મેં બૌધ્ધ ધર્મની દીક્ષા લેવાનો નિર્ણય કરી લીધા પછી પણ મારે જૈન ધર્મની દીક્ષા નથી લેવી એવું જણાવવાની મારી શી જરૂર એવો સવાલ કદાચ તમને થશે. પરંતુ એની પાછળ મારી કોઈક ચોક્કસ સમજ હતી. મેં કહ્યું છે તેમ મારાં મમ્મી-પપ્પા ખૂબ ધાર્મિક છે. જો કે ‘ધાર્મિક‘ની મારી વ્યાખ્યામાં એ આવતાં નથી. એ બંને ધર્મનો પોતાની સગવડ માટે અને પોતાના અહંકારને પોષવા માટે જ ઉપયોગ કરે છે. છતાં એ બંને તો એમ જ માને છે કે અઢી હજાર વર્ષ પહેલાં મહાવીર સ્વામીએ જૈન ધર્મની સ્થાપના એમના માટે જ કરી હતી. એમની સાથેના મારા મતભેદો, મારો અલગાવ અને એમની દંભી જીવનશૈલી છતાં એ મારાં મા-બાપ છે એ વાતનો તો ઈનકાર થઈ જ શકે નહિ. મારી મમ્મીએ નવ મહિના અને પેટમાં ઊંચકી અને મારો ઉછેર પણ કર્યો છે. મારાં પિતાએ પણ એમાં કેટલુંક યોગદાન આપ્યું છે એટલે એમના એ ઋણની સાવ અવગણના કરવાનું મારા માટે શક્ય નથી. બીજું કે હું શાશ્વત શાંતિ અને મહાજીવનની શોધમાં જતી હોઉં ત્યારે મારાં મા-બાપને અશાંત કરીને કે નારાજ કરીને જાઉં એ કરતાં મારી થોડી વાત એમને ગળે ઉતારું કે હું જ્યાં જઈ રહી છું ત્યાં જ મહાજીવન છે તો તેઓ કદાચ ખચકાટ સાથે પણ એમના મનનું સમાધાન કરી શકે. જો કે મારા માટે આ બધું અનિવાર્ય નહોતું, પણ મને એ ઈચ્છનીય લાગતું હતું.
આથી જ મેં મમ્મી-પપ્પાને પહેલાં તો સાથે બેસાડીને કહ્યું, “મને હવે આ દુન્યવી જીવનમાં મજા નથી આવતી અને રસ પણ પડતો નથી. હું સંન્યસ્ત થઈ જવા માગું છું.”
મારા પપ્પા તરત જ બોલી પડયા, “એટલે તારે દીક્ષા લેવી છે?”
મને ખબર હતી કે એમનું મન ધર્મના નામે એટલું બધું સંકુચિત થઈ ગયું છે કે તેઓ સંન્યસ્તનો અર્થ દીક્ષા જ કરે છે. શબ્દ એક જ હતો, પરંતુ અમારા બંનેનો અર્થ જુદો હતો, એટલે મેં એકાક્ષરી જવાબ આપ્યો, ‘હા’.
એમણે તરત જ કહ્યું, “તને પરણાવીને સાસરે વળાવવાનો તો અમારો મનોરથ હોય જ, પરંતુ તે લગ્નની ઘસીને ના પાડી દીધા પછી અમે એ આશા તો પડતી જ મૂકી દીધી હતી. પરંતુ દીક્ષા લેવાનો તારો વિચાર તો એથી ય મોટો છે!”
“એટલે?”
“એટલે એમ છે કે આ તો પરમ સૌભાગ્યની વાત છે. ખૂબ પુણ્ય કર્યાં હોય એના જ જીવનમાં આવો અવસર આવે. તારા દીક્ષા લેવાથી સમાજમાં અમારાં માન-પાન પણ એકદમ વધી જાય.” પપ્પાના શબ્દો સાંભળીને મને તરત લાગ્યું કે એમને સમાજમાં એમનાં માન-પાનની જ વધારે ચિંતા છે.
ત્યાં મારી મમ્મી બોલી ઊઠી, “તેં બરાબર વિચાર્યું છે ને? દીક્ષા લીધા પછી તું તારી મનમાની નહિ કરી શકે. ત્યાં તો તારે નિયમમાં રહેવું પડશે અને નિયમિત ધરમ પણ કરવો પડશે. વ્રત-ઉપવાસ પણ કરવાં પડશે. પાછું સ્વચ્છંદી રીતે ભટકવા પણ નહિ મળે.” મમ્મી આડકતરી રીતે એમ કહેવા માંગતી હતી કે દીક્ષા લેવાનું તારું કામ નહિ.
મને એની વાત પર હસવું આવતું હતું. પરંતુ એ પણ એની રીતે સાચી હતી. મેં કહ્યું, “એ તો પછીનો પ્રશ્ન છે. પહેલાં તો એ જોવાનું છે કે ગુરુ મહારાજ મને દીક્ષા આપવા તૈયાર થાય છે કે નહિ!”
“એ વાત ખોટી! દીક્ષા લેવી જ હોય તો પૂરેપૂરી તૈયારી કરીને જ જવું જોઈએ. કોઈક સંજોગોમાં ગુરુ-મહારાજ દીક્ષા આપવાની ના પાડે તો આપણી કેટલી બદનામી થાય એ તને ખબર છે?” મમ્મીએ કહ્યું.
હું કંઈ જવાબ આપે એ પહેલાં પપ્પા બોલી ઊઠયા, “અને એક વાર દીક્ષા લીધા પછી તને ત્યાં ન સદે અને તું પાછી સંસારી થઈ જાય તો અમારી ઓર બદનામી થાય.”
“એ તો બહુ આગળની વાત છે… પહેલાં તો ગુરુ-મહારાજ મને દીક્ષા આપવા તો તૈયાર થાય! અને ના પાડશે તો હું બીજા કોઈ ધર્મની દીક્ષા લઈશ જેમ કે બૌદ્ધ...” મેં મમરો મૂક્યો.
પરંતુ મારા પપ્પા ‘બૌદ્ધ’ શબ્દ સાંભળીને જ જાણે ભડક્યા હોય એમ બોલ્યા, “બૌધ્ધ તો આપણા ધર્મની વિરુધ્ધનો ધર્મ છે. બૌદ્ધો એ આપણા ધર્મની વિરુધ્ધ કેવો કેવો પ્રચાર કર્યો છે અને જૈન ધર્મને તથા તીર્થંકરને ઉતારી પાડવાના કેવા પ્રયત્નો કર્યા છે એ તને ખબર છે? પછી એ સહેજ વાર મારી સામે જોઈ રહ્યા અને કંઈક વિચાર કરીને બોલ્યા, “તારા વિચારો અને તારી છાપ જોતાં મહારાજ સાહેબ કદાચ તને દીક્ષા આપવા તૈયાર ન થાય એ શક્ય છે. પરંતુ મને લાગે છે કે એવું થાય તો તારે તરત જ એમને કહેવાનું કે તો પછી હું બૌદ્ધ ધર્મની દીક્ષા લઈશ. એ આવું સાંભળશે એટલે તરત તને દીક્ષા આપવા તૈયાર થઈ જશે.
“જુઓ પપ્પા, પહેલી તો વાત એ છે કે કોઈ ધર્મ બીજા ધર્મનો વિરોધી હોઈ શકે જ નહિ. આચાર્યો, પંડિતો, પુરોહિતો અને ઉપાધ્યાયો જ એકબીજાની વિરુધ્ધ હોય. અને બીજી વાત એ કે દીક્ષા લેવાની મને એકલીને ગરજ નથી. મને દીક્ષા આપવાની ગરજ જૈન ધર્મને પણ હોવી જોઈએ.” મેં રોકડું પરખાવ્યું.
“ચલો, એ તો પછી જોઈએ છીએ! પણ તું આ બૌદ્ધ ધર્મની દીક્ષા લેવાનો વિચાર જ મનમાંથી કાઢી નાંખ.” એમણે ભારપૂર્વક કહ્યું અને પછી સહેજ અટકીને બોલ્યા, “જો તું જૈન ધર્મની દીક્ષા લે તો આપણે ન્યાતમાં આપણો રોલો પાડી દઈશું. ભવ્ય વરઘોડો કાઢીશું અને બધા જોતા રહી જાય એવું આયોજન કરીશું. લાખ-બે લાખ ખર્ચી કાઢવાની પણ મારી તૈયારી છે.”
મને મનોમન ફરી હસવું આવી ગયું. એમનો ધાર્મિક અહંકાર કેટલો મજબૂત હતો એ દેખાતું હતું. એમને પોતાની પ્રતિષ્ઠાની જ સૌથી વધુ ચિંતા હતી. મારી દીક્ષાને પણ એ અહંકારનું સાધન જ બનાવવા માંગતા હતા.
મમ્મી અને પપ્પા એ જ દિવસે ગુરુ-મહારાજ પાસે ગયાં અને કહ્યું કે, અમારી દીકરી સોનલની દીક્ષા લેવાની ભાવના છે. અમે તમારા આશીર્વાદ લેવા જ આવ્યાં છીએ. મહારાજ સાહેબે કહ્યું, “તમે બંને ખૂબ પુણ્યશાળી છો. તમારા જેવા સાધર્મિકની પુત્રી દીક્ષા લેવા તૈયાર થાય એ મને બહુ જ સ્વાભાવિક લાગે છે. મોરનાં ઈડા કંઈ થોડાં જ ચીતરવાં પડે?”

મારાં મમ્મી-પપ્પા આવું સાંભળીને રાજીના રેડ થઈ જ ગયાં હોય એ સ્વાભાવિક છે. કદાચ એમને એ વખતે મને જન્મ આપવા બદલ ગૌરવની લાગણી પણ થઈ હશે અને એમણે અત્યાર સુધીની મારી સ્વચ્છંદતા સહિત મારા બધા જ ‘ગુના‘ એક ક્ષણમાં માફ કરી દીધા હશે. એમના અહંકારનો દરિયો ઉછાળા મારવા લાગ્યો હશે. મહારાજ સાહેબે કહ્યું, “તમે એ કન્યાને સાધ્વી મોહિનાબાઈ પાસે મોકલો. મોહિનાબાઈ પચ્ચીસ વર્ષથી મારાં શિપ્યા છે. આઠ-દસ વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી હતી. મોહિનાબાઈ જ એને મારી પાસે લઈ આવશે.”
બીજે દિવસે હું અને મમ્મી સાધ્વીજી મહારાજ મોહિનાબાઈ પાસે ગયાં. એ વખતે ત્રણ-ચાર સ્ત્રીઓ એમની પાસે બેઠી હતી. એ સ્ત્રીઓ મૂર્ખ જેવા સવાલો પૂછતી હતી અને સાધ્વીજી મહારાજ ક્યારેક મૌન રહીને એમના સવાલોને ટાળી દેતાં હતાં તો ક્યારેક મહામૂર્ખામીભર્યા જવાબો આપતાં હતાં. થોડી વાર પછી એ સ્ત્રીઓ વિદાય થઈ એટલે મારી મમ્મીએ કહ્યું, “સાહેબ, આ મારી દીકરી છે સોનલ! હવે એને તમારી છત્રછાયામાં સોંપવાની છે. ગુરુ-મહારાજે તમારી પાસે આવવાનું કહ્યું છે.” સાધ્વીજી મહારાજ મને નખશિખ જોઈ રહ્યાં. એ કંઈક બોલવા જતાં હતાં ત્યાં મેં કહ્યું, “આપણે એકલા વાત ન કરી શકીએ?”
“વાંધો શું છે? આ તો તમારાં મમ્મી છે…” સાધ્વીજી મહારાજે કહ્યું. પછી મારા જવાબની રાહ જોયા વિના જ મારી મમ્મીને કહ્યું, “લીલાવતીબહેન, એને એકલીને વાત કરવી છે તો ભલે એ એકલી રહેતી...”
મારી મમ્મી ઊભી થઈને બહાર ગઈ એટલે પૂછયું “બારણું બંધ કરું?”
“ના, છો ને ખુલ્લું રહ્યું…”
“પણ મારે તમારી સાથે કેટલીક એવી વાતો કરવી છે કે બારણું બંધ કરીએ તો સારું.” મેં આવું કહ્યું એટલે એમણે સંમતિ આપી. મેં બારણું બંધ કર્યું. સાધ્વીજી મહારાજને સહેજ ઝીણવટથી જોયાં. એમની ઉંમર માંડ ત્રીસ-બત્રીસ વર્ષની હશે. પરંતુ ચાલીસી વટાવી ગયા હોય એવાં લાગતાં હતાં. એમનો ચહેરો ફિક્કો હતો. આંખો થોડી ઊંડી ઊતરી ગઈ હતી. છતાં એક સમયે એ સુંદર દેખાતા હશે એવી કલ્પના થઈ શકતી હતી. મને થયું કે આ સાધ્વીજી મહારાજ જો એક મહિનો વ્યવસ્થિત ખાય-પીએ, એક મહિનો નિયમિત એરોબિક્સ કરે અને રંગીન પંજાબી ડ્રેસ કે તંગ જીન્સ પહેરીને નીકળે તો અનેકને એક જ નજરમાં ઘાયલ કરી દે. એ પણ મને ઝીણવટથી જોઈ રહ્યાં હતાં અને પછી એક નજર પોતાને જોઈ લેતાં હતાં. આવું બહુ વાર ચાલ્યું નહિ. એમણે જ મને પૂછયું. “તને દીક્ષા લેવાનો વિચાર કેમ આવ્યો? મતલબ કે ક્યારે આવ્યો?”
“ક્યારે આવ્યો એ તો ચોક્કસ ખબર નથી. પણ કેમ આવ્યો એ ખબર છે!” મેં કહ્યું.
“કેમ આવ્યો?”
“મને એવું લાગ્યું કે હવે આનું આ જ જીવન એકની એક ઘરેડમાં જીવવાનો અર્થ નથી...” મેં સહજભાવે કહ્યું.
“તો શું તું એમ માને છે કે અહીં તું ઘરેડની બહારનું જીવન જીવવાની છે?” એમણે સહેજ કડક અવાજે પૂછયું.
મેં એમને કહ્યું, “હું તમને નિખાલસતાથી એક વાત કહી દેવા માગું છું. દીક્ષા અંગે મેં નિર્ણય લઈ જ લીધેલો છે અને એથી આપણે નકામી ચર્ચા કરીએ એનો અર્થ નથી. હું તો તમારી પાસે માત્ર મારી મમ્મીના સંતોષ ખાતર જ આવી છું. મને તમે મિત્ર જેવી માનશો તો મને તમારી સાથે વાતો કરવાની મજા આવશે. નહિતર હું રજા લઉં…”
“તારી મમ્મી મને પૂછે તો હું શું જવાબ આપીશ? થોડી વાર બેસ અને દીક્ષા અંગે તે શું નિર્ણય કર્યો છે એ કહે!”
“નિર્ણય એટલો જ કર્યો છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર વગેરેમાંથી હું ઘણે અંશે મુક્ત થઈ શકી છું એટલે મારે સહજ રીતે દીક્ષા તો લેવી છે. પરંતુ જૈન ધર્મની દીક્ષા નથી લેવી.” મેં કહ્યું.
“કેમ? તું જો બધાંમાંથી છૂટી ગઈ હોય તો જૈન ધર્મની દીક્ષા લેવામાં તને શું વાંધો છે? અને તું છૂટી ગઈ છે એમ તું શેના પરથી કહે છે? હજુ તો તારાં લગ્ન પણ નથી થયાં!” એમણે આશ્ચર્યના ભાવ સાથે કહ્યું.
“મને એવું લાગ્યું છે કે અહીં લગભગ બધા જ સાધુ અને સાધ્વીજીઓ અધકચરું જીવન જીવીને આવ્યા છે. એમને જીવનનો પૂરેપૂરો અનુભવ નથી અને એમણે દમન જ કર્યું છે. મેં મારી વૃત્તિઓનું દમન કર્યું નથી. સ્વાભાવિક છે કે મને દમન કરનારાઓ સાથે ફાવે નહિ.”
“પણ તું તો હજુ ૫રણી પણ નથી!” મહારાજ સાહેબ શું પૂછવા માગતાં હતાં એ મને સમજાતું હતું.
મેં કહ્યું, “જીવનને માણવા અને ભોગવવા માટે લગ્ન કરેલાં હોય એ જરૂરી છે?”
એમના ચહેરા પર કોઈક વિચિત્ર ભાવ ઊપસી આવ્યા. મેં એમની દુઃખતી રગ પકડી અને કહ્યું, “જુઓ સાહેબ! હું તમારી સાથે એક મિત્ર તરીકે જ વાત કરી રહી છું. મને થોડુંક સાચું સાચું કહેશો?”
“શું સાચું કહું?” એમણે ફિક્કું હસીને કહ્યું.
તમે સેક્સનો અનુભવ કર્યો છે? લોભ અને મોહમાં તમે ક્યારેય ફસાયાં છો?” મેં સીધો જ પ્રશ્ન કર્યો.
“મારી વાત પૂછે છે? મેં તો આઠ-દસ વર્ષની ઉંમરે જ દીક્ષા લીધી હતી. મને એવો કોઈ અનુભવ નથી…” એમણે એક ઊંડો શ્વાસ લઈને કહ્યું. એકદમ એમણે ઊભા થઈને બારણું ખોલ્યું અને બહાર ઊભા રહીને કોઈ સાંભળતું નથી એની ખાતરી કરી આવ્યાં.
એ બેઠાં કે તરત મેં પૂછયું, “પ્રામાણિકપણે જવાબ આપજો-તમને ક્યારેય કંઈક ગુમાવ્યું હોવાનો અફસોસ થાય છે ખરો?”
“ના, જરાય નહિ!”
“તમે જવાબ તો આપ્યો, પણ પ્રામાણિકપણે નહિ.” મેં એમની સામે છતાં કહ્યું.
એ તરત જ બોલ્યાં, “તું હવે જા! મને તારો ડર લાગે છે!”
મેં હસીને કહ્યું, “હું બહાર જઈને કોઈને કહેવાની નથી કે આપણી વચ્ચે શું વાત થઈ…”
“જો, આ વાત એવી છે કે કોઈને કહેવામાં સાર નથી. ઘણી વાર થાય છે કે મેં અણસમજમાં જ દીક્ષા લીધી હતી. લોકો કેવાં લહેર કરે છે અને હું… પણ જવા દે એ વાત!”
“ચાલો, બસ આપણે વાત અહીં જ પડતી મૂકીએ. પણ એક વાત કહી દઉં. તમે તમારી લાગણીઓનું હજુ પણ દમન કરો છો!”
“તારી વાત સાચી છે. પરંતુ હવે એ સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી… પણ તને એટલું કહી દઉં કે બને તો દીક્ષા ન લઈશ અને લે તો પૂરતો વિચાર કરીને લેજે. તું કહે છે એમ અપવાદરૂપ બે-ચાર જણાને બાદ કરતાં અહીં બધાં દમન કરનારાં જ છે. સાધુ-સાધ્વીઓ જેટલો અહંકાર તો શ્રાવકોમાં પણ નથી…”
મને લાગ્યું કે હવે મારે એમને વધારે સતાવવા ન જોઈએ. મારી આટલી વાત પછી પણ એમની ઊંઘ ઊડી જવાની છે એ મને ખબર હતી. છતાં એમણે કહ્યું, “કાલે બપોરે તું આવ, ગુરુ-મહારાજને પણ મળી લે!”
બીજે દિવસે ગુરુ મહારાજને મળવા ગઈ ત્યારે પહેલાં તો એમણે મને ખૂબ ઉમળકાથી આવકાર આપ્યો અને દીક્ષા લેવી એ કેટલું પુણ્યશાળી કામ છે એ વિષે એક નાનકડું પ્રવચન ફટકારી દીધું. પછી એમણે મને પૂછયું. “દીક્ષા એ તો એક પરીક્ષા છે. એમાં તો પૂરેપૂરા સજજ થઈને જ આવવું પડે!”
મેં તક ઝડપી લીધી અને કહ્યું, “સાહેબ, આપણો ધર્મ મૂળભૂત રીતે વૈજ્ઞાનિક હોવા છતાં આપણે એને અવૈજ્ઞાનિક બનાવી દીધો છે એવું તમને નથી લાગતું?”
“ખોટી વાત છે. આપણો ધર્મ વૈજ્ઞાનિક જ છે. આપણા ધર્મમાં કશું જ અવૈજ્ઞાનિક નથી.” એમણે સહેજ ઊંચા અવાજે કહ્યું.
મેં સામો પ્રશ્ન કર્યો. “મને તો એવું લાગે છે કે, આપણે બધી જ વૈજ્ઞાનિકતા ગુમાવી દીધી છે. આજે મિનરલ વૉટરના જમાનામાં પણ આપણે પાણી ગાળીને લેવાનો કે ઉકાળીને પીવાનો આગ્રહ રાખીએ એ કેવું? આજે પૂરતું લાઈટ મળતું હોવા છતાં સૂર્યાસ્ત પછી નહિ જમવાનો આગ્રહ રાખીએ એ કેવું? વિમાન, ટ્રેન, બસ-કારના જમાનામાં પણ પગે ચાલીને જ વિહાર કરવાનો આગ્રહ રાખીએ એ કેવું? દમન કરીને જિંદગીનો ઈનકાર કરવામાં આવે એ કેવું? સાધુત્વના નામે કામ અને ક્રોધનું દમન કરવામાં આવે એ કેવું? જે કદી ભોગવ્યું જ ન હોય એનો ત્યાગ કરવાનો દંભ કરીએ એ કેવું?” હું એકી શ્વાસે બોલી ગઈ.
એ સહેજ ઉશ્કેરાઈને બોલ્યા, “મારા ૪૫ વર્ષના સાધુજીવનમાં મને ક્યારેય આવા પ્રશ્નો નડયા નથી. તેં જૈન શાસ્ત્રો વાંચ્યાં છે? આ બધું જ શાસ્ત્રોમાં લખ્યું છે અને શાસ્ત્રનું અનુસરણ કરવું એ જ તો ધર્મ છે!”
મેં કહ્યું, “મેં શાસ્ત્રો વાંચ્યા છે અને એ બધાં જ શાસ્ત્રો મહાવીર સ્વામીની વિરુધ્ધ છે…”
મહારાજ સાહેબ ખરેખર ગુસ્સામાં આવીને બોલ્યા, “તું દીક્ષા લઈશ તો ધર્મનો નાશ કરીશ. તું નરકનો કીડો છે. અને તું નરકમાં જ જવાની છે!”
મેં જરાય ઉશ્કેરાયા વિના કહ્યું, “૪૫ વર્ષના સાધુજીવન પછી પણ તમે તમારા ગુસ્સા પર વિજય મેળવી શક્યા નથી એ જ બતાવે છે કે તમારાં ૪૫ વર્ષ પાણીમાં ગયાં છે.”
“તને ખબર છે તું આવું કોને કહી રહી છે?” સાધુ મહારાજ ગુસ્સા પર સહેજ કાબૂ આવતાં બોલ્યાં.
મેં તરત જ કહ્યું, “આ તમારો અહંકાર બોલે છે. હવે તમે એ પણ સાંભળી લો કે તમે મહાવીર સ્વામીના વહેતા ઝરણા જેવા-નિર્મળ જળ જેવા ધર્મને ખાબોચિયું બનાવી દીધો છે, જેમાંથી નરી દુર્ગંધ આવે છે. મારે આવી સાવ ખોખલી દીક્ષા લેવી પણ નથી.” હું ઊભી થઈને ચાલતી થઈ.
મારી મમ્મીને મારી દીક્ષાની બહુ ઉત્સુકતા હતી એ મહારાજ સાહેબને મળવા ગઈ ત્યારે મહારાજ સાહેબે મારા પરનો બધો જ રોષ એના પર ઉતાર્યો અને કહ્યું કે તારી છોકરી સાવ નાસ્તિક છે અને વંઠેલી છે. એ દીક્ષા લેશે તો ધર્મની જ હાનિ થશે. એ હજુ દીક્ષાને લાયક નથી.
મારાં મમ્મી-પપ્પા મારાથી ખૂબ નારાજ થયાં. મેં એમને કહ્યું કે મારો તમને નારાજ કરવાનો જરા પણ ઈરાદો નહોતો. પરંતુ જો મેં દીક્ષા લીધી હોત તો એ એક પથ્થરની પ્રતિમા સાથે લગ્ન કરવા જેવી વાત હોત.
એ બોલતાં નહોતા, પરંતુ એમના વર્તન પરથી એવું લાગતું હતું કે જાણે એ મને કહી રહ્યાં હતાં કે તે અમારી આબરૂની ખાનાખરાબી કરી નાખી છે. તારે જયાં જવું હોય ત્યાં જા અને તારું મોં કાળું કર. એ આવું બોલતાં નહોતાં એટલું જ.
બપોરે અમારી પડોશમાં રહેતી એક છોકરીએ આવીને કહ્યું, “માસી, સાધ્વીજી મહારાજ મોહિનાબાઈ સોનલબહેનને બોલાવે છે.” મારી મમ્મીએ આશ્ચર્ય થયું. હું થોડી વારમાં મોહિનાબાઈ પાસે ગઈ તો એમણે કહ્યું, “સોનલ, અમે લોકો ધ્યાનના નામે સામાયિક કરીએ છીએ. પણ મન સતત બીજે રોકાયેલું રહે છે અને ધ્યાન શું છે એ જ સમજાતું નથી. તું કેવી રીતે ધ્યાન કરે છે?”
મેં કહ્યું, “તમે જે સામાયિક કરો છો એ તો ખોટો કર્મકાંડ છે. ખરું સામાયિક તો તમે જે ક્ષણમાં હો એ ક્ષણમાં જ રોકાઈ જવું એ છે…”
“હં… જરા વિગતે વાત કર ને!”
મેં એમને મારો ખ્યાલ સમજાવતાં કહ્યું, “જુઓ, આપણું મન ક્યારેક ભૂતકાળમાં તો ક્યારેક ભવિષ્યમાં જ રમતું રહે છે. જીવન ન તો ભૂતકાળમાં છે કે ન તો ભવિષ્યમાં છે. જીવન તો હાલ પસાર થતી ક્ષણમાં જ છે. પરંતુ હાલની ક્ષણ ખૂબ જ નાજુક અને ખૂબ જ સાંકડી છે. પરંતુ એ ક્ષણનો દરવાજો અનંતમાં ખૂલે છે. એ દરવાજામાંથી પાર થઈ જઈએ તો શાશ્વત જીવન, નહિતર ક્ષણભંગુર જીવન. પરંતુ એ ક્ષણ અત્યંત બારીક અને સૂક્ષ્મ હોવાથી જ આપણે એને ગૌણ ગણીને છોડી દઈએ છીએ. વર્તમાન ક્ષણને પકડવાનો એક જ ઈલાજ છે કે જાગૃતિ રાખો. મહાવીર સ્વામી એટલે જ કહેતા હતા કે ‘અસુત્તા મુનિ.‘ એ દૃષ્ટિએ આ ક્ષણે જાગ્રત થઈ જવું એનું જ નામ ધ્યાન. વિચારને કારણે જ આપણે નિદ્રામાં ખોવાઈ જઈએ છીએ. નિર્વિચાર થઈએ એટલે તરત જ વર્તમાન ક્ષણ પર પટકાઈએ છીએ અને ધ્યાન સધાઈ જાય છે.”
“કેટલી સરસ વાત કરી તે? આવું તો અમારાં સાધુ-સાધ્વીઓ પણે કદાચ સમજતા નહીં હોય… સોનલ. અહીં હોય ત્યાં સુધી રોજ આવતી રહેજે. તારી સાથે વાતો કરવાનું ગમે છે, આવીશ ને?”
“આવીશ. પણ હું બહુ દિવસ અહીં રહેવાની નથી. પહેલી તારીખ સુધી છું. ત્યાં સુધી આવીશ.”
મોહિનાબાઈના ચહેરા પર સંતોષની રેખાઓ ઊપસી આવી. ઘરે ગઈ ત્યારે મમ્મીએ જ પૂછયું, શું કહેતાં હતાં સાધ્વીજી મહારાજ? મહારાજ સાહેબને તારા પર દયા આવી કે નહિ?”
મેં કંઈ જવાબ ન આપ્યો એટલે એ બોલી, “તું કેટલું મોટું પાપ કરી રહી છે એની તને ખબર નથી. સાધ્વીજી મહારાજ તો દયાળુ છે એટલે જ તને હજુય બોલાવીને બિચારાં સમજાવવાનો પ્રયાસ કરે છે.”
જે થોડા દિવસ બાકી હતા એ દરમ્યાન લગભગ નિયમિત રીતે હું મોહિનાબાઈને મળવા ગઈ હતી. છેલ્લા દિવસની અમારી મુલાકાત તો યાદગાર રહી. એ દિવસે એમણે પોતાનું દિલ ખોલીને વાત કરી હતી. એમની વાત સાંભળીને મને સાધુજીવનના દંભ અને કૃત્રિમતા પર ગુસ્સો આવતો હતો અને મોહિનાબાઈ જેવી નિર્દોષ સ્ત્રી પર દયા આવતી હતી.