છ-સાત દિવસ હું રોજ મોહિનાબાઈને નિયમિત રીતે મળી હતી. આ છ-સાત દિવસમાં અમે ખરેખર મિત્રો જેવાં જ બની ગયાં હતાં. હવે તો મોહિનાબાઈ મારી સાથે ખુલ્લા દિલે વાત કરતાં. એમણે પછી તો કબૂલ કર્યું કે ભોગવ્યા વિનાનો ત્યાગ ખોટો અને છેતરામણો છે. એમણે જીવનને ભોગવ્યું નહોતું. પરંતુ બીજા લોકોને જીવનનો ઉપભોગ કરતાં જોઈને એમને થતું હતું કે મેં નાસમજમાં જ આ બધું ગુમાવ્યું છે. આ જ જીવન હું પણ ભોગવી શકી હોત. અલબત્ત, દીક્ષા પ્રત્યે હજુ એમને એટલો અભાવ નહોતો જાગ્યો, પરંતુ જીવનને નહિ ભોગવ્યાનો અફસોસ તો હતો જ. એમણે એ વાત પણ કરી કે બે-ત્રણ વર્ષ પહેલાં દીક્ષા લેનાર એક સાધ્વીએ દસ વર્ષનું લગ્નજીવન ભોગવ્યું છે. એ સાધ્વી ક્યારેક પોતાના અનુભવોની વાત કરે ત્યારે પણ મોહિનાબાઈને થતું કે આ બધા અનુભવો પણ કરવા જેવા તો છે. દસ વર્ષના લગ્નજીવન પછી પણ એમને બાળક નહોતું અને એમના દીક્ષા લેવા પાછળ એ જ કારણ મુખ્ય હતું. આવી જ બીજી એક સાધ્વીની પણ એમણે વાત કરી. આ સાધ્વીના પતિનું બીજી એક સ્ત્રી સાથે ચક્કર ચાલતું હતું અને પતિ એની ઉપેક્ષા કરતો હતો. એને એક છોકરો પણ હતો. એનો પતિ આ છોકરાને લઈને જુદો રહેવા જતો રહ્યો હતો. આથી જ એણે પણ દીક્ષા લીધી હતી.
મોહિનાબાઈએ જે વાત કરી એ પરથી સ્પષ્ટ થતું હતું કે મોટા ભાગની સાધ્વીઓએ જીવનની કપરી વાસ્તવિકતાઓથી છૂટવા માટે જ દીક્ષા લીધી હતી. એક સાધ્વી કોઈક પરણેલા પુરુષના પ્રેમમાં હતી અને એની સાથે ખાનગીમાં લગ્ન કરી લીધાં હતાં. થોડા સમય પછી એના આ પ્રેમની મૂળ પત્નીને ખબર પડી ગઈ અને બહુ મોટો બખેડો થયો. પેલા પુરુષે પણ મોં ફેરવી લીધું. એટલે એણે દીક્ષા લઈ લીધી. જીવનથી છટકી જવા માટે દીક્ષા લેનારી સાધ્વીઓ ઉપરાંત બીજી મોટા ભાગની સાધ્વીઓએ અણસમજ અને આવેશમાં દીક્ષા લીધી હતી. આંગળીના વેઢે ગણાય એટલી જ સ્ત્રીઓ એવી હતી જે સાચેસાચ દીક્ષિત થઈ હોય એવું લાગતું હતું. મોહિનાબાઈના કહેવા મુજબ તો આવી સાધ્વીઓના જીવનમાં ઊંડા ઊતરીએ તો એમાં પણ આવું જ કંઈક જોવા મળે.
મોહિનાબાઈને સ્વાભાવિક રીતે જ સાધ્વીઓ વિશે જેટલી ખબર હતી એટલી સાધુ-મહારાજો વિષે નહોતી. છતાં એમની પાસે જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ પણ લગભગ આ જ પ્રકારની હતી. ઘણા સાધુ મહારાજો તો હવે આ જીવનથી ટેવાઈ ગયા હતા. પરંતુ તેઓ પણ દમન કરીને બેઠા હતા.
છેલ્લા દિવસે હું જ્યારે એમને મળી ત્યારે મેં એમને મારા બૌધ્ધ ધર્મની દીક્ષા લેવાના નિર્ણયની વાત કરી અને અમારી એ છેલ્લી મુલાકાત હતી એ પણ કહ્યું. મોહિનાબાઈ ઉદાસ થઈ ગયાં. એમણે મને કહ્યું, “સોનલ, આટલા ટૂંકા ગાળામાં તારી માયા બંધાઈ ગઈ છે. તને મળીને અને તારી સાથે વાતો કરીને મને ઘણી હળવાશ અનુભવાય છે. તું જઈશ પછી હું કોની સાથે વાતો કરીશ? અને હા, આજે છેલ્લી વાર મળીએ છીએ તો મારે તને બે વાતો કહેવી છે…”
આટલું કહીને મોહિનાબાઈ અટક્યાં… મેં એમની સામે પ્રશ્નસૂચક નજરે જોયા કર્યું એટલે એ બોલ્યાં, “બે-ત્રણ દિવસ પહેલાં મોટા મહારાજ સાહેબે મને કહેવડાવ્યું હતું કે પેલી છોકરી એટલે કે તું મને મળવા આવે છે એ બરાબર નથી. એને એટલે કે તને મારે કહી દેવું કે તું ન આવીશ. મેં કહેવડાવી દીધું કે સોનલ મારી સાથે દીક્ષાની જ ચર્ચા કરે છે અને એ લગભગ તૈયાર થઈ ગઈ છે. મને થોડો પ્રયત્ન કરવા દો.”
“બીજી કઈ વાત કરતા હતા?” મેં પૂછયું.
થોડી વાર તો એ કંઈ બોલ્યા નહિ. પછી ઊભા થઈને બારણું બંધ કરીને આવ્યાં અને મારી પાસે આવીને બેસી ગયાં. મને કાનમાં કહેતા હોય એમ એકદમ ધીમા અવાજે બોલ્યાં, હમણાં બે-ત્રણ વર્ષથી એક છોકરાએ દીક્ષા લીધી છે. અમે ઘણી વાર સામસામે થઈ જઈએ છીએ. અમારી વચ્ચે બોલવાનો વ્યવહાર નથી. પણ એને જોતાં જ મને કંઈક થઈ જાય છે. એની આંખમાં પણ મને જોઈને કંઈક થતું હોય એવું મને લાગે છે. પરંપરા મુજબ એ મને સામે મળે ત્યારે હું એને વંદન કરું છું. મને એવું લાગે છે કે એ પણ એને ગમતું નથી. છતાં મને દિવસમાં એક વખત એને જોઈ લેવાનું મન થાય છે. સોનલ, મને ઘણી વાર થાય છે કે જાણે હું પાપ કરી રહી છું અને મારે એની માફી માંગવી જોઈએ. મને તો એવું પણ થાય છે કે ગુરુ-મહારાજ પાસે જઈને મારે મારો માનસિક અપરાધ કબૂલ કરી લેવો જોઈએ. શક્ય છે કે કદાચ મારા મનમાં જે ચાલી રહ્યું છે એ એના મનમાં ન પણ હોય અને આ મારી ધારણા જ હોય. પણ સાચું કહું? મને એના જ વિચારો આવે છે. મને ઘણી વાર એમ પણ થાય છે કે હું કોઈક બહાને બીજે ક્યાંક બીજા જ કોઈક દેરાસર કે અપાસરામાં જતી રહું. પણ પાછું મન ના પાડે છે. હું મનમાં ખૂબ મૂંઝાઉં છું!
મને એમની માનસિક પીડા સમજાતી હતી. મેં એમને કહ્યું, “જુઓ, પહેલી વાત તો એ છે કે કોઈના પ્રત્યે પ્રેમ કે આકર્ષણ જાગે એ કદી પાપ હોઈ શકે નહિ. તમને પ્રેમ કે આકર્ષણ છે એવું પણ હજુ સ્પષ્ટ નથી. તમને એ મુનિને જોવામાં કે મળવામાં આનંદ આવતો હોય તો તમારે તમારા મનને મારવું જોઈએ નહિ. એનું કારણ એ છે કે પ્રેમની લાગણી કદાપિ એ જોતી નથી કે તમે કોટ-પેન્ટ પહેર્યાં છે, જીન્સ પહેર્યું છે, સાધુનાં કપડાં પહેર્યાં છે કે તમે નગ્ન થઈ ગયાં છો. મારી વાત સમજાય છે ને? અને બીજી વાત, તમે તમારી જાતને પૂછી જુઓ કે તમારામાં કેટલી હિંમત છે? તમે કુદરતી જિંદગી જીવવા માંગો છો કે કૃત્રિમ જિંદગીને વળગી રહેવા માંગો છો?”
મોહિનાબાઈ વિચારમાં પડયાં. મેં તરત જ કહ્યું, “હવે તો મારી પાસે બહુ સમય નથી. છતાં તમે કહેતા હો તો મને એ મુનિનું નામ આપો. હું એમને મળીને એમનું મન જાણી લઉં.”
“ના, ના! એવું ના કરતી!” મોહિનાબાઈના શ્વાસની ગતિ એકદમ વધી ગઈ હોય એવું લાગ્યું.
“હવે બીજી વાત કહું… મારો તો નિયમ છે કે જે બને એને બનવા દેવું… સાચો પ્રેમ કે સાચી લાગણી હોય તો એની મેળે જ માર્ગ નીકળે છે… શરત એટલી જ કે આપણી ધીરજ રાખવાની ત્રેવડ હોવી જોઈએ… અને ધીરજ પણ કેવી? અનંત કાળની ધીરજ…”
મોહિનાબાઈ ફાટી આંખે મારી તરફ જોઈ રહ્યાં. મેં આગળ કહ્યું, “અને જો આપણામાં ધીરજ અને હિંમતનો અભાવ છે એવું લાગે તો મનને ખોટી કલ્પનામાં વિહરવા દેવું નહિ. પેલું જૂની ફિલ્મનું ગીત છે ને… ‘વો અફસાના જીસે અંજામ તક લાના ન હો મુમકિન, ઉસે એક ખૂબસૂરત મોડ દે કર છોડના અચ્છા…’ બરાબર ને?
મોહિનાબાઈને એમની મૂંઝવણનું છેવટનું સમાધાન તો નહોતું મળ્યું. છતાં એમના મનમાં ઘણી સ્પષ્ટતા થઈ હોય એવું લાગતું હતું. હું છૂટાં પડતી વખતે બોલી. “તમે સાધ્વી છો એટલે નહિ, પણ મને તમારા પ્રત્યે મોટી બહેન જેવી લાગણી થાય છે. માટે….” એમ કહીને હું નીચી નમવા ગઈ તો એમણે મારો ખભો પકડી લીધો અને મને ભેટી પડયાં. એમની આંખ ઊભરાઈ આવી. મોહિનાબાઈની એ ભીની આંખ હજુ મને ભુલાઈ નથી.
એ દિવસે જ મેં નયન અને મનીષાને બોલાવીને વાત કરી. મને લાગતું હતું કે મનીષાનું મન નયન તરફ થોડું ઝૂક્યું છે. પરંતુ મોટા ભાગની સ્ત્રીઓ ભાગ્યે જ પહેલ કરતી હોય છે. એથી ઘણા ગાડી ચૂકી જતા હોય છે. મનીષાએ કદાચ નયન કંઈક કહે એ માટે ઘણી લાંબી રાહ જોઈ હતી. નયન એના સ્વભાવ અને એના મનની ખોટી અપરાધ-ગ્રંથિને કારણે મનીષા પાસે પોતાની લાગણી પ્રગટ કરતો નહોતો. છતાં એણે પત્ર લખીને મને આપ્યો ત્યારે લાગ્યું હતું કે, એની હિંમત હવે ખૂલી છે. પરંતુ એ વખતે મનીષાની માનસિક સ્થિતિ ડામાડોળ હતી અને રીતેશનો ઘા તાજો જ હતો. એ લગ્ન વિષે નકારાત્મક વિચારવા માંડી હતી.
એક તબક્કે તો મને એને કહેવાનું મન થઈ ગયું કે, તું તારા મા-બાપની ચિંતા કરે છે અને કદાચ તું છેક છેલ્લે સુધી એમની કાળજી પણ રાખીશ. પરંતુ તારા જીવનમાં જ એવો સમય આવશે ત્યારે તારી કાળજી કોણ રાખશે? એને બદલે તારાં લગ્ન થઈ ગયેલાં હશે અને તારો જીવનસાથી સમજદાર હશે તો એ તારાં મા-બાપની કાળજી લેવામાં પણ તને મદદરૂપ થશે. આથી જ નયન મારા મનમાં ફીટ બેસતો હતો. પરંતુ એ દિવસોમાં મનીષાને આવી વાત કરવાનું વાતાવરણ જ દેખાતું નહોતું. છતાં મને એની ચિંતા હતી અને હું ઈચ્છતી હતી કે મારા જતાં પહેલાં એ કોઈક આખરી નિર્ણય કરે.
સાચું કહું તો મનીષા મારા માટે મારો આખો સંસાર હતી. કદાચ હું એને એકલીને જ મારા સ્વજન તરીકે સ્વીકારી શકી હતી. મારાં મા-બાપ, ભાઈ કે બીજાં કોઈ સગા-સંબંધીઓ સાથે મારે એવો લગાવ નહોતો. મને પણ એ ખબર હતી કે મારા ગયા પછી મનીષા સાવ એકલી પડી જશે. એથી જ એને કોઈક મજાનો જીવનસાથી હોવો જોઈએ. જે એને ભરપૂર પ્રેમ કરતો હોય. છતાં હું એ વાતની કાળજી રાખવા માગતી હતી કે આવો કોઈ પણ નિર્ણય મનીષા મારા કહેવાથી લે એના કરતાં એની મેળે લે એ જ વધુ ઉચિત ગણાય. એટલે જ મેં આ બાબતમાં ખૂબ સંયમ દાખવ્યો હતો.
નયન અને મનીષા મને મુંબઈ સેન્ટ્રલ પર મૂકવા આવ્યાં ત્યારે મને અપેક્ષા હતી કે કદાચ મનીષા છેલ્લે છેલ્લે મને એનો નિર્ણય જણાવશે. પરંતુ અમારા એ બે કલાક મૌનમાં જ પસાર થયા. મને દેખાતું હતું કે મનીષાના મન પર મારી વિદાયનો ભાર હતો. મેં પણ એટલા જ માટે મૌન જાળવી રાખ્યું હતું કે હું આ એક માત્ર વળગણ છોડવા તૈયાર થઈ હતી અને પાછી ક્યાંક એમાં ગૂંચવાઈ ન જાઉં.
સાચું કહું તો મનીષા અને નયન એક થવાં જોઈએ એવી ઈચ્છા પણ મેં પડતી મૂકી હતી. જે થવાનું હશે તે થઈને રહેશે એવી મારી સમજ પર મેં વાત છોડી દીધી હતી. આજે મને એવું લાગે છે કે, બધી જ જે ઈચ્છાઓ છોડી દે છે એની જ ઈચ્છા પૂરી થાય છે. પરંતુ આપણે આપણી ઈચ્છાઓને પણ જકડી રાખીએ છીએ. એથી ઈચ્છાઓને આગળ ધપવાનો અવકાશ રહેતો નથી. વિરોધાભાસી લાગે એવી વાત છે. પરંતુ ફરીથી કહેવાનું મન થાય છે કે ઈચ્છો છોડયા વિના ઈચ્છા પૂરી થતી નથી.
મારી ટ્રેન મુંબઈ સેન્ટ્રલ પરથી રવાના થઈ ત્યારે હું છેક સુધી નયન અને મનીષાને જોઈ રહી હતી. મારી આંખો ભરાઈ આવી હતી. એ વખતે મને થયું હતું કે હું પણ માણસ છું અને સિદ્ધ થઈ નથી. મને પણ રડવાનો અધિકાર છે. ભગવાન બુધ્ધ અને મહાવીર સ્વામી જેવી વ્યક્તિઓ પણ ક્યારેક તો ૨ડી જ હશે ને!
ટ્રેન પ્લેટફૉર્મની બહાર નીકળી ગઈ અને નયન તથા મનીષા દેખાતાં બંધ થયાં ત્યારે બંનેના આકારોને મેં એકમેકમાં ભળી જતા જોયા હતા. આ પણ મારા મનનું જ દર્શન હતું. મારું મન જાણતું હતું કે હવે હું કદાચ એમને ક્યારેય મળવાની નથી. એથી બંને એક થઈ ગયાં છે એવું આશ્વાસન મારા માટે સારું જ છે. એ પછી અંદર આવીને હું એન્ટ્રન્સ પાસે ઊભી રહીને સળિયો પકડીને ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી એ પણ મારા માટે સાહજિક હતું. મારા એ રુદનમાં નર્યો અફસોસ જ હોત તો હું ટ્રેનની સાંકળ ખેંચીને ઊતરી ગઈ હોત. અલબત્ત, બધું જ અને બધાંને છોડવાનો અફસોસ હતો. પરંતુ એ વાતનું કોઈ દુઃખ નહોતું. ઊલટું હું હળવાશ અનુભવતી હતી અને મારા ઈચ્છિત માર્ગે આગળ વધવાનું એક મહત્ત્વનું પગલું ભરી શકી હતી એનો મને આનંદ હતો. મારા માટે સૌથી મહત્વની વાત એ હતી કે જે કંઈ બની રહ્યું હતું એ મારી સભાનાવસ્થા અને જાગ્રત અવસ્થામાં બની રહ્યું હતું.
દિલ્હી પહોંચી અને ભદંત આનંદ મૃદગાયનને મળી ત્યાં સુધીમાં તો મને એવું લાગ્યું કે જાણે મારી દીક્ષા થઈ ગઈ છે અને મારા મન પર હવે કોઈ ભારણ નથી. હું એકદમ હળવી થઈ ગઈ છું અને ધારું તો હવામાં ઊડી પણ શકું છું. છતાં ક્યારેક ક્યારેક પાછળ જોવાનું મન થઈ જતું. યાદ તો બધાં જ આવતાં હતાં. મમ્મી-પપ્પા, મેહુલ, નયન અને મનીષા-માત્ર મનીષા પર આવીને હું અટકી જતી. ઘણી વાર મોહિનીબાઈ પણ યાદ આવી જતાં. મારાથી એક ઊંડો શ્વાસ લેવાઈ જતો.

ભદંત આનંદ મૃદગાયન સાથે પટણા પહોંચ્યા પછી એમણે ત્યાં બધા સાથે મારી ઓળખાણ કરાવી. અહીંનાં સાધુ-સાધ્વીઓના ચહેરા પર શાંતિ અને સ્વસ્થતા દેખાતી હતી. કોઈકના ચહેરા થોડા અસ્વાભાવિક દેખાતા હતા. મજાની વાત તો એ હતી કે અહીં કોઈ કોઈનાથી ડરીને ચાલતું નહોતું. ઘણા ભિક્ષુઓ તો અંદરોઅંદર મજાક પણ કરી લેતા હતા. બધા જ કંઈકને કંઈક કામ કરતા હતા. મેં હજુ દીક્ષા લીધી નહોતી, તો પણ મને એક બીજી ભિક્ષુણી સાથે રહેવાની વ્યવસ્થા કરી આપી. એ ભિક્ષુણી મારા કરતાં ઉંમરમાં મોટી હતી. એની નજરમાં કરૂણા છલકાતી હતી. એ મને અત્યારથી જ ‘પુત્રી રોહિણી‘ કહીને બોલાવતી હતી.
દીક્ષાની વિધિ કોઈ પણ જાતની હો-હા કે હોબાળા વિના યોજાઈ ગઈ. લગભગ બધા જ ભિક્ષુઓ અને ભિક્ષુણીઓ હાજર હતાં. વિધિ યોજાઈ ગઈ પછી બધાએ મારી પર ફૂલો અને ફૂલોની પાંખડીઓનો વરસાદ વરસાવ્યો. બધાંના ચહેરા પર આનંદ હોય એવું દેખાતું હતું.
મેં સ્વેચ્છાએ જ બગીચાનું કામ સંભાળી લીધું. ફૂલ-ઝાડને નિયમિત પાણી પાવું, બગીચાનો કચરો સાફ કરવો, માટી ખોદીને નવા ફૂલ-છોડ વાવવાં વગેરેમાં મને ખૂબ આનંદ આવતો હતો. હું દરેક ફૂલ-છોડ પાસે જઈને ઊભી રહેતી અને મનોમન એમની સાથે વાતો કરતી. મને એવું લાગતું કે ફૂલ-છોડ પણ મારી સાથે વાતો કરે છે અને મને રિસ્પોન્સ આપે છે. થોડા દિવસ પછી હું બગીચામાં કામ કરતી હતી ત્યારે અચાનક ભદંત આનંદ મૃદગાયન ત્યાં આવ્યા અને મને કહ્યું, “રોહિણી, દીકરી તેં તો આ બાગને થોડા જ દિવસોમાં બોલતો કરી દીધો. મને પણ એમનો અવાજ સંભળાય છે!”
ક્યારેક ભિક્ષુઓ ગપસપ કરતા પણ જોવા મળતા. કોઈક મોટેથી હસતા પણ ખરા અને કોઈ પકડદાવ રમતા હોય એમ એકબીજાની પાછળ પણ દોડતા. ભિક્ષુણીઓ પણ ચહેરા લટકાવીને ગંભીર બેઠી હોય એવું ભાગ્યે જ જોવા મળતું. એ પણ ક્યારેક અંદરોઅંદર ગપસપ કરતી. કોઈક વળી પોતાના ભૂતકાળને યાદ કરવા બેસે તો મોટી ભિક્ષુણીઓ એમને ટોકતી અને કહેતી, “ભગવાન પણ કહેતા હતા કે તમારી પાસે બહુ ઓછો સમય છે અને આ સમયનો ઉપયોગ કરીને જીવન સાર્થક કરો. સંસારને યાદ કરીને સમય ન બગાડો.”
લગભગ બધાં જ નિયમિત ધ્યાન કરતાં. રાત્રે સૂતી વખતે અને સવારે ઊઠીને ધ્યાન કરવાનું લગભગ ફરજિયાત હતું. ભાગ્યે જ કોઈ આ બે સમય ચૂકતું. આજુબાજુનું વાતાવરણ એકદમ શાંત હતું. અને એથી જ સવાર કરતાં પણ રાત્રે ધ્યાન કરવાની ખૂબ મજા આવતી. ધ્યાનમાં કેટલો સમય નીકળી જાય છે એની જ ખબર નહોતી પડતી. શરૂ શરૂમાં ધ્યાન કરવા બેસું ત્યારે મને મુંબઈ, ઈન્સ્ટિટયૂટ, પરમજિત, મમ્મી-પપ્પા, અને મેહુલ, નયન અને મનીષા બધાં જ વારાફરતી યાદ આવી જતાં. હું એમના વિચારોને હાંકી કાઢવાને બદલે એમના વિચારો સાથે થોડી વાર વિહરી લેતી. એની મેળે એ વિચારો વિદાય થઈ જતા. આવું થોડા દિવસ ચાલ્યા પછી એ વિચારો પણ લગભગ વિદાય થઈ ગયા. છતાં હજુ પણ જયારે જયારે ધ્યાનમાં બેસતી ત્યારે મનીષાનો ચહેરો આંખ સામે આવી જતો. એની સાથે જ નયનનો વિચાર પણ આવી જતો.
મેં દીક્ષા લીધી એ પછી ભદંત આનંદ મૃદગાયને લી ચાંગને પત્ર લખીને મારી દીક્ષાના સમાચાર આપ્યા હતા. મને અહીં આવ્યાને હજુ મહિનો પણ પૂરો થયો નહોતો અને એક દિવસ ભદંત આનંદ મૃદગાયને મને બોલાવી. હું જઈને વંદન કરીને ઊભી રહી એટલે એમણે કહ્યું, “લી ચાંગનો પત્ર છે. તેઓ નિવૃત્ત થઈ ગયા છે અને એક આશ્રમ સ્થાપવા માગે છે. આ માટેની સરકારી પરવાનગી પણ એમણે મેળવી લીધી છે. એમણે લખ્યું છે કે જો રોહિણી અહીં આવવા ઈચ્છતી હોય તો એને મોકલવાની વ્યવસ્થા કરો. મારે એના જેવા એક રત્નની જરૂર છે!”
મેં કંઈ જવાબ ન આપ્યો એટલે ભદંત બોલ્યા, “શું વિચારે છે? જવું છે?”
હું મૌન રહી એટલે એમણે કહ્યું, “તારી ઈચ્છા હોય તો હું વ્યવસ્થા કરું. ગુરુ સામે ચાલીને બોલાવે એનાથી મોટું સૌભાગ્ય બીજું કોઈ નહિ!”
એમની આ છેલ્લી વાતને કારણે જ મેં હકારમાં ડોકું ધુણાવીને કહ્યું, “હું અહીં આવી છું એ જ મારું સૌભાગ્ય છે. તમે રજા આપશો તો હું જઈશ.”
એ દિવસોમાં મેં ફરી એક વાર ‘ધમ્મપદ‘ અને બીજાં બૌદ્ધ શાસ્ત્રોનું અધ્યયન કર્યું. હવે હું તદ્દન નવી દ્રષ્ટિથી વાંચતી હતી. નવા નવા અર્થો પ્રગટ થતા હતા. એક દિવસ મારી સાથે રહેતી ભિક્ષુણી અરુણાએ મને પૂછયું. “તને દીક્ષા લીધાનો અફસોસ તો નથી થતો ને? તું તો યુવાન છે અને જિંદગી ઘણી બાકી છે!”
મેં કહ્યું, “માઈ, અત્યાર સુધીના મારા બધા જ નિર્ણયો સભાનતાપૂર્વક લેવાયા છે. એટલે આ ક્ષણે તો મને પૂરેપૂરો સંતોષ છે. છતાં હવે પછીની ક્ષણ વિષે હું કહી શકતી નથી. એટલે જે ક્ષણે મને એવું લાગશે કે મારે માર્ગ બદલવો છે એ ક્ષણે હું માર્ગ બદલી નાખીશ. હું મારી જાત પર કોઈ બળજબરી કદી નહિ કરું.”
અરુણા મારી સામે જોઈ રહી. મેં કહ્યું, “હું જે રીતે આગળ વધી રહી છું એ જોતાં કદાચ બહુ જલ્દી મારા માટે પાછા ફરવાનો રસ્તો બંધ થઈ જશે. વેલ, અત્યારે તો આ ચર્ચા નિરર્થક છે. ચાલો, ધ્યાન કરવાનો સમય વીતી રહ્યો છે.” એમ કહીને હું ધ્યાન કરવા બેઠી.
હજુ શરૂઆત જ કરી હતી ત્યાં નીચેથી બૂમ પડી, “રોહિણી, તમને કોઈક મળવા આવ્યું છે!”
મને આશ્ચર્ય થયું. અહીં આટલે દૂર અને અજાણ્યા પ્રદેશમાં વળી મને મળનારું કોણ આવ્યું? મેં કોઈ તર્ક-વિતર્ક કરવાને બદલે નીચે જવા પગ ઉપાડયા. નીચે જઈને જોયું તો મનીષા અને નયન. મને જોતાં જ મનીષાની આંખો ઊભરાઈ આવી. એ મારા સાધ્વી વેશને જોઈ રહી. હું થોડી આગળ ગઈ એટલે એ દોડીને આવી અને ત્યાંના વાતાવરણની પરવા કર્યા વિના જ મને વળગી પડી. નયન પણ મારી બાજુમાં આવીને ઊભો રહી ગયો. મેં એના ખભે હાથ મૂક્યો. એના ચહેરા પરનું બદલાયેલું તેજ કહેતું હતું કે એ મનીષા સાથે મનપસંદ માર્ગે ચાલી રહ્યો હતો.
એ બંને લગ્ન પછી હનિમૂન પર જવાને બદલે સીધાં જ મને મળવા આવ્યાં હતાં. બંનેએ ખૂબ વાતો કરી. જો કે આ વખતે ઊંધું થયું હતું. એ બોલતી હતી અને હું સાંભળતી હતી. મનહર અંકલ અને વિની આન્ટીને પણ મનીષાએ નયન સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો એથી ખૂબ આનંદ થયો હતો. એમણે પણ એ વખતે મને ખૂબ જ યાદ કરી હતી.
મેં નયન અને મનીષાને અતિથિનિવાસમાં રહેવાની વ્યવસ્થા કરી આપી. બે દિવસમાં મારામાં આવેલું પરિવર્તન જોઈ મનીષાએ કહ્યું હતું કે, “સોનલ, તું તો સાવ બદલાઈ ગઈ છે!”
“માત્ર મારું નામ બદલાય એના કરતાં મારે પણ થોડા બદલાવું જોઈએ ને!” મેં જવાબ આપ્યો હતો.
એ રાત્રે મને વિચાર આવ્યો કે લી ચાંગ કહેતા હતા તેમ ગયા જન્મે મારી સાધનાને અટકાવવામાં મારા એ વખતના પતિની સાથે મારી પુત્રી પણ હતી. આ જન્મે પણ આવું જ કોઈક મને અડધે રસ્તેથી પાછું તો નહિ વાળે ને! એ કરીના પણ હોઈ શકે અને મનીષા પણ હોઈ શકે. મારા માટે પાછલો જન્મ જ નહિ, આ જન્મ પણ રહસ્ય જ છે!
આજે નયન અને મનીષા અહીંથી જઈ રહ્યાં છે. એમને મારું આ આત્મકથન આપીશ. કદાચ એ લોકોએ હજુ મોડું કર્યું હોત અને થોડા દિવસ પછી આવ્યાં હોત તો એ લોકો મને મળી શક્યાં ન હોત. હું કદાચ ચીન પહોંચી ગઈ હોત.
આજે મને એટલું જ સમજાય છે કે સંસાર તમને છોડતો નથી, તમારે જ સંસારને છોડવો પડે છે. બીજી એથી પણ મહત્ત્વની વાત એ સમજાય છે કે સંસાર તમારા છોડવાથી છૂટતો નથી. એ છૂટી જાય તો જ છૂટે છે!
(ઉત્તરાર્ધ સમાપ્ત)
Credits to Images: