Design a site like this with WordPress.com
Get started

૩. વિશ્વ ગુજરાતી ભાષા દિવસ

હું ગુજરાતી, ગુજરાતીને કરું વ્હાલ,

બેસું, ખાઉં, પિવું ગુજરાતી,

મારી સવાર, બપોર, સાંજ ગુજરાતી,

રાત પડે ને, સપનાં જોઉં મજાના ગુજરાતી,

બોલું, ચાલું, ઊઠું, વાત કરું રૂડી ગુજરાતી,

મીઠી મારી ગુજરાતીને કરું મહાલે મ્હાલ!!!         

                 પ્રખર રાષ્ટ્રપ્રેમી અને સમર્થ સર્જક વીર નર્મદના જન્મ દિને ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ની ગુજરાતી હોવાની આપણી ભાવનાને પ્રબળ અને ગૌરવવંતી બનાવે છે.

             ભાષા તો બધી જ ન્યારી, પણ ગુજરાતી લાગે અતિ પ્યારી.

            ગુજરાતી આપણી ઓળખ છે, માનો ખોળો છે, આપણા વ્યક્તિત્વનો પ્રાણ છે. આપણા માનસિક વિકાસ, મૌલિકતા અને સર્જનશીલતા માટેનું નાભિકેન્દ્ર છે.

            ગુજરાતીનું આપણે ગૌરવ કરીએ, એના માન, બાન અને શાની સલામી ભરીએ એટલું જ નહીં, તેને ઉન્નતિના શીખરે લઈ જવામાં યથાયોગ્ય સહયોગ આપીએ તો આજના દિનની ઉજવણી લેખે ગણાય. જે રીતે આપણા સાહિત્યકારોએ એને માંજીને ઉછેરી છે તે માટે કોટિ કોટિ વંદન અને આજે ઇન્ટરનેટના વિશ્વમાં પણ જે રીતે તેનો વિકાસ પટ પથરાયો છે તે જોઈને તો એવું લાગે છે કે, એનું ભાવિ ધૂંધળું નહીં પણ મશાલની માફક ઝળહળતું બન્યું છે. છતાં મારાં અવલોકનો થકી જે થોડીક ચિંતા સેવાઈ રહી છે તેને પણ આજે વ્યક્ત કરવાનું અનુચિત નહીં બને.                 

             આપણા સંતાનો માટે જો તેઓને ગુજરાતી બોલાવવામાં નાનપ અનુભવીશું તો એ ગુજરાતી સમાજ અને ભાષા માટે બહુ મોટું કલંક અને અપમાન બની રહેશે. તેના માટે લઘુતાગ્રંથિ શા માટે? ઘરમાં મહેમાનો આવ્યા હોય અને નાના દીકરા કે દીકરીને ‘ટ્વિંક્લ ટ્વિંક્લ લિટલ સ્ટાર’ બોલાવીને ફૂલાઈએ અને કોઈ ‘એક બિલાડી જાડી, એણે પહેરી સાડી’ એવું બોલાવતાં નાકનું ટીચકું ચડાવીએ તે ગળે ઉતરતું નથી.  

           ઘણીવાર એવો અનુભવ થાય છે કે, અંગ્રેજી માધ્યમમાં ભણતાં આપણા બાળકો ગુજરાતીમાં ‘સડસઠ’, ‘તેંતાલીસ’, ‘તપેલું’, ‘તાવડી’ જેવા શબ્દો માટે પણ તેનું અંગ્રેજી પૂછીને વાત કરે છે, ત્યારે મારો ચહેરો પ્રશ્નાર્થ ચિહ્ન જેવો થઈ જાય છે. એક વખત ઘરમાં બધાનું વજન કરવામાં આવતું હતું, એક ભાઇનું વજન ‘સડસઠ’ થયું, એટલે મારા ભાઈથી સ્વાભાવિક જ ગુજરાતીમાં બોલાઈ ગયું, એટલે પેલા યુવાન દીકરાએ કહ્યું, એટલે? એણે કહ્યું, ‘સિકટી સેવન’. ત્યારે એ યુવાનભાઈને બોધજ્ઞાન થયું. બીજા એક પ્રસંગે મારા મિત્રના દીકરાને ગેસ પરથી પાણીનું ગરમ તપેલું ઉતારવાનું કહ્યું, તો તપેલાનો અર્થ જ સમજાયો નહીં, એટલું જ નહીં, એને એ કેવી રીતે ઉતારવું તે માટે જે મૂંઝવણ પેદા થઈ તે જોઈને એમ થયું કે, આવી સામાન્ય બાબતનો પણ ખ્યાલ નથી. એ તો ઠીક, પણ એ અંગે જ્યારે એના મમ્મી અને પપ્પા આવા વલણ માટે ગૌરવપૂર્વક એમ બોલે કે, તેને તો ગુજરાતી બિલકુલ આવડતું જ નથી ત્યારે હ્રદયને ખરેખર ચોટ પહોંચે છે. તરત સવાલ થઈ જાય છે કે, આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. પ્રત્યેક ભાષાનો આદર થવો જ ઘટે. પણ ગુજરાતી નથી આવડતું તેનું ગૌરવ તો ન જ હોય ને! 

             લોકો એવી પણ ચિંતા કરે છે કે, ગુજરાતી ભાષાની અસ્મિતા અને અસ્તિત્વ જોખમમાં મૂકાઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. એ ચોક્કસ છે કે, ગુજરાતી ભાષાનું મૃત્યુ થવાનું નથી, થઈ શકે નહીં, પણ તેનું કલેવર જે રીતે બદલાઈ રહ્યું છે, તે વિવાદનો વિષય ચોક્કસ લાગે છે. જેમ કે, ભગવાન હનુમાનને ‘મંકી-ગોડ’ કે ભગવાન રામ, લક્ષમણ, શત્રુધ્ન અને નકુલને ‘રામા, લક્સમના, સત્રુઘ્ના કે નકુલા’ કહેવામાં આવે તો તેનો પણ શું આપણે આદરપૂર્વક સ્વીકાર કરી લેવો જોઈએ? ‘જય શ્રી કૃષ્ણ’ કોઈ બોલે લખે તો તેને જૂનવાણી ગણવાના અને – ‘જેકે’ એમ કહેવા કે લખવામાં આવે તેને આધૂનિક કહેવામાં આવે અને તેનું ગૌરવ પણ કરવાનું – આ બાબત મને સમજાતી નથી. પરિવર્તન સંસારનો નિયમ હોય તો ય તે કેવું હોવું જોઈએ અને શેને અપનાવવું જોઈએ તેમાં વિવેક કેળવી શકાય કે નહીં?          

            ભાષા સંશોધન કરનારાં પ્રો. અન્વીતા અબી જણાવે છે કે માણસ જન્મે છે, મોટો થાય છે, જુવાન થાય છે, વૃદ્ધ થાય છે ને મરે છે એ કુદરતી ક્રમ છે, પણ ભાષાઓ માટે મૃત્યુ કુદરતી નથી. ભાષા તો જન્મે, મોટી થાય, પરિપક્વ થાય, વઘુ પરિપક્વ થાય…મૃત્યુ તેની નિયતિ નથી. ભાષા મરતી નથી. તેને મારવામાં આવે છે.

            ભાષા અભ્યાસી ડો. શેખર પાઠક કહે છે કે, ‘ભાષા અલગથી બચતી નથી. આજુબાજુનું જીવન નહીં બચે, જમીન-જંગલ-પાણી નહીં બચે તો ભાષા પણ નહીં બચે.’

             બીજું, આપણે એ પણ સમજી શકતા નથી કે આની સીધી અસર શિક્ષણના નીચા જતા સ્તર પર થઈ રહી છે. ૧૦મા ધોરણની બૉર્ડની પરીક્ષાઓના પરિણામો દર્શાવે છે કે, આપણી ગુજરાતી ભાષામાં દર વર્ષે લગભગ અઢી લાખ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે, જે ગુજરાતી ભાષાની દશા અને અવદશા સૂચવે છે. પણ હવે માત્ર ચિંતા કરવાને બદલે એક ચણોઠી જેટલા પણ સકારાત્સમક અને સહકારાત્મક પ્રયાસ કરીએ અને કરતા રહીએ તો જ આ દિવસને મહત્ત્વ આપ્યું એમ કહેવાશે. 

       આવા સંજોગોમાં બાળક ગુજરાતીને ગૌરવભેર શીખે, અન્ય ભાષાઓ પણ આદરપૂર્વક શીખે તેવું વાતાવરણ સર્જવાની જરૂરિયાત છે. યુનેસ્કો (UNESCO) યુનાઈટેડ નેશન (UN)એ છેક ૧૯૫૬માં જણાવ્યું હતું કે, દરેક શાળામાં કોઈપણ જાતની સૂચનાઓ માતૃભાષામાં જ આપવી જોઈએ.

          એ ધ્યાન દોરવું પણ ગમશે કે, વિકિપિડિયા અનુસાર (૨૪/૦૮/૨૦ના રોજ વાંચ્યા પ્રમાણે) ભારતની વસ્તી ગણતરી (૨૦૧૧) મુજબ, ગુજરાતી ૬ઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. ૫.૫૬ કરોડ લોકો ગુજરાતી ભાષા બોલે છે, જે ભારતની વસ્તીના લગભગ ૪.૫% જેટલા થાય છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા ૬.૫૫ કરોડ છે, જેથી ગુજરાતી ભાષા વિશ્વમાં ૨૦૦૭ મુજબ ૨૬મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા ગણાય છે.

              ‘ગુજરાતી માધ્‍યમ અંગ્રેજી ઉત્તમ’ તે અભિગમ સૌથી સારો ગણી શકાય. બીજી ભાષા શીખતાં પહેલા ગુજરાતીનો પાયો મજબૂત હોય તો બીજી ભાષા શીખવાની સરળ પડે છે.  માતૃભાષામાં સમજશક્તિ અને ખ્યાલોનો વિકાસ સ્પષ્ટ રીતે થવા પામે છે અને તેના કારણે બીજી ભાષા શીખવી સહેલી પડે છે, એટલું જ નહીં એક બીજા સાથે સંવાદ સાધવામાં અને કોઈપણ વિષયનું જ્ઞાન મેળવવામાં પણ ગતિ આવે છે.

છેલ્લે…….

ગુજરાતી સાંભળીએ,

ગુજરાતી બોલીએ,

ગુજરાતી વાંચીએ,

ગુજરાતી લખીએ,

ગુજરાતી જીવીએ.આ પંચશીલ સૂત્રો યુ.કે. ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ના મહામંત્રી વિપુલ કલ્યાણીએ આપ્યા છે. તેઓ પરદેશમાં વસતાં લોકો માટે ગુજરાતી શીખવવા માટેનું અભિયાન ચલાવે છે. અને આપણે ગુજરાતમાં રહીને અંગ્રેજીના જ ગુલામ થઇ જઇશું તો આપણી જ માતૃભૂમિ પર આપણી જ  માતૃભાષાને શીખવવાના અને જીવાડવાના અભિયાન આદરવા પડશે. અન્ય ભાષાઓનો આદર કરીને પણ ગુજરાતીને તો વંદન જ કરવાના! મનમાં જે ઊગે તેને આપણી પોતિકી ગુજરાતીમાં બોલવાથી જ હાશકારો થાય. એને વધુ સારી રીતે જીવાડીને, વિકસાવીને આપણી જિંદગીની ઉજાણી કરીએ અને કરતા રહીએ. 

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

3 comments

  1. ખરેખર, ગુજરાતી ભાષા એ અનોખી છે.અને દરેક એને ગર્વ પૂર્વક અપનાવવી જોઈએ. તમારી કૃતિ વાંચીને પણ ગુજરાતી વધારે રસપ્રદ અને અનોખી લાગે છે.

    Like

  2. ગુજરાતી ભાષા પ્રત્યેની સુતેલી લાગણી આ લેખ વાંચી જાણે સ્ફુરી ઉઠી. કેટલું સુંદર લખો છો આપ. આપને કોટિ કોટિ વંદન.

    Like

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: