૪૦. સાથિયો

કાળ બનીને કોળિયો બની જવાની ઘટના,

સમય મટીને સાથિયો બની જવાની ઘટના!

પડછાયાની ભીંસમાં શ્વસ્યા કરે છે કેવી,

એકલ દોકલ રાહમાં છળી જવાની ઘટના!

ખંડેરોના ગોખમાં થશે હવાનો માતમ,

સુસવાટાની આંખમાં વહી જવાની ઘટના!

હાથને બાળ્યા હાથને ભ્રમિત ચિત્તના ચોકમાં,

યાદવ શાને કોસતો તીર થવાની ઘટના!

રસ્તે કોના નામનું કરે હલાલી ટોળું,

પાગલ થઇને ભાનમાં ભળી જવાની ઘટના!

By Smita Trivedi

અમદાવાદની બી.ઍડ. કૉલેજમાં ૨૫ વર્ષ ઍસો. પ્રોફેસર તરીકે સેવા કર્યા બાદ હાલ નિવૃત્ત જીવનમાં સાહિત્ય, અધ્યાત્મ અને સંગીત સાથે પ્રવૃત્ત જીવનને માણી રહી છું. જીવનની પ્રત્યેક ક્ષણ એક નવો ઉઘાડ લઇને આવે છે, અને સતત નવું શીખવાની તક આપે છે.

Leave a comment

Design a site like this with WordPress.com
Get started