Design a site like this with WordPress.com
Get started

૧. મારું કપડવંજ

તા. ૨૭/૦૬/૨૦૨૦,                                                                 વારઃ શનિવાર

‘મારું કપડવંજ’ વૉટ્સ અપ ઉપર ગઇકાલે એક ગ્રુપ રચાયું, મિત્ર ચેતને જ્યારે મને તેમાં એડ કર્યો ત્યારે મને એવું લાગ્યું કે, હું કોઇ મંગળ ગ્રહ પરનો એક પરગ્રહવાસી હોઉં અને હવે જાણે માના ખોળામાં આવી ગયો હોઉં! આવી જ લાગણી આ ગ્રુપમાં જોડાતાં તમને પણ થઇ હશે.

અને મેં ગ્રુપમાં લખ્યું, “હું ઘરે પાછો આવી ગયો હોઉં તેમ લાગે છે.”

લખોટીઓ, ભમરડાં, ગિલ્લી દંડા, ક્રિકેટ, કબડ્ડી  અને સાયકલ પરની દોડાદોડી બધું જ એકસામટું યાદ આવી ગયું.

૧૯૮૦માં પપ્પાજીના અવસાન પછી કપડવંજ છોડીને અમદાવાદ વસ્યા. પછીની મારી જીંદગી તો જમા-ઉધાર અને પૈસાનો તાળો મેળવવાના એક નિષ્ણાત તરીકે જ પસાર થઇ. ટૂંકમાં એક એકાઉન્ટન્ટ તરીકે.

પણ લાગણીઓના સરવાળા અને ગુણાકાર તો વતનના મિત્રો સાથે જ થાય! ત્યાં ભાગાકાર બાદબાકી હોતા જ નથી.

ખરેખર ગઇકાલનો દિવસ, એટલે કે તા. ૨૬/૦૬ ને શુક્રવારની સાંજ એક મધુર સંભારણું બની ગઈ.

આદિલ મન્સુરી જ્યારે પરદેશ ગયા હતા ત્યારે, તેઓએ એક સુંદર ગઝલની રચના કરી હતી. તે લાગણી અને આભાર સાથે અહીં રજૂ કરું છું,

“પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો,

આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,

પછી આ શહેર , આ ગલીઓ, આ ઘર મળે ન મળે.”

કાલે મનથી આખા કપડવંજમાં ફરી વળ્યો, શેઠવાડો, પીપળા ખડકી, સલાટવાડો, દલાલવાડો, પાડાપોળ, મહેતા પોળ, નારાયણનગર, કોલેજ રોડ, હરિકુંજ સોસાયટી, રત્નાકર માતાનું મંદિર, સી. એન. વિદ્યાલયના વર્ગખંડો અને ઘણું બધું..

શહેરમાં અહીં ફ્લેટ અને સોસાયટી સંસ્કૃતિમાં કોઇ કોઇને ઘરે જતું નથી, મોટેભાગે તો બાજુમાં કોણ રહે છે તે ખબર પણ હોતી નથી. અને મને તો નારાયણનગરમાં પાછળ રહેતા લક્ષ્મીમાસીના બાજરીના રોટલા, અને ઓટલા પર બેસીને સાથે ખાવાનું. બાજુમાં હરિકાકાના દીકરા દિનેશ અને પ્રવીણ, જીગરી મિત્ર પ્રવીણ ભાવસાર…. પૂછ્યા વગર ઘરમાં ઘૂસી જવાનું, એવું ભાન પણ નહોતું કે આ બીજાનું મકાન છે કે પડોશીનું ઘર છે!! બધા જ મકાન આપણા જ ઘર! એ સરળતા અને સહજતા આજે બધી સુખ સગવડો વચ્ચે જાણે ખોવાઇ ગઈ છે.

પૂ. રતનકાકા, સલાટવાડો, મિત્ર વસંત, મિનેષ, કમલેશ વિગેરે….. અત્યારે જાણે ફ્લેશ બેક જોઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

ગઇકાલે સ્નેહી શ્રી ભારતીબેન દાણીનો મુંબઇથી મોટીબેન શીતલબેન ઉપર સાંજે ફોન આવ્યો. એ લોકો ૫૦ વર્ષ પછી મળ્યા. અમે પીપળા ખડકીમાં તેઓના પાડોશી હતા. ત્યારે અમે ૯/૧૦ વર્ષના હોઇશું. પણ એ સ્મૃતિઓ કેવી અકબંધ હોય છે. એમનો ફૉન આવ્યો તે સમયે બેન રસોઇ બનાવતી હતી, લગભગ ૨૦થી ૨૫ મીનીટ વાત થઇ હશે… મને થયું કે આજે રસોઇમાં કોઇ ભલીવાર આવશે નહીં, કારણકે બંને જણા વાતચીતમાં એવા ખોવાઈ ગયા હતા કે શાકમાં મીઠું વધારે પડી જશે તો!!…… પરંતુ…. રસોઇ તો એકદમ સ્વાદિષ્ટ થઇ હતી….કારણ કે તેમાં મધુર સ્મૃત્તિઓનો  સ્વાદ ભળ્યો હતો… તેઓ બંને કપડવંજનાં ભૂતકાળમાં સરી ગયા હતા અને આખું કપડવંજ ઘૂમી વળ્યા હતા.

આજે તો ખરેખર એવું લાગી રહ્યું છે કે, જીવનની ઠળતી ઉંમરે જીવવાનો પાછો જોશ આવી ગયો.

ચાલો ને, પાછા હતા એવા ને એવા જ થઇ જઇએ!!!

‘મારું કપડવંજ’ કહીએ ત્યારે જાણે મોં ગોળના ગળપણથી ભરાઇ જાય છે, કારણકે એમાં તમારા જેવા સહજ-સરળ મિત્રો ભળ્યા છે અને અહીં મળ્યા છે.

બસ, આ રીતે અહીં મળતાં રહીશું, આવી જ કોઇ નવીન વાત સાથે કે બીજી ઘટના સાથે!!!!

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: