લીલો ઉજાસ ભાગ -૨ પ્રકરણ – ૭ ચીન, ફેશન ટેકનૉલૉજી અને પૂર્વજન્મ

       સુધા કુલકર્ણીના લેક્ચરના પ્રસંગની પરમજિત પર ખૂબ સારી છાપ પડી હતી. એને રહી રહીને એની પાર્ટનર તરીકે પસંદ કરવા બદલ ગૌરવ થતું હતું. પરમજિત મારાં કરતાં ઉંમરમાં ઘણી મોટી હતી. પરંતુ મારી સાથે મિત્ર જેવો જ વ્યવહાર કરતી હતી. અમે ઘણી વાર આડીઅવળી અનેક વાતો કરતાં. પરંતુ એ એના અંગત જીવન વિષે કે એના દીકરા વિષે ભાગ્યે જ કશું કહેતી. એનો દીકરો ભણીને આવી ગયો અને લશ્કરમાં એને કેપ્ટન તરીકે પોસ્ટિંગ મળ્યું ત્યારે પરમજિતે એક નાનકડી પાર્ટી રાખી હતી. છોકરો સ્માર્ટ હતો અને કોઈ પણ છોકરીને ગમી જાય એવો હતો. મને પણ ગમી ગયો હતો. પરંતુ પછી અમારી મુલાકાતો થઈ નહિ. એમાં એ બચી ગયો.

       રીમા સેન આવી ત્યારે તો પરમજિતને જ ચીન માટેના પ્રતિનિધિમંડળમાં લઈ જવા આવી હતી. સરકારી ખર્ચ અને જોખમે પરદેશ જવા કોણ તૈયાર ન થાય? પરંતુ પરમજિતે મારું નામ આગળ કર્યું એથી ખુદ રીમા સેનને આશ્ચર્ય થયું હતું. પરમજિત નિખાલસ હતી. એણે રીમા સેનને કહ્યું કે, હું ફેશન ડિઝાઇનિંગની ઇન્સ્ટિટયૂટ ચલાવું છું એ ખરું, પરંતુ હજુ મને આ વિષયમાં ખાસ ગતાગમ પડતી નથી. સોનલ જાણે છે અને એ કંઇક શીખીને આવશે તો અમને એટલે કે ઇન્સ્ટિટયૂટને જ લાભ થવાનો છે. રીમા સેને એને એ વખતે કહ્યું હતું કે, ફેશન ટેક્નોલૉજીમાં આપણે ખૂબ આગળ છીએ અને ચીન પાસેથી શીખવા કરતાં આપણે ચીનને શીખવવાનું વધારે છે. પરમજિતે તરત જ કહ્યું હતું કે, એ સંજોગોમાં સોનલ જ યોગ્ય હતી.

       મને ચીન જવા મળ્યું એ મારા માટે બહુ મોટી વાત નહોતી. મારે મન તો સુરત કે વડોદરા જતી હોઉં એમ ચીન જવું એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા જેવું જ હતું. ફર્ક એટલો હતો કે બસની અથવા ટ્રેનની મુસાફરીને બદલે પ્લેનની મુસાફરી કરવાની હતી. મારે માટે અહીં સૂઇ જવું કે ત્યાં સૂઇ જવું અથવા અહીં ખાવું કે ત્યાં ખાવું એવી બધી બાબતો પણ ગૌણ હતી.

કોઈ પણ વસ્તુ કે બાબતને જોવાનો દ્રષ્ટિકોણ પ્રત્યેકનો અલગ અલગ હોય છે.
કોઈ પણ વસ્તુ કે બાબતને જોવાનો દ્રષ્ટિકોણ પ્રત્યેકનો અલગ અલગ હોય છે.

       આમ છતાં બીજી એક રીતે મારી ચીનની યાત્રા મારા માટે નિર્ણાયક અને યાદગાર બની ગઈ હતી. મેં કેટલાંક જોવાલાયક સ્થળોની મુલાકાત લીધી હતી, પણ મને લાગે છે કે એ બધું વર્ણન કરવાનો અર્થ નથી. ઇતિહાસ-ભૂગોળનાં પુસ્તકોમાં એ બધું વર્ણવેલું જ હોય છે. પ્રવાસ-વર્ણનો વાંચતી વખતે મને આ જ સવાલ થયો છે કે એ લોકો આવાં નકામા વર્ણનો શા માટે કરતાં હશે? કેટલાક એવી દલીલ કરે છે કે વસ્તુ એક જ હોય, પરંતુ એને જોનાર કઈ રીતે જુએ છે એ વાત મહત્ત્વની હોય છે અને એથી જ વર્ણન મહત્ત્વનું બને છે. આ દલીલ સાચી હોય તો પણ મને વર્ણન નિરર્થક લાગે છે. એનું કારણ એ છે કે તમે તમારી આંખે જે જોયું છે એ જ હું મારી આંખે જોવાની નથી. કદાચ મારી આંખ કંઈક જુદું અને કદાચ કંઈક વિપરીત પણ જોઇ શકે છે. એટલે જ હું ક્યાં ક્યાં ફરી અને શું શું જોયું એની નકામી વાતો નહિ કરું. એને બદલે મારા બે અનુભવોની વાત કરીશ.

       એક દિવસ અમે બૈજિંગની એક યુનિવર્સિટીની મુલાકાતે ગયાં હતાં. યુનિવર્સિટી સરસ હતી અને સાચા અર્થમાં ત્યાં શિક્ષણકાર્ય થતું હોય એવું લાગ્યું. કેટલાક વિદ્યાર્થીઓ અમારી સાથે ફેશન ટેકનોલૉજી વિષે પ્રાથમિક વાતચીત કરવા માગતા હતા. ચીન માટે આ વિષય નવો નવો જ હતો. રીમા સેને મને પૂછયા વિના જ કહી દીધું કે સોનલ તમારી સાથે વાત કરશે. બીજે દિવસે બપોરે બાર વાગ્યાનો સમય નક્કી થયો હતો. લગભગ બે કલાકની વાતચીતમાં મેં જોયું કે ચીની વિદ્યાર્થીઓની જિજ્ઞાસા-વૃત્તિ બહુ તેજ હતી. તેઓ ધ્યાનથી સાંભળતા હતા અને જે ન સમજાય એ કોઈ પણ જાતના ખચકાટ વિના પૂછતા હતા. એમણે ખુલ્લા દિલે કબૂલ કર્યું કે ફેશન ટેક્નોલૉજી એમના માટે નવો વિષય છે અને એમણે ભારત પાસેથી એ વિષયમાં ઘણું શીખવાનું છે. મને એમની આવી નિરહંકારિતા સ્પર્શી ગઈ.

           મેં એમને પહેલાં તો ફેશનનો ખ્યાલ સ્પષ્ટ કર્યો અને એમાં ટેક્નોલૉજી કેવી રીતે આવી એ વાત કરી. મેં કહ્યું કે, આ વિષયને વૈજ્ઞાનિક સ્વરૂપ અપાયા પછી પણ મૂળભૂત રીતે એ એક કલા છે. એ માટે સમાજના બદલાતા પ્રવાહો, અલગ અલગ વ્યક્તિઓ અને સમૂહોના મનોવિજ્ઞાન, સાંસ્કૃતિક પરંપરાઓ અને દૂરદ્રષ્ટિ ખૂબ જરૂરી બને છે.

         એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછયો. સાંસ્કૃતિક પરંપરા તો ઝટ બદલાતી નથી. ફેશન ટેક્નોલૉજી એમાં કેવી ભૂમિકા ભજવે છે?”

        મેં એને જવાબ આપ્યો, “સાંસ્કૃતિક પરંપરાઓ તમે માનો છો એટલી જડ નથી હોતી અને એથી જ આપણે એને સમજદારીપૂર્વક બદલી શકીએ છીએ.એ જ વખતે મારી નજર રીમા સેનના ચિકન એમ્બ્રોઈડરીવાળા ડ્રેસ પર પડી. મેં એ બતાવીને કહ્યું, આ ચિકન એમ્બ્રોઈડરી મૂળ લખનૌની છે. લખનૌ ભારતના એક રાજયનું પાટનગર છે અને એની લગભગ બધી જ સાંસ્કૃતિક પરંપરાઓનાં મૂળ ખૂબ ઊંડાં છે. હજુ થોડા સમય અગાઉ લખનવી ચિકન સાડી અને કુર્તા જેવાં વસ્ત્રો કોઈકની સ્મશાનયાત્રા અથવા બેસણા જેવા પ્રસંગોએ જ પહેરવામાં આવતાં હતાં. ફેશન ટેકનોલૉજીના પ્રતાપે હવે આ જ કપડાં લગ્નપ્રસંગે અથવા જાજરમાન સમારંભમાં પહેરવામાં આવે છે. એની સાથે સાથે જ એમ્બ્રોઈડરીનો પણ એટલો જ વિકાસ થયો છે.

      એક વિદ્યાર્થીએ સરસ સવાલ કર્યો, “ફેશન ટેક્નોલૉજી વસ્ત્રોને જ મહત્ત્વ આપે છે?”

      મેં કહ્યું, “ના. સમગ્ર જીવનશૈલી પર એની અસર હોય છે. તમારા પલંગ પરની ચાદર, ઓશીકાનાં કવર, ઓઢવાની ચાદર, પડદા, ટેબલક્લોથ, ભોંય પર બિછાવાતી જાજમ, કંઈક અંશે ઘરની સજાવટ, લગ્નમંડપની સજાવટ, હૉટેલ-રેસ્તરાં કે ભોજનખંડની સજાવટ વગેરે અનેક જગ્યાએ ફેશન ટેક્નોલૉજીનો ઉપયોગ થઈ શકે છે.”

       એક વિદ્યાર્થીએ પૂછયું,પણ આ બધું તો મોંઘા અને આધુનિક કાપડ પર જ થઈ શકે ને? અમારે ત્યાં તો મોંઘું અને આધુનિક કાપડ બહુ ઓછું બને છે અને જે બને છે એની પણ નિકાસ થાય છે. તો અમારા માટે ફેશન ટેક્નોલૉજી નકામી જ ને!

       એનો સવાલ તાર્કિક હતો. મેં એને ભારતની ખાદીનો ખ્યાલ આપ્યો અને એ પછી ખાદીની જુદી જુદી વિવિધતાઓ કઈ રીતે વિકસી એ પણ કહ્યું. ખાદી પર એમ્બ્રોઇડરી અને નવવધૂ માટે ખાદીનાં વસ્ત્રોની વાત પણ કરી.

       બે કલાકમાં તો એ વિદ્યાર્થીઓ સાથે ઘણી આત્મીયતા બંધાઇ ગઇ. આ બે કલાક દરમ્યાન મેં જોયું તો એક છોકરી કંઈ બોલતી નહોતી. પરંતુ સતત મારી સામે જોયા કરતી હતી. સેશન પૂરી થયા પછી એ મારી નજીક આવીને લગભગ ત્રણ ફૂટ દૂર ઊભી રહી. હું બીજા લોકો સાથે વાત કરતી હતી. એ છોકરી કંઈ જ બોલતી નહોતી અને મને જોયા જ કરતી હતી. છેવટે મેં જ એને બોલાવી. મેં એને પૂછયું કે તું શું જુએ છે મારામાં? એ છોકરીએ કહ્યું, “તમને જોયાં ત્યારથી મને એવું લાગે છે કે, મેં તમને ક્યાંક જોયાં છે!”

       “તું ભારત આવી છે ક્યારેય? હું મુંબઈમાં રહું છું!મેં કહ્યું.

       ના, હું તો બૈજિંગની બહાર પણ નથી ગઈ!એણે કહ્યું અને પાછી મારા પર નજર ચોંટી ગઈ.

       મને જોઈને તને કેવી લાગણી થાય છે?” મેં ચહેરા પર હળવાશ સાથે પૂછયું.

        એમ લાગે છે કે જાણે હું તમને વર્ષોથી ઓળખું છું. તમે અને હું કોઇક રીતે જોડાયેલાં છીએ. મને ખબર છે કે આ પહેલાં મેં તમને જોયાં નથી. તો પણ એવું કેમ લાગે છે?” આ છોકરીએ નિર્દોષતા સાથે કહ્યું.

       તું પૂર્વજન્મમાં માને છે? કદાચ આપણો સંબંધ પૂર્વજન્મનો હોઈ શકે!” મેં સહેજ વિચારીને કહ્યું.

       હું તો પૂર્વજન્મમાં નથી માનતી. તમે માનો છો?” એણે ઉત્સુકતાથી પૂછયું.

      મને પણ સવાલ થયો કે ખરેખર હું પૂર્વજન્મમાં માનું છું ખરી? મેં કહ્યું, “હું એમ નથી કહેતી કે માનું છું અને એમ પણ કહેતી નથી કે નથી માનતી.

       “એવું કઈ રીતે બની શકે? કાં તો તમે માનતા હો, અથવા ના માનતા હો. બંને સાથે કઈ રીતે બની શકે?” એણે વિસ્મય સાથે કહ્યું.

       “બુદ્ધિથી વિચારીએ તો તારી વાત સાચી છે. બેમાંથી એક જ બની શકે – પણ મારો કહેવાનો મતલબ એ છે કે મેં અત્યાર સુધી જે સાંભળ્યું હોય એના આધારે નિર્ણય લેવાનો હોય તો હું ગમે તે એક નિર્ણય લઇ શકું. પરંતુ બીજાઓ પાસેથી સાંભળેલી વાત કરતાં આપણો અનુભવ જ વધુ સાચો હોય છે. પુનર્જન્મની વાત સાચી છે એવો હજુ સુધી મને અનુભવ થયો નથી. પરંતુ ભવિષ્યમાં પણ નહિ જ થાય એમ તો હું ન જ કહી શકું, એટલે જ હા પણ નથી પાડતી અને ના પણ નથી પાડતી.” મેં એની શંકા દૂર કરવાનો પ્રયત્ન કર્યો.

       ઘડીક વાર તો એ શૂન્ય બનીને ઊભી રહી. પછી કંઈક વિચાર્યું  હોય એમ કમરમાંથી ઝૂકીને મને ‘થેંક યૂ’ કહીને બોલી, “તમે મને આજે એક સરસ વાત શીખવી છે. જે ચીજનો આપણને સ્વાનુભવ ન હોય એ વિષે નિર્ણય આપવો જોઈએ નહિ. પૂર્વજન્મની વાત હું અનુભવે જાણતી નથી. મને અત્યાર સુધી આવું કહેવામાં જ આવ્યું છે. તમે મારાં ગુરુ છો. ફરીથી તમારો આભાર!”

        મેં હસીને એની સાથે હાથ મિલાવ્યા અને જતાં જતાં એનું નામ પૂછયું. એણે જવાબ આપ્યો, કરીના!

       મેં કહ્યું, “આ તો ઇન્ડિયન નામ છે!”

       એણે હસીને કહ્યું, “તમારા માટે ઈન્ડિયન, મારા માટે જાપાનીઝ પણ હું ચાઇનીઝ…”

      એ છોકરીથી છૂટા પડ્યા પછી મને પણ એવું લાગવા માંડયું કે હું એને વર્ષોથી ઓળખું છું. અમારી વચ્ચે એવો કોઈક સંબંધ છે જેના વિષે અમે ખુદ જાણતાં નથી.

      એ છોકરી પાસેથી મને એક વાત શીખવા મળી. લાગણી વ્યક્ત કરવી. પરંતુ લાગણીમાં તણાઈ જવું નહિ. આ જ છોકરી ભારતમાં જન્મી હોત તો એણે મને અનેક સવાલો પૂછી નાખ્યા હોત અને મારો આખો બાયોડેટા તૈયાર કરી દીધો હોત. એ પછી એને મળવાનું બન્યું નથી, પણ હજુ એ ભૂલાતી નથી.

       બે દિવસ પછી અમે શાંઘાઈ ગયાં. ત્યાં એક કંપનીની મુલાકાત લઇને સાંજે બધાં ખરીદી કરવા ગયાં. ચીનાઓ બને ત્યાં સુધી ચીની ભાષામાં જ વાત કરતા હતા. મોટા ભાગના ચીનાઓ તો અંગ્રેજી જાણતા પણ નહોતા. વિદ્યાર્થીઓ ઉપરાંત રડયાખડયા થોડાક લોકો તૂટીફૂટી અંગેજીમાં વાત કરી લેતા. અમારી સાથે એક ઇન્ટપ્રીટર હતો એટલે અમને બહુ તકલીફ પડતી નહોતી. હું અવારનવાર કહું છું ને કે દરેક બાબતમાં કોઈક ડિઝાઇન હોય છે. એ વાત અહીં પણ સાચી દેખાય છે. બધા ખરીદી કરવા જતા હતા ત્યારે મેં ના પાડી હતી. મારી ઇચ્છા એકલા બેસીને ધ્યાન કરવાની હતી. પરંતુ રીમા સેને મને ખૂબ જ આગ્રહ કર્યો અને કહ્યું કે તું અમારી સાથે ચાલ જ. છેવટે મેં બહુ જીદ ન કરી. અમે શાંઘાઇના મેઈન માર્કેટમાં ગયાં. ભાવો થોડા ઊંચા હતા. બધા જાત જાતની વસ્તુઓ ખરીદતાં હતાં. હું ડાફોળિયાં મારતી હતી. એક દુકાનમાં મેં એક સરસ બ્લ્યુ જેકેટ જોયું. હું ધ્યાનથી એ જેકેટ જોતી હતી ત્યાં દુકાનદારે કહ્યું, બહુ સરસ જેકેટ છે. ચીનની યાદગીરી તરીકે લઇ જાવ. 

      રીમા સેન મારી બાજુમાં જ ઊભી હતી. એણે કહ્યું, “લે લો, સોનલ! અચ્છા જેકેટ હૈ!”

      મેં કહ્યું, “અચ્છા તો હૈ, પર નયા નહીં! હમારે યહાં ગ્રાન્ટ રોડ ઔર ફોર્ટ મેં યે સબ કુછ મિલતા હૈ… ઔર થોડા સસ્તા ભી… મેં તો ઐસે હી દેખ રહી થી…”

       દુકાનદાર બોલ્યો, “આવું જેકેટ તમને ક્યાંય જોવા નહિ મળે. લઈ જાવ, યાદ કરશો!”

      મેં હસતાં હસતાં કહ્યું, “તમને શું ખબર મેં કેવાં કેવાં જેકેટ જોયાં છે? તમે નહોતા ત્યારે પણ હું હતી અને તમે નહિ હો ત્યારે પણ હું હોઈશ. એવી જ રીતે દુનિયામાં પહેલું જેકેટ બન્યું એ પહેલાંથી હું જેકેટ પહેરતી આવી છું અને જેકેટ વાપરવાનું બંધ થઇ જશે ત્યારે પણ હું જેકેટ પહેરતી હોઇશ.

      દુકાનદારને મારી વાતમાં કંઈ સમજ પડી નહિ. એ મારી સામે મૂંઝવણભરી નજરે જોઈ રહ્યો. પરંતુ એ વખતે બાજુના કાઉન્ટર પર એક ભાઈ ઊભા હતા એ મારી વાતને ધ્યાનથી સાંભળતા હતા. સહેજ વાર રહીને એ મારી પાસે આવ્યા અને બોલ્યા, “તમે જે કંઈ કહ્યું એ સાંભળીને મને આનંદ થયો. જો તમારી પાસે સમય હોય તો અહીંથી થોડે દૂર મારા ગુરુ લી ચાંગ રહે છે. મળવા જેવા માણસ છે. ઝેન સાધનામાં ખૂબ આગળ વધ્યા છે. તમને એમને મળીને આનંદ આવશે અને એમને તમને મળીને આનંદ આવશે.”

       મને થયું કે અહીં સુધી આવી છું તો આવા એક માણસને પણ મળી લેવું જોઈએ. મેં એ ભાઈ સાથે બીજા દિવસનો સમય નક્કી કરી લીધો. એ ભાઈએ કહ્યું કે, હું તમને લઇ જઈશ અને મૂકી જઈશ પણ ખરો.

      બીજે દિવસે અમે લી ચાંગને મળવા ગયાં. સામાન્ય રીતે ચીની પ્રજા ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે. પરંતુ લી ચાંગ તો એથીય વધુ સાદગીભર્યું જીવન જીવતા હોય એવું લાગ્યું. એમણે મારું ખૂબ ઉષ્માપૂર્વક અભિવાદન કર્યું. થોડી ભારતની, થોડી ચીનની અને થોડી ફેશન ટેક્નોલૉજીની વાત કરી. લી ચાંગ પોતે એક ઇજને૨ હતા. શાંઘાઈના એક સ્ટીલ પ્લાન્ટમાં નોકરી કરતા હતા. એમના ચહેરા પર અનોખું તેજ હતું અને વાણીમાં મીઠાશ હતી. વચ્ચે વચ્ચે ક્યાંક બૌધ્ધ ધર્મની પણ વાત આવી જતી. હું બહુ બોલી નહોતી, પરંતુ મારી કોઈ પણ વાત એ ખૂબ ધ્યાનથી સાંભળતા હતા. મેં વાત વાતમાં બૌદ્ધ ધર્મ તરફના મારા આકર્ષણની વાત કરી. એમણે કહ્યું કે એ તમારા વિચારોને અનુકૂળ આવતો હોય એથી જ જો તમે આકર્ષાયા હો તો ફરી વિચાર કરજો. ક્યારેક એવું પણ બનશે કે બુદ્ધની કોઈક વાત તમને અનુકૂળ નહિ લાગે. ત્યારે ધર્મ અપ્રિય બની જવાનો હોય તો એવો ધર્મ નિરર્થક છે.

        આમ વાતો ચાલતી હતી ત્યાં એ અચાનક ધ્યાનમાં જતા રહ્યા. હું એમની સામે જ બેઠી હતી. મેં પણ આંખો બંધ કરી દીધી અને ધ્યાન કરવા માંડયું. થોડી વારે મેં આંખ ખોલી ત્યારે એ મારી સામે જોઈ રહ્યા હતા. એમણે મને મારા પૂર્વજન્મની વાત કરી. એમણે કહ્યું કે, વર્ષો પહેલાં હું એક બૌધ્ધ ભિક્ષુણી હતી. ઊંડી ધ્યાનસાધનાને કારણે હું છેક સિદ્ધિની નજીક પહોંચી ગઇ હતી. હવે માંડ બે-ચાર પગથિયાં જ બાકી હતાં, એ વખતે મારા પૂર્વજન્મના પતિ આવ્યા અને મને ફોસલાવીને પાછી સંસારમાં લઈ ગયા. એમની સાથે એ મારી પૂર્વજન્મની યુવાન દીકરીને પણ લેતા આવ્યા હતા. બાપ-દીકરી મને સમજાવી પટાવીને લઇ ગયાં ત્યાંથી અધૂરી રહેલી યાત્રા પૂરી કરવા માટે જ મારો ફરી જન્મ થયો છે. એમણે મને એમ પણ કહ્યું કે તારી પૂર્વજન્મની દીકરી અહીં જ છે અને તને ક્યાંક મળી જશે. પણ તું એને ઓળખી શકીશ નહિ. એમના આ શબ્દો સાંભળીને તરત મને કરીના યાદ આવી ગઈ. કરીના મારી દીકરી…! મારા હૃદયમાં ક્ષણ વાર માટે વાત્સલ્યના ભાવ ઉછળી આવ્યા.

       મને લી ચાંગની વાતમાં એકદમ શ્રદ્ધા પણ બેસતી નહોતી અને એકદમ અશ્રદ્ધા પણ થતી નહોતી. એમણે કરીનાના સંદર્ભમાં કરેલી વાત મને થોડું આશ્ચર્ય જન્માવતી હતી. છતાં મેં એમ વિચાર્યું કે આ પણ કદાચ યોગાનુયોગ હોઈ શકે.

       થોડી વાર પછી લી ચાંગે ચા મંગાવી. એમના બે-ત્રણ શિષ્યો બેઠા હતા. બધાને પહેલાં એમણે એક વાટકો આપ્યો. મને પણ વાટકો આપ્યો. એ પછી બધાંના વાટકામાં એમણે જાતે ચા રેડી. છેલ્લે મારા વાટકામાં ચા રેડી. વાટકો ભરાઇ ગયો તો પણ એ ચા રેડતા જ ગયા. વાટકામાંથી થોડી ચા મારા પેન્ટ પર પડી. પરંતુ મેં કંઇ કર્યા વિના ચા પડવા દીધી. કીટલી ખાલી થઇ ગઈ એટલે એ અટક્યા. મેં ચા પીધી. એમણે એક કાગળ પર કંઈક લખ્યું અને કવરમાં બંધ કરીને મને આપતાં કહ્યું, પાછાં જતાં તમે દિલ્હી થઈને જ જશો એમ હું માનું છું. ત્યાં બૌદ્ધ મઠમાં ભદંત આનંદ મૃદગાયનને આ પત્ર આપવાનો છે. કદાચ ન મળે તો તપાસ કરીને ગમે ત્યારે એમને મળજો!મેં કવર લઈને મારી હેન્ડબેગમાં મૂક્યું અને એમની વિદાય લીધી. અમે હજુ બહાર નીકળીએ એ પહેલાં એમણે મારી સાથેવાળા ભાઈને બૂમ પાડી મને અંદર પાછી બોલાવી અને કહ્યું, ફરી ચા પીવા આવજે!મેં હસીને વિદાય લીધી.

        ભાઈએ મને કહ્યું, ગુરુ તમારાથી ખૂબ ખુશ થયા છે….

        “શેના પરથી કહો છો?” મેં પૂછયું.

        “તમને એમણે ફરી ચા પીવા આવવાનું કહ્યું એ પરથી… અમે વર્ષોથી એમની સાથે રહીએ છીએ. પણ ઘણી વાર અમને એમનું વર્તન સમજાતું નથી…” મને પણ ખરેખર બહુ સમજાતું નહોતું. એમણે મારા વાટકામાં ચા રેડી દીધી અને મારા પર ઢોળાઈ છતાં હું કંઈ બોલી નહિ એવું મારું વર્તન પણ વિચાર્યા વિનાનું અને સહજ હતું.

       એમની સાથેની મુલાકાતે મારા મનમાં કોઇ રહસ્યમય કુતૂહલ જગાડયું હતું. એથી જ મેં દિલ્હી જઈને ભદંત આનંદ મૃદગાયનની તપાસ કરી. એ ત્યાં જ હતા. મેં એમને લી ચાંગનો પત્ર આપ્યો. પત્રમાં બે-ત્રણ લીટી જ લખેલી હતી. પત્ર વાંચીને ભદંત આનંદ મારી સામે જોવા લાગ્યા. પછી મને કહ્યું,  “તમે એમને મળીને આવ્યાં?”

      મેં હકારમાં જવાબ આપ્યો એટલે એમણે કહ્યું, “લી ચાં બહુ અદ્દભુત માણસ છે. એમણે તમારી સાથે કોઇ અતાર્કિક હરકત કરી? હું જાણું છું કે, એ એમનો સ્વભાવ છે અને એ રીતે જ એ વ્યક્તિને પારખી લે છે!

       મેં ચાની ઘટનાની વાત કરી. ભદંત આનંદ બોલ્યા, “અદ્ભુત! એમણે તમને કહ્યું કે તમારો જ્ઞાનનો વાટકો અત્યારે જ ભરાઇ ગયો છે. છતાં હું મારી પાસે જે કંઈ છે તે રેડી દેવા તૈયાર છું. ફરી ચા પીવા આવજો એટલે કે તૈયાર થઈને આવજો…

        હું તો વિચારમાં પડી ગઈ. ભદંત આનંદ થોડીવાર ચૂપ રહ્યા પછી લી ચાંગનો પત્ર મને આપતાં કહ્યું, લો, વાંચો પત્રમાં અંગ્રેજીમાં લખ્યું હતું, ધ સન ઈઝ અગેઇન રાઇઝિંગ ઇન ધ ઇસ્ટ. ઇટ વિલ બ્રાઇટન ધ વર્લ્ડ. ડુ યુ સી? ટેલ મી.મતલબ કે સૂર્ય ફરી વાર પૂર્વમાં ઊગી રહ્યો છે. એ વિશ્વને પ્રકાશિત કરશે. તમને એ દેખાય છે? મને કહેજો.

          હું કંઇ સમજી નહિ એટલે ભદંત આનંદે કહ્યું, “લી ચાંગ તમારાથી ખૂબ ખુશ થયા છે અને એમને તમારી પાસે બહુ ઊંચી અપેક્ષા છે.

          હું થોડી વાર વિચારમાં પડી. પછી ભદંત આનંદને કહ્યું,  મારે જે કરવું હોય તે હું સંસારમાં રહીને પણ ન કરી શકું? હજુ મારાં થોડાં વળગણો છે!”

       “તમે નિશ્ચિંત રહો. હું તમારી રાહ જોઇશ અને તમારા સંપર્કમાં પણ રહીશ. તમે જયારે પણ આવશો ત્યારે એ ધર્મનું જ કાર્ય થશે.પછી સહેજ અટકીને બોલ્યા, “સંસારમાં રહીને પણ આપણે જે કરવું હોય તે કરી શકીએ, પણ એમાં અનેક મર્યાદાઓ સાથે સમાધાન કરવું પડે. બુદ્ધે અકારણ ગૃહત્યાગ કર્યો હતો?”

       ભદંત આનંદ પાસેથી વિદાય લઈને હું બહાર નીકળી ત્યારે હું એ નહોતી જે થોડી વાર પહેલાં હતી. મારામાં કોઇક ચોક્કસ પરિવર્તન આવ્યું હતું અને મારા જીવનની દિશા બદલાઈ ગઈ હતી. મને દૂર-સુદૂરનાં સુવર્ણશિખરો ઝાંખાં ઝાંખાં દેખાવા લાગ્યાં હતાં.

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Design a site like this with WordPress.com
Get started