ્યું, “તમારું નામ?”

       “મારું નામ પછી… નટવરભાઈ છે કે નહિ એ મને કહોને… મારે પંકજનું નહિ. એમનું જ કામ છે!મેં જરા કડક અવાજે કહ્યું.

       સાહેબ છે… આ સામેના રૂમમાં… પણ તમારું નામ કહોને?” એણે કહ્યું.

       મેં તરત જ એને હળવો ધક્કો માર્યો અને સડસડાટ નટવરલાલના રૂમ તરફ ગઈ. પેલો નોકર હાંફળો-ફાંફળો થઈને મારી પાછળ આવ્યો. હું નટવરલાલના રૂમમાં ઘૂસી ગઈ. મને આમ અચાનક જોઈને નટવરલાલ સોફામાં બેઠા બેઠા મારી સામું ઝીણી આંખે જોઈ રહ્યા. હું પહેલાં તો એમની સામે જ સોફામાં બેસી ગઈ. પછી ખૂબજ સ્વસ્થતાથી બોલી, “મારું નામ સોનલ. હું અને પંકજ કૉલેજમાં સાથે ભણતાં હતાં.

       એ તરતજ નોકરને બોલાવવા જતા હતા. મેં હાથ આડો કરીને ના પાડી. એ તરત જ બોલ્યા. “પંકજ સૂઈ ગયો છે… એની તબિયત બરાબર નથી… ઉપર છે!”

       “થેંક યૂ. પણ હું આજે પંકજને મળવા નથી આવી. મારે તમારું જ કામ છે!

        “બોલો, શું કામ હતું?”

       તમને વાંધો ન હોય તો બારણું અંદરથી બંધ કરું?” મેં પૂછયું પણ એમણે કોઈ જવાબ ન આપ્યો. મેં જવાબની રાહ જોયા વિના જ બારણું બંધ કર્યું અને આવીને પાછી બેસી ગઈ. નટવરલાલ મારી તરફ દહેશતભરી નજરે જોઈ રહ્યા.

       મેં કહ્યું, “તમારે પંદરેક મિનિટ મને સાંભળવી પડશે. અમે કૉલેજમાં હતા ત્યારે મારી એક ખાસ ફ્રેન્ડ પર પંકજ ફીદા હતો. પણ એને પંકજ માટે કંઈ નહોતું. પંકજે એને બહુ હેરાન કરવા માંડી ત્યારે એક દિવસ ઉશ્કેરાઈને એણે પંકજને રિસેસમાં બધાંની વચ્ચે લાફો મારી દીધો હતો.” નટવરલાલ આ સાંભળીને સહેજ ઊંચા થઈ ગયા. મેં આગળ ચલાવ્યું. “એ છોકરીનાં લગ્ન થઈ ગયાં અને બે-અઢી મહિના પહેલાં એના પતિ ગુજરી ગયા પછી પણ પંકજ અને નનામાં ફોન કરીને હેરાન કરતો હતો.”

        “તો એમાં હું શું કરું? તમારી  યંગ જનરેશનની વાતમાં તમારે જ ફોડી લેવાનું. તમે જાણો અને પંકજ જાણે!” નટવરલાલે બેફિકરાઈથી કહ્યું.

       “હું એ જ કહેવા આવી છું. અમે અમારું ફોડી લઈએ તો તમે વચ્ચે આવતા નહીં… હવે તમને એ પણ કહી દઉં કે આજે પંકજની તબિયત ખરાબ નથી. સવારે મેં એને રેલવેના પ્લેટફૉર્મ પર સખત માર્યો છે!મેં ખૂબ જ સ્વસ્થતાથી કહ્યું.

        તરત જ નટવરલાલનો ચહેરો ફરી ગયો. એમણે કહ્યું, “મારામારી સુધી વાત પહોંચી જાય ત્યારે તો મારે વચ્ચે પડવું જ પડે!”

       “અંહં… અમારી વચ્ચે મારામારી નથી થઈ. મેં જ એને માર્યો છે.” મેં એટલી જ સ્વસ્થતા સાથે કહ્યું.

       એ પંકજને બોલાવવા જતા હતા. મેં એમને અટકાવીને કહ્યું, મિસ્ટર નટવરલાલ, હું તમને ફરિયાદ કરવા આવી નાથી…

         “તો….?” નટવરલાલે ફુંગરાઈને પૂછયું.

         “ચેતવણી આપવા આવી છું….” મેં કહ્યું.

         “વ્હોટ નોનસેન્સ? મને? અને ચેતવણી? તારું દિમાગ તો ઠેકાણે છે ને?” નટવરલાલ ગુસ્સામાં બોલ્યા.

        મારું તો ઠેકાણે છે. તમે ઠેકાણે રાખીને ગુસ્સો કે બૂમ-બરાડા કર્યા વિના મને સાંભળો. જો તમે મને નહિ સાંભળો તો તમને જ નુકસાન થશે!મેં બહુ ગણતરીપૂર્વક કહ્યું એટલા માટે કે રાજકારણીઓ નફા-નુકસાનની ભાષા જ સમજતા હોય છે.

        નટવરલાલ તરત લાઈન પર આવી ગયા અને બોલ્યા, “બોલ તારે શું કહેવું છે?”

        “જુઓ, પંકજને આજે મારા હાથનો માર ખાવો પડયો છે એથી એનો અહમ્ ઘવાયો હશે અને એ મારી અને મનીષાની સામે બદલો લેવાનો પ્રયત્ન કરશે. તમે એના પિતા છો એટલે તમને એના પ્રત્યે સહાનુભૂતિ હોય જ અને તમે એને પ્રોત્સાહન પણ આપો. મને ખબર છે કે તમે પોલિટિશિયન છો અને વગદાર માણસ છો. તમારી વાત માનનાર સજજનો પણ છે અને ગુંડાઓ પણ છે. તમે ધારો તો મને અને મનીષાને જીવવા પણ ન દો. તમે એટલા શક્તિશાળી છો… મેં સહેજ અટકીને નટવરલાલ તરફ જોયું તો એમના ચહેરા પર અભિમાનની રેખાઓ ઊપસી આવી હતી. એમણે એ જ અભિમાન સાથે કહ્યું, “તું સમજે છે એ સારું છે.

        મેં કહ્યું, હું સમજું છું. હવે તમે પણ સમજો. જુઓ, પહેલી તો વાત એ કે મને મારા જીવનની ચિંતા નથી. એનું કારણ એ કે હું અમરપટો લખાવીને આવી નથી. આજે નહિ તો પચાસ વર્ષ પછી પણ મારે મરવાનું છે. તમારી કે પંકજની કોઈ પણ હરકત મને કે મનીષાને મુશ્કેલીમાં મૂકશે તો હું તરત જ આત્મહત્યા કરીશ.”

        નટવરલાલ સસ્મિત મારી સામે જોઈ રહ્યા. મેં આગળ ચલાવ્યું. એ રીતે આત્મહત્યા કરીશ અથવા કોઈ પણ રીતે મારું અકુદરતી મૃત્યુ થશે તો ત્યાં વાત પતી નહિ જાય. ત્યાંથી શરૂ થશે…

        “એટલે?”

        “એટલે એમ જ કે મેં એક વિશ્વાસુ વ્યક્તિને લખીને આપ્યું છે કે મારા મોતનું કારણ પંકજ અને એના પિતા નટવરલાલ છે. એ બંનેએ મારા પર બળાત્કાર ગુજાર્યો છે અને મારું જીવવાનું મુશ્કેલ કરી દીધું છે. હું આત્મહત્યા કરીશ કે અચાનક મરી જઈશ તો એ વ્યક્તિ કાગળની નકલ કરીને ઠેકઠેકાણે મોકલી દેશે. મેં એમાં તમારાં બંનેના એવાં ગુણગાન ગાયાં છે કે મારી વાત કોઈ પણ વ્યક્તિ માન્યા વિના નહિ રહે.

        “તું શું બકવાસ કરે છે એ તને ખબર છે?” નટવરલાલે ઉશ્કેરાઈને કહ્યું.

       મેં જવાબ આપ્યો, “હું બકવાસ નથી કરતી. તમને ચેતવું છું. અને તમે તથા પંકજ સાનમાં સમજી જાવ એમાં જ સાર છે. તમે ચાહો તો મને અહીં અત્યારે જ શૂટ કરી શકો છો. અખતરો કરી જુઓ અને ખાતરી કરી લો કે હું જે કહું છું એ અક્ષરશઃ સાચું છે કે નહિ.”

        નટવરલાલને શું બોલવું એ સૂઝવું નહિ. એમણે એમના અવાજનો ટોન એકદમ બદલી નાખતાં કહ્યું, પંકજ પણ ગાંડો છે. જે છોકરી ના પાડે એની સામું જોવું જ જોઈએ નહિ. હું એને સમજાવીશ અને હવે એ કોઈ હરકત નહિ કરે એની હું ગેરન્ટી આપું છું.

       એમના બદલાયેલા ટોનની મારા પગ બિલકુલ અસર જ ન થઈ હોય એમ મેં કહ્યું, મારે આવી કોઈ ગેરંટીની જરૂર નથી. હવે એવું કંઈ થશે તો મને આપઘાત કરતાં વાર નહિ લાગે. મારી બેગમાં હું સાઈનાઈડની કેપ્સ્યુલ રાખું જ છું.એમ કહી મેં બેગ પર હાથ મૂક્યો.

      એક મિનિટ મૌન રહ્યા પછી નટવરલાલ બોલ્યા, “તું બહુ હોશિયાર છોકરી છે. પંકજે તારા જેવી છોકરી સાથે દુશ્મનાવટ કરવાને બદલે તને તો ગુરુ બનાવવી જોઈએ.” એમ કહીને હેં હેં કરતાં બનાવટી હસ્યા.

        મેં એમની વાતને જરાય ગંભીરતાથી લીધા વિના કહ્યું, “એ બધું તો ઠીક, પણ હજુ મારે તમને એક વાત કહેવાની છે. હવે મને આકસ્મિક રીતે પણ કંઈ થઈ ન જાય એનું તમારે અને પંકજે ખાસ ધ્યાન રાખવું પડશે. એનું કારણ એ છે કે મારા પર કોઈ પણ કારણસર આફત આવશે તો એ તમારા માટે જ આફત બનવાની છે.” એમ કહીને હું ઊભી થઈ. બારણું ખોલ્યું અને જવા જતી હતી ત્યાં નટવરલાલ બોલ્યા, “તમે લોકો આવા ઝઘડા ન કરશો. અને હા, એમ ન માનતી કે હું તારી ધમકીથી ડરી ગયો છું… આવી તો કંઈક ધમકીઓ આવી અને ગઈ…. પણ આ તો આવા નકામા ઝઘડા સારા નહિ એટલું જ!”

       મેં પાછું વાળીને એમની સામે જોયું. મને મનમાં થયું કે તમે કરી ગયા છો એવું આડકતરી રીતે કબૂલ કરી લીધું એ સારું કર્યું. નહિતર તમારે એમ કહેવાની ક્યાં જરૂર હતી કે હું તારી ધમકીથી ડરી ગયો નથી!

       નીકળતી વખતે મેં ક્ષણવાર માટે નટવરલાલનો ચહેરો જોયો તો મને લાગ્યું કે જાણે એ કાળો પડી ગયો છે. મેં તો નટવરલાલને ખોટી હુલ જ આપી હતી. આવો કોઈ પત્ર મેં કોઈને આપ્યો નહોતો. પરંતુ મારી હુલ આબાદ કામ કરી ગઈ હતી. એનું કારણ એ હતું કે હું જાણતી હતી કે વાઘનું ચામડું ઓઢી લેવાથી કોઈ વાઘ બની જતું નથી અને બહારથી બહાદુરીનું પ્રદર્શન કરનારાઓ અંદરથી ખોખલા અને બાયલા હોય છે. આ વાત જો નટવરલાલ જાણતા હોત તો એમના પરની મારી યુક્તિ સફળ ન થઈ હોત.

       રીતેશના કિસ્સામાં મેં આનાથી તદ્દન ઊલટો રસ્તો અપનાવ્યો હતો. પંકજની આ ઘટના અને રીતેશના કિસ્સા વચ્ચે સારો એવો અંતરાલ હતો. એથી મારી કાર્યપદ્ધતિ પણ બદલાઈ હોય એ સ્વાભાવિક હતું. મેં બે-ત્રણ વાર રીતેશ વિષે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મને સફળતા મળી નહોતી. હવે એક સાચી વાત કહું. હું હૃદયપૂર્વક ઈચ્છતી હતી કે મનીષા બીજી વાર એનું જીવન કોઈની પણ સાથે જોડે તો એ માટે નયન જ શ્રેષ્ઠ વ્યક્તિ છે. એનું કારણ એ હતું કે નયન મનીષાને પ્રેમ કરે છે એ વાતનો અણસાર મને વડોદરામાં જ આવી ગયો હતો. એથી જ મેં બંનેની વચ્ચે મર્યાદિત રીતે બફરની ભૂમિકા ભજવી હતી.

       રીતેશ માટે એવું બન્યું કે એકવાર એ અને મનીષા મારા ક્લાસ પર મળવા આવ્યાં હતાં ત્યારે મારી ઈસ્ટિટયૂટની એક છોકરી સામે જોઈને રીતેશ સહેજ હસ્યો હતો. પાછળથી એ છોકરીને મેં પૂછયું હતું કે તું એને ઓળખે છે? એ છોકરીએ કહ્યું હતું કે એના ફ્લેટની સામેના ફ્લૅટમાં રહે છે અને એના ભાઈને સારી રીતે ઓળખે છે. એ છોકરીનો ભાઈ અંકલેશ્વર ઓ.એન.જી.સી.માં નોકરી કરતો હતો. એનો ભાઈ બે દિવસ માટે મુંબઈ આવ્યો ત્યારે મેં એને મળવાનું ગોઠવ્યું. એણે પહેલાં તો ખચકાટ દર્શાવ્યો. પરંતુ પછી એણે બધી જ વાત ખુલ્લા દિલે કરી અને પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું કે કોઈ સારા ઘરની છોકરીનાં લગ્ન એની સાથે કરાવાય નહિ.

      મને રીતેશ વિષે માહિતી ન મળી હોત તો પણ એ જ દિવસે મનીષાને રીતેશનો જે અનુભવ થયો હતો એ જોતાં એ રીતેશ સાથે લગ્ન કરવાની નહોતી જ. પરંતુ મારી માહિતીએ એને સરળતા કરી આપી હતી. મને એક જ વાતનો આનંદ હતો કે નયન માટે ફરી એક વાર માર્ગ ખુલ્લો થઈ રહ્યો હતો.      

આ બાજુ હું મારા નિર્ણય પર આવી ગઈ હતી અને ભદંત આનંદ સાથે દીક્ષાની તારીખ પણ નક્કી થઈ ગઈ હતી. દરમ્યાન હું જૈન દીક્ષા લેવા માગતી નથી એ મારે સ્પષ્ટ કરવાનું હતું અને નયન તથા મનીષા વચ્ચેની સંવાદની ખાઈ પૂરવાની હતી. “રાત થોડી અને વેશ ઝાઝા” જેવી મારી સ્થિતિ હતી.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: